Welcome 2020 : નવા વર્ષનો નિર્ધાર કર્યો? તેને વળગી રહેવાની પાંચ ટિપ

દર વર્ષે તમે નવા વર્ષે કોઈ નિર્ધાર કરતા હશો, જેનાથી 'ખુદમાં પરિવર્તન' લાવી શકાય. આજે ફરી એ દિવસ આવી ગયો છે.

પણ શું તમે ક્યારેય નવા વર્ષના નિર્ધારને વળગી રહી શકો છો? મોટાભાગે ના. આથી હતાશા અને નિરાશા પણ આવે છે.

પરંતુ એવા કેટલાક ઉપાયો છે કે જેના કારણે તમે નવા વર્ષના નિર્ધારને વળગેલા રહી શકો છો.

સારા આરોગ્ય કે પૈસાની બચત કરવી, કોઈ નવી આદત પાડવી કે જૂની આદતને દૂર કરીને આપણે 'નવી શરૂઆત' કરવા ઇચ્છીએ છીએ.

નવા વર્ષ માટે કરેલા નિર્ધાર માટે એક અનિવાર્ય બાબત છે અને આપણે જાણીએ છીએ તેમ કોઈપણ બાબત કરવા માટેનો ઉત્સાહ સહેલાઈથી નથી આવતો.

સ્કાર્નટન યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે, માત્ર આઠ ટકા લોકો તેના નવા વર્ષના રિઝૉલ્યુશનને વળગી રહી શક્યા હતા.

નવા વર્ષના નિર્ધારને વર્ષ દરમિયાન વળગી રહેવા માટે અને નિષ્ફળતાને ટાળવા માટે કેટલાક ઉપાય છે, જે અમે આપને અહીં જણાવી રહ્યા છીએ.

1. નાની શરૂઆત

કહેવાય છે કે હજાર ડગલાંની સફર એક નાના પગલાંથી શરૂ થાય છે. એવી જ રીતે નાનાં અને વાસ્તવિક ધ્યેય રાખવાથી એ નિર્ધારને પાર કરવાની શક્યતા વધી જાય છે.

ઘણી વખત 'નવા વર્ષમાં તદ્દન નવી વ્યક્તિ બની જવાના ભ્રમમાં' આપણે અવાસ્તવિક ધ્યેય રાખી લઈએ છીએ.

નાના ધ્યેય રાખીને ધીમેધીમે તમે મોટા નિર્ધારને પાર પાડી શકો છો.

દાખલા તરીકે નવા વર્ષે મૅરેથૉન દોડવાનો સંકલ્પ લેતા પહેલાં તમે નવા શૂઝ ખરીદો અને નાની દોડ શરૂ કરો.

જો તમે નવા વર્ષમાં કૂકિંગ શીખવા માગતા હો તો અઠવાડિયામાં એક વખત કિચનના કામમાં પરિવારજનોને મદદ કરો, આ રીતે તમારી કૂકિંગ સ્કિલ્સ વધશે.

આ રીતે તમે 'નીચું નિશાન' નથી સાધી રહ્યા, પરંતુ લાંબા-ગાળાના પરિણામ મેળવવા માટે ખુદને તૈયાર કરો છો.

વિનસેન્ટાઇનના કહેવા પ્રમાણે, "સમયાંતરે લેવાતાં નાનાં પગલાંથી પરિવર્તન આવે છે."

2. સ્પષ્ટ આયોજન

ઘણી વખત આપણે કોઈ ધ્યેય નિર્ધારિત કરીએ છીએ, પરંતુ તેને કેવી રીતે પાર પાડીશું, તેના માટેની કોઈ નિશ્ચિત યોજના નથી હોતી.

નિર્ધારને પાર પાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે - વિસ્તૃત આયોજન.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રો. નિલ લૅવીના કહેવા પ્રમાણે, 'હું જિમ જવાનું વધારી લઈશ' એવો નિર્ધાર કરવાના બદલે 'હું મંગળવારે બપોરે તથા શનિવારે સવારે જિમ જઈશ જ' તે પ્રકારનો નિર્ધાર સફળ થવાની શક્યતા વધી જાય છે.

આ પ્રકારના સ્પષ્ટ આયોજનને કારણે તમે માત્ર નિર્ધાર જ નથી કરતા, પરંતુ તેને કેવી રીતે લાગુ કરશો, તે દિશામાં પણ સુનિશ્ચિત કરો છો.

3. મદદ મેળવો

જો તમે કોઈ નિર્ધાર કર્યો હોય અને તેને સિદ્ધ કરવો હોય, તો તમારાં લક્ષ્યાંકની સાથે અન્ય કોઈને પણ સાથે લો.

જેમ કે, તમારા નવા વર્ષના નિર્ધારને જાહેરમાં જણાવો અથવા તો કોઈ ક્લાસમાં જવા માટે મિત્રને પણ સાથે લો.

આપણે જાહેરમાં કટિબદ્ધતા વ્યક્ત કરીએ એટલે તેને પાર પાડીશું એવી શક્યતા વધી જાય છે.

વૉરવિક યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. જોન માઈકલના કહેવા પ્રમાણે, આપણા નિર્ધારને જાહેર કરવાથી સામાજિક જવાબદારી પણ ઉમેરાય છે.

આપણો નિર્ધાર અન્ય કોઈ માટે કોઈ રીતે ઉપયોગી છે એવું જણાય તો આપણે તેને વળગી રહીએ તેવી શક્યતા વધી જાય છે, કારણ કે આપણને એવું લાગે છે કે 'હું નહીં કરું તો બીજાને નુકસાન થશે.'

પૂરક ટેકા માટે કે કટિબદ્ધતા માટે બીજા લોકોને પણ તમારા ધ્યેય સાથે જોડો.

4. નિષ્ફળતાને ભૂલો

જ્યારે કોઈ ધ્યેયને પાર પાડવામાં નિષ્ફળતા મળે તો ઘડીભર માટે થોભી જાવ અને સમીક્ષા કરો.

શું સમસ્યા નડી? કઈ વ્યૂહરચના અસરકારક રહી? કયું આયોજન નિષ્ફળ રહ્યું?

નાની અમથી સફળતાને પણ માણો અને તેની ઉજવણી કરો, વધુ વાસ્તવિક બનો.

જો તમે નવા વર્ષના નિર્ધારને વળગી રહેવા માગતા હો, તો આંતરિક જુસ્સાને ટકાવી રાખવા માટે અલગ વલણ અપનાવો.

દૈનિક જીવનમાં સામાન્ય ફેરફાર તમને યોગ્ય દિશામાં આગળ વધારી શકે છે.

જેમ કે, તમે ખાવાપીવાની આદતોને વધુ આરોગ્યપ્રદ બનાવવા માગતા હો તો ખોરાકમાં કાર્બૉહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘટાડી શકો છો.

જમવામાં મેંદાની બ્રેડને બદલે વ્હીટ બ્રેડ કે ગ્રેઇન બ્રેડ પણ લઈ શકો છો અથવા તો જે નાસ્તામાં સેચ્યૂરેટેડ ફેટ વધુ હોય તેવી કેક વગેરે ખાવાને બદલે વધુ પૌષ્ટિક વેજી સ્ટિક્સ તથા સ્મૂધી અપનાવી શકો છો.

5. લાંબાગાળાના નિર્ધારની દિશામાં

વર્તનશાસ્ત્રના નિષ્ણાત ડૉ. એનિ સ્વીનબૉર્ન કહે છે કે કોઈ આડાઅવળાં ધ્યેય રાખવાના બદલે લાંબાગાળાનાં લક્ષ્યાંકને પાર પાડે તેવા નાનાં-નાનાં લક્ષ્યાંક રાખવા અને તેને પાર પાડવા માટે પ્રયાસ કરવો.

જો તમને રમતગમતમાં રસ જ ન હોય અને તમે 'ઉત્તમ ઍથ્લીટ' બનવાનું લક્ષ્યાંક રાખશો, તો તેને પાર પાડો તેવી શક્યતા નહિવત્ છે.

ડૉ. એનિ ઉમેરે છે, "જે લોકો માત્ર આંતરિક જુસ્સા પર આધારિત રહે છે, તેમની નિષ્ફળતાની શક્યતા વધારે છે."

આથી, જે વિષયમાં તમને રસ છે, જેનાથી તમારો ઉત્સાહ વધે તેને માધ્યમ બનાવીને તમારા ધ્યેયને પાર પાડવા માટે પહેલા દિવસથી જ વિગતવાર યોજના ઘડી કાઢો.

આ લક્ષ્યાંકને પાર પાડવાની કવાયતમાં જો કોઈ સમસ્યા નડે, તો તેને પાર કરવામાં કોઈની મદદ લેવામાં ખચકાટ ન અનુભવો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો