દારૂબંધી : ગુજરાતમાં અશોક ગેહલોતના નિવેદન પર આટલો વિવાદ કેમ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળી રહ્યો હોવાની વાત કરી છે અને ફરી એક વખત રાજસ્થાન-ગુજરાતના મુખ્ય મંત્રીઓ વચ્ચે વાદવિવાદ શરૂ થયો છે.
કૉંગ્રેસ દ્વારા આયોજિત 'જનવેદના આંદોલન'માં ભાગ લેવા માટે અમદાવાદમાં આવેલા ગેહલોતે એક સભાને સંબોધતાં કહ્યું કે દારૂબંધીના મુદ્દે 'જો તેઓ ખોટા હોય તો રાજીનામું આપવા તૈયાર છે.'
તેમણે એવું પણ કહ્યું કે આ પહેલાં તેમના દ્વારા દારૂબંધી મુદ્દે અપાયેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

આ પહેલાં ગેહલોતે શું કહ્યું હતું?
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ઑક્ટોબર માસમાં ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલ ઉઠાવતાં કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.
તેમણે કહ્યું હતું, "હું ગુજરાતમાં એક વર્ષ સુધી હતો. અહીં છેક આઝાદીથી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂનું ભારે સેવન કરાય છે. આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે."
રાજસ્થાનમાં દારૂબંધી લાગુ કરવાની વહેતી થયેલી અટકળો વચ્ચે તેમણે આ વાત કરી હતી.
નોંધનીય છે કે ગેહલોત વર્ષ 2017માં યોજાયેલી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી હતા.
જોકે, ગેહલોતના આ નિવેદન સામે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ભારે વાંધો ઉઠાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સરકારનું શું કહેવું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાનના મુખ્ય મંત્રી પર પલટવાર કરતાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું હતું, "ગેહલોત અને કૉંગ્રેસે આવા આરોપો માટે માફી માગવી જોઈએ. ગુજરાતમાં પોતાના પક્ષને જિતાડી ન શક્યા હોવાથી તેઓ આવાં નિવેદનો આપે છે."
રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે "રાજસ્થાનના લોકો પણ દારૂબંધીની તરફેણમાં છે પણ લોકોની લાગણીને સમજવાને બદલે કૉંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે ગુજરાતના દરેક ઘરમાં દારૂ પીવાય છે."
રૂપાણીએ ગેહલોત પર આવું નિવેદન આપીને ગુજરાતીઓનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો.
તો વાંસદામાં આ મામલે ભારતીય જનતા યુવા મારચા દ્વારા અશોક ગેહલોતનું પૂતળું સળગાવવામાં આવ્યું હતું.
વાંસદા-ભાજપના મહાસચિવ વિજય વ્યાસે જણાવ્યું, "આવું નિવેદન આપીને અશોક ગેહલોતે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. વાંસદાના લોકો ધાર્મિક છે અને એટલે અહીં દારૂનું સેવન નથી થતું."
આ દરમિયાન ગુજરાતમાં ખુલ્લે ચોક દારૂ વેચાઈ રહ્યો હોવાનો દાવો કરતાં કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંઃ
"મુખ્ય મંત્રીના મતક્ષેત્ર રાજકોટ શહેરના જ જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે દારૂ વેચાય છે અને કૉંગ્રેસના કાઉન્સિલર આના વિરુદ્ધમાં લડત લડે છે."
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે ટ્વીટ કરીને ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ હોવાની વાત કરી હતી.
મેવાણીએ ટ્વીટ કર્યું હતું, "ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તમામ જિલ્લામાં દારૂ વેચાય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એમણે કહ્યું કે "ગુજરાતના દરેક ખૂણે દારૂનું વેચાણ થાય છે અને ભાજપની સરકારે હજારો ગુજરાતીઓનું ભવિષ્ય બગાડી નાખ્યું છું. આ એ ગુજરાત નથી, જેનું સપનું ગાંધી અને સરદારે જોયું હતું."

ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિકતા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારના મતે ગેહલોતના આ દાવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું, "ગુજરાતમાં ભ્રષ્ટ લોકો માટે ગેરકાયદે દારૂનું વેચાણ એક બહુ મોટો ધંધો છે."
"ગુજરાતમાં રાજસ્થાન અને દમણ-દીવથી મોટા પ્રમાણમાં દારૂની દાણચોરી થાય છે અને એ જાણીતી વાત છે. આ પાછળ કાયદાના અમલીકરણની નિષ્ફળતા જવાબદાર છે."
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ ગુજરાતમાંથી 3.69 લાખ લિટર દારૂ પકડાયો હતો. એ વખતે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાંથી રૂપિયા 10.7 કરોડનો દારૂ જપ્ત કરાયો હતો.
એઇમ્સના 'નેશનલ ડ્રગ ડિપૅન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર'ના ડેટા અનુસાર ગુજરાતમાં 'ક્યારેય' દારૂનું સેવન કર્યું હોય એવી વ્યક્તિની સંખ્યા કુલ વસતીના 8.1 ટકા હતી. જ્યારે બિહારમાં આ ટકાવારી 7.4 હતી. બિહારમાં તાજેતરમાં જ દારૂબંધી લાગુ કરાઈ છે.
માર્ચ મહિનામાં અંત સુધીમાં ચૂંટણીપંચ દ્વારા દેશભરમાંથી 1,400 કરોડ રૂપિયાનાં દારૂ, ડ્રગ અને રોકડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી વધારે જપ્તી ગુજરાતમાંથી રૂપિયા 509 કરોડની કરાઈ હતી.

ગુજરાતમાં કાયદેસર દારૂનું વેચાણ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2018માં કરાયેલી એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2011થી 2017 દરમિયાન કાયદેસર દારૂનું વેચાણ છ ગણું વધ્યું હતું.
આરટીઆઈમાં અપાયેલી માહિતી અનુસાર સૌથી વધુ કાયદેસર દારૂનું વેચાણ સુરતમાં થયું હતું. એ બાદ અમદાવાદ, વડોદરા અને કચ્છમાં સૌથી વધુ કાયદેસર દારૂનું વેચાણ થયું હતું.
માહિતીના અધિકાર અંતર્ગત આ જાણકારી મેળવનારા અને ગુજરાતમાં હાઈકોર્ટમાં વકીલાત કરતા બંદીશ સોપારકરના મતે ગુજરાતમાં વાસ્તવમાં દારૂબંધી નામ માત્રની છે.
તેમના મતે, "સરકારે કાયદાઓ આકરા કર્યા છે પણ દારૂસેવન અને આ માટે અપાયેલી પરમિટના આંકડા જણાવે છે કે વાસ્તવમાં દારૂબંધી નથી. દારૂબંધીના કાયદાનું યોગ્ય રીતે અમલીકરણ કરાયું જ નથી."
"મોટા ભાગની પરમિટ બિનગુજરાતીઓને અપાઈ છે, જેનો અર્થ એવો થાય કે સરકારને પોતાના લોકો પર જ વિશ્વાસ નથી. આનો અર્થ એવો પણ કરી શકાય છે કે બિનગુજરાતીઓ દારૂના પ્રભાવમાં કોઈ ગુનો નહીં કરે પણ ગુજરાતીઓ કરશે. આ ભેદભાવ છે અને તે દૂર થવો જોઈએ."

ગેરકાયદે દારૂ અને લઠ્ઠાકાંડ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2009 દરમિયાન અમદાવાદમાં ઘટેલી લઠ્ઠાકાંડની ઘટનામાં 136 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતની વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2012થી 2014 દરમિયાન ગેરકાયદે દારૂએ રાજ્યમાં 177 લોકોનો ભોગ લીધો હતો.
દારૂબંધી દરમિયાન લોકો ઝેરીલો દારૂ પીવે એવી ઘટનાઓ વધી જતી હોય છે એવું અમેરિકાના ઇતિહાસકાર થૉમસ કૉફી નોંધે છે. 1920થી 1933 દરમિયાન અમેરિકામાં દારૂબંધી લાગુ કરાઈ હતી.
કૉફી પોતાના પુસ્તક 'ધ લૉંગ થર્સ્ટ : પ્રૉહિબિશન ઇન અમેરિકા'માં લખે છે, 'દેશભરમાં લઠ્ઠાને કારણે થતાં મૃત્યુઆંકમાં ભારે વધારો નોંધાયો. 1925માં સમગ્ર અમેરિકામાં આવાં કુલ 4,154 મૃત્યુ નોંધાયાં હતાં. જેનો આંક 1920માં 1,064 હતો.'
દારૂબંધી અંગેના એક લેખમાં સાહિલ પારેખ લખે છે, "દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં સરળતાથી દારૂ મળી રહે છે. પડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવે છે અને પરિવહન, જકાત, પોલીસ અને સરકારી અધિકારીઓનાં ખિસ્સાં ભ્રષ્ટાચારથી ભરી દેવામાં આવે છે. વર્ષ 1999થી 2009 દરમિયાન ગુજરાતમાં દારૂના લગભગ 80 હજાર કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર 9 ટકામાં જ સજા કરી શકાઈ હતી.

'દારૂબંધી એ દંભ માત્ર'

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ આઈપીએસ અધિકારી અને હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરી રહેલા રાહુલ શર્મા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દારૂબંધીને સંસાધનોનો વ્યય ગણાવે છે.
તેઓ કહે છે, "ગુજરાતમાં દારૂ મળી જ રહ્યો છે અને સરકાર દારૂનું વેચાણ અટકાવી શકતી નથી. અન્ય રાજ્યો કે જે દારૂ પરના કર થકી હજારો કરોડ રૂપિયાની આવક કરે છે, એ અહીં રાજકારણી, પોલીસ અધિકારીઓ અને ગુનેગારોનાં ખિસ્સાંમાં જાય છે. દારૂબંધીની વાત કરીને માત્ર દંભ કરાય છે."
"દારૂબંધી પાછળ સંસાધનો વેડફવામાં આવી રહ્યાં છે. રાજકારણીઓ એમાં લાગ્યા છે, પોલીસ એમાં લાગી છે, ન્યાયતંત્ર લાગ્યું છે. લાખોની સંખ્યામાં આ મામલે કેસ પૅન્ડિંગ પડ્યા છે અને પીડાઈ કોણ રહ્યું છે? ગરીબ માણસ. એટલે આ મામલે ચોતરફથી નુકસાન જ નુકસાન છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














