Veer Savarkar વિવાદ : 'અમને એવી વાત પણ સંભળાય છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે' - હિંદુ મહાસભા

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી હિન્દી માટે

ભોપાલમાં શરૂ થયેલી કૉંગ્રેસના સેવાદળની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ થયો છે.

આ પ્રશિક્ષણ શિબિરમાં વહેંચવામાં આવેલી પુસ્તિકા 'વીર સાવરકર, કિતને વીર?'માં ડૉમિનિક લાપિએ અને લેરી કૉલિન્સના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'ને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વીર સાવરકરના નાથુરામ ગોડસે સાથે સમલૈંગિક સંબંધ હતા.

આ બુકલેટમાં સાવરકર વિશે છપાયેલી ટિપ્પણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સાથે-સાથે વિનાયક સાવરકરના પૌત્ર રંજિત સાવરકરે વાંધો ઉઠાવ્યો હતો.

તો હિંદુ સહાસભાએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમલૈંગિક છે એવી વાત પણ કરી છે. ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલમાં હિંદુ મહાસભાએ કહ્યું કે, અમને તો વાતો એવી પણ સંભળાય છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે.

રંજિત સાવરકરે આ મામલે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા હતો પરંતુ મુખ્ય મંત્રી કાર્યાલયમાં પહોંચ્યા પછી પણ મુખ્ય મંત્રીએ તેમને મળવાનો સમય ન આપ્યો.

તેમણે કહ્યું, "હું આખો દિવસ તેમની સાથે મુલાકાત કરવા માટે પ્રયત્ન કરતો રહ્યો પણ તેમના સચિવે મારા સંદેશાનો જવાબ ન આપ્યો અને મારો ફોન ન ઉઠાવ્યો."

"આ પછી હું મુખ્ય મંત્રી કાર્યાલય આવી ગયો. અહીં મને બેસવા માટે કહેવામાં આવ્યું પણ 50 મિનિટ પછી ખબર પડી મુખ્ય મંત્રી ઑફિસમાંથી નીકળી ગયા છે. આ પછી હું તેમની ઑફિસમાં એક પત્ર છોડીને પરત આવી ગયો."

આ જ પુસ્તિકામાં સાવરકરના ગૌ-ભક્તિને લઈને વિચારો શું હતા તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસ સેવાદળનો દાવો

કૉંગ્રેસ સેવાદળના 10 દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત ભોપાલમાં ગુરુવારે થઈ છે. જેમાં રાષ્ટ્રીય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીનાં કેટલાંક તથ્યો અને તેના વિશે જાણકારીઓ આપવામાં આવી છે.

આ પુસ્તિકામાં લખ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન દેશને આઝાદ કરાવવા માટે વિદેશી સહાયતા મેળવવા પ્રયત્નો કરી રહ્યા હતા અને દેશના પૂર્વોત્તર પર એક અન્ય હુમલાની યોજના બની રહી હતી, ત્યારે વીર સાવરકરે અંગ્રેજોને પૂર્ણ સૈન્ય સહકાર આપવાની ભલામણ કરી હતી.

પુસ્તિકામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરએસએસ અને ભાજપ અને તેમના સહયોગીની વર્તમાન વિચારધારાથી અલગ સાવરકરે ક્યારેય ગાયને ધાર્મિક મહત્ત્વ નથી આપ્યું, બલકે એને આર્થિક રીતે ઉપયોગી માની.

આ પુસ્તિકાથી વિપક્ષ ભાજપને સત્તાપક્ષ કૉંગ્રેસને ઘેરવાની તક મળી છે. ભાજપે આ પુસ્તિકામાં રજૂ કરવામાં આવેલાં તથ્યો પર વાંધો ઉઠાવ્યો છે.

શિવસેના નેતા સંજય રાઉતે કૉંગ્રેસ સેવાદળની પુસ્તિકા પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "સાવરકર એક મહાન વ્યક્તિ હતી. એક સમુદાય એમની સામે બોલ્યા કરે છે. તે કોઈ પણ લોકો પણ હોય, આ તેમના મગજની ગંદકી દર્શાવે છે."

ભાજપનો જવાબ

ભાજપના પ્રવક્તા રજનીશ અગ્રવાલે બીબીસીને કહ્યું, "મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયામાં વીર સાવરકરની પ્રશંસા કરી હતી. ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાન તરીકે તેમની ટિકિટ જાહેર કરી હતી. તેમણે એ પણ લખ્યું કે સાવરકર મહાન યોદ્ધા હતા."

તેમણે આગળ કહ્યું, "તે મહાત્મા ગાંધી અને ઇન્દિરા ગાંધીના વિચારો પર ચાલનારી કૉંગ્રેસ નથી પરંતુ તે સામ્યવાદી વિચારો પર ચાલનારી કૉંગ્રેસ છે."

"કોઈ વૈચારિક ચર્ચા હોય તો વાત સમજમાં આવે છે પરંતુ અશ્લીલ, અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણીઓ કરવી એ માત્ર વીર સાવરકરનું નહીં સ્વાતંત્ર્યસેનાનીઓનું અપમાન છે."

કૉંગ્રેસની દલીલ

જ્યારે, કૉંગ્રેસ આ આખા મામલે બચાવ કરી રહી છે.

કૉંગ્રેસ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યુ, "આ મામલો કૉંગ્રેસનો વિચાર એ જ છે જે આખા દેશનો છે. સાવરકરની ભૂમિકા અંગે જે ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે તે જ અમારું કહેવાનું છે."

પંકજ ચતુર્વેદીએ આગળ કહ્યુ, "ભારતીય જનતા પાર્ટી તેમને ભલે વીર કહે પરંતુ એ સત્ય છે કે જ્યારે તેમણે અંગ્રેજોની માફી માગી ત્યારે તે જેલની બહાર નીકળી શક્યા હતા. સાવરકર ટૂ નેશન થિયરીના સૌથી મોટા સમર્થક છે."

જ્યારે આપત્તિજનક ટીકાઓ પર કૉંગ્રેસનું કહેવું છે કે આ અંગે સેવાદળ સાથે વાત કરવામાં આવશે.

પંકજ ચતુર્વેદીએ કહ્યું, "આ વિશે સેવાદળને પૂછવામાં આવશે કે આનો સોર્સ શું છે, ક્યાંથી તેમણે આ વસ્તુઓ લીધી છે. કારણ કે કૉંગ્રેસની સંસ્કૃતિ કોઈનું અપમાન કરવાની નથી અને કોઈના પર અમે આપત્તિજનક વાત પણ કરતા નથી."

જોકે આ પ્રશિક્ષણ કાર્યક્રમના કારણે કૉંગ્રેસ અને ભાજપ પ્રદેશમાં ફરી સામ-સામે આવી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો