અમરેલીમાં દીપડો ઠાર : પ્રાણી માનવભક્ષી કેમ બની જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમરેલીના બગસરા પંથકમાં કથિત રીતે આદમખોર બની ગયેલા દીપડાને ઠાર મરાયો છે. વન વિભાગનું કહેવું છે કે આ દીપડાએ ત્રણ લોકોનો ભોગ લીધો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલમાં સરકારી અધિકારીઓ ટાંકીને જણાવાયું છે કે બુધવાર સાંજે વનવિભાગના કર્મચારીઓએ બગસરા નજીક દીપડાને ઠાર માર્યો હતો.
અહેવાલમાં જણાવાયા અનુસાર દીપડો ગાયની ગમાણ પાછળ છૂપાયો હતો, ત્યારે તેને ગોળીએ દેવાયો હતો.
વનઅધિકારી અશ્વિન પરમારને ટાંકતા પીટીઆઈએ જણાવ્યું:
"બુધવારે સાંજે સાત વાગ્યે બગસરા નજીક દીપડાને ઠાર મરાયો છે."
"દીપડો આદમખોર બની ગયો હતો અને એટલે અમે તેને શોધી રહ્યા હતા."
"અમને વિશ્વાસ છે કે અમે જેને શોધી રહ્યા હતા એને જ ગોળીએ દેવાયો છે."
"કારણ કે, બીજા દીપડાને પકડી લેવાયા અને અન્ય વિસ્તારમાં મોકલી દેવાયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાઓની ઘટનાઓ વધી ગઈ છે. અમરેલી જિલ્લાના કલેક્ટર આયુષ ઓકે આ અંગે વાત કરતાં જણાવ્યું, "ઠાર મરાયેલા દીપડાની ઉંમર સાત વર્ષ હતી."
આદમખોર દીપડાને શોધી કાઢવા માટે વનવિભાગે 150 લોકોની ટીમ બનાવી હતી અને સંબંધિત વિસ્તારમાંથી બીજા દીપડાઓને બહાર કાઢવા માટે 30 પાંજરાં મૂકાયાં હતાં. જેને પગલે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાંથી લગભગ 40 દીપડા આ પાંજરે પૂરાયા હતા.
નોંધનીય છે કે જુદા-જુદા મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધી બગસરા પંથકની ત્રણ વ્યક્તિ આ દીપડાના શિકાર બની ચૂકી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે શનિવારે રાત્રે લુંધિયા ગામની એક મહિલા પર દીપડાએ ફરીથી હુમલો કર્યો હતો.
અહેવાલમાં નોંધ્યું છે કે દીપડાએ ઘરમાં ઘૂસીને મહિલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ ગયાં હતાં.
આ સિવાય શનિવારે એક ખેતમજૂરને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હુમલામાં વ્યક્તિ મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું હતું.
દીપડાના હુમલાની ઘટનાઓને પગલે દીપડાના આતંકથી બચવા માટે વિસ્તારમાં ધારા-144 લાગુ કરવાની ફરજ પડી હતી.
અહેવાલ પ્રમાણે વન અને પર્યાવરણમંત્રી ગણપત વસાવાએ કથિતપણે 'માનવભક્ષી' બની ગયેલા દીપડાને દેખો ત્યાં ઠાર કરવાનો હુકમ જારી કરી દીધો હતો.
પાછલા કેટલાક સમયથી ભારતના જુદા-જુદા વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ દ્વારા માનવવસતિ પર થયેલા હુમલાના સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે.
ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે કયાં કારણોસર આ જંગલી પ્રાણીઓ માનવભક્ષી બની જતાં હોય છે?

કેમ માનવભક્ષી બની જાય છે પ્રાણીઓ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ દ્વારા માનવવસતિ પર હુમલો કરવાના બનાવો બનવા લાગ્યા છે.
ત્યારે જ્યાં અવારનવાર આવા હુમલા થઈ રહ્યા છે એવા તમામ વિસ્તારોમાં હુમલો કરનાર પ્રાણીને માનવભક્ષીનો ટૅગ આપી દેવાયો છે.
સામાન્યપણે જંગલમાં શિકાર કરીને જીવતાં પ્રાણી કેમ માનવવસતિ પર હુમલો કરે છે અને કેમ માનવભક્ષી બની જાય છે એ પ્રશ્ન અંગે સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી.
ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડનના પદ પરથી નિવૃત્ત થયેલા એક અધિકારીએ જણાવ્યું:
"હાલમાં દીપડાના હુમલાની ઘટનાઓના આધારે જે-તે પ્રાણી 'માનવભક્ષી' બની ગયું છે એવું ન કહી શકાય."
હુમલા કરનાર દીપડાને 'માનવભક્ષી' તરીકેનો ટૅગ આપવા અંગે આપત્તિ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે:
"આ ઘટનાઓ એટલા માટે નથી ઘટી રહી કે તેને એક વાર માનવીનો શિકાર કર્યા બાદ વારંવાર માનવભક્ષણની ટેવ પડી ગઈ છે."
"બલકે આ ઘટનાઓ એટલા માટે ઘટી રહી છે કે દીપડાના પ્રાકૃતિક રહેવાસની આસપાસ માનવીય અવરજવર મોટા પ્રમાણમાં વધી ગઈ છે."
સમસ્યાનાં માનવસર્જિત પાસાં સિવાય તેઓઅન્ય એક ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોરતા જણાવે છે:
"ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં સારો એવો વધારો નોંધાયો છે."
"વધી રહેલી સંખ્યાના કારણે હવે તેઓ આસપાસની માનવવસતિમાં પોતાના શિકારની શોધમાં આવી જાય છે."
"માનવવસતિમાં પ્રવેશ્યા બાદ તેમના માટે સૂતેલા માણસો અને સૂતેલાં ઘેટાં-બકરાંમાં કોઈ તફાવત રહેતો નથી."
"દીપડા માટે તો આ બધાં જ ખોરાક જ હોય છે."

વધી રહેલા હુમલાનાં અન્ય કારણો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જંગલી પ્રાણીઓના હુમલામાં થયેલા વધારાનાં અન્ય કારણો અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, "દીપડો મોટા ભાગે સીમમાં રહેતું પ્રાણી છે. તેમજ તે એક ખૂબ જ ચતુર પ્રાણી પણ છે."
"જંગલમાં મહેનત કરીને પોતાનો ખોરાક મેળવવાની સરખામણીએ દીપડાને આસપાસની વસતિમાં રહેલાં પાળતું પશુઓ શિકાર સરળ લાગે છે."
"આ કારણે તેઓ ગામમાં કે વસાહતમાં રહેલી ગમે તે વ્યક્તિ કે પશુને પોતાનો ખોરાક સમજીને તેની પર હુમલો કરી દે છે."
"આ સિવાય દીપડાની વધતી જતી સંખ્યા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એ પણ જરૂરી છે."
"તેમજ આ પ્રશ્નના નિરાકરણ અને વધતી જતી સંખ્યાના યોગ્ય સંચાલન માટે યોગ્ય વ્યવસ્થા અને ચિંતન-મનન કરવામાં આવે એ પણ હાલના સમયની જરૂરિયાત છે."

દીપડાને પકડવાની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વન અને પર્યાવરણ ખાતાના મંત્રી ગણપત વસાવાએ માનવભક્ષી દીપડાને પકડવાની તૈયારીઓ અંગે વાત કરતા કહ્યું હતું:
"વનવિભાગ દ્વારા કથિતપણે માનવભક્ષી બની ગયેલા દીપડાના શિકાર માટે આઠ શાર્પશૂટર પોલીસકર્મીઓની મદદ લેવામાં આવી."
તેમણે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "બે જિલ્લાઓમાંથી પહેલાંથી 40 દીપડાને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે."
"માનવવસતિ પર થતા હુમલાની સમસ્યાના નિવારણ માટે હાલ 200 લોકોની ટીમ સતત કામ કરી રહી છે."
"આ સિવાય દીપડાને પકડવા અને તેમનું લોકેશન જાણવા માટે ડ્રોન અને નાઇટ વિઝન કૅમેરાની મદદ લેવાઈ રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














