મોદી સરકારના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાને પાર પાડવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયું વર્ષ 2019

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

2019નું વર્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ભારતીય જનતા પક્ષ માટે વિમાસણભર્યું રહ્યું.

આ વર્ષે જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને જંગી બહુમતી સાથે જીત મળી,

પણ બીજી બાજુ વર્ષના અંત સુધીમાં સાડા પાંચ વર્ષ જૂની તેમની સરકારને નાગરિકતા સુધારા કાયદાના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો.

આગામી વર્ષે આ વિવાદાસ્પદ કાયદાનો વિરોધ દેશભરમાં ચાલુ રહે તેવી શક્યતા છે, ત્યારે આગામી વર્ષ વડા પ્રધાન માટે પડકારભર્યું બની રહેશે તેમ લાગે છે.

વિશ્લેષકો કહે છે કે વર્ષ 2019ને ભાજપ સરકારના પોતાના હિન્દુ રાષ્ટ્રવાદના એજન્ડાને લાગુ કર્યાના વર્ષ તરીકે યાદ રાખવામાં આવશે.

છેલ્લાં પાંચ વર્ષોથી તેના માટે તૈયારીઓ થઈ રહી હતી અને તેનો અમલ થઈ રહ્યો છે.

જોકે, હાલના તબક્કે મોદી સરકારે થોડી પીછેહઠ કરવી પડી હોય તેમ લાગે છે.

22 ડિસેમ્બરે વડા પ્રધાને દિલ્હીમાં જાહેરસભામાં ભાષણ આપ્યું તેના પરથી આવો અંદાજ મૂકી શકાય છે.

જોકે, મોટા ભાગના વિશ્લેષકો માને છે કે 2020નું વર્ષ પણ હિન્દુ રાષ્ટ્રના એજન્ડાને લાગુ કરવાના વર્ષ તરીકે સાબિત થઈ શકે છે.

તેમાં સમાન નાગરિક ધારો અને ધર્મ પરિવર્તન વિરોધી કાયદાનો સમાવેશ થઈ શકે છે.

દેશના રાજકારણમાં "ડિફૉલ્ટ રિસેટ"

આ વર્ષે જનતાએ નરેન્દ્ર મોદીને ભારે મોટો મૅન્ડેટ આપીને "મોદી 2" સરકારના ઇરાદાઓ માટે પોતાની સંમતિનો સિક્કો માર્યો હતો.

આ સંદર્ભમાં લખનૌના સિનિયર પત્રકાર વીરેન્દર નાથ ભટ 2019ને મહત્ત્વનું વર્ષ માને છે.

તેમના વિચાર પ્રમાણે ભાજપે 2019ના વર્ષમાં દેશના રાજકારણમાં "ડિફૉલ્ટ રિસેટ" કરવાનું કામ જોરશોરથી શરૂ કરી દીધું છે.

તેમના જણાવ્યા અનુસાર ટ્રિપલ તલાક હોય , કલમ 370 હઠાવવાની વાત હોય કે પછી અયોધ્યામાં રામમંદિર માટેનો આવેલો ચુકાદો; અને હવે નાગરિકતા સુધારા કાનૂન પસાર કરવામાં આવ્યો તે બધી બાબતોને "ડિફૉલ્ડ રિસેટ" કરવાની રીતે જોવી જોઈએ.

તેઓ કહે છે, "ભારતનું બંધારણ ઘડાયું તે ભારત રાષ્ટ્રના નિર્માણનું ફુલસ્ટોપ નહોતું. તે પ્રક્રિયા આજે પણ ચાલી રહી છે.

ઘણા બધા એવા વણઉકેલ્યા સવાલો હતા, જેને હંમેશાં માટે ઉકેલી દેવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીનાં સાડા પાંચ વર્ષના શાસનકાળમાં હું રાજકારણ, સમાજકારણ અને અર્થતંત્રમાં જે ડિફૉલ્ટ સેટિંગ હતું તેને બદલાતું જોઈ રહ્યો છું."

મહત્ત્વપૂર્ણ નિર્ણયો

ચંદીગઢના રાજકીય વિશ્લેષક ડૉ. પ્રમોદ કુમારના જણાવ્યા અનુસાર 2019માં જમણેરી રાજનીતિ દેશના રાજકારણમાં વધારે તીવ્રતા, વધારે માન્યતા અને વધારે શક્તિ પ્રાપ્ત કરતી જોવા મળી.

તેઓ કહે છે, "કલમ 370 હઠાવવી, ટ્રિપલ તલાક, નાગરિકતા સુધારા કાનૂન અને મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કૉંગ્રેસની સરકાર જેવી ઘટનાઓ દર્શાવે છે કે દેશમાં જમણેરી રાજનીતિને વધારે શક્તિ અને વધારે સ્થાન મળ્યું છે."

ડૉક્ટર કુમારનું માનવું છે કે 2019નું વર્ષ રાષ્ટ્રવાદનું વર્ષ હતું, જેમાં શાંતિની જગ્યાએ આક્રમકતા રાષ્ટ્રવાદનું કેન્દ્ર બની રહી.

તેઓ પોતાના તર્કને સમજાવવા માટે પુલવામા હુમલા પછી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક અને પાકિસ્તાન સાથેના બગડેલા સંબંધોના ઉદાહરણ આપે છે.

તેઓ કહે છે, "2019માં ત્રણ એવી ઘટનાઓ બની, જે ભારતના રાજકારણ અને સમાજમાં પરિવર્તન લાવી."

"પ્રથમવાર એવી ઘટનાઓ બની જેણે હિન્દુસ્તાનમાં જમણેરી પાંખના રાજકારણને શ્રધ્યેય બનાવ્યું."

"કલમ 370 હઠાવાઈ અને ટ્રિપલ તલાક સામે કાયદો લવાયો, તેનાથી જમણેરી રાજકારણને માન્યતા મળી. આ મોટું પરિવર્તન હતું."

તેઓ વધુમાં કહે છે, "બીજું પાકિસ્તાનના સંદર્ભમાં રાષ્ટ્રવાદને મજબૂતી મળી. તેમાં પુલવામા પછી સર્જિકલ સ્ટ્રાઇલ થઈ તેનો સમાવેશ થાય છે, જેના કારણે રાષ્ટ્રવાદની પરિભાષા બદલાઈ ગઈ."

ડૉક્ટર કુમારના જણાવ્યા અનુસાર અર્થતંત્રની બાબતમાં બધા મોટા પક્ષની અસહમતી ગાયબ થઈ ગઈ તે પણ એક મહત્ત્વપૂર્ણ ઘટના રહી, જેની જાહેરમાં બહુ ચર્ચા થઈ નથી.

"નાની નાની બાબતોમાં જ અસહમતી રહી. જીએસટીનો દર કેટલા ટકા ઓછો કરવો જોઈએ માત્ર તે બાબતમાં પક્ષો સહમત થઈ શક્યા નહીં."

"આર્થિક બાબતોમાં રાજકીય પક્ષોમાં જે સહમતી હતી તેણે સંસ્થાકીય સ્વરૂપ લીધું છે," એમ તેઓ જણાવે છે.

રસપ્રદ સવાલ એ છે કે 2019ના વર્ષમાં કઈ ઘટના મહત્ત્વની હતી, જેણે દેશના રાજકારણ અને સમાજકારણ પર ઊંડી અસર પાડી?

દેશના લોકોની જેમ વિશેષજ્ઞો પણ આ વિશે જુદો જુદો અભિપ્રાય ધરાવે છે.

આ વર્ષની મહત્ત્વની ઘટનાઓ પર એક નજર કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે કઈ ઘટનાએ દેશનું રાજકારણ બદલી નાખ્યું જેથી સરકારની પ્રાથમિકતા બદલાઈ ગઈ.

પુલવામા આત્મઘાતી હુમલો

આદિલ દાર નામના એક સ્થાનિક યુવકે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-શ્રીનગર હાઇવે પર સૈનિકોને લઈને જતા કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો.

તેમાં સીઆરપીએફના 40 જવાનોનાં મોત થયાં હતાં. પાકિસ્તાનની સરકાર સાથે કડી ધરાવતા જૈશ-એ- મોહમ્મદ સાથે દાર સંકળાયેલો હતો તેવું જણાવાયું હતું.

પાકિસ્તાન સ્થિત જૈશ-એ- મોહમ્મદે હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી, પણ પાકિસ્તાન સરકારે હુમલામાં તેનો હાથ હોવાના ભારતના આરોપોને નકારી કાઢ્યા હતા.

26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાં આવેલા બાલાકોટના જૈશના અડ્ડા પર હુમલો કર્યો હતો અને સેંકડો ઉગ્રવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો હતો.

પાકિસ્તાને બીજા દિવસે વળતો હુમલો કરવાની કોશિશ કરી. પાકિસ્તાનના હવાઈ હુમલાને ભારતે પાછો હઠાવ્યો તેમાં ભારતનું એક વિમાન તૂટી પડ્યું હતું.

તેના પાઇલટ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતા. અમેરિકા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતની દરમિયાનગીરીથી પાકિસ્તાને અભિનંદનને પરત ભારત મોકલી દીધા હતા.

ફેબ્રુઆરી પહેલાંથી ભાજપ અને બીજા રાજકીય પક્ષોએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો હતો.

એ વખતે એવું જણાવાઈ રહ્યું હતું કે ભાજપની સ્થિતિ નબળી છે અને કૉંગ્રેસ ફરી બેઠી થઈ રહી હોય તેમ લાગે છે.

બીજા પક્ષો સાથે ભાગીદારીમાં સત્તા પર પરત ફરશે તેવી વાતો ચાલવા લાગી હતી.

પરંતુ પુલવામા હુમલો અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ સ્થિતિ બદલાઈ ગઈ અને જનતાનો મૂડ સંપૂર્ણપણે ભાજપ સરકારની તરફેણમાં થઈ ગયેલો જણાયો હતો.

લોકસભા ચૂંટણી

એપ્રિલ-મે મહિનામાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તા પર આવી. તેને મોદી 2 એવું નામ આપવામાં આવ્યું.

કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળી તે એ બાબત તરફનો ઇશારો હતો કે ભાજપ પોતાના હિન્દુ રાષ્ટ્રના ઍજન્ડામાં આગળ વધે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ટ્રિપલ તલાકની નાબૂદી, જમ્મુ-કાશ્મીરને લગતી કલમ 370 હઠાવવી અને અયોધ્યમાં રામમંદિરનું નિર્માણ વગેરે મુદ્દા સામેલ હતા.

કલમ 370 એક ઝાટકે ખતમ

પાંચમી ઑગસ્ટે ભારત સરકારે બહુ નાટકીય રીતે સંસદમાં કલમ 370 નાબૂદ કરવા માટેની અને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વિભાજિત કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.

આ વિશે કેન્દ્રના પ્રધાનમંડળના સિનિયર પ્રધાનોને પણ જાણકારી નહોતી. આ બાબતમાં દેશને સૌપ્રથમ જાણકારી અમિત શાહે સંસદમાં ભાષણ આપ્યું ત્યારે જ મળી હતી.

કાશ્મીર ખીણના લોકોને વિશ્વાસ જ ના બેઠો કે તેમની સલાહ વિના સરકારે આટલો મોટો નિર્ણય કઈ રીતે લઈ લીધો.

જોકે, થોડા દિવસ અગાઉથી કોઈ મોટી જાહેરાત થશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

તે દિવસોમાં જ હું કાશ્મીર ગયો હતો. એક કાશ્મીરી યુવકે કહ્યું કે, "ખીણમાંથી વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓને બહાર લઈ જવામાં આવી રહ્યા છે."

"33,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને ગોઠવવામાં આવી રહ્યા છે. આ બધું દર્શાવી રહ્યું છે કે કંઈક મોટા પાયે થવાનું છે."

"પરંતુ અમારા અધિકારો છીનવી લેવાશે એવી અમને કલ્પના નહોતી."

વિપક્ષના વિરોધનો સામનો

દિલ્હીથી હાલમાં જ પરત આવેલા અયૂબ દાર નામના માણસે કહ્યું કે, "ભારત સરકારનો આ નિર્ણય કાશ્મીરીઓની પીઠમાં છરો ભોંકવા સમાન છે."

"ભારત સાથે જોડાવાના બદલે અમે દૂર થઈ ગયા હોઈએ એવી લાગણી થાય છે."

કાશ્મીરી નેતાઓને નજરકેદ કરી લેવાયા, રાજકીય પક્ષોની ગતિવિધિઓ પર નિયંત્રણો મૂકી દેવાયા અને ઇન્ટરનેટ તથા મોબાઇલ અને લેન્ડલાઇન ફોન સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હતી.

બીજી બાજુ આ નિર્ણય બદલ દેશભરમાં ખુશી મનાવવામાં આવી રહી હતી. લોકો રસ્તા પર આવીને નાચવા લાગ્યા હતા.

જોકે, વિપક્ષે સરકારે આ રીતે લીધેલા એકપક્ષી નિર્ણય બદલ આકરી ટીકા કરી હતી.

થોડા દિવસ પહેલાં બીબીસી ઉર્દૂ સાથે વાતચીત કરતા વિશ્લેષક ભારત ભૂષણે કહ્યું હતું કે કાશ્મીર માટે લેવાયેલું આ પગલું ભારતને આગળ જતા ભારે પડી શકે છે.

તેમણે કહ્યું કે, "આ એક રાજકીય પ્રક્રિયા છે. તમારે (ભારત સરકારે) આખરે વાતચીતનો માર્ગ લેવો જ પડશે. તમારે પાકિસ્તાન સાથે વાતચીત કરવી પડશે, કાશ્મીરીઓ સાથે વાતચીત કરવી પડશે.

પાકિસ્તાને આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો. તેણે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવાની કોશિશ પણ કરી હતી, પણ તેનાથી કોઈ ફરક પડ્યો નહોતો.

મોદી સરકારનું કહેવું એમ હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અતૂટ હિસ્સો છે અને કલમ 370 હઠાવવી તે ભારતની આંતરિક બાબત છે.

ભારત સરકારે ત્યાં સુધી કહ્યું છે કે પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર પણ ભારતનો જ અતૂટ હિસ્સો છે અને કોઈ વાતચીત કરવાની થાય તો તેના વિશે જ કરવાની રહેશે.

જોકે, ભારત ભૂષણ જણાવે છે કે તે પ્રમાણે "જ્યાં સુધી મોદી-શાહની સરકાર દિલ્હીમાં છે ત્યાં સુધી કશું થવાનું નથી. તમે એવું માનીને ચાલો કે આ લોકો આગ લગાવનારા છે, આગ બુઝાવનારા નથી."

આસામમાં NRC

સરકારે 31 ઑગસ્ટે આસામના નાગરિક રજિસ્ટર (NRC)ની આખરી યાદી જાહેર કરી તેમાં 19 લાખ લોકોનાં નામ નહોતાં.

અર્થાત્ આ 19 લાખ ભારતના નાગરિક નથી અને તે મુદ્દે આસામમાં ભારે હલચલ મચી ગઈ.

NRCમાંથી બાકાત રહી ગયેલા 19 લાખમાંથી 13 લાખ હિન્દુઓ હતા.

બાદમાં કેન્દ્ર સરકારે હિન્દુઓને આશ્વાસન આપ્યું કે તમને દેશનિકાલ કરવામાં નહિ આવે, પરંતુ આસામના લોકોમાં તેનો હજીય વિરોધ થઈ રહ્યો છે.

અયોધ્યામાં રામમંદિરનો મુદ્દો

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા મંદિર-મસ્જિદ ભૂમિની માલિકી વિશે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ અદાલતે આપ્યો. અદાલતે રાજ્ય સરકારને જણાવ્યું કે મસ્જિદના નિર્માણ માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીનની ફાળવણી કરે.

આ રીતે દાયકાઓથી ચાલ્યો આવતા વિવાદાસ્પદ મુદ્દાનો અંત આવ્યો. વિશેષજ્ઞો માને છે કે આ ચુકાદો મોદી સરકારની તરફેણમાં આવેલો બહુ અગત્યનો ચુકાદો છે. આ ચુકાદા બાદ ભાજપનો રામમંદિરનાનિર્માણનો વાયદો પૂર્ણ થતો જણાય છે.

નાગરિકતા સુધારા કાનૂન અને વિરોધપ્રદર્શનો

નાગરિકતા સુધારા ખરડો પસાર થયો તે સાથે જ દેશભરમાં તેનો વિરોધ થવા લાગ્યો હતો. ઘણાં રાજ્યોમાં હજીય દેખાવો થઈ રહ્યા છે.

આ કાયદાના ટીકાકારો કહે છે કે તે બંધારણની વિરુદ્ધમાં છે અને મુસ્લિમ સમુદાય સામે ભેદભાવનું ઉદાહરણ છે.

વિરોધમાં મુસ્લિમ સમુદાય પણ રસ્તા પર ઊતરી આવ્યો હતો અને તેમને સાથ આપવા માટે હિન્દુ અને બીજા સમુદાયના લોકો પણ જોડાયા હતા. વિરોધપ્રદર્શનોને કારણે થયેલાં તોફાનોમાં 18થી વધુ લોકોના જીવ ગયા છે.

દેખાવો ચાલી રહ્યા હતા તે દરમિયાન જ કેન્દ્ર સરકારે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) માટે અને 2021માં મતગણતરી કરવા માટેની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી.

આ મુદ્દે પણ વિવાદ જાગ્યો અને કેટલાકે ટીકા કરી કે દેશભરમાં NRC લાવવા માટેનું આ પ્રથમ પગલું છે.

દિલ્હી યુનિવર્સિટીમાં યોજાયેલી વિરોધસભામાં સંબોધન કરતા એક્ટિવિસ્ટ અને લેખિકા અરુંધતિ રૉયે કહ્યું કે NRC દ્વારા દેશના મુસ્લિમોને નિશાન બનાવવામાં આવશે.

જોકે, તેમના આ દાવાને ગૃહમંત્રી અમિત શાહે નકારી કાઢ્યો હતો.

વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પણ દેશભરમાં મોદી સરકારના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે.

જોકે, મોદી સરકારે એવો કોઈ અણસાર આપ્યો નથી કે તે પોતાના ઍજન્ડાને છોડી દેશે.

તેના બદલે 2020ના વર્ષમાં સરકાર સમાન નાગરિક ધારો તથા ધર્મ પરિવર્તન વિરોધી ખરડો સંસદમાં લાવવા કોશિશ કરશે એમ વીરેન્દર નાથ ભટ માને છે.

ભટ અને બીજા સિનિયર રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આગામી વર્ષે મોદી સરકાર માટે અર્થતંત્ર સૌથી મોટો પડકાર બની રહેશે.

આગામી વર્ષનું રાજકારણ તેના આધારે જ ચાલતું જ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો