હૈદરાબાદ ઍન્કાઉન્ટર : આરોપીઓના મૃતદેહો સુરક્ષિત રાખવા હાઈકોર્ટનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને બાદમાં હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું.
ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
આ મામલામાં તેલંગણા હાઈકોર્ટે પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓના મૃતદેહોને સોમવાર એટલે કે 9 ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવાના આદેશ આપ્યા હતા.
આ મામલે હાઈકોર્ટ સોમવારે સુનાવણી કરશે. મહિલા તથા માનવાધિકારો માટે કામ કરતાં સંગઠનોએ આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરી છે.
કોર્ટે રાજ્ય સરકારને મૃતદેહોના પોસ્ટમૉર્ટમનો વીડિયો પણ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
બુધવારે મહેબૂબનગર જિલ્લાની શાદનગર કોર્ટે આરોપીઓની કસ્ટડી પોલીસને સોંપી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા.
ઘટનાસ્થળે જ્યારે પોલીસ ઘટનાને રિ-કન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ઍન્કાઉન્ટર થતાં ચારેય આરોપીઓનાં મૃત્યુ થયાં હતાં.

આ ઍન્કાઉન્ટર નહીં પણ ઠંડા કલેજે કરાયેલી હત્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદ ગૅંગરેપની ઘટના કેરલ હાઈકોર્ટના પૂર્વ જજ પાશાએ ઠંડા કલેજે કરાયેલી હત્યા ગણાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર મુજબ એમણે કહ્યું કે ''હું આને ઍન્કાઉન્ટર ન કહી શકું. મને લાગે છે કે આ ઠંડા કલેજે કરાયેલી હત્યા છે. જો આ લોકોની લાગણી હોય તો પણ પોલીસે કરવા જેવું નહોતું.''
એમણે એમ પણ કહ્યું કે ''શરૂઆતમાં પોલીસ મહિલાનાં ગુમ થવાની ફરિયાદ પ્રત્યે ગંભીર ન બની. પછી જ્યારે સળગાવી દેવાયેલી સ્થિતિમાં મળી અને લોકોએ ખૂબ આક્રોશ ઠાલવ્યો ત્યારે પોલીસે પોતાની ચામડી બચાવવા માટે જ એમને ઠાર કર્યા હશે. આ ભારતીય દંડ વિધાન મુજબની સજા નથી. હું માનું છું કે એ આરોપીઓને મોટામાં મોટી સજા થવી જોઈતી હતી પરંતુ આ સાચી રીત નથી.''
એમણે એમ પણ કહ્યું કે ''તેલંગણાના લોકો ખુશ છે પરંતુ આ ભયાનક પરિસ્થિતિ છે. લોકોની ઇચ્છા હોય તો કંઈ પણ કરી શકાય એવું હવે પોલીસ વિચારશે.''

માયાવતીથી લઈને કેજરીવાલ : ઍન્કાઉન્ટરને લઈને નેતાઓએ શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પોલીસે શું કહ્યું?
ઍન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનર વીસી સજ્જનારે પત્રકારપરિષદને સંબોધી હતી.
એમણે કહ્યું કે ચારે આરોપીઓએ લાકડી અને પથ્થરથી હુમલો કરી દીધો. એમણે અમારા બે પોલીસકર્મીઓની બંદૂક છીનવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધું. અમે ચેતવણી આપી તો પણ તેઓ અટક્યા નહીં. જવાબી કાર્યવાહીમાં ચારેયનું મૃત્યુ થયું. આ ઘટનામાં અમારા બે પોલીસ અધિકારી પણ ઘાયલ થયા છે.

નિર્ભયા કેસમાં અપરાધીની દયાની અરજી ફગાવી દેવાનો પ્રસ્તાવ
હૈદરાબાદ ગૅંગરેપના આરોપીઓના ઍન્કાઉન્ટરની ચર્ચા થઈ રહી છે ત્યારે એ કેસમાં દોષિત ઠરેલા અપરાધી વિનય શર્માની દયાની અરજી ફગાવી દેવાનો પ્રસ્તાવ રજૂ થયો છે.
2012માં બનેલી એ ઘટનામાં અપરાધી વિનય શર્માને ફાંસીની સજા થઈ હતી. આ અંગેની દયાની અરજી ગૃહ મંત્રાલયમાં પૅન્ડિંગ હતી. ગૃહ મંત્રાલયે હવે તે નકારી કાઢવાના અનુરોધ સાથે રાષ્ટ્રપતિને મોકલી આપી છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજસ્થાનના સિરોહીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મહિલાઓની સુરક્ષા એક ગંભીર મુદ્દો છે.
એમણે એમ પણ કહ્યું કે જેમના ઉપર પૉક્સો ઍક્ટ હેઠળ બળાત્કારનો આરોપ હોય તેમને દયાની અરજી કરવાનો અધિકાર ન હોવો જોઈએ.
રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે દયાની અરજી પર સંસદે નિર્ણય લેવો જોઈએ.

ન્યાય મોડો મળે છે એનો અર્થ એ નથી કે તમે ગોળી મારી દો - મેનકા ગાંધી
ભાજપનાં વરિષ્ઠ નેતા અને લોકસભાનાં સાંસદ મેનકા ગાંધીએ હૈદરાબાદ ગૅંગરેપ કેસના આરોપીઓનાં ઍન્કાઉન્ટરની નિંદા કરી છે.
તેમણે કહ્યું, "હું આ ઍન્કાઉન્ટરની વિરુદ્ધ છું. જે કંઈ પણ થયું છે તે વધારે ભયાનક છે. તમે કાયદાને હાથમાં ન લઈ શકો. કાયદા પ્રમાણે પણ તેમને ફાંસી મળત."
"જો તમે કાયદેસરની સજા પહેલાં એમને ગોળી મારી દેશો તો પછી અદાલત, પોલીસ અને કાયદાના રાજનો ફાયદો શું?"
"જો નિર્ભયાના આરોપીને હજી સુધી સજા નથી મળી તો એ કાયદાની ક્ષતિ છે, પરંતુ ન્યાયમાં વિલંબનો મતલબ સીધી ગોળી મારી દેવો એ નથી."

હૈદરાબાદ ઍન્કાઉન્ટર પર બીબીસી તેલુગુ સંપાદક જી. એસ. રામમોહનની ટિપ્પણી
આ ગૅંગરેપ અને હત્યાની ઘટના પછી સમગ્ર સમાજમાં એક પ્રકારનો ગુસ્સો હતો.
લોકો કાનૂની તંત્રથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને આ મામલે જલદી સમાધાન ઇચ્છતા હતા.
એ જ કારણ છે કે નિયમોને નેવે મૂકીને જ્યારે આ રીતે ન્યાય અપાવવાની વાત આવે છે ત્યારે લોકો એની તરફેણ કરે છે.
આ ઘટનાએ પોલીસ દ્વારા કરવામાં આવતા ઍન્કાઉન્ટર બાબતે લોકોમાં સહાનુભૂતિ ઊભી કરવાનું કામ કરે છે.
સાઇબરાબાદના પોલીસ કમિશનર વી. સી. સજજ્નર એ જ અધિકારી છે જેમણે તેઓ વારાંગલમાં હતા ત્યારે ઍસિડ ઍટેક કેસમાં ત્રણ આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું હતું. એ વખતે લોકોએ તેમને હીરો બનાવી દીધા.
જો સમાજના દૃષ્ટિકોણથી જોઈએ તો આ ઍન્કાઉન્ટર પર મોટા ભાગના લોકો જશ્ન મનાવી રહ્યા છે.
કેટલાક એમ પણ કહી રહ્યા છે કે આમ કરવાથી બંધારણ અને વ્યવસ્થા પડી ભાંગશે. જોકે, આવું કહેનારા લોકોની લોકોનો અવાજ ઓછો છે અને ઘોંઘાટ કરનારા લોકો વધારે છે.

માનવઅધિકાર પંચે તપાસ શરૂ કરી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હૈદરાબાદ ઍન્કાઉન્ટર કેસની ઘટનાનું રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે. માધ્યમોના અહેવાલોને આધારે આને રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે (એનએચઆરસી)એ સુઓમોટો ફરિયાદ ગણી છે.
પંચે ડીજી (ઇન્વેસ્ટિગેશન)ને આ ઘટનાની તત્કાળ તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
આ દરમિયાન કૉંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે આ ખોટું છે, તેને ટેકો ન આપી શકાય.
"પોલીસ કાયદો પોતાના હાથમાં લે અને ન્યાયના લીરા ઉડાવે તેને ટેકો ન આપી શકાય. તપાસ થવી જોઈએ."
"કેટલાક લોકો ઍન્કાઉન્ટરને ટેકો આપે છે એટલા માત્રથી ઍન્કાઉન્ટરને ન્યાયી ન ઠેરવી શકાય. કેટલાક તો વળી લિન્ચિંગને પણ ટેકો આપે છે."
કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પણ કહ્યું કે મને હૈદરાબાદ ઘટનાનાં તથ્યો વિશે જાણ નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે હું માનું છું કે એ સાચું ઍન્કાઉન્ટર છે કે નહીં તેની યોગ્ય તપાસ થવી જોઈએ.

પૂર્વ DGPએ આપી પ્રતિક્રિયા
હૈદરાબાદમાં આરોપીઓના થયેલા ઍન્કાઉન્ટર મામલે ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ડી.જી. વણઝારાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
સ્થાનિક મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું, "પોલીસે દુષ્કર્મની ઘટના કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "પકડાયેલા તહોમતદારો જો ભાગવાના પ્રયત્નો કરે અથવા પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો કરે તો ગુજરાતમાં તેમની સામે પણ ઍન્કાઉન્ટર થવા જોઈએ અને તેમને પણ એ જ સ્થાન બતાવવું જોઈએ, જે સ્થાન હૈદરાબાદની પોલીસે ત્યાં દેખાડ્યું છે."

પીડિતનાં માતાએ શું કહ્યું?
પીડિતનાં માતાએ કહ્યું, "જેમણે દુ:ખ અનુભવ્યું છે તે લોકો જ દુઃખ અનુભવશે. મને લાગે છે કે ન્યાય થયો છે."
"હાલ સુધી નિર્ભયાના કેસમાં પણ કાંઈ થયું નહોતું. રોજ, હું કહેતી હતી કે કશું થતું નથી. પરંતુ તેમણે ઍક્શન કરી દેખાડ્યું છે."
"મારી દીકરી ખૂબ સારી હતી. હું હાલ પણ વિચારું છું કે મારી દીકરી ઘરે પાછી આવશે. તે ઘરેથી જમ્યા વિના ગઈ હતી."
"કાયદામાં ફેરફાર થવો જોઈએ અને જો કોઈ ભૂલ કરે તો તરત જ સજા મળવી જોઈએ."
પીડિતાના પિતાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમારી દીકરીના મૃત્યુને આજે દસ દિવસ થઈ ગયા છે અને આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ બદલ હું પોલીસને અભિનંદન આપું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે."
પીડિતાનાં બહેને એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, "આ એક ઉદાહરણ બનશે અને બીજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર કરવાથી પણ હવે ડરશે."
"ઘટના પછી અમારી પડખે રહેવા બદલ હું તમામનો આભાર માનું છું."

'આપણે આ ન્યાયની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
માનવાધિકાર અને લીગલ ઍક્ટિવિસ્ટ રેબેકા જોહ્ને ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે ઍન્કાઉન્ટર પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે :
આપણે આ ન્યાયની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસે વિશ્વાસ ન આવે એ રીતે 4 લોકોને અડધી રાત્રે મારી નાખ્યા.
શા માટે? કેમ કે તેમની જરૂર ન હતી. આ તો એવું થયું કે દિલ્હી પોલીસે એ લોકોને મારી નાખ્યા જેમના જોરબાગ અને મહારાણીબાગમાં રહેતા લોકો સાથે સંબંધ હતા.
શું આપણી પાસે એટલા પુરાવા હતા કે જેનાથી એ સાબિત થઈ શકે કે તેમણે કોઈ ગુનો કર્યો હતો કે નહીં?
શું કોઈ કોર્ટે એ પુરાવા જોયા હતા? શું તેમને કોઈ કોર્ટે આરોપી સાબિત કર્યા હતા? અને જો એવી ધારણા છે કે તેમણે કોઈ ગુનો કર્યો છે, તો તેના માટે પણ એક પ્રક્રિયા છે કે જેનું પાલન કરવું જરૂરી છે.
જો એ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું, તો હવે આગળ તમારો વારો પણ હોઈ શકે છે.
બધા ધારાસભ્યો, રાજકીય પાર્ટીઓ અને કાર્યકર્તાઓ ન્યાય માટે નારા લગાવે છે. એ ન્યાય હવે તમને મળી ગયો છે. તમારું મિશન પૂર્ણ થયું. હવે તમે ઘરે જાઓ, જ્યૂસ પીવો. તમારી ભૂખહડતાળ પૂર્ણ થઈ ગઈ છે.
તમને ક્યારેય કોઈની ચિંતા ન હતી. જો તમને ચિંતા હોત, તો મહિલાઓ પર જે પ્રકારના હુમલા થાય છે તે થતા જ નહીં. ઉદાહરણ ગઈ કાલે ઉન્નાવમાં બનેલી ઘટના જ છે.
બળાત્કાર પીડિતાને સપૉર્ટ આપવો એ લાંબી અને અઘરી પ્રક્રિયા છે. તમે તેમને ક્યારેય મળ્યા નથી, તેમની સાથે ક્યારેય વાત કરી હોતી નથી. તમને જરા પણ ખબર હોતી નથી કે તેમણે કેવી વસ્તુનો સામનો કર્યો છે અને તેઓ શું ઇચ્છે છે.
તમારા માથા શરમથી લટકાવી દો. થોડો ડર રાખો. એ યાદ રાખો કે તમે એ નથી આપી રહ્યા જે ખરેખર મહિલા ઇચ્છે છે. અમારા નામે તો જરા પણ નહીં.

શું છે ઘટના?
28 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં એક ટૉલ પ્લાઝા પાસે 26 વર્ષીય એક ડૉક્ટરનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા પર બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેમની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ દેશભરમાં આરોપીઓને મૃત્યુદંડની માગ ઊછી હતી અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા હતા.
ઘટના બાદ પત્રકારપરિષદમાં પોલીસે કહ્યું, "ટ્રકડ્રાઇવર અને ક્લિનર ટોલપ્લાઝાની પાસે દારૂ પી રહ્યા હતા."
"આ દરમિયાન સ્કૂટરમાં પંચર થવાને કારણે એકલી ઊભેલી યુવતી પર તેમની નજર પડી. તેઓ પંક્ચર કરાવી આપવાના બહાને તેમને પોતાની સાથે લઈ ગયા."
"આરોપીઓએ બુધવારની રાતના 9.30 વાગ્યાથી ગુરુવારની સવારના 4 વાગ્યા સુધી ડૉક્ટર યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને પછી હત્યા કરી દીધી."
"હત્યા કર્યા પછી આરોપીઓ મૃતદેહને આશરે 30 કિલોમિટર દૂર એક પુલની નીચે લઈ ગયા અને મૃતદેહને ચાદરમાં લપેટીને કેરોસીન છાંટીને સળગાવી દીધો."
"સળગાવી દીધા પછી શબ સરખું સળગી ગયું છે કે નહીં તેની પણ તેમણે તપાસ કરી અને પછી તેઓ ઔરંગાબાદ નીકળી ગયા."
આ ઘટનામાં ફરિયાદ લેવામાં મોડું કરવા બદલ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
યુવતીનાં પરિવારજનોએ સાયબરાબાદ પોલીસ કમિશનરને કહ્યું કે પોલીસે સ્ટેશનની હદની અવઢવમાં ત્વરિત પગલાં ન લીધાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














