ભારતમાં કારના વેચાણમાં ઘટાડો કેમ થઈ રહ્યો છે?

- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ઝારખંડના એક દૂરના ગામમાં એક યુવાન પતિ-પત્ની ચર્ચા કરી રહ્યાં હતાં કે ઘરમાં ચોખા છે, તે આવતા અઠવાડિયાના અંત સુધી ચાલશે કે નહીં.
પત્નીએ પોતાની નાની એવી ઝૂંપડીમાંથી છુપાઈને જોયું, "તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. પહેલાં આજુબાજુની ફૅકટરીમાં જઈને તપાસ કરો."
તેમના પરિવારમાં તેમના પતિ રામ મરડી એકલી કમાનાર વ્યક્તિ છે અને તે સ્વીકારે છે કે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે.
તે પૂછે છે, "જ્યારે આર્થિક મંદી નહોતી ત્યારે અમે આરામથી જીવી રહ્યા હતા. હવે ખાવાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ છે. મેં બાળકોને સ્કૂલે મોકલવાનું પણ બંધ કર્યું છે."
"મારાં માતાની તબિયત નાદુરસ્ત છે અને જો હું બીમાર પડીશ તો આ લોકો કેવી રીતે જીવશે?"
રામ ઝારખંડના જમશેદપુરમાં એક કંપની માટે કામ કરે છે, જે કાર અને ભારે વાહનોના વિવિધ પાર્ટ્સ બનાવે છે.
પરંતુ ગત મહિને તેમને માત્ર 14 દિવસ જ કામ મળ્યું હતું. માગમાં આવેલી ઘટને કારણે તેમના કારખાનાને કેટલાક દિવસ માટે બંધ રાખવું પડે છે.

કઈ કારનું કેટલું વેચાણ ઘટ્યું?

ઇમેજ સ્રોત, PTI
ઑગસ્ટ મહિનામાં ભારતીય ઑટો સૅક્ટર ઇતિહાસની સૌથી ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં કાર બનાવતી મોટીમોટી કંપની, જેવી કે મારુતિ સુઝૂકી ઇન્ડિયા, હ્યુન્ડાઇ, એમ ઍન્ડ એમ, તાતા મોટર્સ અને હોન્ડા કંપનીની કારનાં વેચાણમાં મોટો ઘટાડો થયો છે.
ઑગસ્ટ મહિનામાં મારુતિ કારના વેચાણમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા મહિને ઘરેલુ વેચાણ ઘટીને 34.3 ટકા નોંધાયું છે.
જ્યારે તાતા મોટર્સનાં પેસેન્જર વાહનોનું વેચાણ પણ ઑગસ્ટ મહિનામાં 58 ટકા ઘટ્યું છે.
એ જ રીત હોન્ડા કાર્સ ઇન્ડિયા અને ટોયોટો કિર્લોસ્કર મોટર (ટીકેએમ)નું વેચાણ અનુક્રમે 51 ટકા અને 21 ટકા ઘટ્યું છે.
તો સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયરના વેચાણમાં પણ ગત વર્ષની તુલનામાં 23.9 ટકાનો ઘટાડો થયો છે.
મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા કારનું વેચાણ ઑગસ્ટમાં ઘટીને 36,085 યુનિટ થઈ ગયું છે, જે ગત વર્ષે 48,324 યુનિટ રહ્યું હતું. ઘરેલુ માર્કેટ પણ ઑગસ્ટ મહિનામા 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એમ ઍન્ડ એમ કંપનીએ ગયા મહિને 13,507 કાર વેચી હતી, જેની સંખ્યા ઑગસ્ટ 2018માં 19,758ની હતી. એટલે કે વેચાણમાં 32 ટકાનો ઘટાડો થયો છે.
એ જ રીતે હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)નું સ્થાનિક વેચાણ ઑગસ્ટમાં ઘટીને 8,291 એકમ રહ્યું હતું, જે ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં 17,020 હતું.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના સ્થાનિક વેચાણમાં પણ 16.58 ટકાનો ઘટાડો થયો છે.


આખા દેશમાં માગમાં ઘટાડો થયો છે જે આર્થિક મંદીનો સંકેત છે.
દેશના કાર ઉદ્યોગ પર આની સૌથી મોટી અસર થઈ છે. કંપનીઓ અસ્થાયી રૂપે ઉત્પાદન રોકવા અને નોકરીઓમાં ઘટાડો કરવા માટે મજબૂર થઈ રહી છે.
જુલાઈમાં મુસાફરીનાં વાહનોના વેચાણમાં 30 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.
બૅન્કિંગ સૅક્ટરમાં આવેલા સંકટના કારણે ઑટોડીલર અને સંભવિત કાર ખરીદનાર પણ લૉન લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
મોટા ઉદ્યોગોને સપ્લાય કરતા આ નાના મધ્યમ કદના ઉદ્યોગો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

'કર્મચારીઓ બેકાર બેઠા છે'

જમશેદપુરમાં રહેતા અને વ્યવસાયે ઇજનેર સમીર સિંહને પોતાના ઘરે પરત ફરવું પડ્યું છે, કારણ કે પિતા બીમાર હતા અને પોતાનો ઑટો સ્પેરપાર્ટ્સ બનાવવાનો વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો હતો.
પોતે પરત ફર્યા પછી બે દાયકામાં સમીરે ન માત્ર વ્યવસાયમાં પોતાનો જીવ ફૂંક્યો, પરંતુ પોતાના ઉત્પાદનના એકમમાં પણ વધારો કર્યો, જે ભારે વાહન બનાવનારને ઑટો સ્પેરપાર્ટ્સ આપતા હતા.
તેમણે કહ્યું, "મને પોતાની ફૅક્ટરી ટકાવી રાખવા અને ચલાવવામાં આટલી તકલીફ ક્યારેય પડી નથી."
સમીર કહે છે, "તમારે વ્યવસાય ચલાવવા માટે પૈસાની જરૂરિયાત પડતી હોય છે અને ઉદ્યોગને ચલાવવા માટે એક મજબૂત ઇચ્છાશક્તિ હોવી જોઈએ."
"મારા જેવા નાના વેપારી પોતાના તમામ રૂપિયા, બચત અને લૉન પોતાના ધંધામાં નાખી દે છે અને કોઈ ડિફૉલ્ટર બનવા માગતું નથી."
"મારા કર્મચારીઓ કેટલાંક અઠવાડિયાંથી બેકાર બેઠા છે અને મને બહુ ખરાબ લાગી રહ્યું છે."
"જો આવું જ ચાલ્યું તો તે નોકરી છોડીને જતા રહેશે. તે કદાચ બીજી નોકરી શોધી લે, પરંતુ હું નોકરી માટે બહાર પણ જઈ શકું તેમ નથી. મારું જીવન અહીં શરૂ થાય છે અને અહીં જ પૂર્ણ થઈ જાય છે."

સંકટને દર્શાવે છે જમશેદપુર

ભારતીય ઑટો-સૅક્ટરના વેચાણમાં હાલમાં નોંધાયેલો ઘટાડો છેલ્લાં બે દાયકામાં સૌથી વધારે રહ્યો છે.
આ ઘટાડો કેટલો મોટો છે, એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ઑટો ઉદ્યોગ છેલ્લાં ત્રીસથી પાંત્રીસ લાખ લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગારી આપે છે.
એવું માનવામાં આવે છે કે હાલ સુધી એક લાખથી પણ વધારે લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે.
ઔદ્યોગિક શહેર જમશેદપુરમાં આ મંદીથી પ્રભાવિત થયેલા લોકોનું સંકટ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
આદિત્યપુર ઔદ્યોગિક ક્ષેત્રની વચ્ચોવચ ભીડભાડવાળા વિસ્તારમાં ઇમલી ચોક આવેલો છે. જ્યાં મોટાં ભાગનાં ઘરોમાં ઑટોપાર્ટ્સ બનાવવામાં આવે છે.
આ ચોક પર રોજ કામની શોધમાં અનેક મજૂરો આવે છે. સ્થાનિક કૉન્ટ્રેક્ટર તેમને કામ પર રાખે છે.
પરંતુ અમને ઇમલી ચોકમાં બિલકુલ અલગ જ નજારો જોવા મળ્યો. દરેક ઉંમરનાં પુરુષ અને મહિલા મજૂર બેચેન અને ગભરાયેલાં હતાં.
એ રાહ જોતાં હતાં કે કોઈ તેમને એક દિવસ માટે કામ પર રાખી લે. એટલે સુધી કે કેટલાંકે અમને કૉન્ટ્રેક્ટર સમજી લીધા હતા.
ત્રણ બાળકોનાં માતા લક્ષ્મી એક દિવસની રોજગારની શોધમાં પંદર કિલોમિટરનો પ્રવાસ કરીને પહોંચ્યાં હતાં. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ તેમના માટે નિરાશાજનક રહ્યા છે.
તેઓ કહે છે, "દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેટલાક ભાગ્યશાળી લોકોને એક દિવસનું કામ મળી જાય છે, પરંતુ મોટા ભાગના પોતાના ઘરે ખાલી હાથે પરત ફરે છે."
"તેમની પાસે બસનું ભાડું પણ નથી હોતું. કેટલીયે વખત અમારે ઘરે પહોંચવા માટે કલાકો ચાલવું પડે છે."
"અમે દરરોજ 400થી 500 રૂપિયા કમાતાં હતાં, પરંતુ હવે નહીં. હવે 100થી 150 રૂપિયા કમાવવા માટે અમે કોઈ પણ કામ કરવા માટે તૈયાર છીએ."
"શૌચાલય સાફ કરવાથી લઈને રસ્તાઓ પર કામ કરવા સુધીનાં તમામ કામ કરવાં તૈયાર છીએ, પરંતુ કામ મળતું નથી."

ચિંતાઓ

ઑટો ઉદ્યોગ માટે આ સમાચાર ખરાબ છે કે આખી અર્થવ્યવસ્થા મંદીના સમયમાંથી પસાર થઈ રહી છે અને આગામી સમયમાં વધારે નોકરીઓ પણ જઈ શકે છે.
ઑટોમેટિવ કમ્પોનન્ટ મૅન્યુફૅક્ચર્સ ઍસોસિએશન ઑફ ઇન્ડિયાના મહાસચિવ સંજય સભરવાલ કહે છે, "આ વર્ષે વેચાણમાં જે ઘટાડો નોંધાયો છે તે એટલો મોટો અને ભયાનક છે કે આનાથી તમામ પ્રકારની ગાડીઓ, જેમ કે ટૂ વ્હિલર, કાર અને ભારે વાહનો પ્રભાવિત થયાં છે. ગત વખતે જ્યારે મંદી આવી ત્યારે આવું થયું નહોતું."
અહીંનાં કારખાનાંઓ પર હજારો પરિવારનો આધાર રહેલો છે. આગળના સમયમાં વધારે ખરાબ સમાચાર આવી શકે છે.
રૂપેશ કટરિયાર ઑટોપાર્ટ્સના એક એવા ઉત્પાદક છે, જેમના બે મૅન્યુફૅક્ચરિંગ યુનિટ એક મહિનામાં મુશ્કેલીથી એક અઠવાડિયા સુધી જ ચાલી શક્યા છે.


રૂપેશ પોતાની ખાલી પડેલી ફૅક્ટરીમાં બેઠા હતા. તેમણે કહ્યું, "સૌથી વધારે મુશ્કેલ વાત એ છે કે બજાર અચાનક ઠંડું પડી ગયું છે."
"હું આ વાતથી સહમત છું કે આર્થિક વિકાસદર નીચો જવાને કારણે ભારે કૉમશિર્યલ વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ બાઈક જેવાં સસ્તી મુસાફરીનાં વાહનોનું શું? એ એટલાં મોંઘાં હોતાં નથી."
"તો સ્વીકાર કરવો જોઈએ કે આ એક નકારાત્મક સ્થિતિ છે અને આને સુધારવામાં થોડો સમય લાગશે."
ઑટો સૅક્ટરમાં સુધારો લાવવા માટે લાંબા સમયથી ટૅક્સમાં છૂટ અને ડીલરો તથા ખરીદનારને સરળતાથી લૉન આપવાની માગણી મુકાઈ રહી છે.
કેટલાય લોકો આ તર્ક આપી રહ્યા છે કે આગામી કેટલાંક વર્ષોમાં સરકારે ધીમેધીમે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર આપવાની જરૂર છે.
ખરાબ થતી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સરકારે ઘણા નિર્ણયો લીધા છે.
ઑટો સૅક્ટરમાં વ્યાપેલી નિરાશાને દૂર કરવા સરકારે એક પૅકેજની જાહેરાત, સાર્વજનિક ક્ષેત્રની બૅન્કને 70 હજાર કરોડ રૂપિયા આપવાનું અને ઓછા દરે હોમ અને ઑટો લૉન આપવાની વાત કરી છે.
શું આ ઉપાય અસ્થિર અર્થવ્યવસ્થાને સહારો આપી શકશે? આ સવાલનો જવાબ આપવો થોડો અઘરો છે.
એવું માનવામાં આવે છે કે જો ઑટો ઉદ્યોગ સારો ચાલે તો અર્થતંત્ર યોગ્ય દિશામાં આગળ વધે છે.
જાણકારોના મત મુજબ આ ભારતીય ઑટો ઉદ્યોગનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. સાથે જ અર્થતંત્રની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














