ભારતની પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમીથી સામાન્ય નાગરિકોને શું લાભ થશે? - દૃષ્ટિકોણ

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રો. આત્મન શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ વર્ષના બજેટમાં માનનીય નાણામંત્રી દ્વારા અને સ્વતંત્રતા દિવસે માનનીય વડાપ્રધાન દ્વારા ભારતનું અર્થતંત્ર 2024-25 સુધીમાં $ 5 ટ્રિલિયનના આંક સુધી જશે તેવી વાત કરવામાં આવી.

અહીં બે બાબતો મહત્વની છે: પહેલી તો એ કે 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર એટલે શું?

બીજી એ કે એનાથી દેશના સમાન્ય નાગરિકોને શું લાભ થશે?

જે તે દેશના અર્થતંત્રનું કદ તેની કુલ ઘરેલું પેદાશ (GDP: Gross Domestic Product) દ્વારા માપવામાં આવે છે, જે કોઈ ચોક્કસ વર્ષ દરમ્યાન દેશની અંદર થતાં ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય દર્શાવે છે.

આમ, પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર એટલે ભારત દેશ 2024-25 સુધીમાં એટલું ઉત્પાદન કરશે કે જેનું નાણાકીય મૂલ્ય પાંચ ટ્રિલિયન ડૉલર જેટલું હોય.

2018-19માં દેશના અર્થતંત્રનું કદ સમાન્ય ભાવોએ $2.7 ટ્રિલિયન જેટલું હતું.અહીં રુપિયા અને ડૉલર વચ્ચેનો વિનિમય દર રૂ. 70 પ્રતિ ડૉલરદીઠ લીધેલો છે.

ચલણી નોટોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હવે પ્રશ્ન એ થાય કે જો દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડૉલર સુધી વધારવું હોય તો ઘરેલું પેદાશનો વૃદ્ધિ દર કેટલો હોવો જોઈએ અને તેટલો વૃદ્ધિ દર પ્રાપ્ત થઈ શકે તેમ છે કે નહીં તે તપાસવું પડે.

2014-15માં સમાન્ય ભાવોએ દેશની ઘરેલું પેદાશ 1.78 ટ્રિલિયન ડૉલર હતી, જે 2018-19માં વધીને 2.71 ટ્રિલિયન ડૉલરની થઈ હતી.

આમ, આ પાંચ વર્ષ દરમ્યાન તેમાં સરેરાશ વાર્ષિક 10.44% નો વધારો થયો તેમ કહેવાય.

જો $ 5 ટ્રિલિયનની ઇકૉનૉમી બનવું હોય તો..... . નોંધ : અહીં 1$ = 70 રૂપિયા ધારેલ છે..

હવે જો આપણે ધારી લઈએ કે આવતા વર્ષોમાં પણ એટલે કે 2018-19થી 2024-25 સુધી સમાન્ય ભાવોએ ઘરેલું પેદાશનો વૃદ્ધિ દર 10.44% જેટલો જ રહે, તો 2024-25માં સમાન્ય ભાવોએ કુલ ઘરેલું પેદાશ 3.40 ટ્રિલિયન ડૉલર થાય જે કોષ્ટક 1માં દર્શાવ્યું છે.

આ બાબત દર્શાવે છે કે જો સમાન્ય ભાવોએ કુલ ઘરેલું પેદાશનો વૃદ્ધિ દર 11% કરતાં વધારે હોય, તો 2024-25માં ભારતના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચે.

અહીં એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે રુપિયાનો ઘસારો થતો નથી તેવી ધારણા કરેલી છે અને રુપિયાનો ઘસારો જેટલો વધારે તેટલી તેની ઘરેલું પેદાશ પરની અસર વધુ પ્રતિકૂળ.

જ્યોતીન્દ્ર દૂબે (2019) જણાવે છે કે 2024-25માં આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સમાન્ય ભાવોએ કુલ ઘરેલું પેદાશનો વૃદ્ધિ દર 11.5 % જેટલો હોવો જોઈએ અને તેમણે રુપિયામાં 10%નો ઘસારો પણ ધ્યાનમાં લીધો છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આમ, પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્યાંક સુધી પહોંચવું એ કોઈ અઘરું કામ છે અથવા તો 'લોઢાના ચણા ચાવવા' જેવી બાબત છે એવું છે જ નહીં, પરંતુ કેટલીક મુશ્કેલીઓ ચોક્કસ સામે આવે છે.

છેલ્લા કેટલાંક સમયથી ભારત મંદી તરફ આગળ વધી રહ્યું છે.

ભારતીય અર્થતંત્રની ઘરેલું પેદાશમાં સૌથી વધુ ફાળો ઘરેલું વપરાશ (Domestic Consumption)નો રહ્યો છે.

વેચાણમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images

મે 2018ની સરખામણીએ મે 2019માં દેશમાં કારના વેચાણમાં 26% નો ઘટાડો થયો છે, જ્યારે યુટિલિટી વેહિકલ્સ અને વાનની ખરીદીમાં અનુક્રમે 5.6% અને 27% જેટલો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની આગાહી મુજબ, દેશની જી.ડી.પી. સ્થિર ભાવોએ નાણાકીય વર્ષ 2020માં 7%ના દરે વધશે.

આ અંદાજ એપ્રિલ માહિનામાં 7.3% જેટલો હતો જેમાં 0.3% નો ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ દેશની ઘરેલું વપરાશમાં થઈ રહેલો ઘટાડો છે.

દેશની એફ.એમ.સી.જી. કંપનીઓના વૃદ્ધિ દરમાં પણ ઘટાડો જોવા મળે છે.

દેશની સૌથી મોટી એફ.એમ.સી.જી. ઉત્પાદક કંપની હિંદુસ્તાન લિવરના વૃદ્ધિ દરમાં 4% નો ઘટાડો થયો છે અને સાથે-સાથે અન્ય ઉત્પાદક કંપનીઓના વૃદ્ધિ દર પણ નિરાશાજનક રહ્યા છે.

પ્રશ્ન એ ઊભા થાય છે કે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લઈએ પછી શું?

શું એનાથી જે સમસ્યાઓ વર્તમાન સમયમાં દેશમાં જોવા મળે છે તેનો ઉકેલ આવી જશે?

શું તેનાથી ગરીબી અને બેકારી ઓછી થઈ જશે? શું તેનાથી લોકોને વધુ સારું શિક્ષણ કે આરોગ્યની સવલતો પ્રાપ્ત થશે?

શું તેનાથી પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળશે?

માત્ર આવકમાં વધારો થાય તે જરૂરી નથી, પરંતુ તેની વહેંચણી પણ સમાન રીતે થાય તે આવશ્યક છે.

આવકમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં આવક અને સંપત્તિની વહેંચણી ખૂબ જ અસમાન છે.

ઓક્સફામના એક અહેવાલ મુજબ 2017માં દેશમાં જેટલી સંપત્તિનું સર્જન થયું છે, તેના 73% જેટલું દેશના 1% ધનિકો દ્વારા થયું છે, જ્યારે દેશની 50% ગરીબ લોકોની સંપત્તિમાં માત્ર 1% નો વધારો થયો છે.

આમ, જો દેશની આવક વધશે તો તેનો ફાયદો દેશના કેટલાંક અમીરોને થશે કે પછી સામાન્ય પ્રજાને? આવક વધવાની સાથે સાથે દેશમાં રોજગારી પણ વધે તે જરૂરી છે.

દેશમાં બેકારીનો દર 6.1% છે જે 45 વર્ષમાં સૌથી વધુ છે અને છેલ્લાં બે વર્ષમાં તેમાં 1.9%નો વધારો થયો છે.

ગ્રામીણ વિસ્તારમાં તે દર 5.3% અને શહેરી વિસ્તારમાં તે 7.8% જેટલો છે.

આ બાબત દર્શાવે છે કે જી.ડી.પી. વધશે માટે રોજગારી પણ સર્જાશે જ તેવું ન માની લેવું જોઈએ.

બીજી તરફ ખાનગી મૂડીરોકાણ કે જે ઘરેલું પેદાશ વધારવા માટે ખૂબ જ આવશ્યક છે, તે દેશમાં વધુ થાય તેના માટે આંતરિક સંવાદિતા ખૂબ જ આવશ્યક છે.

વિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

દેશનો વિકાસ એ માત્ર અર્થતંત્રના કદ ઉપર આધાર ન રાખી શકે.

અર્થતંત્રનું કદ વધે તે જરૂરી છે અને તેમાં કોઈ જ બેમત નથી, પરંતુ તે વધવાની સાથે સાથે જો દેશમાં સમાનતા, આંતરિક સંવાદિતા અને લઘુમતીની સુરક્ષા ઊભી ન થાય તો તેવા આર્થિક વિકાસનો કોઈ મતલબ રહેતો નથી.

કોઈ પણ દેશના આર્થિક વિકાસને માત્ર જી.ડી.પી.ની વૃદ્ધિ તરીકે ન જવો જોઈએ, પરંતુ દેશમાં શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ સામાન્ય માણસને સારી ગુણવત્તા સાથે પ્રાપ્ત થાય છે કે નહીં તે જરૂરી છે અને સાથે સાથે દેશમાં આર્થિક અને સામાજિક સ્વતંત્રતા જળવાઈ રહે તે પણ જી.ડી.પી. જેટલું જ અનિવાર્ય છે.

વારંવાર જ્યારે પાંચ ટ્રિલિયન ડૉલર અર્થતંત્રની માળા જપવામાં આવે છે ત્યારે ગાલિબનો એક શેર યાદ આવે છે:

હમ કો માલૂમ હે જન્નત કી હકીકત લેકિન

દિલ કે ખુશ રખને કો 'ગાલિબ' યે ખયાલ અચ્છા હે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો