કાશ્મીરનું એક એવું ગામ જે સુરક્ષાબળોના પહેરાથી મુક્ત છે

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, કુલગામ (જમ્મુ-કાશ્મીર)થી, બીબીસી ગુજરાતી માટે

ગયા રવિવારે સવારે અમે વલીનાદ, ગુલઝારાબાદ ગામે પહોંચ્યા અને રસ્તા પર વાતો કરવા બેઠેલા કેટલાક લોકોને મળ્યા.

પહાડોની હરિયાળી વચ્ચે વસેલા એ ગામમાં આસપાસમાં ક્યાંય સુરક્ષાદળોનો પહેરો દેખાયો નહીં.

જોકે, પાંચમી ઑગસ્ટે કલમ 370 હઠાવી દેવાઈ તે પછી ઊભો થયેલો તણાવ ગામના લોકોમાં પણ દેખાયો.

ગામના લોકો સાથે વાત થાય તે પહેલાં અમને બે મહિલાઓ મળી હતી.

તેઓ ગામના નીચાણવાળા વિસ્તાર તરફ ચાલીને જતી હતી.

તેમણે કહ્યું કે વાહન મળતાં નથી એટલે ચાલીને જવું પડે છે.

લીલાછમ પહાડો વચ્ચે વસેલું આ ગામ કુલગામ જિલ્લાનું પશ્ચિમે છેવાડે આવેલું છે.

શ્રીનગરથી 130 કિલોમિટર દૂર આવેલું ગામ બીજા ભાગો કરતાં ઘણું શાંત દેખાઈ રહ્યું છે.

પણ ઉપરથી દેખાતી શાંતિ અને કુદરતના સૌંદર્ય વચ્ચે ગામના લોકોમાં અકળામણ અને ભય સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

કલમ 370 દૂર કરાયા બાદ હવે આગળ શું થશે એ સવાલ ગામલોકોને મૂંઝવી રહ્યો છે.

ગામમાં 50 જેટલા પરિવારો છે પણ તેઓ છેલ્લા 20 દિવસથી ભયને કારણે ગામની બહાર જઈ શક્યા નથી.

ગામના મોટા ભાગનાં મકાનો કાચાં છે. બહુ થોડા લોકો પાકા મકાનમાં રહે છે.

આ બધા જ 50 પરિવારો વલીનાદ છાપરામાં વર્ષના આઠ મહિના જ રહે છે.

ચાર મહિના માટે સૌ અહીંથી અસલી ગામ ગુલઝારાબાદ જતા રહે છે, જ્યાં તેમનાં પાકા મકાનો છે.

ત્રણેક કિલોમિટર દૂર આવેલું ગુલઝારાબાદ મુખ્ય ગામ છે અને ત્યાં 300 જેટલા પરિવારો વસે છે.

આમ, વલીનાદ ગુલઝારાબાદનું પરું કહી શકાય.

લોકો ઉનાળાના આઠ મહિના અહીં પશુ ચરાવે છે અને શિયાળામાં મુખ્ય ગામે જતા રહે છે.

મોટા ભાગના લોકો ખેતી અને મજૂરી કામ કરે છે. શિયાળામાં ઘણા લોકો પંજાબમાં ખેતમજૂરીએ પણ જતા રહે છે.

શ્રીનગરથી ગુલઝારાબાદ પહોંચ્યા ત્યાં સુધીમાં અમે ત્રણ જિલ્લા પસાર કર્યા.

ત્રણેય જિલ્લાઓમાં દુકાનો બંધ જોવા મળી અને કેટલીક જગ્યાએ સુરક્ષાદળોનો પહેરો પણ જોયો.

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

કુલગામના છેલ્લા તાલુકા મથક ડમ્હાલ હંજીપોરા વટાવ્યા પછી રસ્તા પર કોઈ સુરક્ષાકર્મીઓ જોવા મળ્યા નહોતા.

પાંચમી ઑગસ્ટે કલમ 370 રદ થયાની જાહેરાત પછી માહોલ તંગ બન્યો છે.

જાહેરાત સાથે જ ફોનની લાઇનો બંધ થઈ ગઈ છે. અવરજવર પર નિયંત્રણો અને કર્ફ્યુ લાદી દેવાયાં છે. શાળા, કૉલેજો અને દુકાનો પણ બંધ જ છે.

કલમ 370 હઠી જવાથી વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો જતો રહ્યો છે, સાથે જ રાજ્યનું વિભાજન કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ પણ બનાવી દેવાયો છે.

જમ્મુ અને કાશ્મીરને પણ વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે. સંયુક્ત રાજ્યમાં કાશ્મીર ખીણ મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ હતો.

કલમની નાબૂદીની જાહેરાત પહેલાં જ કેન્દ્ર સરકારે મોટા પાયે સલામતી દળો રાજ્યમાં ગોઠવી દીધાં હતાં.

line

લોકોની મુશ્કેલીઓ

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ભયના માહોલ સાથે ગામના લોકો પરેશાનીમાં પણ છે કેમ કે વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ચીજવસ્તુઓના પુરવઠાની અછતથી લોકો હેરાન થવા લાગ્યા છે.

બે બાળકોનાં માતા 30 વર્ષીય હલીમા કહે છે કે તેમની દીકરીને ડૉક્ટરે જે દૂધ લખી આપ્યું હતું તે બજારમાં મળતું નથી.

વીજળી વિનાના કાચા મકાનમાં રહેતાં હલીમાએ બીબીસીને કહ્યું, "મારી પાસે લૅક્ટોજન મિલ્કના કેટલાંક પૅકેટ હતાં. થોડા દિવસ પહેલાં તે ખાલી થઈ ગયાં એટલે હવે હું મારી દીકરીને ગાયનું દૂધ આપું છું."

"આમ તબિયત સારી છે, પણ મારી બાળકી નબળી પડી રહી છે. બજાર બંધ હોવાથી મને પૅકેટ મળ્યાં નથી. હવે અમે ક્યાં જઈએ? ડૉક્ટરે લૅક્ટોજન મિલ્ક આપવાનું જ કહ્યું હતું. બજારમાંથી ક્યાંયથી મળ્યું નહીં એટલે ગાયનું દૂધ આપીએ છીએ.'

બે વર્ષની દીકરીના દાદા 70 વર્ષના અબ્દુલ રશિદ દર કહે છે, "આ બધું 370 નાબુદ કર્યા પછી થયું છે. અમે બજારમાં જઈ શકીએ તેમ નથી. દુકાનો બધી બંધ છે."

"અમે કોશિશ કરી પણ ક્યાંથી ન મળ્યું. દુકાનદારને જબરદસ્તી કરીને કેમ મેળવવું? એટલે હવે અમે ગાયનું દૂધ આપીએ છીએ."

"દુકાનો ખુલ્લી હોત તો અમને પૅકેટ મળી ગયા હોત."

કાશ્મીરમાં કર્ફ્યુ

ઇમેજ સ્રોત, Getty Images

મોહમ્મદ અશરફ પણ ભયથી ગામની બહાર જવાની હિંમત કરી શકતા નથી.

વાહનવ્યવહાર બંધ હોવાથી વસ્તુઓ કાળાબજારમાં વેચાવા લાગી તેનો ભારે રોષ તેમનામાં છે.

મોહમ્મદ અશરફ કહે છે, "આ 370 નાબૂદ થઈ ત્યારથી અમે ફફડીએ છીએ. આખું કાશ્મીર બંધ કરી દેવાયું છે. વસ્તુઓના ભાવ ખૂબ ઊંચે જવા લાગ્યા છે."

"20 દિવસ પહેલાં જે ચોખા 2200 રૂપિયામાં એક ક્વિન્ટલ (100 કિલો) મળતા હતા તેના અત્યારે 3000થી 3200 રૂપિયા બોલાઈ રહ્યા છે."

"ગામની બહાર જઈશું તો પકડી લેશે તેવા ડરના કારણે અમારા યુવાનો બહાર જતા નથી. નરેન્દ્ર મોદી કહે છે કાશ્મીરમાં સ્થિતિ શાંત છે, પણ તે સાવ ખોટી વાત છે."

"કાશ્મીરમાં શાંતિની વાતો ખોટી છે. સરકાર કહે છે કે શાળાઓ ખુલ્લી છે. એકેય શાળા ખૂલી નથી. મીડિયા પણ જુઠ્ઠાણાં ફેલાવે છે. હું વીસ દિવસથી ગામની બહાર નીકળ્યો નથી."

"બહાર જઈએ તોય બે-ચાર જણ સાથે મળીને જઈએ છીએ. અમને પકડી લેશે એવા ભયથી અમે અમારા ગામમાં જ ભરાઈ રહ્યા છીએ."

તેઓ વધુમાં કહે છે, "અમને ખબર નથી બધા મંત્રીઓ ક્યાં જતા રહ્યા. તેઓ ક્યાં છે એની અમને કોઈ માહિતી નથી. તે લોકો જીવે છે, માર્યા ગયા કે જેલમાં છે, કશી ખબર નથી? માત્ર અફવાઓ જ ચાલે છે."

line

આખો દિવસ નવરા બેસી રહે છે ગ્રામજનો

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ગામના લોકો માટે સમાચારો મેળવવાનું એકમાત્ર માધ્યમ રેડિયો જ છે.

ગામના ખેડૂત મોહમ્મદ અમીન દરે કલમ 370 નાબુદ થયાના સમાચાર રેડિયો પર જ સાંભળ્યા હતા.

તેઓ કહે છે, "મેં કલમ 370 નાબુદ થયાના સમાચાર રેડિયો પર સાંભળ્યા હતા. અહીં રેડિયો જ ચાલે છે. અખબારો આવતા નથી અને ટીવી છે નહીં."

મોહમ્મદ અમીન પણ ગામની બહાર નીકળતા નથી

તેઓ કહે છે, "અમે કોને ફરિયાદ કરીએ. કોઈ નેતા રહ્યા નથી. અંધાધૂંધી છે."

"અમને ડર લાગે છે કે ગામની બહાર જઈશું તો સલામતી દળોનો સામનો કરવો પડશે. તે લોકો અહીં આવતા નથી, પણ બીજા વિસ્તારમાં દળો ગોઠવાયેલા છે."

આખો દિવસ શું કરો છો તેના જવાબમાં તેઓ કહે છે, "બેઠા રહીએ અને આવતા જતા લોકોને જોતા રહીએ. સતત ભય લાગે છે. ગામની બધી શાળા બંધ છે. એક પણ શાળા ચાલુ નથી. તમે જાતે જઈને જોઈ લો."

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

આ જ ગામના 60 વર્ષનાં હનીફાબાનોનાં પુત્રી ગર્ભવતી હતાં પણ વાહન ન હોવાથી તેને હૉસ્પિટલ કે ડૉક્ટર પાસે લઈ જવાં કાઠું કામ હતું.

તેઓ કહે છે, "મારી દીકરી ગર્ભવતી હતી. અમે કોઈ ડૉક્ટરને મળી શકતા નથી. થોડા દિવસ પહેલાં તેને બતાવવા લઈ જવી પડે તેમ હતી, પણ કેવી રીતે જવું."

"વાહનવાળાને કહ્યું તો તેમણે ત્યાં જવા જેવું નહીં કહીને હૉસ્પિટલે આવવા ના પાડી. અલ્લાહની મહેરબાની કે મારી દીકરીને કુદરતી પ્રસૂતિ થઈ ગઈ."

પ્રસૂતિ પછી કેવી રીતે દવા મેળવી તે વિશે પૂછતાં તેમણે કહ્યું કે, "અમે ગમે તેમ કરીને કમ્પાઉન્ડરને શોધી કાઢ્યા હતા. પહેલાં તો તેમણે ડૉક્ટરને પૂછ્યા વિના દવા આપવાની ના પાડી. અમે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે દવા આપી."

"દીકરી માટે ઘણી વસ્તુઓની જરૂર હતી, પણ વાહન જ મળતું નહોતું. પાંચ ઑગસ્ટ પહેલાં વાહન મળી જતાં હતાં, હવે એક બસ પણ મળતી નથી."

line

દુકાનોમાં સ્ટૉક ખતમ થઈ રહ્યો છે

કાશ્મીરમાં કર્ફ્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ગામના બીજા હિસ્સામાં અમે પહોંચ્યા ત્યારે જોયું કે એક દુકાન ખુલ્લી હતી. ગામના કેટલાક લોકો દુકાને ભેગા થયા હતા.

યુવાન દુકાનદાર એજાઝ અહમદ કહે છે કે બહુ જરૂર હોય ત્યારે જ તે પોતાની દુકાન ઉઘાડે છે.

તેઓ કહે છે, "છેલ્લા 20 દિવસમાં મેં બહુ ઓછી વાર દુકાન ખોલી છે. લોકોને વસ્તુની બહુ જરૂર હોય ત્યારે જ ખોલી હતી. મારી દુકાનમાં પણ વસ્તુઓ ખૂટી પડી છે."

"મોટી બજારમાં જઈને વસ્તુ લાવવાનું હવે શક્ય નથી. વાહનો મળતાં નથી. વચ્ચે બેવાર જઈને થોડી વસ્તુઓ લઈ આવ્યો હતો."

"વાહનો મળે નહીં અને ભય હોય ત્યારે કેવી રીતે માલ લાવવો. સામાન્ય રીતે હું રોજના બસ્સોથી ત્રણસો રૂપિયા કમાતો હતો. પણ પાંચ તારીખ પછી લોકો બહુ ઓછું બહાર નીકળે છે."

"લોકોમાં ભય છે. ઘરની બહાર જ નીકળતા નથી."

ગામમાં દવાની એક દુકાન છે તે ગામના લોકો માટે આશીર્વાદ સમાન નીવડી છે. જોકે ફોનલાઇનો પણ ચાલતી ન હોવાથી દવાનો પુરવઠો પણ મળતો નથી.

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુલઝારાબાદના આ કેમિસ્ટે પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું, "ફોન અને વાહનવ્યવહાર બંધ છે એટલે અમને બજારમાંથી નવો જથ્થો મળ્યો નથી. દવાઓ ખૂટી પડે તો પણ ઘણીવાર મળતી નથી."

"હું તમને એક દાખલો આપું. હાલમાં જ ગામના એક જણે આવીને લૅક્ટોજન મિલ્કની માગણી કરી પણ આપી શક્યો નહીં."

"મને બહુ ખરાબ લાગ્યું પણ શું કરું?"

ગામના સરપંચ ગુલઝાર અહમદ દર પણ કહે છે કે ગામમાં શાંતિ છે, પણ સૌના મનમાં ભય છે.

"કલમ 370ની નાબુદીથી અહીંના લોકો ભયમાં છે. અમને થાય છે કે શા માટે આવું કર્યું. તેને હઠાવવાની જરૂર નહોતી."

"અહીં સુરક્ષાકર્મીઓ નથી, પણ ભય વ્યાપેલો છે. આસપાસ શું ચાલી રહ્યું છે અમને ખબર નથી."

"અમે શ્રીનગર કે નજીકના તાલુકા મથક દમ્હાલ જતા નથી. દમ્હાલ તો અહીંથી 25 કિલોમિટર જ દૂર છે."

80 વર્ષના ગુલામ રસૂસ દર માને છે કે 370ની નાબુદી એ કાશ્મીર પર હુમલો છે.

ખીણમાં તંગદિલી કેમ છે? તેના જવાબમાં તેઓ કહે છે, "એનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીએ કલમ 370 હઠાવીને કાશ્મીર પર હુમલો કર્યો છે."

"અમે મુશ્કેલીમાં મૂકાયા છીએ. અમને કશું મળતું નથી. અમે ક્યાં જઈએ? સ્થિતિ સારી નથી."

"અમને માત્ર રેડિયો સાંભળીને માહિતી મળે છે, પણ સાચા સમાચાર તો અપાતા જ નથી."

તમારા ગામની બહાર કેવી સ્થિતિ છે, તેના જવાબમાં કહે છે, "બહાર પણ સ્થિતિ સારી નથી. ચારે બાજુ સુરક્ષાદળો ગોઠવાયેલા છે."

"કોઈને ઘરની બહાર નીકળવા દેવાતા નથી. યુવાનોની ધરપકડો થઈ રહી છે. ભયના કારણે છેલ્લા 20 દિવસથી મેં ગામની બહાર પગ નથી મૂક્યો."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો