ચીનમાં મિલિટરીની પરેડ બાદ હૉંગકૉંગમાં હિંસક વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયો

પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના એટલે કે ચીનમાં સામ્યવાદી શાસનનાં 70 વર્ષ પૂરાં થયાં છે, આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. તો બીજી તરફ હૉંગકૉંગમાં વિરોધ પ્રદર્શન ફરી ઉગ્ર થઈ ગયાં છે.
આ પ્રસંગે ચીનમાં સેનાની ભવ્ય પરેડનું આયોજન કરાયું છે, દેશભક્તિનાં ગીતો ગવાઈ રહ્યાં છે અને સૈન્યશક્તિનું પ્રદર્શન કરાઈ રહ્યું છે.
ચીનમાં સામ્યવાદી શાસનનાં 70 વર્ષ પૂરાં થવાના પ્રસંગે હૉંગકૉંગમાં પ્રદર્શન પર લાગેલા પ્રતિબંધ વચ્ચે હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા છે.
પોલીસ અનેક પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં 15 લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીબીસી સંવાદદાતા પ્રમાણે પ્રદર્શનકારીઓ પેટ્રોલ બૉમ્બ ફેંકી રહ્યા છે ત્યારે પોલીસ જવાબમાં ટિયરગૅસનો ઉપયોગ કરી રહી છે.
હૉંગકૉંગ પોલીસના સૂત્રો પ્રમાણે એક પ્રદર્શનકારીની છાતી પર ગોળી વાગી છે.
હૉંગકૉંગમાં પ્રદર્શનો શરૂ થયાં પછી આ પહેલી વખત છે કે પ્રદર્શનકારીને ગોળી વાગી છે.
પાછલાં 70 વર્ષોમાં ચીન એક ગરીબ દેશમાંથી વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બનવામાં સફળ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું મહત્ત્વ અને પ્રભુત્વ પુરવાર કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.
તેની સાથે જ માનવાધિકાર ઉલ્લંઘન મામલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચીનની સતત ટીકા પણ થતી રહે છે.
ચીનમાં લાખો લોકો એવા પણ છે જેઓ દેશની 70મી વર્ષગાંઠની આ ઉજવણીનો ભાગ નથી બન્યા.

'અફસોસનો દિવસ'

ઇમેજ સ્રોત, AFP
જૂનમાં પ્રદર્શન શરૂ થયાં ત્યાર પછી આ પહેલી વખત છે કે પ્રદર્શનકારી પર ગોળીબાર કરવામાં આવ્યો હોય.
હૉંગકૉંગમાં વિવાદીત પ્રત્યાર્પણ બિલ સામે ચાલી રહેલો વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો.
આ પહેલાં હૉંગકૉંગના પ્રદર્શનકારીઓ સંસદ બહાર પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પ્રદર્શન ઉગ્ર બન્યાં હતાં.
હૉંગકૉંગના તાજેતરના ઇતિહાસમાં આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે.
ચાર મહિનાથી હૉંગકૉંગમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક ચીનની અવધારણાને પડકારી છે.
આ પહેલાં, હૉંગકૉંગમાં વિશેષ અવસર પર ચીનનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો.
કડક સુરક્ષા વચ્ચે 12,000 મહેમાનોએ આ કાર્યક્રમનો લાઇવ વીડિયો નિહાળ્યો હતો.
હૉંગકૉંગના લોકો ચીનનાં સામ્યવાદી શાસનનાં 70 વર્ષ પૂરા થવાના અવસરને અફસોસનો દિવસ ગણાવી રહ્યા છે.
હૉંગકૉંગના ઓછામાં ઓછા છ જિલ્લાઓમાં લોકોએ સડકો જામ કરી દીધી છે.
પોલીસે પ્રદર્શનકારીઓને ટિયરગૅસ અને રબર બુલેટ છોડીને કાબૂમાં લીધા હતા. પ્રદર્શનકારીઓના હાથમાં છત્રીઓ, પેટ્રોલ બૉમ્બ જેવી વસ્તુઓ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ બૅરિકેડને પણ આગ ચાંપી દીધી હતી.
હૉસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે 18 અને 52 વર્ષની ઉંમરના 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે.
15 મેટ્રો સ્ટેશન અને કેટલાંક શૉપિંગ સેન્ટર બંધ રાખવામાં આવ્યાં છે અને છ હજાર પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
વિરોધ પ્રદર્શનને જોતાં વાર્ષિક આતશબાજીનો કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો હતો.

હૉંગકૉંગમાં કેમ થઈ રહ્યાં છે પ્રદર્શન?

1841થી હૉંગકૉંગ બ્રિટનના તાબામાં હતું એટલે કે તે બ્રિટીશ કૉલોની હતી, જેને 1997માં ચીનને સોંપી દેવામાં આવ્યું.
જે હાલ ચીનનો એક ભાગ છે પરંતુ 'એક દેશ, બે વ્યવસ્થા' નામના કરાર હેઠળ તે જોડાયેલું છે.
જેના હેઠળ હૉંગકૉંગમાં ન્યાયિક વ્યવસ્થા, સંસદ અને અર્થતંત્ર ચીન કરતાં સ્વતંત્ર છે, જેના પર ચીનની નીતિઓ લાગુ પડતી નથી.
હાલ લાવવામાં આવેલા અને બાદમાં મોકૂફ રાખી દેવાયેલા વિવાદિત પ્રત્યર્પણ બિલ મામલે વિવાદ ચાલી રહ્યો છે.
ટીકાકારોનું માનવું છે કે આ બિલને કારણે હૉંગકૉંગ ચીનના વધુ પડતા કબજા હેઠળ આવી જશે અને અન્ય શહેરોની જેમ તે ચીનનું એક શહેર બની જશે.
જ્યારે અધિકારીઓનું કહેવું છે કે પ્રત્યર્પણની મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય કોર્ટ લેવાની છે એટલે આ ડરનું કોઈ કારણ નથી.
હૉંગકૉંગનાં મુખ્ય વહીવટી અધિકારી કેરી લામ હાલ આ વિરોધના કેન્દ્રમાં છે, જેમણે આ બિલને મંજૂરી આપવાની હતી.

ચીન તરફી વલણ ધરાવતાં મિસ. લામે હાલ પૂરતો બિલને મંજૂરી આપવાનો પ્લાન પડતો મૂક્યો છે.
હૉંગકૉંગમાં દર વર્ષે એક ઑક્ટોબર, એટલે કે સામ્યવાદી પાર્ટીના શાસનની વર્ષગાંઠ પર વિરોધ પ્રદર્શન થતાં હોય છે પરંતુ આ વખતે વ્યાપક પ્રદર્શનની શક્યતા હતી જે સાચી પડી છે.
પ્રદર્શનકારીઓમાં મોટા ભાગે યુવાનો સામેલ થયા છે. તેઓ પોલીસના વર્તનની તપાસની માગ કરી રહ્યા છે.
પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયાં હતાં પરંત અમુક અઠવાડિયાં પસાર થતાની સાથે પ્રદર્શન ઉગ્ર અને હિંસક બન્યાં હતાં.
હૉંગકૉંગ ચીનનો ભાગ છે પરંતુ તેને અમુક બાબતોમાં વિશેષ સ્વતંત્રતા મળેલી છે જે 2047માં ખતમ થશે. હૉંગકૉંગમાં કેટલાક લોકો નથી ઇચ્છતા કે હૉંગકૉંગ અન્ય સામાન્ય શહેરોની જેમ ચીનનો ભાગ બને.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














