You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાનમાં ત્રાટક્યું 60 વર્ષનું સૌથી ખતરનાક હેગીબિસ તોફાન, આર્મીને બચાવમાં લગાવાઈ
જાપાનમાં ભારે વરસાદ અને ચક્રવાતી તોફાન હેગીબિસે મોટાભાગના વિસ્તારોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા છે. જાપાનમાં ત્રાટકેલું આ તોફાન 60 વર્ષમાં સૌથી ખતરનાક તોફાન સાબિત થઈ શકે છે.
તોફાન અને ભારે વરસાદમાં 23 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અનેક લોકો ગુમ થયા છે.
બચાવ કામગીરી માટે 27,000 સૈનિકોની મદદ લેવાઈ રહી છે.
વડા પ્રધાન શિન્જો એબેએ જરૂર પડે વધારે સૈનિકોને બચાવ અને રાહત માટે જોડવામાં આવશે એમ કહ્યું છે.
તોફાન હેગીબિસ રાજધાની ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં ઇઝુ પૅનિન્સ્યૂલા પર સ્થાનિક સમયાનુસાર સાંજે સાત વાગ્યે ત્રાટક્યું હતું.
હાલ આ તોફાન 225 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે દેશના પૂર્વમાં આવેલા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.
તોફાનના પગલે 2,70,000 કરતા પણ વધારે ઘરોમાં અંધારપટ છવાયો છે.
ક્યોડો ન્યૂઝ એજન્સીએ માહિતી આપી છે કે દેશના અલગ અલગ વિસ્તારોમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટોક્યોના પૂર્વમાં સ્થિત ચિબામાં એક વ્યક્તિની કાર પલટી જતાં તેનું મૃત્યુ થયું છે.
ઉપરાંત 11 લોકોનાં ગૂમ થયા હોવાના સમાચાર મળ્યા છે, જ્યારે 90 કરતાં વધારે લોકો ઘાયલ થયાં છે.
કેટલું ખતરનાક છે હેગીબિસ તોફાન?
તોફાનના કારણે 70 લાખ જેટલા લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા કહેવામાં આવ્યું છે, પરંતુ માત્ર 50 હજાર લોકોએ જ તેમનાં ઘર છોડ્યાં છે.
જાપાનમાં હવામાન વિભાગની આગાહી કરતી સંસ્થા JMAના હવામાનશાસ્ત્રી યાસુશી કાજિવારાએ જણાવ્યું છે, "અલગ અલગ શહેરો અને ગામડાંમાં ભારે વરસાદ પડ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી હતી."
ઘણી બુલેટ ટ્રેનની સેવા રોકી દેવામાં આવી છે. શનિવારે ટોક્યો મેટ્રોની ઘણી લાઇન પર ટ્રેન રદ કરી દેવામાં આવી હતી.
ટોક્યોના હાનેડા ઍરપૉર્ટ અને નરિતા ઍરપૉર્ટ પર આવતી તેમજ ત્યાંથી જતી એક હજાર કરતાં વધારે ફ્લાઇટને રદ કરી નાખવામાં આવી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને શનિવારે રગ્બી વર્લ્ડ કપની બે મૅચ અને રવિવારે એક મૅચને રદ કરવામાં આવી છે.
ટૂર્નામેન્ટના 32 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત મૅચ રદ થઈ છે.
કેવી છે લોકોની સ્થિતિ?
બીબીસી સાથે વાત કરતા એક સ્થાનિક જેમ્સ બાબે જણાવ્યું, "મારી સાથે મારી સાળી છે. તે વિકલાંગ છે. અમારું ઘર કદાચ તણાઈ જશે. વહીવટીતંત્રએ અમને માત્ર એક બ્લેન્કેટ અને બિસ્કિટ આપ્યાં છે."
તોશિગીમાં રહેતા અંગ્રેજી ભાષાના શિક્ષક એન્ડ્ર્યૂ હિગ્ગિન્સ જણાવે છે કે તેમણે છેલ્લાં સાત વર્ષમાં ઘણાં તોફાન જોયાં છે.
તેઓ કહે છે, "મને લાગે છે કે આ વખતે જાપાને તોફાનને ખૂબ જ ગંભીરતાથી લીધું છે. ગત રાત્રીએ લોકો તૈયારી કરી રહ્યા હતા. ઘરમાં જીવન જરૂરી સામાનનો જથ્થો એકત્રિત કરી રહ્યા હતા."
93 વર્ષીય એક વ્યક્તિ કહે છે, "મારા ઘરની છત તૂટી પડતાં મારે ઘર છોડી સલામત સ્થળે ખસવું પડ્યું છે. મને મારા ઘરની ખૂબ ચિંતા થઈ રહી છે."
મહત્ત્વનું છે કે ગત મહિને જ જાપાનમાં ફક્સાઈ તોફાને તબાહી મચાવી હતી જેમાં 30 હજાર ઘરને નુકસાન પહોંચ્યું હતું. તેમાંથી મોટા ભાગનાં ઘરનું હજુ સુધી સમારકામ થયું નથી.
હાલ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજધાની ટોક્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.
એ વાતની પણ આશંકા છે કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો