CAB : અમિત શાહ જેને પાસ કરાવવા અડી ગયા, એ નાગરિકતા સંશોધન બિલ શું છે?

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સચીન ગોગોઈ
    • પદ, બીબીસી મૉનિટરિંગ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 સમાપ્ત કર્યા બાદ અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કર્યા બાદ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હવે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ (CAB) પર મહોર મારીને પૂર્વોત્તર ભારતના લોકોનો સામનો કરવો તૈયાર થઈ ગઈ છે.

કેન્દ્રીય કૅબિનેટમાં આ બિલને મંજૂરી મળી ગઈ છે અને સોમવારે મોડી રાત્રે લોકસભામાં પણ 311-80 મતોથી પાસ થઈ ગયું હતું.

આ બિલમાં પડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

જોકે આ બિલને લઈને વિપક્ષ કડક વલણ અપનાવી રહ્યું છે અને તેને બંધારણની ભાવનાની વિપરીત ગણાવે છે.

line

નાગરિકતા સંશોધન બિલમાં શું ખાસ છે?

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના પૂર્વોત્તરમાં આ નાગરિકતા સંશોધનનો વ્યાપક વિરોધ થતો રહ્યો છે, જેનો ઉદ્દેશ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ગેરમુસ્લિમ ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ પ્રદાન કરવાના નિયમોમાં ઢીલ આપવાની જોગવાઈ છે.

હકીકતમાં સદનમાં તેને પાસ કરાવવાનો સરકારનો આ બીજો પ્રયાસ છે. અગાઉ પણ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આ બિલ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે.

જોકે બાદમાં પૂર્વોત્તરમાં તેનો હિંસક વિરોધ શરૂ થયો હતો, બાદમાં સરકારે તેને રાજ્યસભામાં રજૂ નહોતું કર્યું. સરકારનો કાર્યકાળ પૂરો થતાં જ આ બિલ આપોઆપ ખતમ થઈ ગયું હતું.

મે મહિનામાં મોદી સરકારનો બીજો કાર્યકાળ શરૂ થયો. આ દરમિયાન અનુચ્છેદ 370 સહિત ઘણા મોટા નિર્ણયો લેવાયા અને હવે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પસાર થઈ ગયું.

સંસદમાં તેને રજૂ કરતાં પહેલાં જ પૂર્વોત્તરમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં અને પસાર થયા બાદ ફરી વિરોધ શરૂ થઈ ગયો છે.

પૂર્વોત્તરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કેમ?

પૂર્વોત્તરના અખબારો
ઇમેજ કૅપ્શન, પૂર્વોત્તરના અખબારો

આમ તો નાગરિકતા સંશોધન બિલ આખા દેશમાં લાગુ થવાનું છે, પરંતુ પૂર્વોત્તર રાજ્યો - આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.

આ રાજ્યોમાં વિરોધ થવાનું કારણ એ છે કે અહીં કથિત રીતે પડોશી રાજ્ય બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં મુસલમાન અને હિંદુઓ ગેરકાયદે રીતે આવીને રહે છે.

વિરોધ એ છે કે વર્તમાન સરકાર હિંદુ મતદારોને પોતાના પક્ષમાં લેવાની ફિરાકમાં પ્રવાસી હિંદુઓને ભારતીય નાગરિકત્વ આપી અહીં વસવાટ સરળ બનાવવા માગે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સંસદના એજન્ડામાં આ વાતને સૂચિબદ્ધ કરતાં જ પૂર્વોત્તરમાં સ્થાનિક સમૂહોએ વિરોધ શરૂ કરી દીધો છે. જોકે હજુ સુધી હિંસાના કોઈ સમાચાર આવ્યા નથી.

જોકે અસમિયા ભાષાના એક સ્થાનિક અખબાર 'અસમિયા ખબર'એ પોતાના સંપાદકીયમાં ચેતવણી આપી છે કે આ બિલ પર આગળ વધવાની સ્થિતિમાં 'સત્તારૂઢ ભાજપને સ્થાનિક જનતાના ગુસ્સાનો સામનો કરવો પડશે.'

તેમાં લખવામાં આવ્યું છે કે "લોકોની વિરુદ્ધ જાય એવી સરકારોનું શું થાય છે એનો ઇતિહાસ સાક્ષી છે."

અંગ્રેજી ભાષાના 'ધ પાયોનિયર'માં આસામમાં તેને લઈને વિરોધ અને 18 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું બાળ્યું હોવાના સમાચાર છપાયા છે.

'અસમિયા પ્રતિદિન'ના રિપોર્ટ પ્રમાણે આઠ પ્રભાવશાળી વિદ્યાર્થીઓના સમૂહ, નૉર્થ ઇસ્ટ સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશન (એનઈએસઓ)એ દરેક સાત રાજ્યોમાં મોટા પાયે વિરોધ શરૂ કરી દીધો છે.

આ રિપોર્ટમાં એનઈએસઓ કાર્યકરોનો હવાલો આપીને કહેવાયું કે આ બિલને 'કોઈ પણ ભોગે સ્વીકારવામાં નહીં આવે.'

પૂર્વોત્તરના સૌથી મોટા રાજ્ય આસામમાં વિરોધ કરી રહેલા અન્ય સમૂહોમાં કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ, યુવા સંગઠન આસામ જતિયાવાડી યુવા વિદ્યાર્થી પરિષદ અને વામપંથી રાજનીતિક ગઠબંધન સમૂહ વામ-ડેમૉક્રેટિક મંચ પણ સામેલ છે.

line

CAB અને NRCમાં શું અંતર છે?

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

સરકારે જે ખરડો ગૃહમાં રજૂ કર્યો છે એ બે ખાસ બાબતો પર આધારિત છે. પહેલી, બિનમુસ્લિમ પ્રવાસીઓને ભારતનું નાગરિકત્વ આપવું અને બીજી ગેરકાયદે વિદેશીઓની ઓળખ કરીને તેમને પાછા મોકલી દેવા, જેમાં મોટાભાગના મુસલમાન છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ગૃહમંત્રી અમિત શાહે 20 નવેમ્બરે સંસદમાં કહ્યું કે એમની સરકાર નાગરિકત્વને લઈને બે અલગ-અલગ બાબતોને લાગુ કરવા જઈ રહી છે. એક, સીએબી અને બીજી સમગ્ર દેશના નાગરિકોની ગણતરી જેને નાગરિકત્વ રજિસ્ટ્રી કે એનઆરસીને નામે ઓળખવામાં આવે છે.

અમિત શાહે કહ્યું કે સીએબીમાં ધાર્મિક ઉત્પીડનને કારણે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014થી પહેલાંથી ભારત આવેલા હોય અને રહેતા હોય તેવા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકત્વ પ્રદાન કરવાની વાત છે.

એમણે કહ્યું કે એનઆરસી દ્વારા 19 જુલાઈ 1948 પછી ભારતમાં પ્રવેશ કરનારા ગેરકાયદે લોકોની ઓળખ કરી તેમને દેશ બહાર કરવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

મૂળ રૂપે એનઆરસીને સુપ્રીમ કોર્ટ તરફથી આસામ માટે લાગુ કરવામાં આવી હતી. આમાં ઑગસ્ટ મહિનામાં અહીંના નાગરિકોની એક યાદી બહાર પાડવામાં આવી. પ્રકાશિત નાગરિકોની યાદીમાંથી આશરે 19 લાખ લોકોને બહાર રાખવામાં આવ્યા.

જેમને યાદીમાંથી બહાર રાખવામાં આવે તેમણે યોગ્ય પ્રમાણપત્રો થકી પોતાનું નાગરિકત્વ સાબિત કરવું પડે.

જોકે, અમિત શાહે કહ્યું કે નવી દેશવ્યાપી પ્રક્રિયામાં આસામ ફરી જોડાશે.

ન્યૂઝ વેબસાઇટ સ્ક્રોલ મુજબ આસામમાં એનઆરસીની જે પ્રક્રિયા અપનાવવામાં આવી હતી તેમાં કટ ઑફ તારીખ 24 માર્ચ 1971 હતી જ્યારે નવી દેશવ્યાપી એનઆરસીમાં કટ ઑફ તારીખ 19 જુલાઈ 1948 છે.

line

શું ભાજપ લોકોની વિરુદ્ધ જવા માગે છે?

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વોત્તરમાં વ્યાપક વિરોધ છતાં નાગરિકતા સંશોધન બિલને લઈને ભાજપનો વધી રહેલો વિશ્વાસ એ સમગ્ર વિસ્તારમાં ભાજપને મળેલી ચૂંટણી સફળતાની નીપજ છે.

નરેન્દ્ર મોદીની સરકાર એના પ્રથમ કાર્યકાળમાં આ ખરડાને પાસ કરાવવાની કોશિશમાં હતી પરંતુ ત્યારે પૂર્વોત્તરમાં અનેક સમૂહોએ ભાજપનો વિરોધ કર્યો હતો.

2019ની ચૂંટણીનાં પરિણામો આવ્યાં, તેમાં પૂર્વોત્તરમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓએ સારું પ્રદર્શન કર્યું.

અંગ્રેજી અખબાર ધ હિંદુ મુજબ પૂર્વોત્તરની લોકસભાની 25 બેઠકમાંથી ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓએ 18 બેઠકો જીતી હતી.

વ્યાપક વિરોધ છતાં ભાજપના આસામના અધ્યક્ષ રંજિત દાસે અસમિયા પ્રતિદિન અખબારને કહ્યું કે આ ક્ષેત્રના લોકો નાગરિકત્વના મુદ્દે એમની પાર્ટીનું સમર્થન કરે છે.

દાસે કહ્યું હતું કે નાગરિકતા સંશોધન બિલને લઈને આસામના લોકોમાં ભય ઘટ્યો છે. ગત લોકસભાની અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મત આપીને આસામના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે એમને હવે નાગરિકતા સંશોધન બિલને લઈને કોઈ ચિંતા નથી.

આ સાથે ભાજપને એ વાતની પણ આશા છે હિંદુઓ અને બિનમુસ્લિમો પ્રવાસીઓને સરળતાથી નાગરિકત્વ પ્રદાન કરવાથી એમને મોટી સંખ્યામાં હિંદુઓનું સમર્થન મળશે.

ન્યૂઝ વેબસાઇટ ધ વાયરના એક અહેવાલ મુજબ નાગરિકતા સંશોધન બિલ પસાર થઈ જવાથી 'ભાજપની બહુમતીઓનો પક્ષ હોવાની છબિ વધારે મજબૂત કરવામાં મદદ મળશે.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો