You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: રઘુરામ રાજન બોલ્યા, 'બહુમતીવાદ ભારતને અંધકારમાં લઈ જશે'
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો બોલતાં કહ્યું છે કે બહુમતીવાદ અને નિરંકુશતા દેશને અંધકારમાં લઈ જશે અને અસ્થિરતા વધશે.
રાજને કહ્યું કે ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિનો દર કાયમી નથી અને લોકપ્રિય નીતિઓને કારણે એવું જોખમ છે કે અર્થતંત્ર લૅટિન અમેરિકન રાષ્ટ્રો જેવું ન થઈ જાય.
રાજને ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલી સુસ્તી માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર ગણાવ્યાં છે.
અમેરિકાની બ્રૉન યુનિવર્સિટીમાં ઓ. પી. જિંદલ લૅક્ચરમાં રાજને કહ્યું છે કે સરકાર પર પ્રોત્સાહનના પૅકેજને કારણે દબાણ વધશે.
રઘુરામ રાજન આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પણ છે. રાજન ભારતીય અર્થતંત્રમાં આવેલી અડચણો માટે મોદી સરકારમાં તમામ શક્તિઓનું એકીકરણ કરવાના પગલાને જવાબદાર ઠેરવ્યું છે.
ગીરના 68 સિંહ અને 6 દીપડામાં જીવલેણ વાઇરસ
ગત વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબર માસ દરમિયાન 27નો સિંહોનો ભોગ લેનારા 'કૅનિન ડિસ્ટેમ્પર વાઇરસ'થી ગીરના 68 સિંહો અને છ દીપડા પીડાઈ રહ્યા હોવાનું 'ગુજરાત સમાચાર'નો અહેવાલ જણાવે છે.
અહેવાલ અનુસાર ગત વર્ષે સિંહોનાં મૃત્યુની ઘટના બાદ 316 સિંહો અને 52 દીપડાનાં લોહીના નમૂના પૂણેની 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી'માં મોકલવામાં આવ્યા હતા.
જેમાંથી 68 સિંહો અને છ દીપડા કૅનિન ડિસ્ટેમ્પર પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂનાગઢના 'સક્કરબાગ ઝૂ' મારફત સિંહ અને દીપડાના લોહીના નમૂના તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.
આ મામલે વનવિભાગ અજાણ હોવાનું અને સંબંધિત રિપોર્ટ જાહેર થવામાં એક વર્ષ લાગ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
'ફિલ્મો કરોડો રૂપિયા કમાઈ રહી છે તો અર્થવ્યવસ્થા મંદ કઈ રીતે? '
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસના બેરોજગારી સંબંધિત આંકડા સંપૂર્ણ રીતે ખોટા છે. શનિવારે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે આ વાત કરી.
તેમણે કહ્યું, "હું એનએસએસઓના રિપોર્ટને ખોટો કહું છું અને સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું. એ રિપોર્ટમાં ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગ, આઈટી, મુદ્રાલૉન અને કૉમન સર્વિસ સેન્ટરનો ઉલ્લેખ નથી."
"અમે ક્યારેય નહોતું કહ્યું કે અમે સૌને સરકારી નોકરી આપીશું. અમે આ હજુ પણ નથી કહી રહ્યા."
પ્રસાદને અર્થતંત્રમાં મંદી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેને ફિલ્મો સાથે જોડી દીધું.
તેમણે હસતાંહસતાં કહ્યું, "બે ઑક્ટોબરે ત્રણ ફિલ્મ રિલીઝ થઈ. વૉર, જોકર અને સાયરા. બૉક્સઑફિસ પર નજર રાખનારા વિશેષજ્ઞ કોમલ નાહટાના મતે એ દિવસે આ ફિલ્મોએ 120 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી. એટલે કે દેશની અર્થવ્યવસ્થા ઠીક છે, એટલે તો ફિલ્મો આટલો સારો કારોબાર કરી રહી છે."
અમને બચાવવા અમેરિકાની નૈતિક જવાબદારી : કુર્દ લડાકુ
ઉત્તર સીરિયામાં તુર્કીના હુમલાનો સામનો કરી રહેલા કુર્દ લડાકુઓએ કહ્યું છે કે તેમની મદદ કરવી એ અમેરિકાની નૈતિક જવાબદારી છે. અમેરિકાએ સુરક્ષા પૂરી પાડવાનું વચન આપ્યા બાદ તેમને એકલા છોડી દેવાનો આરોપ લગાવ્યો છે.
સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સિઝના પ્રવક્તા રેદુર ખલીલે કહ્યું છે કે કુર્દ લડાકુઓએ પ્રામાણિકતા દાખવી પણ સહયોગીઓએ તેમને નિરાશ કર્યા.
તેમણે એવું પણ કહ્યું, "આઈએસઆઈએસની વિરુદ્ધની લડાઈ દરમિયાન અમારી સાથે કેટલાય સહયોગી હતા."
"અમે તેમની સાથે મજબૂતી અને પ્રામાણિકતાથી લડતા રહ્યા, જે અમારી સંસ્કૃતિ અને પરંપરામાં વસેલું છે. જોકે, અમારા સહયોગીઓએ વગર કોઈ ચેતવણી, અમને એકલા છોડી દીધા છે. આ પગલું અત્યંત નિરાશાજનક છે અને પીઠમાં છૂરો ભોંકવા જેવું છે."
આ દરમિયાન ફ્રાન્સે હુમલાના વિરોધમાં પોતાનાં નાટો-સહયોગી તુર્કી સાથે હથિયારોની નિકાસ અટકાવી દીધી છે. આ પહેલાં જર્મનીએ પણ કહ્યું હતું કે તે તુર્કીને હથિયારો વેચવાનું પ્રમાણ ઘટાડશે.
યુરોપિયન સંઘ આગામી સપ્તાહે યોજાનારા સંમેલનમાં તુર્કી વિરુદ્ધ પ્રતિબંધોની ચર્ચા કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો