You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવિશંકર પ્રસાદે કહ્યું એમ ભારતમાં મંદી છે કે નહીં એ ફિલ્મોને આધારે કહી શકાય?
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મુંબઈમાં એક પત્રકારપરિષદ દરમિયાન નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસ(એનએસએસઓ)ના બેરોજગારી સંબંધિત આંકડાઓને ખોટા ગણાવ્યા છે.
તેમણે અર્થતંત્ર સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કહ્યું છે કે તેઓ એનએસએસઓના રિપોર્ટને ખોટો ગણે છે કારણ કે તેમાં કેટલીય વાતાનું ધ્યાન રખાયું નથી.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, "હું એનએસએસઓના રિપોર્ટને ખોટો ઠેરવું છું અને સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું. એ રિપોર્ટમાં ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગ, આઈટી, મુદ્રાલૉન અને કૉમન સર્વિસ સેન્ટરનો ઉલ્લેખ નથી. કેમ નથી? અમે ક્યારેય નથી કહ્યું કે અમે સૌને સરકારી નોકરી આપીશું. અમે આ અત્યારે પણ નથી કહી રહ્યા. કેટલાક લોકોએ આંકડાઓને આયોજનપૂર્વક ખોટી રીતે રજૂ કર્યા છે. હું આ દિલ્હીમાં પણ કહી ચૂક્યો છું."
આ ઉપરાંત તેમણે અર્થતંત્રમાં મંદી હોવાની વાતનો પણ ઇન્કાર કર્યો.
તેમણે કહ્યું કે જો ફિલ્મો કરોડોનો કારોબાર કરી રહી હોય તો પછી દેશમાં મંદી કઈ રીતે હોઈ શકે? તેમણે ગત સપ્તાહે રજૂ થયેલી ત્રણ ફિલ્મોની કમાણીનો ઉલ્લેખ કર્યો.
હાલના આંકડા અનુસાર દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 1.1 ટકા ઘટી ગયું છે. મૅન્યુફૅક્ચરિંગ, ઊર્જા અને ખનનના ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શનને કારણે આ ઘટાડો નોંધાયો છે.
સ્ટેટેસ્ટિક-મિનિસ્ટરીના વિભાગ એનએસએસઓનો રિપોર્ટ ફેબ્રુઆરી મહિનામાં લીક થયો હતો કે ભારતમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે અને તે 45 વર્ષમાં સૌથી નીચો છે.
રવિશંકર પ્રસાદના આ નિવેદન પર કૉંગ્રેસે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર કૉંગ્રેસે લખ્યું છે કે હવે પોતાની જાતને પૂછવાની જરૂર છે કે આપણા મંત્રી જે કહી રહ્યા છે તેના પર વિશ્વાસ કરીએ છીએ કે આપણે ભાજપ સરકારના મીડિયા સર્કસનો ભાગ છીએ?
જો આ સર્કસ હોય તો શું આ લોકો મંત્રી બનવાને લાયક છે?
આ દરમિયાન રવિશંકર પ્રસાદે ફિલ્મોની કમાણીને અર્થતંત્ર સાથે જોડતું પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે પરંતુ અમુક ફિલ્મોની કમાણીનો આંકડો મંદી છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકે તે સવાલ યથાવત્ છે.
રવિશંકર પ્રસાદનું આ નિવેદન કઈ રીતે જોઈ શકાય એ અંગે બીબીસીના સંવાદદાતા કુલદીપ મિશ્રએ અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણકુમાર સાથે વાત કરી. વાંચો એમનો દૃષ્ટિકોણ :
એનએસએસઓને ખોટી ઠેરવવી મોટી વાત
એનએસએસઓ દ્વારા જે પણ આંકડા એકઠા કરવામાં આવે છે તે ખાસ પદ્ધતિ દ્વારા એકઠા કરાય છે.
એનએસએસઓના રોજગારી માટેના આંકડા માટે ઘરઘર જઈને સર્વે કરાય છે અને એ આધારે આંકડા એકઠા કરાય છે.
તેમાં સૌનો સમાવેશ તો કરી શકાતો નથી પણ સૅમ્પલનો સર્વે એવી રીતે તૈયાર કરાય તે સંપૂર્ણ વસતિનું પ્રતિનિધિત્વ કરી શકે.
એનએસએસઓ એક એવી સંસ્થા છે કે આંકડા જ એકઠા કરે છે. માત્ર રોજગારીના જ નહીં, તમામ પ્રકારના આંકડા.
જો રવિશંકર પ્રસાદ અધિકૃત રીતે એવું કહી રહ્યા હોય કે એનએસએસઓના આંકડા ખરા નથી તો તેઓ એનએસએસઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એનો એવો અર્થ પણ થાય છે કે તેઓ એના તમામ આંકડા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
આ બહુ મોટી વાત છે કે આખરે સરકાર પાસે એવા કયા આંકડા છે? સરકાર કયા આધારે નીતિ ઘડી રહી છે?
બીજી વાત એ છે કે એનએસએસઓ અને અન્ય સંસ્થાઓના આંકડાના આધારે જીડીપીની ગણતરી થતી હોય છે.
જો આપણા આ આંકડા ખોટો હોય તો એનો એવો અર્થ પણ થાય કે જીડીપીના આંકડા પણ ખોટા છે. એમણે એવી વાત કરી છે કે જેની દૂરગામી અસર પડશે.
ફિલ્મ અને અર્થતંત્ર
ફિલ્મો એ મનોરંજનનું સાધન છે. વ્યક્તિ જો મુશ્કેલીમાં હોય તો પણ મનોરંજન માટે પૈસા ખર્ચી નાખતી હોય છે.
જો આપણે એવું માની લઈએ કે ગત સપ્તાહે 120-130 કરોડની કમાણી થઈ છે તો આ એવી રકમ નથી કે જે આપણા અર્થતંત્રમાં ખર્ચી ન શકાય.
જો મંદીની વાત કરવામાં આવે તો સંબંધિત આકંડા સરકાર અને ઉદ્યોગોમાંથી પણ સામે આવી રહ્યા છે. ઑટોમોબાઇલ ક્ષેત્રે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં ગત વર્ષની સરખામણીમાં 30-31 ટકા ઘટાડો નોંધાયો છે.
એફએમસીજી સૅક્ટર બોલી રહ્યું છે કે તેમનો વૃદ્ધિદર ઘટી ગયો છે. એવી જ રીતે ટ્રાન્સપૉર્ટર કહી રહ્યા છે કે તેમની ટ્રકોનું આવનજાવન ઘટી ગયું છે.
રેલવે બોલી રહી છે કે તેમની ફ્ર્રાઇટ-મૂવમૅન્ટ ઘટી ગઈ છે. તેનાથી તેના નફા પર અસર પડી રહી છે. છૂટક વેપારમાં ઘટાડાનો અર્થ એવો થાય કે ખરીદી ઘટી ગઈ છે.
આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનના જે આંકડા આવ્યા છે, તેમાં જણાવાયું છે કે ગત બે વર્ષમાં પ્રથમ વખત વૃદ્ધિદર નકારાત્મક જોવા મળ્યો છે. તેમાં ઘટાડો નોંધાયો છે.
જોવામાં આવે તો આ માત્ર એકલદોકલ જગ્યાની વાત નથી એવી જ રીતે માત્ર ફિલ્મોના આધારે કહી ન શકાય કે દેશમાં મંદી છે કે નહીં.
અસંગઠિત ક્ષેત્રનું તૂટવું
સરકાર તો કહેશે જ કે બધુ બરોબર ચાલી રહ્યું છે પણ મને લાગી રહ્યું છે કે આ વખતે અર્થતંત્ર સામે એક પ્રકારનું સંકટ સર્જાયું છે.
સરકારે ગત એક વર્ષમાં અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા પર લાવવા માટે કેટલાંય પગલાં ભર્યાં છે. રિઝર્વ બૅન્કે પાંચમી વખત પોતાનો વ્યાજદર ઘટાડ્યો અને સરકારે ગત બે મહિનામાં કેટલાય પ્રકારની છૂટ આપી.
સરકાર દ્વારા પગલાં ભરાયાં અને છતાં આ ઘટાડો આવ્યો છે. આવું થવાનું કારણ એ છે કે ગત ત્રણ વર્ષમાં આપણું અસંગઠિત ક્ષેત્ર ખરાબ રીતે પડ્યું છે પણ સરકાર આનો ઇન્કાર કરી રહી છે.
હવે અસંગઠિત ક્ષેત્રની મુશ્કેલી સંગઠિત ક્ષેત્રમાં પણ પ્રવેશી ગઈ છે. જ્યાં સુધી અસંગઠિત ક્ષેત્રનું સંકટ ખતમ નહીં થાય, સંગઠિત ક્ષેત્ર તેની સામે પોતાની મેળે નહીં લડી શકે.
સરકારે ગત બે મહિનામાં જે પણ પગલાં ભર્યાં એ તમામ સંગઠિત ક્ષેત્ર માટે હતાં અને આ પાછળ કૉર્પોરટ-સૅક્ટરનું દબાણ છે. મારું માનવું છે કે સરકારે ગત ત્રણ વર્ષમાં એ પગલાં નથી ભર્યાં જે જરૂરી હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો