હૈદરાબાદ ઍન્કાઉન્ટર : પોલીસના દાવા પર ઊઠી રહેલા પાંચ સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રશાંત ચાહલ
- પદ, બીબીસી સંવાદદાતા
તેલંગણાની રાજધાની હૈદરાબાદ નજીક એક મહિલા ડૉક્ટર સાથે ગૅંગરેપ અને પછી તેમની હત્યાના ચાર આરોપીઓને શુક્રવારની સવારે કથિત ઍન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક પોલીસે ગોળી મારી દીધી હતી.
આ કથિત ઍન્કાઉન્ટરને ઘણા લોકોએ 'વીરતાપૂર્ણ' ગણાવ્યું છે અને તેની પ્રશંસા કરી છે.
પરંતુ એવા લોકોની સંખ્યા પણ ઓછી નથી કે જેઓ આ કથિત ઍન્કાઉન્ટર પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેની નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની એક ટીમે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
તેનું નેતૃત્વ SSP સ્તરના અધિકારી કરશે અને જેમ બને તેમ જલદી આયોગને પોતાનો રિપોર્ટ સોંપશે.
આ તરફ તેલંગણા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે તેઓ ચારેય આરોપીઓના મૃતદેહ 9 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યા સુધી સાચવી રાખે અને તેમનાં પોસ્ટમૉર્ટમના વીડિયો કોર્ટમાં જમા કરાવે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓના પરિવારજનોએ કોર્ટમાં કેસ ચાલે તે પહેલાં જ પોલીસ દ્વારા ઍન્કાઉન્ટરમાં તેમને મારી નાખવા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે પોલીસની કહાણી પર તેમને વિશ્વાસ નથી.
સાઇબરાબાદના પોલીસકમિશનર વી. સી. સજ્જનારે આ કથિત ઍન્કાઉન્ટર વિશે શુક્રવારની સાંજે પત્રકારપરિષદ કરીને જે વિવરણ આપ્યું, તેના પર લોકોને વિશ્વાસ કેમ નથી થઈ રહ્યો અને પોલીસની કહાણીમાં એ કયા ભાગ છે. જેના પર સવાલ ઊઠી રહ્યા છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમજવા માટે બીબીસીએ ઉત્તર પ્રદેશ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના પૂર્વ મહાનિદેશક પ્રકાશ સિંહ, દિલ્હી પોલીસના પૂર્વ ડેપ્યુટી-કમિશનર મૅક્સવેલ પરેરા અને તેલંગણાના વરિષ્ઠ પત્રકાર એન વેણુગોપાલ રાવ સાથે વાત કરી.

1. ઍન્કાઉન્ટરનો સમય

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસકમિશનર વી. સી . સજ્જનારે દાવો કર્યો છે કે પોલીસકર્મીઓ અને આરોપીઓ વચ્ચે સવારે 5.45 થી 6.15 વાગ્યા વચ્ચે મૂઠભેડ થઈ.
આ પહેલાં તેમના જ વિભાગના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે વહેલી સવારે 4 વાગ્યે ચારેય આરોપીઓને જેલથી અપરાધસ્થળે લઈ જવામાં આવ્યા હતા.
સજ્જનારે દલીલ આપી હતી કે 'આરોપીઓને વહેલી સવારે અપરાધસ્થળે લઈ જવા પડ્યા કેમ કે તેમની સુરક્ષા મામલે ખતરો હતો. લોકોમાં ખૂબ ગુસ્સો હતો.'
પરંતુ પોલીસકમિશનરની આ દલીલથી મૅક્સવેલ પરેરા જરા પણ સહમત નથી.
તેમણે બીબીસીને જણાવ્યું, "આ દલીલ વિશ્વસનીય લાગતી નથી કેમ કે પોલીસ દિવસ દરમિયાન આરામથી આ કામ કરી શકતી હતી."
"પોલીસ વધારે પોલીસબળનો ઉપયોગ કરીને વિસ્તારને ઘેરી શકતી હતી અને 'લોકોના ડર'થી સજ્જનારનો શું મતલબ છે? શું તેઓ એવું માને છે કે ભીડ પોલીસની હાજરીમાં લિન્ચિંગ કરી શકે છે?"
આ તરફ પ્રકાશ સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલાં કેટલાંક ઍન્કાઉન્ટર્સ અને પોલીસ રેડની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, "અંધારામાં કે વહેલી સવારે પોલીસની કાર્યવાહીનું એક જ લક્ષ્ય હોય છે કે તેઓ આરોપીને રંગાયેલા હાથે પકડવા માગે છે."
"પરંતુ અહીં કોઈને પકડવાના નહોતા. તો પછી આ સમય પસંદ જ કેમ કરવામાં આવ્યો? કેમ કે સીન રિ-ક્રિએટ કરવાનું કામ તો દિવસ દરમિયાન સહેલાઈથી થઈ શકતું હતું."
"કદાચ રાત્રે થતું તેના કરતાં પણ વધારે સારી રીતે દિવસ દરમિયાન થઈ શકતું હતું."
જ્યારે વરિષ્ઠ પત્રકાર એન વેણુગોપાલ રાવ 'સીન રિ-ક્રિએટ' કરવાની પોલીસની દલીલને જ બિનજરૂરી અને બોગસ માને છે.
તેઓ કહે છે, "સાર્વજનિક રૂપે આ ચાર લોકો જ મહિલા ડૉક્ટર સાથે ગૅંગરેપ અને તેમની હત્યાના આરોપી હતા. કેમ કે પોલીસે જ એક અઠવાડિયા પહેલાં પ્રેસ રિલીઝ જાહેર કરી દાવો કર્યો હતો કે ચારેયે આરોપો સ્વીકારી લીધા છે."
"પોલીસે તો એ દાવો પણ કર્યો કે ચારેયે કૅમેરાની સામે બધી જ વિગતો જણાવી છે અને જ્યારે ચારેયે કથિત રૂપે લેખિતમાં પોતાનો આરોપ સ્વીકારી લીધો હતો તો પછી ઘટનાસ્થળે લઈ જઈને તપાસ કેમ થઈ રહી હતી? એ પણ અંધારામાં."

2. પોલીસની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે આ ચારેય આરોપીઓની 30 નવેમ્બરે ધરપકડ કરી હતી જ્યારબાદ તેમને ચેલ્લાપલી મૅજિસ્ટ્રેટની સમક્ષ મોકલવામાં આવ્યા હતા.
પોલીસકમિશનર વી. સી. સજ્જનારના જણાવ્યા પ્રમાણે 4 ડિસેમ્બરના રોજ આ આરોપીઓની કસ્ટડી પોલીસને મળી હતી. 4-5 ડિસેમ્બર એટલે કે બે દિવસ સુધી આ ચારેય સાથે પૂછપરછ કરવામાં આવી.
સજ્જનારે દાવો કર્યો, "પૂછપરછ દરમિયાન આ લોકોએ જણાવ્યું હતું કે પીડિતાનો ફોન, ઘડિયાળ અને પાવર બૅન્ક તેમણે ઘટનાસ્થળે છુપાવ્યા હતા. અમે લોકો તેની જ શોધમાં ઘટનાસ્થળે આવ્યા હતા."
"દસ પોલીસકર્મીઓની ટીમે આરોપીઓને ઘેરી રાખ્યા હતા અને ચારેય આરોપીઓના હાથ ખુલ્લા હતા."
પોલીસકર્મીઓના અધિકારો મામલે વાત કરતા મૅક્સવેલ પરેરા સુપ્રીમ કોર્ટના એક આદેશને 'અવ્યવહારિક' ગણાવતા કહે છે, "સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પોલીસ આરોપીઓના હાથ બાંધી શકતી નથી."
"આખી દુનિયામાં કોઈ અન્ય દેશમાં આવો આદેશ નથી. આ નજરે જુઓ તો ભારતમાં આરોપીઓને કથિતરૂપે સૌથી વધારે માનવાધિકાર મળ્યા છે."
"પરંતુ આ પોલીસ માટે મોટી મુશ્કેલી છે. કોર્ટ કહે છે કે પોલીસકર્મી આરોપીઓના હાથ પકડીને ચાલે, તેમને હાથકડી ન પહેરાવે."
"જોકે, કોર્ટે તપાસ અધિકારીને ઘણા અધિકારો આપ્યા છે અને આ કેસમાં એ અધિકારોના પ્રયોગની ઇચ્છાશક્તિ જોવા મળતી નથી."
પ્રકાશસિંહ કોર્ટના આદેશનો હવાલો આપીને કહે છે, "આવા સમયે તપાસ અધિકારી લીડ કરે છે. તે બધું જ રૅકર્ડ કરે છે."
"જો તેઓ ઇચ્છે કે આરોપીઓને હાથકડી લગાવવી છે, કેમ કે પોલીસબળ ઓછું છે અથવા આરોપી પોલીસ પર ભારે પડી શકે છે. તો આવા વિશેષ અવસર પર તપાસ અધિકારી હાથ બાંધવાનો નિર્ણય લઈ શકે છે."
"જોકે, તેના માટે તેમના વરિષ્ઠ અધિકારી પાસે યોગ્ય કારણ દર્શાવીને પરવાનગી લેવાની હોય છે અને ડાયરીમાં તેની નોંધ રાખવી પડે છે."
તેઓ કહે છે, "આ કેસમાં પોલીસ પાસે બધાં જ કારણો હતાં. આરોપીઓ પર ગૅંગરેપ અને હત્યાના આરોપો હતા. તેમના હાથ બાંધી શકાતા હતા. પરંતુ કોર્ટના આદેશની મૂળ ભાવનાને સમજ્યા વગર તેલંગણા પોલીસે આવું શા માટે થવા દીધું, તેનો જવાબ તેમણે તપાસમાં આપવો પડશે."
"કમિશનરનાં નિવેદનોથી એ સ્પષ્ટ છે કે આરોપીઓ પર ભૌતિક દબાણ જાળવી રાખવા માટે પોલીસકર્મીઓની જેટલી તૈયારી હોવાની જરૂર હતી, તે ન હતી. તેવામાં ફાયર કરવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય, તેની પાછળ જવાબદાર કોણ?"

3. ઍન્કાઉન્ટરનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
મૅક્સવેલ પરેરા પોલીસકમિશનર સજ્જનારના એ દાવાને પણ શંકાસ્પદ માને છે કે 'ચારેય આરોપીઓએ ડંડા અને પથ્થરોથી પોલીસ પર હુમલો કર્યો અને બે પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવી લીધાં જેના કારણે પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી.'
તેઓ કહે છે, "પોલીસ કસ્ટડીમાં હતા એ આરોપીઓને ડંડા અને પથ્થર ક્યાંથી મળી ગયા? ચાર આરોપીઓ પર દસ પોલીસકર્મીઓની સંખ્યા ઓછી નથી અને તેમની પાસેથી આરોપીઓ હથિયાર ન છીનવી શકે."
"જો એવું થયું છે, જેને પોલીસ પોતાની કહાણીમાં માની પણ રહી છે, તો વરિષ્ઠ અધિકારીઓ પર આ મામલે ગંભીર સવાલ ઊભા થઈ શકે છે."
પ્રકાશ સિંહના ગળે પણ આ વાત ન ઊતરી શકી કે બે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધાં હશે.
તેઓ કહે છે, "આ પોલીસકર્મી છે કે પછી મજાક છે. કેવી રીતે 20 વર્ષના છોકરા તમારી પાસેથી પિસ્તોલ છીનવી શકે છે."
"આવી ડ્યૂટી પર તો વધારે સાવધાની વર્તવાની હોય છે. પોલીસે કેમ ન જણાવ્યું કે એ છોકરાઓએ પિસ્તોલ છીનવી લીધા બાદ કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું?"
જ્યારે વેણુગોપાલ આ અંગે અલગ જ મુદ્દા પર વાત કરે છે.
તેઓ કહે છે, "તેઓ ક્રિમિનલ હતા. તેમાં કોઈ શંકા નથી. પરંતુ ચારેય આરોપીઓ ખૂબ તણાવમાં હતા. તેમની ઉંમર 20ની આસપાસ જ હતી."
"એવા રિપોર્ટ છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેલમાં તેમને ભોજન આપવામાં આવ્યું ન હતું. જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા, ત્યાં અન્ય કેદમાં પણ તેમને માર માર્યો હતો. લોકો કહી રહ્યા હતા કે તેમને વકીલ ન મળવો જોઈએ."
"બે દિવસથી તેઓ પોલીસની કસ્ટડીમાં હતા. તેવામાં એ અશક્ય લાગે છે કે આ ચારેયે દસ હથિયારબંધ પોલીસકર્મીઓ સામે કોઈ હરકત કરી હશે."
તેઓ કહે છે, "ચારેય આરોપીઓને એ ચોક્કસપણે ખબર હશે કે તેઓ પોલીસથી બચીને ભાગી પણ ગયા તો ભીડ તેમને જીવતાં સળગાવી દેશે. તેવામાં તેઓ પોલીસથી બચવાનો પ્રયાસ કરે જ કેવી રીતે?"

4. 'ઘાયલ' પોલીસકર્મી

ઇમેજ સ્રોત, Getty Images
વી.સી. સજ્જનારે પત્રકારપરિષદમાં દાવો કર્યો કે આરોપીઓને મારવામાં પોલીસને લગભગ દસ મિનિટ લાગી. એટલે કે ખુલ્લા મેદાનમાં આરોપીઓ અને પોલીસ વચ્ચે ક્રૉસ-ફાયરિંગ થતું રહ્યું.
જેનો અંત એ આવ્યો કે ગોળી વાગવાને લીધે ચારેય આરોપીનાં મૃત્યુ થઈ ગયાં. જોકે, એક પણ પોલીસકર્મીને ગોળી સ્પર્શી પણ નહીં.
પોલીસકમિશનર અનુસાર આ અથડામણમાં બે અધિકારીઓ ઘાયલ થયા છે, જેને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે. એમને છાતી પર ઈજા થઈ છે, જે લાકડી કે પથ્થરથી થઈ છે.
દિલ્હી પોલીસના પૂર્વ ડેપ્યુટી કમિશનર મૅક્સવેલ પરેરા જણાવે છે, "પોલીસકમિશનરનું આ નિવેદન અત્યંત શરમજનક અને બિન-વ્યવસાયિક છે. આ એકદમ યૂપી સ્ટાઇલ છે."
"જ્યારે હું દિલ્હી પોલીસમાં હતો ત્યારે યૂપીના ગુનેગારો દિલ્હીમાં આવીને આત્મસમર્પણ કરતા હતા. એમને લાગતું હતું કે યૂપી પોલીસ આત્મસમર્પણ કરતી વખતે પણ તેમને ગોળી મારી દેશે."
"દેશનો કાયદો ગુનેગારોને પણ પોતાનો તર્ક રજૂ કરવાનો અધિકાર આપે છે અને આનાથી તેમને વંચિત કરી શકાય નહીં."
પ્રકાશસિંહ જણાવે છે કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ અનુસાર આ મામલાની તપાસ થશે, ત્યારે જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. કારણ કે સાંભળવામાં પોલીસકમિશનરની આ કહાણી બહુ જ ચવાઈ ગયેલી લાગે છે.

5. દર વખતે એક જેવી જ કહાણી કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
તેલંગણાના વરિષ્ઠ પત્રકાર એન. વેણુગોપાલ રાવ રાજ્યના ઇતિહાસને ટાંકીને પોલીસની કહાણી પર સવાલ કરે છે. તેઓ કહે છે કે દર વખતે પોલીસની કહાણીમાં આટલી સમાનતા કેમ હોય છે?
તેઓ જણાવે છે, "તેલંગણા પોલીસ (પહેલાં આંધ્ર પ્રદેશ પોલીસ)નો આવી કહાણી 'સંભળાવવાનો' ઇતિહાસ રહ્યો છે. તેઓ આમાં બહુ જ નિપુણ છે. વર્ષ 1969 બાદથી જ તેઓ ઍન્કાઉન્ટરના આવા કિસ્સા સંભળાવી રહ્યા છે."
"આ પ્રકારના સંઘર્ષની શરૂઆત નક્સલીઓ વિરુદ્ધ કરાઈ હતી અને સિવિલ સોસાયટીએ ક્યારેય તેના પર સવાલ નહોતા ઉઠાવ્યા. જોકે, વર્ષ 2008-2009 બાદ પોલીસે આ રણનીતિનો ઉપયોગ શરૂ કરી દીધો."
"જ્યારે તેલંગણાનું નિર્માણ થયું અને આ વિસ્તારમાં તેલંગણાનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ચંદ્રશેખર રાવ સહિત ટીઆરએસના નેતાઓએ અહીંની પોલીસ પર આરોપ લગાવ્યા હતા કે આંદોલન દબાવી દેવા માટે પોલીસ ખોટા રસ્તાઓ અપનાવી રહી છે."
"પણ જેવા તેઓ સત્તામાં આવ્યા, એમની સરકારમાં પણ પોલીસે નાલગોન્ડા જિલ્લામાં ચાર કથિત મુસ્લિમ ઉગ્રવાદીઓને વારંગલ જેલથી હૈદરાબાદના રસ્તામાં શૂટ કરી દીધા. એ વખતે પણ પોલીસે આ જ કહાણી કહી હતી. આ વર્ષ 2014નો કિસ્સો છે."
"પણ આ કહાણી વર્ષ 1969થી શરૂ થાય છે. ત્યારે આંધ્ર પ્રદેશમાં પહેલું ઍન્કાઉન્ટર થયું હતું. પોલીસે કોલકતાથી આવી રહેલા સીપાઈ(એમએલ)ના સાત સભ્યોની રેલવેસ્ટેશન પર ઊતરતાની સાથે જ ધરપકડ કરી લીધી અને બાદમાં તેમને ગોળી મારી દીધી."
"એ વખતે પોલીસે ઍન્કાઉન્ટરની જે કહાણી સંભળાવી હતી એ આજ સુધી એવી જ છે. માત્ર પાત્રો, તારીખો અને જગ્યાઓ દર વખતે બદલાઈ જાય છે.
હૈદરાબાદમાં ઘટેલી બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કરતા એન. વેણુગોપાલ રાવ કહે છે કે ડિસેમ્બર 2007માં પોલીસકમિશનર વી. સી. સજ્જનારે વારંગલ જિલ્લામાં ઍસિડ-ઍટેકના ત્રણ આરોપીઓને પોલીસની કસ્ટડી દરમિયાન ગોળી મારી દીધી હતી.
હૈદરાબાદ કેસ બાદ આપણે જોયું કે લોકોએ સોશિયલ મીડિયા પર વારંગલની કહાણી લખીને સજ્જનારને પડકાર આપ્યો હતો કે તેઓ હવે આવું કેમ નથી કરતા?
તેઓ જણાવે છે કે 90ના દાયકામાં ચંદ્રબાબુ નાયડુ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે આ પ્રકારે ઍન્કાઉન્ટર કરનારા અધિકારીઓને બઢતી મળવા લાગી હતી.
પણ શું રાજ્યમાં આજ સુધી કોઈ પણ ઍન્કાઉન્ટરની તપાસ બાદ પોલીસને કસૂરવાર ઠેરવવામાં આવી છે?
આના જવાબમાં વેણુગોપાલ જણાવે છે, "વર્ષ 1987-88માં મૅજિસ્ટ્રેટે પોતાની તપાસમાં જાણ્યું હતું કે અધિકારીઓનો તર્ક પાયાવિહોણો છે અને તેમને સજા મળવી જોઈએ."
"તો એ મામલાનો અંત એ રીતે આવ્યો કે મૅજિસ્ટ્રેટની બદલી થઈ ગઈ. એટલે સરકાર પોલીસ વિરુદ્ધ જશે કે નિષ્પક્ષ તપાસમાં સહકાર આપશે, એવી આશા જણાતી નથી."
વેણુગોપાલ કહે છે, "ગત બે સપ્તાહમાં તેલંગણા રાજ્યમાં હૈદરાબાદ ગૅંગરેપ જેવા જ અન્ય ત્રણ કેસો સામે આવ્યા હતા."
"જોકે, અન્ય બે યુવતીઓ (એક વારંગલનો કિસ્સો અને બીજો અદિલાબાદનો કિસ્સો) દલિત હતી. એના પર ખાસ ચર્ચા ન થઈ. આ પણ એક બહુ મોટો સવાલ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













