જમ્મુ-કાશ્મીરમાં 370 પછીનો સીમાંકન ફેરફાર ભાજપને ચૂંટણીમાં કેટલો ફળશે?

અમિત શાહ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હઠાવવા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ હવે વિધાનસભાની સીટોના સીમાંકનની તૈયારી મોદી સરકાર કરી રહી છે.

તેની પ્રક્રિયા કેટલાંક અઠવાડિયાઓ બાદ શરૂ થશે અને તેના અંગે જલદી ઘોષણા થઈ શકે છે.

આ મામલે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં યોજાયેલી અત્યાર સુધીની બેઠકોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગૌબા, અતિરિક્ત સચિવ (કાશ્મીર) જ્ઞાનેશ કુમાર, રો અને આઈબી પ્રમુખ, અર્ધસૈન્ય બળોના ડાયરેક્ટર જનરલ સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા છે.

કાશ્મીર

ચૂંટણીપંચે બીબીસીને જણાવ્યું છે કે તેમની તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેમને હવે માત્ર કેન્દ્ર સરકારના આદેશની રાહ છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીર પુનઃગઠન અધિનિયમ 2019ને 31 ઑક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

હાલ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન છે. નવી ચૂંટણી પહેલાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીક્ષેત્રોનાં પુનઃગઠનની માગ વર્ષોથી કરવામાં આવી રહી છે.

ખાસ કરીને જમ્મુમાં ભારતીય જનતા પક્ષે હંમેશાં આ મામલે વકાલત કરી છે કે જ્યાં તેની લોકપ્રિયતા અન્ય પાર્ટીઓ કરતાં ઘણી વધારે છે.

આ માગ પાછળ એ ફરિયાદ છે, જેમાં ઘણી વખત કહેવામાં આવે છે કે રાજ્યની વિધાનસભામાં જમ્મુ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કાશ્મીર ખીણની સરખામણીએ ઓછું છે.

જમ્મુ-કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુની બીજી ફરિયાદ એ છે કે કાશ્મીર ખીણની સરખામણીએ જમ્મુ ડિવિઝનમાં વિકાસકાર્યો ઓછાં થયાં છે.

બીજી તરફ કાશ્મીર ખીણની પાર્ટીઓને કલમ 370ની નાબૂદીથી પહેલો ઝટકો લાગ્યો છે. સીમાંકનનાં પરિણામો આ પાર્ટીઓ માટે બીજો મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

કાશ્મીર ખીણના આશરે બધા જ મોટા નેતાઓને હાલ નજરકેદ રાખવામાં આવ્યા છે.

પરંતુ 5 ઑગસ્ટના રોજ કલમ 370 હઠાવવાની ઘોષણા થવાના એક દિવસ પહેલાં શ્રીનગરમાં થયેલી ઑલ પાર્ટી બેઠકમાં કાશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જા સાથે છેડતી ન થવી જોઈએ.

line

ભાજપનું સરકાર બનાવવાનું સપનું

કાશ્મીર

ઇમેજ સ્રોત, Reuters

ત્યારબાદ કેટલાક જિલ્લા સ્તરના નેતાઓએ બીબીસીને કહ્યું હતું કે ભાજપ જમ્મુ-કાશ્મીર વચ્ચે વિવાદ ઊભો કરવા પ્રયાસ કરે છે.

સામાન્યપણે એ સમજવામાં આવી રહ્યું છે કે સીમાંકન બાદ જમ્મુ ક્ષેત્રની સીટો વધશે અને તેની સંખ્યા કાશ્મીર ખીણની બેઠકો કરતાં વધારે થઈ જશે.

આ રીતે જમ્મુના સૌથી મોટા પક્ષ ભાજપ માટે સરકાર બનાવવું સહેલું થઈ જશે.

કાશ્મીર લાલ ચોક

ઇમેજ સ્રોત, Getty Images

ગત વિધાનસભા ચૂંટણી (2014)માં જમ્મુ ક્ષેત્રની 37 વિધાનસભા સીટોમાંથી ભાજપે 25 પર જીત મેળવી હતી.

કૉંગ્રેસને પાંચ અને કાશ્મીર ખીણની બે મોટી પાર્ટીઓ એટલે કે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ઓમર અબ્દુલ્લાહની નેશનલ કૉન્ફરન્સને ત્રણ-ત્રણ બેઠકો મળી હતી. એક બેઠક અપક્ષ ઉમેદવારના નામે ગઈ હતી.

આ તરફ કાશ્મીર ખીણનાં 46 વિધાનસભા ક્ષેત્રોમાંથી પીડીપીને 28 બેઠકો મળી હતી, જ્યારે નેશનલ કૉન્ફરન્સે 15 પર જીત મેળવી હતી અને કૉંગ્રેસે 12 પર.

રાજ્યની 6 લોકસભા બેઠકોમાંથી ભાજપ અને પીડીપીએ ત્રણ-ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કાશ્મીર ખીણની 46 વિધાનસભા બેઠકો છે અને ત્રણ સંસદીય ક્ષેત્ર છે.

જમ્મુમાં 37 વિધાનસભા અને બે લોકસભા સીટ છે. એક બેઠક લદ્દાખ માટે છે. સૈદ્ધાંતિક રૂપે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર માટે 24 વિધાનસભા બેઠકો નિર્ધારિત છે.

મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહ

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ-કાશ્મીર પુનઃગઠન અધિનિયમ 2019 પ્રમાણે હવે જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 વિધાનસભા ક્ષેત્ર હશે, જેમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર માટે 24 સીટ પણ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત 1995માં સીમાંકન કરવામાં આવ્યું હતું. આખા દેશમાં છેલ્લું સીમાંકન 2002માં થયું હતું.

તેના માટે ગઠિત સીમાંકનપંચના સભ્યોમાં ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલસ્વામી સામેલ હતા.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્ષેત્રોના ફરી સીમાંકન માટે સરકાર ચૂંટણીપંચને આદેશ આપી શકે છે જે સીમાંકન પંચની જેમ કામ કરશે.

તેમના પ્રમાણે, "સીમાંકન પંચનું ગઠન સમગ્ર દેશમાં સીમાંકનના સમયે થાય છે."

તેમણે 2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણાના અલગ થવા પર થયેલી સીમાંકનની પ્રક્રિયાનો હવાલો આપતા જણાવ્યું કે આ કામ ચૂંટણી પંચે જ કર્યું હતું.

સીમાંકન 2011ની વસતીગણતરી અંતર્ગત કરવામાં આવશે અને તેની વસતીગણતરી પ્રમાણે જમ્મુ ડિવિઝનની વસતી 54 લાખ છે. આ ડિવિઝન 26 હજાર વર્ગ કિલોમિટરમાં ફેલાયેલું છે.

કાશ્મીર ખીણની જનસંખ્યા 69 લાખ છે અને તેનું ક્ષેત્રફળ 15,900 વર્ગ કિલોમિટરમાં ફેલાયેલું છે.

તેનો મતલબ એ છે કે ક્ષેત્રફળની દૃષ્ટિએ જમ્મુ મોટું છે અને કાશ્મીર ખીણ ખૂબ નાની છે.

પરંતુ વસતી પ્રમાણે કાશ્મીર ઘાટી જમ્મુની સરખામણીએ ઘણી મોટી છે.

line

કેવી રીતે થશે સીમાંકન?

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુની 37 વિધાનસભા બેઠકોમાંથી સાત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

જ્યારે કાશ્મીર ખીણની 46 બેઠકોમાંથી એક પણ બેઠક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સુરક્ષિત નથી.

એટલે જમ્મુના લોકોને ફરિયાદ રહી છે કે દર વખતે ખીણની સીટ વધારે જીતવાના કારણે મુખ્ય મંત્રી ખીણના જ હોય છે.

પરંતુ જમ્મુ સ્થિત કાશ્મીર ટાઇમ્સ ન્યૂઝપેપરનાં કાર્યકારી તંત્રી અનુરાધા ભસીનના મતે જમ્મુ વિરુદ્ધ ભેદભાવના કોઈ પુરાવા નથી.

તેઓ કહે છે, "જમ્મુમાં છેલ્લા ઘણા સમયથી અહીં રહેતા લોકો વિરુદ્ધ ભેદભાવની ભાવના રહી છે, કાશ્મીરની લીડરશિપ એમને ભારે પડી રહી છે જેમણે કાશ્મીરમાં વધારે વિકાસ કર્યો. આ એક એવી ધારણા છે કે જેના કોઈ મજબૂત પુરાવા આપવા અઘરા છે."

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપ એવો તર્ક આપે છે કે આગામી સીમાંકનમાં માત્ર આબાદી નહીં પણ ક્ષેત્રફળ પર પણ ધ્યાન આપવાનું રહેશે.

ભાજપના સૂત્રોનું કહેવું છે, "સરેરાશ જમ્મુની એક વિધાનસભા સીટ કાશ્મીર ખીણની એક બેઠકથી ક્ષેત્રફળમાં ઘણી મોટી હોય છે."

"તેના કારણે તે સીટના ધારાસભ્યે પોતાના ક્ષેત્રની સેવા કરવામાં વધારે મહેનત કરવી પડે છે."

"જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાનું ગણિત એવું છે કે દરેક પરિસ્થિતિઓમાં કાશ્મીર ખીણમાં કેન્દ્રિત પાર્ટીઓ પ્રમુખ છે જેથી જમ્મુ અને લદ્દાખને ક્યારેય યોગ્ય પ્રતિનિધિત્વ ન મળે. આ જ કારણ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય મંત્રી કાશ્મીર ખીણમાંથી જ આવતા રહ્યા છે."

સૂત્રો અનુસાર જો સીમાંકન થાય તો જમ્મુ વિધાનસભાની બેઠકો વધશે અને જો બેઠકો વધે છે તો અબ્દુલ્લાહ અને મુફ્તી પરિવારનું રાજકારણ લગભગ સમાપ્ત થઈ જશે.

સાથે જ ભાગલાવાદી શક્તિઓ પણ નબળી પડી જશે.

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ જમ્મુ સ્થિત પેન્થર્સ પાર્ટીના સંસ્થાપક ભીમ સિંહના જણાવ્યા પ્રમાણે જમ્મુ ડિવિઝનમાં ભાજપથી અલગ મત ધરાવતા નેતાઓ ઓછા નથી. પરંતુ હાલ તેમને કેન્દ્ર સરકારે નજરકેદ કરીને રાખ્યા છે.

તેઓ કહે છે, "કાશ્મીર ખીણ સિવાય જમ્મુમાં પણ ઘણા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે અથવા તો તેમની ધરપકડ કરવામાં આવી છે."

"અમારી પેન્થર્સ પાર્ટીના અધ્યક્ષને જેલમાં રાખવામાં આવ્યા છે. અમારા ઘણા નેતાઓનો મત ભાજપ કરતાં અલગ છે પરંતુ જો અમે તે મામલે અવાજ ઉઠાવીએ છીએ તો સરકાર નજરકેદ કરી દે છે."

પરંતુ શું જ્યારે સીમાંકનની પ્રક્રિયા શરૂ થશે તો તેમની પાર્ટી તેને માન્યતા આપશે? તેનો તેમણે સીધો જવાબ ન આપ્યો પણ એમ કહ્યું કે 31 ઑક્ટોબર તો હજુ દૂર છે.

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

કાશ્મીર ટાઇમ્સ ન્યૂઝપેપરનાં કાર્યકારી તંત્રી અનુરાધા ભસીનના જણાવ્યા અનુસાર ભાજપ વિપક્ષને રાજકીય સ્પેસ આપવા માગતો નથી.

તેઓ કહે છે, "ભાજપ ઇચ્છે છે કે જમ્મુમાં વધારે સીટ હોય જેથી તેમની સરકાર અહીં સત્તામાં આવે."

ભાજપની નજરે કાશ્મીરના નેતા અત્યાર સુધી ભારે પડ્યા છે.

એક નેતાએ કહ્યું, "હવેનો સમય જમ્મુ અને કાશ્મીર બન્ને ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ શરૂ થવાનો સમય છે."

પ્રદેશ નેતા આશા રાખે છે કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ફરી મળી શકે છે.

આ વાયદો વડા પ્રધાને પણ 15 ઑગસ્ટના રોજ પોતાના ભાષણમાં કર્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો