CAB બન્યો કાયદો, પૂર્વોત્તરમાં હિંસા, બે પ્રદર્શનકારીનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ - 2019 ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે, આ સાથે બિલ હવે કાયદો બની ગયો છે.
આસામમાં હિંસાને કારણે બે પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં હોવાની ત્યાંના ડીજીપીએ પુષ્ટિ કરી છે.
રાજ્યના 10 જિલ્લામાં ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
પંજાબ અને પશ્ચિમ બંગાળ બાદ કેરળે પણ CABને લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આસામના રાજ્યપાલ જગદીશ મુખી તથા આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ કાયદાથી આસામના સ્થાનિકોની ઓળખ અને અસ્મિતાને કોઈ અસર નહીં થાય તેવી ખાતરી આપી છે.

આસામમાં હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
આસામના ગુવાહાટીમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે.
આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતાએ બીબીસી સાથેની વાતચીતમાં આની પુષ્ટિ કરી છે અને તેમણે એવું પણ કહ્યું છે કે આ ઘટનામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે.
જોકે પોલીસે પુષ્ટિ નથી કરી કે આ મૃત્યુ પોલીસના ગોળીબારને લીધે થયાં છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીજીપીએ જણાવ્યું, "બન્ને લોકોનાં મૃત્યુ બુલેટની ઈજાથી થયાં છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ગોળી કેવી રીતે વાગી છે."
"ઘણી જગ્યાઓએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં પોલીસના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે."
"આ સિવાય રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ ફાયરિંગની ઘટનાઓ ઘટી છે."

ઇમેજ સ્રોત, Getty Images
પીટીઆઈ પ્રમાણે ગુવાહાટી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે એક વ્યક્તિનું મૃત્યુ હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ થઈ ગયું હતું, જ્યારે બીજી વ્યક્તિનું મૃત્યુ ઇલાજ દરમિયાન થયું હતું.
ગુરુવારે શહેરમાં કર્ફ્યુ છતાં ઠેર-ઠેર હજારો લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા હતા.
પ્રદર્શનકારીઓએ ગુવાહાટી હાઈકોર્ટ સામે એક મોટા મેદાનમાં સભા યોજીને શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.
ત્યાં જય અખમ (જય આસામ) અને કૈબ આમી ના માનૂ (કૅબને અમે નથી માનતા)ના નારા સાથે લોકોએ સભા કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














