યુએનના વડાએ કહ્યું, 'ભારત-પાકિસ્તાન અરસપરસના સંવાદથી કાશ્મીર વિવાદ ઉકેલે'

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા સેક્રેટરી-જનરલ ઍન્ટોનિયો ગુટેરસે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવ અંગે ચિંતા પ્રગટ કરી છે અને કહ્યું છે કે બંને પક્ષકારો પરસ્પર સંવાદ દ્વારા આ સમસ્યાને ઉકેલે.
યુએનના મુખ્ય પ્રવક્તા સ્ટિફન ડુજેરિકને ટાંકતા અંગ્રેજી અખબાર ઇંડિયન એક્સપ્રેસ લખે છે, 'સેક્રેટરી-જનરલ જાહેર તથા ખાનગીમાં અનેક વખત કહી ચૂક્યા છે કે આ મુદ્દાને સંવાદ મારફત ઉકેલવો જોઈએ.'
યુએનના વડાએ આગ્રહ કર્યો હતો કે 1972માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા શિમલા કરાર મુજબ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘોષણાપત્ર અનુસાર શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં આવે.
પાકિસ્તાને યુએનના દ્વાર ખખડાવ્યાં હતાં અને દરમિયાનગીરીની માગ કરી હતી. યુએનના માનવાધિકારના હાઈકમિશનરને ટાંકતા ડુજેરિકે કહ્યું, "કાશ્મીરમાં માનવાધિકારનું સન્માન થવું જોઈએ."
સોમવારે ગુટેરસે યુએન ખાતે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલિહા લોધી સાથે મુલાકાત કરી હતી, જેમાં લોધીએ કાશ્મીર મુદ્દે દરમિયાનગીરી માટે વિનંતી કરી હતી.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, અમુક વિસ્તારોમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સિઝનનો સૌથી વરસાદ પડી ગયા પછી હાલમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે.
જોકે આગામી બે દિવસમાં હજુ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે.
ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમેરલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ ધીમા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એવી જ રીતે પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
તો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ વરસાદની આગાહી છે.

ટ્રાફિક નિયમો : ગડકરીએ પૂછ્યું કે શું જીવ કરતાં પૈસા મહત્ત્વના છે?

ઇમેજ સ્રોત, Pti
દેશભરમાં નવા ટ્રાફિક નિયમોને લઈને હલચલ મચી છે. ઘણા રાજ્યોએ અમલ કર્યો છે, તો ઘણા તેની વિરુદ્ધમાં છે.
ભાજપશાસિત ગુજરાત રાજ્યે ટ્રાફિકના નિયમો ઘણા હળવા કર્યા છે. દંડની રકમ પણ ઓછી કરી છે.
એનડીટીવી સાથે વાત કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે રોડ અકસ્માતમાં દુનિયામાંથી સૌથી વધુ લોકો ભારતમાં મૃત્યુ પામે છે. જેમાંથી 65 ટકા લોકોની ઉંમર 18થી 35 વર્ષ હોય છે.
"અઢી-ત્રણ લાખ લોકોના હાથપગ ભાંગે છે. 30 ટકા લાયસન્સ નકલી છે. લોકો લાયસન્સ નથી કઢાવતા, સાંભળતા નથી, કાયદાનો ડર નથી અને સન્માન પણ નથી."
તેમણે કહ્યું, "અમે દંડની રકમ એટલા માટે વધારી છે કે લોકો નિયમોનું પાલન કરે અને અકસ્માત ઓછા થાય, જેથી લોકોના જીવ બચી શકે."
"અમારો ઇરાદો દુર્ઘટનાઓ ઓછી કરવાનો છે. જેમાં રાજ્ય સરકારોના સહયોગની જરૂર છે."
"ગડકરીએ કહ્યું કે આ કોઈ રાજસ્વ એકઠા કરવાની યોજના નથી. શું તમને દોઢ લાખ લોકોનાં મોતની ચિંતા નથી?
નીતિન ગડકરીએ કહ્યું કે રાજ્યો પોતાની રીતે નિર્ણય કરી શકે છે.
તો કેટલાંક રાજ્યોએ હજુ પણ નવા ટ્રાફિક નિયમોને લાગુ કર્યા નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ નવા નિયમોને લાગુ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
મધ્ય પ્રદેશમાં પણ કમલનાથે કહ્યું કે તેઓ આ મામલે કેન્દ્ર સાથે વાત કરશે.

ડૅમમાંથી પાણી છોડાતાં સ્થળાંતર

ઇમેજ સ્રોત, Getty Images
અંકલેશ્વરને ભરૂચથી જોડતા ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદી 28 ફૂટના ભયંકર નિશાનથી ત્રણ ફૂટ ઉપર 31 ફૂટે વહી રહી હતી.
ભારે વરસાદને કારણે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠે રહેતા એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં નદીની જળસપાટી 31 ફૂટ સુધી પહોંચી છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે અંકલેશ્વરને ભરૂચથી જોડતા ગોલ્ડન બ્રિજ પર નદીનું જળસ્તર ભયજનક 28 ફૂટથી વધીને 31 ફૂટ પર વહી રહ્યું છે.
ડૅમમાંથી પાણી છોડાતાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અંદાજે 22 ગામો આ પૂરના પાણીથી પ્રભાવિત થયાં છે.

કૅનેડામાં ચૂંટણીની જાહેરાત

ઇમેજ સ્રોત, AFP
કેનેડામાં આગામી ઑક્ટોબર મહિનામાં વડા પ્રધાનપદ માટેની ચૂંટણીઓ યોજાશે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી.
બુધવારે વડા પ્રધાને કેનેડામાં મહારાણીના પ્રતિનિધિ ગવર્નર જનરલની મુલાકાત લીધી હતી.
કેનેડામાં 21 ઑક્ટોબરે ચૂંટણી થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જોકે, ઑપિનિયન પોલ્સનું કહેવું છે કે આ વખતે ટ્રુડો માટે વડા પ્રધાનપદ સુધી પહોંચવું કઠિન રહેશે.
ચૂંટણીપ્રચારમાં તેઓ અર્થતંત્ર અને આબોહવાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રીય કરે તેવી શક્યતા છે.
કેનેડિયન વડા પ્રધાને કહ્યું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લિબરલ સરકાર હેઠળ જ કેનેડા આગળ વધશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












