અયોધ્યા ચુકાદો : ભાજપ માટે શું આનાથી વધારે સારો સમય ન હોઈ શકે?

    • લેેખક, શિવમ વિજ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ફેબ્રુઆરી 2012ની વાત છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી. સ્પષ્ટ જણાતું હતું કે બસપા સત્તા ગુમાવી રહી છે અને સમાજવાદી પાર્ટ સત્તાની રેસમાં સૌથી આગળ જણાઈ રહી છે.

એક જમાનામાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસનો ગઢ ગણાતું હતું પણ 2012 સુધીમાં કૉંગ્રેસની હાલત કફોડી થઈ ચૂકી હતી. જોકે, રસપ્રદ વાત એ છે કે એ વખતે ભારતીય જનતા પક્ષ પણ નિરાશ જણાતો હતો.

અલાહાબાદ પાસે ફૂલપુરના એક ગામમાં મેં દરેક પાર્ટીના બૂથ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. ભાજપના કાર્યકરોમાં એક બ્રાહ્મણ વકીલ પણ હતા અને તેઓ ઘણા વાચાળ હતા.

ભાજપનું પ્રદર્શન એ ચૂંટણીમાં સારું નહોતું જણાઈ રહ્યું. મેં તેમને પૂછ્યું કે શું ખોટું થઈ રહ્યું છે? ઉત્તર પ્રદેશમાંથી ભાજપ આગળ વધ્યો હતો અને હવે પતન કેમ દેખાઈ રહ્યું છે?

ભાજપના એ વકીલ કાર્યકરનો જવાબ હતો, "લોકોને લાગે છે કે અમે રામમંદિરના મુદ્દે દગો કર્યો છે."

રામજન્મભૂમિના આંદોલનના કારણે જ ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભાજપનો ઉદય શરૂ થયો હતો.

આ જ આંદોલનમાં અયોધ્યમાં બાબરી મસ્જિદ ધ્વંશ કરાઈ હતી અને બાદ પક્ષે મુખ્ય ધારાની સ્વીકૃતિની લાલચમાં મુદ્દાને કોરાણે કરી નાખ્યો હતો.

રામમંદિરના આંદોલનના કારણે જ લોકસભામાં ભાજપની બેઠકો માત્ર પાંચ વર્ષમાં બેમાંથી વધીને 85 સુધી પહોંચી ગઈ.

વકીલે કહ્યું, "બીજી વાત એ છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં જાતિનું રાજકારણ બરાબર રમી ન શક્યો."

મેં તેમને પૂછ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને ફરી બેઠો કરવા શું કરવું જોઈએ?

મને લાગ્યું કે તેઓ જાતિના રાજકારણને સમજવા, પછાત વર્ગને સાથે લેવા અને રામમંદિરનું આંદોલન ફરીથી બેઠું કરવાની વાત કરશે, પણ તેમના મગજમાં કંઈક અલગ જ વાત હતી.

નવું ધ્રુવીકરણ

તેમણે કહ્યુ, "ભાજપને ઉત્તર પ્રદેશમાં મજબૂત કરવા માટે અમારે મોદીને (રાષ્ટ્રીય રાજકારણમાં) લાવવા પડશે."

હું તેમની વાતથી ચોંકી ગયો. મેં પૂછ્યું કે ગુજરાતના મુખ્ય મંત્રી યૂપીમાં શું કરી શકશે?

તેમણે કહ્યું, "મોદી સાથે ધ્રુવીકરણ આવશે. તમે મોદીની સાથે રહો અથવા તેમના વિરુદ્ધ. આવું જ ધ્રુવીકરણ રામમંદિર સમયે પણ હતું."

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે ભાજપને 403માંથી માત્ર 47 બેઠકો મળી હતી. પક્ષને માત્ર 15 ટકા મત મળ્યા હતા.

તેના 19 મહિના બાદ વકીલ સાહેબ જેવા કાર્યકરોની વાત પક્ષના આગેવાનોએ સાંભળી અને નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા.

વર્ષ 2012થી વર્ષ 2014 સુધી, માત્ર બે વર્ષમાં ભાજપના મત 15 ટકાથી વધીને 43 ટકા થઈ ગયા.

તેઓ લોકસભાની 80 બેઠકોમાંથી 71 બેઠકો પર જીતી ગયા. આ દરમિયાન ફૂલપુર જિલ્લામાં મને મળેલા ભાજપના એ કાર્યકરને હું ક્યારેય ભૂલી શક્યો નહીં.

એ કાર્યકરની જવાબદારી હવે બદલાઈ ગઈ હતી. તેઓ હવે ગામમાં ભાજપના બૂથવર્કર નહોતા રહ્યા. એ કામ ઓબીસી સમાજના એક નવા કાર્યકરને સોંપી દેવાયું હતું.

આજે જ્યારે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટે કાયદેસર વિવાદીત જમીન હિંદુઓને આપી દીધી ત્યારે મને એ કાર્યકર યાદ આવે છે.

એ ગામમાં દરેક જ્ઞાતિના ભાજપના દરેક કાર્યકરો હવે કહી શકે એમ છે કે પાર્ટીએ આપેલું વચન નિભાવ્યું છે કારણ કે સુપ્રીમ કોર્ટમાં સરકારે મંદિર બનાવવાના પક્ષમાં પેરવી કરી હતી.

'મુસ્લિમો હવે વધુ હાંસિયામાં ધકેલાયા'

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા મુસ્લિમોને મળ્યો, જેઓ ઇચ્છતા હતા કે અયોધ્યામાં મંદિર બની જાય જેથી તેમને આ વિવાદમાંથી છૂટકારો મળે.

મુસ્લિમોને બાબરીના ધ્વંસ બાદ દેશમાં થયેલાં રમખાણો યાદ છે અને એથી એક મસ્જિદથી વધુ તેઓ પોતાની સુરક્ષાની ચિંતા કરે છે.

સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે વધારાની અલગ જમીન આપવાની વાત કરી છે છતાં આ નિર્ણયથી મુસલમાનોને હાંસિયામાં ધકેલી દેવાની અને તેમને બીજા દરજ્જાના નાગરિક સમજવાની વાતને એક રીતે કાયદાકીય માન્યતા મળી ગઈ છે.

આજના ભારતીય મુસ્લિમો વધુ ચિંતિત છે કારણ કે તેમની સામે 'નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન' એટલે કે 'એનઆરસી' જેવા પડકારો ઊભા છે.

તેઓ જાણે છે કે તેમને હવે સિસ્ટમમાંથી ન્યાય નહીં મળે, એથી તેઓ હવે દસ્તાવેજો શોધવાની મથામણમાં લાગી ગયા છે, જેથી સાબિત કરી શકે કે તેમના દાદા-પરદાદા ભારતના જ હતા.

હિન્દુત્વનો સમય

મંદિર બનાવવા માટે સરકાર હવે એક ટ્રસ્ટની રચના કરશે. તેની પ્રક્રિયા દરમિયાન મોટા સમાચાર બનશે અને દરેક મોટી ચૂંટણી પહેલાં વિવાદીત નિવેદનો આવતાં રહેશે.

વર્ષ 2019 હજુ પૂરું નથી થયું અને અનુચ્છેદ 370 હઠાવાયા બાદ હિંદુત્વનો આ બીજો મોટો વિજય થયો છે.

સંસદના આગામી સત્રમાં 'નાગરિક સંશોધન બિલ' રજૂ કરવામાં આવશે અને કોને ખબર એક 'યુનિફોર્મ સિવિલ કૉડ' અને 'ધર્માંતરણવિરોધી કાયદા' પર પણ વાત થાય?

પહેલાંથી જ બૅક-ફૂટ પર આવી ગયેલો વિપક્ષ વધુ બૅક-ફૂટ પર ચાલ્યો જશે.

રાજીવ ગાંધી અને નરસિમ્હા રાવે હિંદુઓના મત ગુમાવવાના ડરથી રામજન્મભૂમિના આંદોલનને ચાલવા દીધું હતું પરંતુ કૉંગ્રેસ મુસ્લિમ મત ગુમાવી દેવાના ડરનો શ્રેય નહીં લઈ શકે.

અયોધ્યાના ચુકાદાએ વિપક્ષને ક્યાંયનો નથી છોડ્યો. વિપક્ષ હંમેશાંથી એવું કહેતો રહ્યો હતો કે આ મામલે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે, પરંતુ સુપ્રીમ કોર્ટે એવો જ ચુકાદો આવ્યો છે, જેવો ભાજપ ઇચ્છતો હતો.

આ નિર્ણયથી પહેલાંથી જ ઉત્સાહિત ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર વધુ ઉત્સાહમાં જણાય છે.

આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે મોદી સરકાર આર્થિક સુસ્તી અને વધી રહેલી બેરોજગારી પરથી ધ્યાન હઠાવવા માટે હિંદુત્વનું રાજકારણ રમી રહ્યું છે.

એટલે ભાજપ માટે ચુકાદાનો આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ જ શકે નહીં.

મે, 2019માં 303 બેઠકો જીત્યા બાદ અને ઑગસ્ટમાં અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ પણ ભાજપ મહારાષ્ટ્ર અને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નથી.

પરંતુ આ ચુકાદાએ ડિસેમ્બરમાં યોજાનારી ઝારખંડની વિધાનસભાની અને ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો