કલમ 370ને હઠાવવાના મુદ્દે કાશ્મીરની ખીણમાં રહેતા કાશ્મીરી પંડિતોનું શું માનવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે
ઑગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370ને નાબૂદ કરવાની જાહેરાત કરી. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સૈન્યની ભારે તહેનાતી કરવામાં આવી હતી. મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યાં હતાં.
આ પછી બીબીસીએ કલમ 370ની નાબૂદી અંગે કાશ્મીરી પંડિતોના દૃષ્ટિકોણને જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ અંગે વાત કરવાનો તેઓ સતત ઇન્કાર કરી રહ્યા હતા.
જોકે, સપ્ટેમ્બર માસમાં અમને કેટલાક લોકો સાથે વાત કરવામાં સફળતા મળી.
તેમની સાથે મુલાકાત કરવા માટે શ્રીનગર શહેરથી દૂર અમે એવી જગ્યા પર પહોંચ્યા, જ્યાં કાશ્મીરી મુસ્લિમો અને કાશ્મીરી પંડિતો દાયકાઓથી એકસાથે રહે છે.
આ વિસ્તારમાં ચોતરફ અંજપો વ્યાપેલો હતો.
આ વિસ્તારમાં કારને ઊભી રાખ્યા પછી અમે પરંપરાગત શૈલીમાં બનેલા એક મકાનમાં રહેતા કાશ્મીરી પંડિત પરિવારને મળવા માટે આગળ વધ્યા.
આ પરિવાર પાસે ઊભેલાં પડોશનાં કેટલાંક મુસ્લિમ મહિલાઓ અમને શંકાની નજરે જોઈ રહ્યાં હતાં. તેમનો સવાલ હતો કે અમે કોણ છીએ અને તેમને મળવા કેમ આવ્યા છીએ?
અમે આગળ વધીને દરવાજો ખટખટાવ્યો. એક મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો એટલે અમે અમારો પરિચય આપ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન લગભગ 70 વર્ષના એક વૃદ્ધ પંડિત પોતાના ઓરડામાંથી બહાર આવ્યા.
તેમણે મારી સાથે આવેલી વ્યક્તિને ઓળખી લીધી અને પછી વાતચીતનો સિલસિલો શરૂ થયો. એમણે આગ્રહ કરીને અમને ઘરની અંદર બોલાવ્યા.

"માહોલ સારો છે"

ઇમેજ સ્રોત, SHAHID TANTRAY BBC
પહેલાં તેમણે અમને પાણી પાયું અને બાદમાં ચા આપી. અમે તેમને સ્થિતિ વિશે પૂછ્યું અને પછી 370ને હઠાવવાનો ઉલ્લેખ કર્યો.
જોકે, આ મામલે અન્ય પંડિતોને પૂછવાનું કહીને તેમણે વાત કરવાનો ઇન્કાર કરી દીધો.
અમે તેમને વાયદો કર્યો કે અમે તેમની ઓળખાણ અને તેઓ ક્યાં રહે છે તે જાહેર નહીં કરીએ. આ આશ્વાસન પછી તેઓ અમારી સાથે વાત કરવા માટે રાજી થયા.
કલમ 370ની નાબૂદીને લઈને તમારા શું વિચાર છે, તે પૂછતાં તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, "આના પર મારા શું વિચાર હોઈ શકે છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરી સુખી થઈ જશે, વિકાસ થશે."
"નોકરીઓ મળશે, કોઈ બેરોજગાર નહીં રહે અને તમામ બાબતો ઠીક થઈ જશે. સરકાર તો આવું જ જણાવી રહી છે."

ઇમેજ સ્રોત, Getty Images
આ પછી અમે પૂછ્યું કે એવું કહેવાય છે કે 370ને લઈને ભરાયેલા પગલાથી તણાવ પેદા થયો છે.
તેના પર તેમણે કહ્યું, "આના કારણે અજંપો સર્જાયો છે. કાશ્મીર સતત બંધ છે, સ્કૂલ બંધ છે, પરીક્ષા નજીકમાં છે અને બાળકો ઘરમાં બેઠાં છે. આનાથી સમસ્યાઓ તો વધી જ છે."
તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી "પંડિતો અને મુસ્લિમો વચ્ચે કોઈ તણાવ નથી.
તેઓ કહે છે, "અમે એ જ સ્થિતિમાં જીવી રહ્યા છીએ જે સ્થિતિ 370ને હઠાવ્યા અગાઉ હતી. કોઈ મુસ્લિમે પંડિતોની સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બંને સમુદાયોની વચ્ચે સાંપ્રદાયિક સદ્ભાવ છે."

કેવી છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, MaJID JAHANGIR
5 ઑગસ્ટ, 2019એ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને નાબૂદ કરી, જેનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.
આ પછી ભારત પ્રશાસિત કાશ્મીરમાં સંચારમાધ્યમોને બંધ કરી દેવામાં આવ્યાં હતાં, કર્ફ્યુ સહિતનાં અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં. સ્કૂલ, કૉલેજ અને માર્કેટ બંધ હતાં.
કલમ 370ને નાબૂદ કરવાની સાથે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું, એક જમ્મુ-કાશ્મીર અને બીજું લદ્દાખ.
આ પહેલાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એક જ રાજ્યનો ભાગ હતા. આ ત્રણે વિસ્તારમાંથી માત્ર કાશ્મીરમાં જ મુસ્લિમ બહુમતીમાં છે.
ભારત સરકારે આ પગલું ભર્યું એ પહેલાં ખીણવિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કર્યા હતા.

'તમામ મૂંઝવણમાં છે'

ઇમેજ સ્રોત, AFP
આ પછી અમે પાડોશમાં બીજા કાશ્મીરી પંડિતના ઘરમાં ગયા. ઓળખાણ જાહેર ન કરવાની શરતે અમારી સાથે વાત કરવા માટે એક ઓરડામાં પાંચ કાશ્મીરી પંડિતો એકઠા થયા.
આમાંથી એક 50 વર્ષની વ્યક્તિ હતી, જે 370 પર વાત કરવા માટે તૈયાર થઈ હતી.
જોકે, તેમણે વારંવાર ભલામણ કરી કે તેમનું નામ જાહેર કરવામાં ન આવે. તેમણે કહ્યું કે અહીં રહેતા કાશ્મીરી પંડિત આ મામલે વાત કરવા માગતા નથી.
તેમણે બીબીસીને કહ્યું, "આ વખતે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આ વિષય પર ટિપ્પણી કરવી ઘણી મુશ્કેલ છે. જ્યાં સુધી અમારા સમુદાયની વાત છે, અમે અહીં જ રહીએ છીએ અને અમે ક્યાંય જવાના નથી."
"અમે બધા મૂંઝવણમાં છીએ કે શું કરીએ? શું નહીં? અમને ખ્યાલ નથી કે 370ને હઠાવાયા બાદ ભવિષ્યમાં શું થશે? મને લાગે છે કે દરેક કાશ્મીરી મૂંઝવણમાં છે."
તેમણે કહ્યું, "કલમ 370 ભારત સાથે જમ્મુ અને કાશ્મીરનું જોડાણ હતું અને અમારા માટે એનું ઘણું મહત્ત્વ હતું. તમામને લાગતું હતું કે આ કલમના કારણે જ અમે ભારત સાથે જોડાયેલા હતા."
"હાલમાં આ કલમ નથી તો મને લાગે છે કે બહુમતી અને લઘુમતી બંને સમુદાય મૂંઝવણમાં છે કે તેમના ભવિષ્ય પર શું અસર થશે. પરંતુ સામાન્ય ધારણા એવી છે કે આનો કાશ્મીરની અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ પડશે."

"સ્કૂલે નથી જઈ શકતાં બાળકો"

ઇમેજ સ્રોત, Getty Images
આ કાશ્મીરી પંડિતોને 370ની નાબૂદીથી ઊભી થયેલી ચિંતાઓ અને ડર વિશે વાત કરી તો તેમણે કહ્યું, "વાત એમ છે કે અમે અહીં બહુમતી સમાજની સાથે કેટલાય દાયકાઓથી રહીએ છીએ."
"અમને એકદમ નિરાંત છે, પરંતુ જે લઘુમતી સમુદાયના લોકો ખીણની બહાર રહે છે તેમની પાસે પોતાના વિકલ્પ અને પોતાના વિચાર છે. તેઓ સારી રીતે જાણે છે."
"સાચું કહું તો હાલ હું કોઈ પણ વિષય પર ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી. બસ એક જ વાત છે કે હાલ અમે ખીણમાં સુરક્ષિત અનુભવ કરી રહ્યા છીએ અને બહુમતી સમુદાય અમારી રોજબરોજની જરૂરિયાતને પૂર્ણ કરવામાં અમારી મદદ કરી રહ્યો છે."
ખીણવિસ્તારમાં રહેતા અને અહીંથી જતા રહેલા પંડિતો વચ્ચે કોઈ પ્રકારના વિરોધાભાસને લઈને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "એક મહિનાથી અમારો કોઈની સાથે સંપર્ક નથી."
"ન તો તેમની અમારી સાથે વાત થઈ કે ન તો અમને ખ્યાલ છે કે તેઓ આ વિશે શું વિચાર છે. જ્યાં સુધી મીડિયાની વાત છે તો અલગઅલગ ચૅનલ અલગઅલગ વાતો બતાવી રહી છે. લોકો પણ અલગઅલગ વાતો કરી રહ્યા છે."
"હું ફરીથી કહું છું કે હું પક્ષ કે વિપક્ષમાં કશું કહી ન શકું, પરંતુ જ્યાં સુધી બહુમતી સમુદાયની વાત કરીએ તો અમે અહીં સાથે રહીએ છીએ અને એમાંથી મોટા ભાગના આ નિર્ણયના પક્ષમાં નથી."
આ કાશ્મીરી પંડિતે કહ્યું, "લૉકડાઉનની અસર અમારા પર પણ થઈ રહી છે."

"બધું સારું થઈ જશે"

ઇમેજ સ્રોત, Getty Images
આ જ વિસ્તારમાં રહેતાં એક કાશ્મીરી પંડિત મહિલાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે 370ને નાબૂદ કરવીએ સારું પગલું છે અને આનાથી કાશ્મીરના વિકાસનો રસ્તો ખૂલશે.
તેમણે કહ્યું, "અમારું માનવું છે કે અમારા લોકો અને બાકીનાઓ માટે સારું રહેશે. આનાથી અમારાં બાળકોનું ભવિષ્ય સારું થશે, નોકરીઓ મળશે, પરંતુ અમે તમામ ઇચ્છીએ છીએ કે તણાવ પેદા ન થાય."
જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ખીણમાં મુસ્લિમો આ નિર્ણયને લઈને નારાજ છે. તો તેમણે કહ્યું, "હા તેઓ નાખુશ છે, પરંતુ નાખુશી વધારે સમય સુધી નહીં રહે. આ અમારા અને તેમના માટે સારું થયું છે."
"મને સરકાર પર પૂર્ણ ભરોસો છે. અમારે સારો માહોલ બનાવવા માટે સરકારની મદદ કરવી જોઈએ."
1989માં કાશ્મીરમાં બહુમતી મુસ્લિમ સમુદાય દ્વારા ભારતીય વહીવટી તંત્રની સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો હતો.
આ પછી 1990માં ઉગ્રવાદી અને અજ્ઞાત બંદૂકધારીઓના હાથે મોટા પ્રમાણમાં કાશ્મીરી પંડિતોનાં મૃત્યુ અને લાખો કાશ્મીરી પંડિતોએ ખીણવિસ્તાર છોડવો પડ્યો હતો.


ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા મોટા ભાગના કાશ્મીરી પંડિત જમ્મુ અને ભારતના બીજા ભાગોમાં રહે છે.
વર્ષ 2008માં ભારત સરકારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી અને કાશ્મીરની ખીણમાં અસ્થાયી કૅમ્પ બનાવવામાં આવ્યા.
હાલમાં કાશ્મીર ઘાટીમાં ઘણા કાશ્મીરી પંડિત પરિવાર રહે જે પોતાનાં ઘર છોડીને ક્યાંય ગયા નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.













