You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇરફાન પઠાણ : પાકિસ્તાન સામેની એ ટેસ્ટ અને ટી-20 ફાઇનલ કદીય નહીં વિસરાય
જાણીતા મીડિયમ પેસર અને ઑલ રાઉન્ડર ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહોતા.
ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ઓવરમાં હૅટ્રિક લેનારા ઇરફાન પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.
ઇરફાન પઠાણનો ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં હૅટ્રિક લેનારા ત્રણ ખેલાડીઓમાં સમાવેશ થાય છે.
તેમણે 2006માં ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનના સલમાન બટ્ટ, યુનૂસ ખાન અને મોહમ્મદ યુસૂફને આઉટ કર્યા હતા.
તેઓએ 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં 301 વિકેટ લીધી છે.
તેમણે પોતાના કરિયરમાં 2821 રન બનાવ્યા છે. જ્યારે એક સદી અને અગિયાર અર્ધસદી નોંધાવી છે.
ઇરફાને 2003માં ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયેલી ટેસ્ટ મૅચમાં ફક્ત 19 વર્ષની ઉંમરે ટીમ ઇન્ડિયા માટે રમવાની શરૂઆત કરી હતી.
તે ટેસ્ટ મૅચ ભારતે ચાર વિકેટથી જીત્યું હતું. ભારતને એ વખતે 23 વર્ષ પછી ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પરાજય આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ મૅચમાં ઇરફાન પઠાણ ફક્ત મેથ્યુ હેડનની વિકેટ ઝડપી શક્યા હતા.
લાંબો સમય સુધી તેઓ ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં રમતા રહ્યા. જોકે, તેઓ ટેસ્ટ કરતાં વન ડેમાં વધારે જાણીતા બન્યા હતા.
ક્રિકેટ સમીક્ષકો માને છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે જ્યારે ઇરફાન પઠાણની બૉલિંગ એક્શનમાં કેટલાક ફેરફાર લાવવાની કોશિશ કરી અને તેમને એક ફાસ્ટ બૉલરમાંથી ઑલરાઉન્ડર બનાવવાની કોશિશ કરી, તો તેનાથી ઇરફાનની કારકિર્દીમાં મોટો ફેરફાર શરૂ થયો.
ઇરફાન પઠાણ ભારતીય ક્રિકેટમાં એક ફાસ્ટ બૉલરના રૂપમાં ધૂમકેતુની જેમ ચમક્યા હતા.
તેમણે જ્યારે કોચ ગ્રેગ ચેપલના કહેવાથી બૉલિંગમાં વધુ સ્વિંગ લાવવાની કોશિશ કરી ત્યારે તેમની બૉલિંગ સ્પીડ ઘટી ગઈ.
ઇરફાન પઠાણે 2007માં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
ટી-20 વર્લ્ડ કપની પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ મૅચમાં 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી.
એ મૅચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો અને ઇરફાન પઠાણ મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.
ટી-20 ક્રિકેટમાં તેઓ એમની છેલ્લી મૅચ દક્ષિણ આફ્રિકા સામે કોલંબોમાં રમ્યા હતા, જેમાં તેમણે 1 વિકેટ ઝડપી હતી. એ મૅચમાં ભારતનો 1 રનથી વિજય થયો હતો.
આઈપીએલમાં તેમણે છેલ્લી મૅચ ગુજરાત લાયન્સ વતી મુંબઈ સામે રમ્યા 2017માં રમ્યા હતા જે મૅચમાં ટાઇ પડી હતી અને સુપર ઓવરમાં મુંબઈનો વિજય થયો હતો.
છેલ્લી વન ડે મૅચ તેઓ શ્રીલંકા સામે 2012માં રમ્યા હતા જે મૅચમાં ભારતનો 20 રને વિજય થયો હતો.
ઇરફાન પઠાણે એ મૅચમાં 61 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.
ઇરફાન પઠાણ હાલમાં જમ્મુ અને કાશ્મીર ટીમના કોચ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો