ગુજરાતમાં પરીક્ષા રદ : દસ લાખથી વધુ યુવાનોને સ્પર્શતો આ નિર્ણય કોણે અને શું કામ લીધો?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી બિન સચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટંટ વર્ગ-3ની પરીક્ષા આગામી 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી જેને અચાનક રદ કરી દેવાઈ છે. જોકે, આ પરીક્ષાને રદ કેમ કરવામાં આવી છે અને આવો નિર્ણય સરકારે કેમ લીધો તેનાથી તમામ લોકો અજાણ છે.

3053 જગ્યાઓ માટેની આ પરીક્ષામાં વિરોધપક્ષના કહેવા મુજબ 10 લાખથી વધારે યુવાનોએ ઉમેદવારી નોંધાવી હતી.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોતાની વેબસાઇટ પર પરીક્ષા રદ થયાની જાહેરાત કરવામાં આવી છે.

કુલ 3053 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાવવાની હતી. મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3ની કુલ 2824 જગ્યા માટે ભરતી થવાની હતી.

જ્યારે સચિવાલયના વિભાગો માટે "ઓફિસ આસિસ્ટંટ"ની વર્ગ-3ની 229 જગ્યાઓ માટે ભરતી થવાની હતી.

ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, "મારી પાસે આની હાલ કોઈ જાણકારી નથી. આ આખી પ્રક્રિયા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા થતી હોય છે અને તે મુખ્યમંત્રી હસ્તકનો વિભાગ છે. સ્વાભાવિક છે કે સરકારમાં કર્મચારીઓ વધુ શિક્ષિત વધુ ભણેલાં-ગણેલાં થાય તેમ કરવા માટે રદ કરી હોય તેમ લાગી રહ્યું છે. તેનું નક્કર કારણ જાણી શકાયું નથી."

બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને કહ્યું કે, "ગઈકાલે સાંજે અમારી પર પત્ર આવ્યો કે આ પરીક્ષા રદ કરવી. હવે બે દિવસ રજા છે માટે સોમવારે જઈને તપાસ કરીશ."

"એની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે અને તે ઉમેદવારોની તરફેણમાં જ હશે. એટલે હવે સરકાર કહે કે આ કારણ હતું એ કરતાં અમને સૂચના આપે તે પ્રમાણે કરવાનું.

"સરકાર હવે સૂચના આપે કે આ દિવસે પરીક્ષા લેવાની તો અમે લઈશું."

નાયબ મુખ્ય મંત્રી અને અધ્યક્ષ પરીક્ષા રદ થવા પાછળ ઉમેદવારોની તરફેણમાં કારણ ગણાવે છે પંરતુ તે કારણ શું છે તેનો કોઈ ચોક્કસ ફોડ પાડતા નથી.

"પરીક્ષાની તૈયારીને કારણે બે મહિનાથી માતા-પિતાને મળ્યો નથી"

મૂળે રાધનપુરના અને અમદાવાદમાં રહેતાં મુકેશ ભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "હું એક દોઢ વર્ષથી તૈયાર કરું છું. બે મહિનાથી બહુ તૈયારી વધારી દીધી હતી અને એને લીધે બે મહિનાથી ઘરે પણ ગયો નથી. માતા-પિતાને પણ મળ્યો નથી."

"અમદાવાદમાં રહીને પણ તૈયારી કરી રહ્યો છું. કૉન્સ્ટેબલની પરીક્ષામાં ઘણી મહેનત કરી હતી. આ પહેલાં આ પરીક્ષા પણ રદ ગઈ હતી."

2015થી તૈયારી કરી રહેલાં મનોજકુમાર કહે છે, " આ પરીક્ષાઓ કરન્ટ અફૅર્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવતી હોવાથી સરકાર પરીક્ષાની તારીખ બદલે ત્યારે નવા પુસ્તકો ખરીદવા પડે જેથી ફરીથી ખર્ચો કરવાનો."

"ગત 11 ઑક્ટોબરે આ પરીક્ષાની જાહેર કરાઈ હતી. વર્ષ થયું પરંતુ હાલ પણ પરીક્ષા લેવાઈ નથી અને તારીખો બદવામાં આવે છે."

બે વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલાં નિકુલ મકવાણા કહે છે કે, "ગત પરીક્ષામાં એક માર્કથી રહી ગયો હતો આ વખતે પાસ થવાની ઘણી આશાઓ હતી."

"મારા પિતાને કરિયાણાનો વ્યવસાય હતો હું તેમાં જોડાયેલો હતો. ત્યાં દિવસરાત મારી જરૂરિયાત રહેતી હતી છતાં પણ મેં પરીક્ષા પર ધ્યાન આપીને તે વ્યવસાય છોડી દીધો. આમ પરીક્ષા રદ થાય એમાં મનોબળ તૂટી જાય છે."

તેમણે વધુમાં કહ્યું, "ઘરમાં લગ્નની વાત ચાલતી હોય એમાં પણ તમારું ધ્યેય અધિકારી બનવાનું હોય એટલે પરીક્ષા મહત્ત્વની હોય છે. પરીક્ષા રદ થાય તો પરિવારમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે."

યાજ્ઞિક શ્રિમાળી નામના ઉમેદવાર દોઢ વર્ષથી બિનસચિવાલયની પરીક્ષા પાસ કરવાના ધ્યેય સાથે તૈયારી કરે છે. તેઓ કહે છે, "ગુજરાત સરકાર પર ભરોસો ના કરાય. પહેલાં પણ છેવટે જ અનેક પરીક્ષાઓ રદ થઈ છે. અને હવે આ થઈ છે. "

અગાઉ પણ રદ થઈ ચૂકી છે આ જ પરીક્ષા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અગાઉ 2221 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની ઓનલાઇન જાહેરાત 12/10/2018ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

આ માટેના ફૉર્મ પણ ભરાઈ ગયા હતા અને ત્યાર બાદ તે ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી હતી.

એ વખતે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને યાને કે (EWS) ક્વોટાના લોકોને સ્થાન મળી શકે તેને કારણ ગણાવાયું હતું.

આ પછી લોકસભાની ચૂંટણીને લીધે આ ભરતી અટકી પડી.

પછીથી 1 જૂન, 2019ના રોજ આ ભરતીને ફરી શરૂ કરવાની જાહેરાત કરાઈ અને જગ્યાઓ પણ 2221થી વધારીને 3053 કરવામાં આવી.

સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર, 2019ના રોજ એક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 20 ઓક્ટોબર, 2019ના રોજ યોજાનારી પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

1 ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને કોલલેટર ડાઉનલોડ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું.

જોકે, માત્ર 10 જ દિવસમાં 10 લાખથી વધારે યુવાનો જે પરીક્ષા આપવાના હતા તે રદ કરી દેવામાં આવી છે.

આ પરીક્ષાની તૈયારી અનેક યુવાનો લાંબા સમયથી કરી રહ્યા હતા તેમને આ જાહેરાતથી આંચકો લાગ્યો છે.

પરીક્ષા રદ થવાનું કારણ?

આ પરીક્ષા રદ થવાનું કારણ કોઈ ચોક્સ કારણ ગૌણ સેવા પસંદગી મંડળ કે સરકારે આપ્યું નથી.

કથિત રીતે શૈક્ષણિક લાયકાત અને ઉંમરમાં થયેલાં ફેરફારને કારણ માનવામાં આવે છે પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ ચોખવટ કરવામાં આવી નથી.

ગુજરાત સરકાર દ્વારા એક નોટિફિકેશન 4 ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત નોન-સેક્રેટરિયેટ કલાર્ક, વર્ગ ત્રણ ભરતી નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

જે મુજબ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલો ઉમેદવાર બિનસચિવાલય કલાર્ક માટે લાયક ગણશે.

જ્યારે વયમર્યાદામાં પણ ફેરફાર કરીને વયમર્યાદા જે 28 વર્ષની હતી. તે 35 વર્ષની કરવામાં આવી.

આ પરીક્ષામાં શૈક્ષણિક લાયકાત 12મું ધોરણ પાસ રાખવામાં આવી હતી. જ્યારે વય મર્યાદા 28 વર્ષની હતી.

"ભાજપની સરકાર સત્તાના સ્વાર્થમાં રાજ્યના ભાવિ સાથે ચેડાં કરી રહી છે"

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું, "ભાજપની સરકાર સત્તાના સ્વાર્થમાં રાજ્યના ભાવિ સાથે ચેડાં કરી રહી છે."

"રાજ્યના યુવાનો બેરોજગારીના ખપ્પરમાં ધકેલાયા છે ત્યારે નોકરીની આશાએ નવી સરકાર બનાવી અને જેવી ચૂંટણીઓ પૂર્ણ થાય એટલે કોઈને કોઈ કારણ આગળ ધરી પરીક્ષા મોકૂફ કરવી, આ એક ષડયંત્ર છે અને વર્ષોથી ગુજરાતના યુવાનો ભોગ એનો બની રહ્યા છે."

બીબીસી ગુજરાતીએ આ મુદ્દે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ સાથે વાત કરી.

હાર્દિક પટેલે કહ્યું કે "આ સરકારમાં નથી કોઈ નીતિ કે નથી કોઈ આયોજન. આ જીએસટી જેવું છે. લોકોએ ફૉર્મ ભર્યા એની સરકારને આવક થઈ. પરીક્ષા લેવાવાની હતી એટલે પ્રશ્નપત્રો છપાયા હશે એમાં પણ ભ્રષ્ટાચાર થયો હશે."

એમણે કહ્યું કે "અર્થતંત્રમાં મંદી છે ત્યારે સરકારનું આ પગલું નિરાશાજનક છે. મા-બાપ બાળકોના શિક્ષણ પાછળ 70 ટકા જેટલી આવક ખર્ચી નાખે છે."

સરકાર માટે ચૂંટણી મહત્ત્વની છે કે 10 લાખ પરીક્ષાર્થીઓનું ભવિષ્ય એવો સવાલ પણ હાર્દિક પટેલે કર્યો.

આ આખા મામલે હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી આગળ વિદ્યાર્થીઓ જાગૃત નથી એનું દુખ પણ પ્રગટ કર્યું.

એમણે કહ્યું કે "10 લાખ લોકોમાંથી 10 હજાર લોકો પણ જો આનો વિરોધ કરવા વિધાનસભા પહોંચવા ન માગતા હોય, 10 હજાર લોકો પણ એમની સાથે થયેલી છેતરપિંડી પર ન બોલવા માગતા હોય, વિરોધ ન કરવા માગતા હોય એ સ્થિતિ દુખદ છે અને એટલે જ પરિવર્તન આવતું નથી."

"સરકારની અણઆવડતને આ દર્શાવે છે"

જાણીતા અર્થશાસ્ત્રી રોહિત શુકલાએ જણાવ્યું હતું કે, "આ સરકારની વહીવટી નિષ્ફળતા છે. એક સામાન્ય પરીક્ષા પણ સરકાર ન લઈ શકે."

"આ જાહેરાત દર્શાવે છે કે સરકારને માણસોની જરૂરિયાત છે, છેલ્લી તારીખ સુધી માણસ લેવા છે અને પછી લઈ શકતી નથી. આ મોટો પ્રશ્ન છે."

ઠરાવ બદલવા અંગે તેમણે કહ્યું કે, "આનો અર્થ એમ થાય છે કે સરકારને ખબર નથી કે તેમને 12 પાસ જોઈએ કે ગ્રેજ્યુએટ જોઈએ છે. છેલ્લી ઘડી સુધી નક્કી કરી શકતા નથી."

"ગ્રેજયુએટ યુવાનો પરણવાની ઉંમરના હોય છે. તેમનો ઘર-સંસાર ચાલુ કરવાનો હોય."

"કુટુંબીજનો તેમને ભણાવીને તૈયાર કર્યા હોય અને સાવ મોઢાં સુધી લાવીને કોળિયો ખેંચી લેવો તો વિદ્યાર્થીઓમાં મોટા પ્રમાણમાં માનસિક વ્યગ્રતા આવે અને ડિપ્રેશન પણ આવે."

એમણે કહ્યું કે આર્થિક દ્રષ્ટિએ મંદીના દિવસોમાં સરકારી નોકરીઓ મંદીને દૂર કરવામાં મહત્ત્વનું સ્થાન માનવામાં આવે છે.

તેમણે કહ્યું, "અર્થતંત્રના સંદર્ભમાં જોઈએ તો મંદીમાં જો લોકોને નોકરીઓ મળે તો તેમના પૈસા દ્વારા બજારમાં માગ વધે છે માગ વધે તો ઉત્પાદન વધે છે. આ તમામ લાંબાગાળે સારા પરિણામ ઉભા કરે છે."

"આ અર્થતંત્ર માટે ઉપયોગી બાબત છે. સરકાર કોઈ ઉપકાર નથી કરતી. કર્મચારીઓનું હોવું સારી બાબત છે. બજારમાં આવેલી આવકથી અર્થતંત્ર સારું બની શકશે."

કૉંગ્રેસે આ મામલે મંગળવારે રાજ્યવ્પાપી વિરોધપ્રદર્શન કરવાની વાત કરી છે પરંતુ 10 લાખ યુવાનો જેની રાહ જોતા હતા તે પરીક્ષાઓ રદ કેમ થઈ તે સવાલ હજી પણ અનુત્તર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો