ઇરફાન પઠાણ અને હરભજન સિંહ હવે ક્રિકેટના મેદાનને બદલે ફિલ્મમાં દેખાશે

103 ટેસ્ટ મૅચોમાં 417 વિકેટ, 236 વન-ડે ઇન્ટરનેશનલ મૅચમાં 269 વિકેટ અને 28 ટી-20માં 25 વિકેટ લેનારા હરભજન સિંહ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

માત્ર હરભજન સિંહ જ નહીં પરંતુ પોતાની ઘાતક બૉલિંગથી પ્રતિસ્પર્ધી ટીમના બૅટ્સમૅનોને હંફાવી દેનારા ઇરફાન પઠાણ પણ હરભજનનું અનુસરણ કરશે.

પરંતુ ભારતીય ટીમના આ બંને ખેલાડીઓ બોલીવૂડથી નહીં, પરંતુ કૌલીવૂડ એટલે કે તમિળ ફિલ્મોથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

ઇરફાન પઠાણ ફિલ્મ 'વિક્રમ 58'માં મહત્ત્વની ભૂમિકા ભજવતા દેખાશે તેમજ સ્પિનર હરભજન સિંહ ફિલ્મ 'ડિક્કિલૂના'થી ડેબ્યુ કરશે.

અજય નાનામુથુ દિગ્દર્શિત 'વિક્રમ 58'માં ઇરફાન તમિળ ફિલ્મોના ખ્યાતનામ અભિનેતા ચિયાન વિક્રમ સાથે દેખાશે. હાલ તો ફિલ્મનું નામ 'વિક્રમ 58' છે, પરંતુ આ ફિલ્મનું નામ બદલાઈ પણ શકે છે.

ટ્વિટર પર વીડિયો શૅર કરતાં તેમણે લખ્યું કે, "નવું કામ અને નવા પડકાર માટે તૈયાર."

તેમણે વીડિયોમાં પોતાની ક્રિકેટ કૅરિયરના આંકડા પણ શૅર કર્યા. આ વીડિયોમાં તેમણે બતાવ્યું કે આ તેમની અભિનય કરિયરની પહેલી ફિલ્મ છે અને તેઓ આગળ પણ આ ક્ષેત્રમાં કામ કરશે.

તેમણે પોતાના તમિળ ભાષી ફેન્સ માટે ટ્વિટર પર તમિળ ભાષામાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો. આ ફિલ્મના સંગીતકાર એ. આર. રહેમાન હશે.

હરભજન સિંહ પણ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત તમિળ ફિલ્મ 'ડિક્કિલૂના'થી કરશે. આ ફિલ્મના દિગ્દર્શક કાર્તિક યોગી હશે.

હરભજને પોતાની તસવીર શેર કરતાં લખ્યું કે, "હું તમિળ સિનેમાથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છું. પ્રોડક્શન ટીમનો આભાર. આ સંબંધોને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી."

આ પહેલાં પણ ક્રિકેટરો ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે

ટેસ્ટ મૅચમાં હેટ્રિક લેનાર ભારતના આ બંને બૉલર્સ એવા પહેલા ખેલાડીઓ નથી જેઓ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે.

પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ધ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર પણ પોતાની બૅટિંગનો જાદુ રૂપેરી પડદે વિખેરી ચૂક્યા છે.

તેઓ 1980માં આવેલી મરાઠી ફિલ્મ 'સાવલી પ્રેમાચી'માં કામ કરી ચૂક્યા છે. એ સમયે સુનીલ ગાવસ્કર ભારતીય ટીમના સભ્ય હતા.

ત્યાર બાદ તેઓ 1988માં હિન્દી ફિલ્મ 'માલામાલ'માં પણ કામ કરી ચૂક્યા છે.

નસીરુદ્દીન શાહે 'માલામાલ' ફિલ્મમાં કામ કર્યું હતું અને સુનીલ ગાવસ્કર આ ફિલ્મમાં મહેમાન ભૂમિકામાં ક્રિકેટરનું પાત્ર ભજવી ચૂક્યા છે.

આટલું જ નહીં તેમણે એક મરાઠી ગીત "યે દુનીયમાધયે થમ્બાયાલા વેલ કોનલા"માં પણ પોતાનો અવાજ આપ્યો છે.

1985માં સૈયદ કિરમાણી ફિલ્મ 'કભી અજનબી થે'માં ખલનાયકની ભૂમિકા ભજવી ચૂક્યા છે. મજાની વાત તો એ હતી કે આ ફિલ્મમાં હીરોની ભૂમિકા સંદીપ પાટીલે ભજવી હતી. કિરમાણીએ વર્ષ 2015માં આવેલી મલયાલમ ફિલ્મ 'મઝાવિલિનટ્ટમ વારે'માં પણ કામ કર્યું.

વર્ષ 2002માં સંજય દત્ત અને સુનીલ શેટ્ટીની ફિલ્મ 'અનર્થ'માં વિનોદ કાંબલી દેખાયા હતા.

અજય જાડેજાએ મેચ ફિક્સિંગ સ્કૅન્ડલમાં ફસાયા બાદ વર્ષ 2003માં બોલીવૂડ ફિલ્મ 'ખેલ'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

કપિલ દેવ મહેમાન ભૂમિકામાં 2004માં આવેલી ફિલ્મ 'ઇકબાલ' અને 2005માં આવેલી ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં દેખાયા હતા.

શ્રીસંતે આ વર્ષે જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવેલી ફિલ્મ 'કેબરે'માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ નામોની ભીડમાં એવા ઘણા ખેલાડીઓનાં નામ છે જેમણે રૂપેરી પડદે હીરો, ખલનાયક કે મહેમાન ભૂમિકા ભજવીને પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયત્ન કર્યો અને કરી રહ્યા છે.

ગ્લૅમર અને રમતની દુનિયાનો સંબંધ માત્ર લગ્ન સંબંધો સુધી જ સીમિત નથી, બલકે હરભજન સિંહ અને ઇરફાન પઠાણ હવે બૅટ-બૉલ મેદાનમાં છોડીને, કલાકારની રેખાને રૂપેરી પડદે ખેંચવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો