એનઆરસી પર પશ્ચિમ બંગાળમાં રાજકારણ અને ચિંતાનો માહોલ

બાળક

ઇમેજ સ્રોત, DEBALIN ROY/BBC

    • લેેખક, નીતીન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈશાન ભારતના રાજ્ય આસામમાં રહેતા 19 લાખ લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ એવા લોકોની યાદી છે, જેમની ભારતીય નાગરિકતા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં વિવાદનું કારણ બનેલા નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી - રાષ્ટ્રીય નાગરિકપત્રક) બનાવવાની શરૂઆત છેક 1951માં શરૂ થઈ હતી.

બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે રીતે આવી ગયેલા લોકોની યાદી બનાવવા માટેની પ્રક્રિયામાંથી આ રજિસ્ટર તૈયાર થયું હતું. આટલાં વર્ષો પછી હવે તેની યાદી નવેસરથી તૈયાર થઈ છે.

દરમિયાન કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓ તરફથી સમગ્ર દેશમાં નાગરિકતાપત્રક તૈયાર કરવાની વાત કહેવામાં આવી રહી છે.

તેના કારણે પશ્ચિમ બંગાળમાં હલચલ મચી ગઈ છે. તેનું કારણ એ કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે બે હજાર કિલોમિટર જેટલી લાંબી સરહદ છે. આ જ વિષય પર છે બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો આ વિશેષ અહેવાલ.

અન્નદા રૉય તે વખતે માત્ર 11 મહિનાનો હતો. તેના માતાપિતાએ બાંગ્લાદેશનું વતનનું ગામ રંગપુર છોડીને હંમેશાં માટે ભારત આવીને વસી જવાનું નક્કી કર્યું હતું.

આ વાત છે 1981ની. પરિવારનો દાવો છે કે બાંગ્લાદેશમાં બંગાળી હિંદુઓ માટે રહેવું મુશ્કેલ બની ગયું હતું એટલે તેમણે મજબૂર થઈને ભારત આવી જવું પડ્યું હતું, કેમ કે બાંગ્લાદેશમાં બંગાળી મુસ્લિમોની બહુમતી હતી.

line

હવે પછતાવાનો વારો આવ્યો?

એનઆરસી

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

અન્નદાનો પરિવાર પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં આવીને વસી ગયો, તે વાતને 38 વર્ષ થઈ ગયાં છે.

અન્નદાના માતાપિતા અને મોટો ભાઈ આજે પસ્તાવો કરી રહ્યા છે કે તેમણે ભારત આવી જઈને વસી જવાની મોટી ભૂલ કરી હતી.

20 સપ્ટેમ્બરે અન્નદા ઘરની નજીક આવેલા રેલવે ક્રોસિંગ પાસેના એક થાંભલા પર લટકતો મળી આવ્યો હતો.

છેલ્લા ચાર દાયકાથી પોતે ભારતમાં છે તેના કોઈ દસ્તાવેજી પુરાવા તેની પાસે નહોતા. તેનાથી પરેશાન અને હતાશ થઈને અન્નદાએ આત્મહત્યા કરી લીધી.

અન્નદાના મોટા ભાઈ દક્ષદા રૉય કહે છે, "આસામમાં જ્યારથી ગેરકાયદે નાગરિકોની ઓળખ કરવાનું અભિયાન શરૂ થયું છે, ત્યારથી અમારો પરિવાર પણ ભયમાં જીવી રહ્યો છે."

"ભારતમાં અમારી પાસે મતાધિકાર છે, પણ અમારી પાસે કોઈ જમીન નથી કે નાગરિકતા સાબિત કરવા માટેના કોઈ દસ્તાવેજો નથી."

"તેના કારણે જ અન્નદા બહુ ચિંતામાં મુકાઈ ગયો હતો. તે એવું કહેતો રહેતો હતો કે કદાચ આપણને પાછા બાંગ્લાદેશ મોકલી આપવામાં આવશે."

અન્નદાની આત્મહત્યાના થોડા જ દિવસો બાદ, તેમના ગામથી લગભગ 590 કિમી દૂર દક્ષિણમાં અન્ય એક વ્યક્તિએ પણ રાત્રે ભોજન વખતે પોતાની પત્નીએ કહ્યું હતું, "મને ડર લાગે છે કે મને પકડીને ગેરકાયદે ઘૂસણખોર બનાવી દેવામાં આવશે."

"ઘૂસણખોરો માટે બનાવાયેલી છાવણીમાં મને ધકેલી દેવામાં આવશે. પિતાની જમીનના દસ્તાવેજ મેળવવા માટે બહુ કોશિશ કરી, પણ મળતા નથી."

"તે દસ્તાવેજોના આધારે જ પરિવારનું નામ કોઈ ભૂલ વિના નોંધાવી શકાય તેવું છે.'

line

... અને આત્મહત્યા કરી લીધી

કમલ હુસૈન મંડલ અને કહીરુન નાહર

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, કમલ હુસૈન મંડલ અને કહીરુન નાહર

કમલ હુસૈન મંડલની ઉંમર 36 વર્ષની હતી. તેઓ ઉત્તર 24 પરગણા જિલ્લાના સોલાદાના ગામમાં ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા હતા.

1947માં અને ત્યારબાદ 1971માં મોટા પાયે હિંદુઓ અને મુસ્લિમો બંને 24 પરગણા જિલ્લામાં આવીને વસી ગયા હતા.

કમલ હુસૈન મંડલ ગર્વ સાથે કહેતા હતા કે તેમની પાસે સ્માર્ટફોન છે અને તેઓ યુટ્યૂબ પર સમાચારો જુએ છે.

તેઓ કદાચ સતત પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તેવા સમાચારો જોયા કરતા હશે.

તેના કારણે હતાશ થઈ ગયેલા કમલ હુસૈને બીજા દિવસે સવારે આત્મહત્યા કરી લીધી.

તેમના પરિવારજનોએ આ પ્રકારની જ વાત પોલીસની પૂછપરછમાં જણાવી છે.

line

નાગરિકત્વ સાબિત કરવામાં નિષ્ફળ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કમલ હુસૈન મંડળના વડવાઓ આ ગામના જ હતા, પણ તેમના પિતાએ જમીનનો નાનકડો ટુકડો હતો તે વેચી દીધો હતો.

હવે તેમના ત્રણેય પુત્રો પાસે એવા કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે આ જમીન વેચી દેવામાં આવી હતી.

સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાધા, પણ કોઈ ફાયદો થયો નથી.

પરિવારનું નામ સરકારી દસ્તાવેજોમાં નોંધી શકવામાં તેમને સફળતા મળી નહોતી.

કમલ હુસૈનની 27 વર્ષની પત્ની કહીરુન નાહર રડતાં રડતાં પોતાના નાના બાળક સામે જોઈને કહે છે, "મારા પતિ સતત અહીં તહીં ધક્કા ખાતા હતા. પણ કશું વળ્યું નહીં."

"હું તેમને વારંવાર શાંત થઈ જવા સમજાવતી હતી કે ભારતમાં આપણે સલામત છીએ."

"પણ તેઓ સાંભળતા જ નહોતા. પોતાના અબ્બાના દફન પછી મારા બે પુત્રો નથી સરખી રીતે જમી શકતા, નથી ઊંઘી શકતા."

ગેરકાયદે ઘૂસણખોરોને કાઢવા માટેની ઝુંબેશમાં આસામના 19 લાખ લોકોએ ભારતીય નાગરિકતા ગુમાવવી પડે છે.

સ્વજનો કહી રહ્યા છે કે તેમાંના અનેક લોકોને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે તેવા ભયને કારણે આત્મહત્યા થઈ રહી છે.

line

ભય અને ચિંતા

કહીરુન નાહર

ઇમેજ સ્રોત, RAJNISH KUMAR

આસામના પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં એનઆરસીના કારણે ભયનો માહોલ છે.

ભારતના સત્તાધારી પક્ષ ભાજપ અને તેમના નેતા ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના મોટા ભાગના નેતાઓ એનઆરસી લાગુ કરવા માટેની વાતો જોરશોરથી કહી રહ્યા છે.

આ વર્ષે થયેલી ચૂંટણીમાં પણ તેને મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હતો અને ત્યારબાદ પણ તેના વિશે સતત નિવેદનો આપતા રહે છે.

ભાજપના પ્રમુખ અમિત શાહે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઊઘઈ જેવા ગણાવ્યા છે.

તેમણે સંસદમાં કહ્યું હતું કે દેશની એક એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને ઓળખીને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

એનઆરસી વિશે કેન્દ્રના નેતાઓના સતત નિવેદનોથી પ્રભાવિત થઈને ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્ય મંત્રીઓએ, જેમ કે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્ય મંત્રીઓએ પણ પોતપોતાના રાજ્યોમાં તેને લાગુ કરવાની વાત કરી છે.

એનઆરસી અન્ય રાજ્યોમાં લાગુ કરવાની વાત સાથે નાગરિકતા (સુધારા) ખરડો પાસ કરવા માટે પણ સરકાર પ્રયત્નો કરી રહી છે.

આ નવા કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપી શકાશે.

line

મુસ્લિમ અપ્રવાસીઓને બાકાત રાખતો કાયદો

પશ્ચિમ બંગાળનું એક ગામ

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

આ ખરડાનું સમર્થન કરી રહેલા લોકો કહે છે કે મુસ્લિમોને એટલા માટે બાકાત રાખવામાં આવ્યા છે કે તેમના માટે પાડોશી દેશોમાં ત્રાસ થવાનો કોઈ મામલો નથી.

તે સિવાયની લઘુમતીઓને એટલા માટે નાગરિકતા આપવાની જોગવાઈ છે કે તેઓ પાડોશી દેશોમાં જુલમનો ભોગ બન્યા હોય છે.

હાલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસની સરકાર છે, જે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કટ્ટર વિરોધી છે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પશ્ચિમ બંગાળમાં નોંધપાત્ર સફળતા મળી છે.

પ્રચાર વખતે ભાજપે ધાર્મિક ઝોક ધરાવતો પ્રચાર કર્યો હતો. સાથે જ આસામમાં એનઆરસીને સફળતાપૂર્વક લાગુ કર્યાનો દાવો કર્યો હતો.

તે ઉપરાંત ભાજપે પશ્ચિમ બંગાળમાં વિકાસનો વાયદો પણ આપ્યો હતો.

જોકે, આટલા પ્રચારના મારા વચ્ચે મમતા બેનરજી પોતાનો કિલ્લો બચાવી શક્યા હતા.

line

મમતા બેનરજી અને અમિત શાહની બેઠક

મમતા બેમર્જી

ઇમેજ સ્રોત, Getty Images

મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના રાજ્યમાં એનઆરસી લાગુ કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોનો વિરોધ કરશે.

જોકે હાલમાં જ મમતા બેનરજીએ પોતાના કટ્ટર રાજકીય હરીફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વિશ્વાસુ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ કરવાની પ્રક્રિયા વિશે બંને નેતાઓ સાથે ચર્ચા કરી હતી.

પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ પડશે તેવા મીડિયા કવરેજથી ડરીને અડધો ડઝન જેટલા લોકોએ આત્મહત્યા કરી લીધી.

ત્યારબાદ મમતા બેનરજીએ એક વીડિયો સંદેશમાં ગયા અઠવાડિયે જ અપીલ કરી કે પશ્ચિમ બંગાળમાં રહેતા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

મમતા બેનરજીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું હતું, "આ અફવાઓ એટલા માટે ફેલાવામાં આવી રહી છે કે દર દસ વર્ષે રાજ્યમાં વસતિ ગણતરી થતી હોય છે."

"તેના માટે રેશન કાર્ડની પણ જરૂર હોતી નથી. તમે એટલું સમજો કે આ એક વસતિ ગણતરી છે."

"તેમાં સમય લાગતો હોય છે, કેમ કે તેમાં રાજ્યના દરેક નાગરિકની ગણતરી થતી હોય છે."

તેમણે વધુમાં જણાવ્યું , "આ વસતી ગણતરીને એનઆરસી સાથે કોઈ સંબંધ નથી. તેને કોઈ ધર્મ સાથે લાગેવળગતું નથી. નથી કોઈ જ્ઞાતિ સાથે તેને સંબંધ. આ માત્ર મતદાર યાદી તૈયાર કરવા માટે કરવામાં આવે છે."

"આ દરમિયાન અમે ઘણી વાર એવું પૂછી શકીએ છીએ કે પરિવારના સદસ્ય શું કામ કરે છે."

"વસતી ગણતરી કરનારા તમારા ઘરે આવે ત્યારે તમારે એટલું સમજવાની જરૂર છે કે આ રાજ્યના દસ્તાવેજો તૈયાર કરવા માટે છે."

રાજ્યની કલ્યાણકારી યોજનાઓનો ફાયદો લેનારા નાગરિકોની સંખ્યા એકઠી કરવા માટેની પ્રક્રિયાને કારણે નાગરિકોને અલગ તારવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું.

line

પશ્ચિમ બંગાળમાં લોકોના સવાલ

પશ્ચિમ બંગાળનું એક ગામ

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

પશ્ચિમ બંગાળના હજારો લોકો સરકારી કચેરીએ લાઇન લગાવી રહ્યા છે.

તેઓ પોતાનાં માતાપિતા અને પોતાના જન્મ અંગેના દાખલા નવેસરથી કઢાવીને રજિસ્ટર કરાવી રહ્યા છે અથવા તેને પ્રમાણિત કરાવી રહ્યા છે.

રાજ્યશાસ્ત્રના પ્રોફેસર સબ્યસાચી બસુ રે ચૌધરી જેવા નિષ્ણાતો માને છે, "અલગ અલગ કામ માટે આંકડાં એકઠાં કરવાની રીત અપનાવાઈ તે ખોટું થયું છે."

"તેમાં વળી રાજકારણીઓએ એનઆરસીના નામે શોર મચાવ્યો છે તેનાથી મુશ્કેલી વધી ગઈ છે."

પ્રોફસેર રૉય ચૌધરી કહે છે, "બંગાળ (પૂર્વ પાકિસ્તાન અને હાલનું બાંગલાદેશ તથા પશ્ચિમ બંગાળ)માં વસાહતીઓની આવનજાવનનો લાંબો ઇતિહાસ રહ્યો છે."

"1946થી 1958 સુધીમાં પૂર્વ બંગાળથી એક કરોડ લોકો ભારતના પશ્ચિમ બંગાળમાં આવ્યા હતા."

"તેની સામે થોડી ઓછી સંખ્યામાં પશ્ચિમ બંગાળના લોકો પૂર્વ બંગાળમાં ગયા."

"1971ના યુદ્ધ વખતે અને બાંગ્લાદેશની રચના બાદ ફરીથી શરણાર્થીઓનો સીલસીલો શરૂ થયો હતો, જે વર્ષો સુધી ચાલતો રહ્યો."

"તેમાંથી હવે તમે કોને કાયદેસર અને કોને ગેરકાયદે વસાહતી ઠરાવશો? પૂર્વ બંગાળથી આવેલા બહુબધા લોકોને મતાધિકાર પણ મળી ગયો છે."

"એ કહેવું મુશ્કેલ છે કે કેવી રીતે ગેરકાયદે ઘૂસણખોરની ઓળખ કરવામાં આવશે."

line

નાગરિકત્વ સાબિત કરવાનો પડકાર

62 વર્ષના પ્રતાપ નાથ

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, 62 વર્ષના પ્રતાપ નાથ એક વરિષ્ઠ સ્કૂલ ટીચર છે

પશ્ચિમ બંગાળમાં હિંદુ અને મુસ્લિમ બંને એનઆરસીના કારણે ભયમાં છે.

62 વર્ષના પ્રતાપ નાથ સિનિયર સ્કૂલ ટીચર છે. તેઓ બાંગ્લાદેશની સરહદે આવેલા બશીરહાટમાં હિંદુ બહુમતી મહોલ્લામાં રહે છે.

1968માં પ્રતાપ નાથનો સમગ્ર પરિવાર બાંગ્લાદેશના ખુલના જિલ્લાથી પગપાળા ભારતમાં શરણાર્થી તરીકે આવી ગયો હતો.

તેમની મોટી બહેને જ માત્ર ખુલનામાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

તેઓ રોષમાં આવીને કહે છે, "બાંગ્લાદેશને અડીને આવેલા મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, નદિયા, માલદા કે પછી જલપાઈગીડી જિલ્લામાં 25 ટકાથી વધુ વસતિ બાંગ્લાદેશથી આવીને વસી ગયેલા લોકોની છે."

"વાત હિંદુ કે મુસ્લિમ હોવાની નથી. વાત એ છે કે અમારા બધા પાસે યોગ્ય કાયદેસર દસ્તાવેજો છે."

"તેમની હિંમત કેવી રીતે થાય કે મને ગેરકાયદે ઘૂસણખોર કહીને અહીંથી હાંકી કાઢે. શું એટલા માટે કે મારી પાસે મારા પડોશી કરતાં એક કાગળિયું ઓછું છે?"

9.1 કરોડની વસતી સાથે પશ્ચિમ બંગાળ ચૌથું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે. તેમાંથી અંદાજે એક તૃતિયાંશ વસતિ મુસ્લિમોની છે.

જોકે, ભારતનો સત્તાધારી હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભાજપ એ વાત પર ભાર મૂકી રહ્યો છે કે ગેરકાયદે મુસ્લિમ ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

પરંતુ નાગરિકતા અંગેના નવા ખરડામાં નાગરિકતાની બાબતમાં ગેરમુસ્લિમોની તરફેણ થતી દેખાય છે.

તેથી જ પશ્ચિમ બંગાળના લઘુમતી મુસ્લિમોમાં ભય અને ચિંતાનો માહોલ છે.

line

તૈયારી

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

આ વર્ષે ઑગસ્ટ મહિનામાં પશ્ચિમ બંગાળના કેટલાક મુસ્લિમ સંગઠનોએ કેટલાંક ચોપાનિયાં વહેંચ્યાં હતાં.

સંગઠનોએ રાજ્યમાં સેમિનારોનું આયોજન કરીને લોકોને જણાવ્યું હતું કે પોતાની નાગરિકતા સાબિત કરતા બધા દસ્તાવેજો મેળવીને તૈયાર રાખે, કેમ કે ગમે ત્યારે એનઆરસી હેઠળ તેમના પર નાગરિકતા સાબિત કરવાનો જુલમ કરવામાં આવી શકે છે.

line

જાણે હજ કરી આવ્યો

મોહમ્મ્દ નસીરુલ્લાહ

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, મોહમ્મ્દ નસીરુલ્લાહ ભારે વરસાદમાં પોતાનું નવું રાશન કાર્ડ બનાવવા માટે લાઇનમાં લાગ્યા હતા.

બારાસાત કસ્બામાં રહેતા મોહમ્મદ નસીરુલ્લાહ ભારે વરસાદ વચ્ચે પણ નવું રેશન કાર્ડ બનાવવા માટે લાંબી લાઇનમાં ઊભા હતા.

સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશન કાર્ડ હોઉં જરૂરી છે. રેશન કાર્ડ મળી ગયા બાદ નસીરુલ્લાહે મને કહ્યું કે, "મને લાગે છે કે આજે મેં હજ કરી લીધી."

મારી સાથે ચા પીતા પીતા નસીરુલ્લાહએ મને કહ્યું , "આસામમાં વિશાળ નજરબંધી શિબિર બની ગઈ છે."

"તેમાં એનઆરસીમાં આખરી યાદીમાંથી બહાર નીકળી ગયા હોય તેવા લોકોને કેદ રાખી શકાય."

"તેમાં સૌથી વધુ મુસ્લિમ છે. ત્યારથી મારી જિંદગી મુશ્કેલ બની ગઈ છે, કેમ કે ઘણી વાર લોકો એવું માની બેસે છે કે હું ગેરકાયદે ઘૂસણખોર છું."

પશ્ચિમ બંગાળના ભાજપના શરણાર્થી મોરચાના પ્રમુખ મોહિત રૉય માને છે, "બહુમતી હિંદુ સમુદાયના લોકો પણ એનઆરસીને કારણે ચિંતામાં છે."

જોકે એનઆરસીના બહાને પશ્ચિમ બંગાળમાં ધર્મના આધારે રાજકીય ધ્રુવીકરણ કરવાની કોશિશ થઈ રહી છે તેવા આક્ષેપોને તેઓ નકારી કાઢે છે.

મોહિત રૉય કહે છે, "આ મીડિયા અને અમુક પ્રકારના નેતાઓનો દુષ્પ્રચાર છે, જેથી તેમના હિતો પાર પડે."

"અમારું સ્પષ્ટ માનવું છે કે ભવિષ્યમાં પશ્ચિમ બંગાળમાં કે દેશના અન્ય કોઈ પ્રદેશમાં એનઆરસી લાગુ પડશે, ત્યારે આસામ જેવું નહીં થાય."

"આસામમાં નાગરિકતા રજિસ્ટર મુખ્યત્વે બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશની બહાર મોકલી દેવા માટે લાંબો સમય ચાલેલા આંદોલન બાદ તૈયાર કરવામાં આવી રહ્યું છે."

મોહિત રૉય ભારપૂર્વક કહે છે, "પશ્ચિમ બંગાળમાં મોટા પાયે બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમો રહે છે અને તેમના મનમાં એનઆરસીનો ડર છે."

line

અમિત શાહ પશ્ચિમ બંગાળમાં લાગુ કરશે એનઆરસી?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી પોતાના રાજ્યમાં કોઈ પણ રીતે એનઆરસી લાગુ કરવાના વિરોધમાં છે.

જોકે એવી પૂરી શક્યતા છે કે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં કોઈ રાજકીય આયોજન દરમિયાન એનઆરસી લાગુ કરવાની જાહેરાત કરી શકે છે.

તેના કારણે જ પશ્ચિમ બંગાળના લોકો દોડભાગ કરવા લાગ્યા છે કે ઝડપથી સરકારી દસ્તાવેજો મેળવી લેવામાં આવે, જે તેમની ઓળખ સાબિત કરી શકે.

પ્રોફેસર સવ્યસાચી બસુ રૉય ચૌધરી કહે છે, "નાગરિકોની ઓળખ કરવાનો આ સમગ્ર વિચાર વાહિયાત છે."

તેઓ માને છે કે મોટા ભાગના ગેરકાયદે ઘૂસણખોર બાંગ્લાદેશી પાસે તેમના માતાપિતાના જન્મનો દાખલો કે બીજા દસ્તાવેજો નહીં હોય. તેમની પાસે વડવાઓની જમીનનો રેકૉર્ડ પણ નહીં હોય. પશ્ચિમ બંગાળમાં જ નહીં, બાંગ્લાદેશમાં પણ આવા લાખો લોકો હશે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો