કાશ્મીર તણાવ : પાકિસ્તાને 33 દિવસમાં 27 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
ભારત પ્રશાસિત કાશ્મીરની સહરદે શાંતિ નથી. પોલીસ અને સૈન્યનું કહેવું છે કે ગત 33 દિવસમાં પાકિસ્તાને ઓછામાં ઓછો 27 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
ઉત્તર કાશ્મીરના સોપોરમાંથી મળતી માહિતી પ્રમાણે ઉગ્રવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. ક્રૉસ ફાયરિંગમાં કેટલાક લોકો ઘાયલ થયા જેમાં એક નાની છોકરીનો પણ સમાવેશ થાય છે.
જ્યારે શુક્રવાર સવારે આઠ વાગે પુંછના મેંઢર તાલુકામાં આવેલા કૃષ્ણાઘાટી સૅક્ટરમાં પાકિસ્તાની સૈન્યએ ભારતની ચોકીઓ પર હુમલો કર્યો હતો. અહીં માત્ર 15 કિલોમિટરના અંતરે લોકોની વસતી છે.
કાશ્મીરના આ વિસ્તારમાં ઘટેલી આ બીજી ઘટના છે. પહેલી ઘટનામાં થયેલા ક્રૉસ ફાયરિંગમાં એક પોલીસકર્મી અને એક ઉગ્રવાદી મૃત્યુ પામ્યા હતા.

ઇમેજ સ્રોત, ABID BHAT
5 ઑગસ્ટે કલમ 370 હઠાવ્યા પછી સતત પોલીસ અને સૈન્ય એલર્ટની જાહેરાત થતી રહી છે.
પોલીસ અને સેનાનું કહેવું છે કે તેમને ગુપ્તચર તંત્રના ઇનપુટ મળ્યા છે કે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદે લૉન્ચપૅડ પર તૈયાર છે અને ક્રૉસ ફાયરિંગની આડમાં ઘૂસણખોરોને મોકલવામાં આવી રહ્યા છે. જેથી અહીં હિંસાનો માહોલ ઉભો કરી શકાય.
માત્ર ઉત્તર કાશ્મીર જ નહીં પરંતુ શ્રીનગરમાં પણ હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાંજ પડતા જ અહીં વાહનોની તપાસ કરવામાં આવે છે.
ઘણી જગ્યાએ નાકાબંધી કરાઈ છે, બંકર બનાવવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વહીવટીતંત્ર અને સુરક્ષાદળોનું કહેવું છે કે આટલા મોટા નિર્ણય પછી કોઈ હિંસક ઘટના ઘટી નથી અને મોટા પ્રમાણમાં લોકોને હતાશ થવું પડ્યું નથી. કોઈ હત્યા થઈ નથી ત્યારે અહીં અચાનક સુરક્ષાદળો પર હુમલા થવા લાગ્યા છે અથવા હિંસક માહોલ ઊભો થઈ રહ્યો છે એવો ડર ઊભો ન થાય એ માટે સાવચેતી રાખવામાં આવી રહી છે.

સરહદી વિસ્તારમાં જ્યાં લોકો રહે છે ત્યાં ફાયરિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનાનું કહેવું છે કે સામાન્ય લોકોમાં પોતાના જીવ અને માલમતાનો ભય ઊભો થાય તે માટે પાકિસ્તાનની સેનાએ એવા સરહદી વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે જ્યાં આસપાસ લોકોની વસતી હોય.
જોકે, આના માટે ઘણી બધી ગોઠવણ કરવામાં આવે છે. નાગરિકોને બંકર બનાવી આપવામાં આવે છે. તેમને સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે.
સરહદ પારથી થઈ રહેલાં ફાયરિંગથી એલઓસીની નજીકના પુંછ અને રાજૌરી સૅક્ટર વધારે પ્રભાવિત છે.
કાશ્મીરના ગુરેજ, કુપવાડા અને બારામુલા સાથે નિયંત્રણ લાઇન સીધી જોડાયેલી છે પરંતુ યુદ્ધવિરામ ભંગની મોટા ભાગની ઘટનાઓ જમ્મુ વિસ્તારમાં ઘટી રહી છે.

શાળામાં બાળકો નથી

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે ટેલિફોન સેવા અને શાળાઓ ખોલવાની જાહેરાત કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળા ખૂલી ગઈ છે, ત્યાં શિક્ષકો આવે છે પરંતુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે.
જ્યારે ખાનગી શાળાઓમાં શિક્ષકો પણ નથી આવી રહ્યા. હવે સરકારે એ વાત પર ચર્ચા કરવાની બંધ કરી દીધી છે કે કેટલી શાળાઓ ખૂલી ગઈ છે અને કેટલી ખૂલવાની બાકી છે.
વધુમાં જ્યારે બહાર હડતાલનો માહોલ હોય અને મોટી સંખ્યામાં રસ્તા પર અર્ધસૈનિકદળોની હાજરી હોય ત્યારે બાળકોને કંઈ થઈ ન જાય તેની બીકે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતા નથી. એથી કદાચ હવે સ્કૂલોને ખોલવાની વાતો બંધ થઈ ગઈ છે.
કાશ્મીરમાં સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં પરીક્ષા પૂર્ણ થવાનો સમય હોય છે.
10,11 અને 12મા ધોરણની પરીક્ષાઓ યોજાવાની છે. જોકે, વહીવટી તંત્રએ જાહેરાત કરી હતી કે આ પરીક્ષાઓનાં ફૉર્મ શાળામાંથી મળી શકશે.
આનાથી નાની ચહલપહલ થઈ છે. ફૉર્મ ભરવા માટે વાલીઓ પોતાનાં બાળકો સાથે સ્કૂલે જઈ રહ્યા છે પરંતુ ત્યાં વર્ગ લેવામાં આવી રહ્યા નથી.
ત્યાં માત્ર ફૉર્મ આપવામાં આવે છે. આ પરીક્ષાઓની તારીખ હજુ જાહેર કરવાની બાકી છે.
(બીબીસી સંવાદદાતા શકીલ અહમદની સાથે થયેલી વાતચીતના આધારે)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












