શોલે ફિલ્મનું આ સ્થળ હવે માત્ર તમારી યાદોમાં રહી જશે

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે

જેમણે પણ બૉલિવૂડની જાણીતી ફિલ્મ શોલે જોઈ છે, તેઓ એ સીન ક્યારેય નહીં ભૂલે જેમાં બસંતી ભગવાન શિવ પાસે સારા વરની માંગણી કરે છે અને ધર્મેન્દ્ર ભગવાનની મૂર્તિ પાછળથી શિવજીના અવાજમાં બસંતીને જવાબ આપે છે.

ફરી એ દૃશ્ય જોવાની જરૂર છે કારણ કે જ્યાં આ મંદિરનો સેટ બનાવવામાં આવ્યો હતો, તે સ્થળ હવે 'વિકાસ'ને ભેટ ચઢી જવાનું છે.

હકીકતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 275, જેને બેંગલુરુ-મૈસુર હાઈવે કહેવાય છે, તેના માટે બાયપાસ બની રહ્યો છે, જે રામનગર નજીકથી નીકળશે.

કર્ણાટકનું એ રામનગર, જેના પહાડી વિસ્તારમાં પ્રોડ્યૂસર રમેશ સિપ્પીએ પોતાની બ્લૉક બસ્ટર ફિલ્મ શોલેનું શૂટિંગ કર્યું હતું અને ફિલ્મમાં સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન, અમજદ ખાન અને જયા બચ્ચન પણ સામેલ હતાં.

કોણ ભૂલી શકે કે આ એ જ ફિલ્મ છે જેમાં ગબ્બર સિંહની ભૂમિકામાં અમજદ ખાન એક વિલન હોવા છતાં હીરો તરીકે ઊભરી આવ્યા.

ઇતના સન્નાટા ક્યોં હે ભાઈ

શોલેમાં સલીમ-જાવેદની જોડીએ લખેલો રહીમ ચાચા(એ. કે. હંગલ)નો એ લોકપ્રિય ડાયલૉગ પણ તમને યાદ હશે - "ઇતના સન્નાટા ક્યોં હે ભાઈ?"

આ ડાયલૉગને પણ એટલા માટે યાદ કરવાની જરૂર છે કારણ કે આ વિસ્તારમાં પણ સન્નાટો છવાઈ શકે છે.

એ ડર છે કે હવે અહીં લાંબી પાંખોવાળાં ગીધ, હિમાલયન ગ્રિફિન અને ઇજિપ્તનાં ગીધ પણ આવતાં બંધ થઈ જશે.

નેસ્ટિંગની મોસમમાં આ પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી અહીંના રામબેટ્ટા ગીધ અભ્યારણ્યમાં ઇંડા મૂકતાં હતાં. જે એ એક ઇકૉ સૅન્સિટિવ ઝોન છે.

કર્ણાટક વલ્ચર ઝોનના શશીકુમારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "સામાન્ય રીતે આ પક્ષીઓ નવેમ્બર અને માર્ચ વચ્ચે અહીં આવીને પોતાના માળા બનાવે છે."

"છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ કારણોથી વિદેશી પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ છે. જો સડક બનાવવા માટે અહીં વિસ્ફોટ કરવામાં આવ્યા તો પક્ષીઓ માળા બનાવી શકશે નહીં."

એક વન અધિકારીએ પુષ્ટિ કરી કે સ્થાનિક ઇકૉ સૅન્સિટિવ ઝોને બાયપાસ રોડ બનાવવા માટે વિસ્ફોટ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

રૅન્જ ફૉરેસ્ટ અધિકારી એ. એલ. દાલેશ કહે છે, "અહીં કોઈ વિસ્ફોટ થઈ રહ્યા નથી. કૉન્ટ્રાક્ટર હાઈવે બનાવવા માટે એક ખાસ ઉપકરણથી શિલાઓ તોડી રહ્યા છે. આ વિસ્તારમાં વિસ્ફોટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે."

અહીં સડક બની રહી છે, જેની બિલકુલ બાજુમાં એક બોર્ડ લગાવેલું છે, જેમાં સ્થાનિક લોકોએ ચેતવણી લખી છે કે બની શકે કે તમારી નજીક વિસ્ફોટ થઈ રહ્યો હોય અને કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓનો આરોપ પણ છે કે વિસ્ફોટ થઈ રહ્યા છે.

ઓળખ ન આપવાની શરતે રામનગર જિલ્લાના એક પૂર્વ અધિકારીએ કહ્યું, "લોકોમાં આ અંગે શંકા છે કે વિસ્ફોટ ક્યાંય પણ થઈ શકે. એવું થયું છે કે આ વર્ષે કેન્દ્રીય કાયદામાં સંશોધન કરવામાં આવ્યું છે કે કોઈ પણ ઇકૉ સૅન્સિટિવ ઝોનથી એક કિલોમિટરના વિસ્તારમાં વિસ્ફોટ કરવા પર પ્રતિબંધ હશે."

"આ પહેલાં આ સીમા 10 કિલોમિટરની હતી. રાજ્ય સરકાર આ અંગે કશું કરી શકતી નથી."

વર્ષ 2000 સુધી રામદેવરાવા બેટ્ટા ગીધ અભ્યારણ્યના આસપાસના વિસ્તારને ઇકૉ સૅન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો નહોતો એ વિચિત્ર વાત છે.

ત્યાં સુધી કર્ણાટક અને દેશના અન્ય ભાગોમાં ઘણા પ્રવાસીઓ આ ત્રણ એકરના વિસ્તારમાં આવતાં જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું.

કેટલાક લોકો તો ત્યાં જઈને ગબ્બરસિંગની જેમ ચાલતાં અને તેમની મિમિક્રી કરતા હતા.

પર્યાવરણ સપોર્ટ ગ્રૂપના ટ્રસ્ટી સિંહ સલ્દાન્હા જણાવે છે, "રામદેવરા બેટ્ટા ગીધ અભ્યારણ્યને વર્ષ 2000માં સુરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.

"પરંતુ આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે 10 કિલોમિટરની સીમાના નિયમને બદલીને એક કિલોમિટર કરી દીધો. તે પછીથી અહીં લુપ્તપ્રાય પ્રાણીઓ માટે જોખમ ઊભું થયું છે. વન્યજીવો માત્ર અભ્યારણ્યની ચાર દિવાલો વચ્ચે રહેતાં નથી."

સાંભળવામાં વિચિત્ર લાગે છે કે વન વિભાગે આ પહેલાંની રાજ્ય સરકારને રામગઢમાં થીમપાર્ક બનાવતા રોકી હતી. ફિલ્મમાં રામનગરનું નામ રામગઢ રાખવામાં આવ્યું હતું.

ઓળખ ન આપવાની શરતે એક પૂર્વ જિલ્લા અધિકારીએ જણાવ્યું, "એ અભ્યારણ્યની નજીક બનવાનું નહોતું. તે 10 કિલોમિટર દૂર બનવાનું હતું."

"અમે ઇચ્છતા હતા કે પર્યટકોને શોલેના કેટલાંક લોકપ્રિય દૃશ્યોનું થ્રી ડી પ્રેઝન્ટેશન બતાવીને પછી તેમને અભ્યારણ્યમાં લઈ જવાય."

વન્યજીવ વિસ્તારની સુરક્ષાનો સંઘર્ષ, શોલેની યાદો અને ગીધોની વાત, તમને ઠાકુર બલદેવસિંહ અને તેમના બે ટેકેદાર જય અને વીરુની ગબ્બર સિંહ સાથે ફાઇટની યાદ અપાવતી નથી?

રામનગરની સૌથી રસપ્રદ વાત એ છે કે ફિલ્મ શૂટિંગનાં 44 વર્ષ પછી પણ બેંગલુરુ-મૈસુર હાઇવે પરથી પસાર થતાં લોકોની યાદોમાં તે રહેલું છે.

શોલે અને સિનેમાપ્રેમીઓ વચ્ચેનું આ જોડાણ જાણે 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' જેવું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો