'RBI પાસેથી મેળવેલા 1.76 લાખ કરોડ જો સરકાર સરખી રીતે નહીં વાપરે તો હાલત આર્જેન્ટિના જેવી થશે'

રિઝર્વ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે માટે

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડીયા પાસેથી ભારત સરકારને 1.76 લાખ કરોડ મળવાના છે.

આમ જોઈએ તો ગયા વર્ષે વચગાળાના ડિવિડન્ડ તરીકે 28,000 કરોડ અને ત્યાર બાદ સીતારમણના બજેટમાં 90,000 કરોડ એમ રિઝર્વ બૅંક પાસેથી 11,8000 કરોડની અપેક્ષા તો હતી જ.

હવે વધારાના 58,000 કરોડ મળશે એટલે સરકાર એકદમ રાજીના રેડ થઈ જાય એવી મોટી લોટરી લાગી હોય એવું મારુ માનવું નથી.

બિમલ જાલન સમિતિએ ઈમરજન્સી ફંડ આરબીઆઇની બૅલેન્સશીટના 5.5 થી 6.5 ટકાની રૅન્જમાં હોવું જોઈએ તેવી ભલામણ કરી હતી.

તેમાં રિઝર્વ બૅન્કના બોર્ડ દ્વારા 5.5 ટકાની મર્યાદા સ્વીકારતાં સરકારને 52,637 કરોડ રૂપિયા વધુ મળ્યા તે ઉપરાંત રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 1,23,414 કરોડ રૂપિયા પણ સરકારને સરપ્લસ આપવાનો નિર્ણય કર્યો.

જાલન સમિતિએ બીજી ભલામણ એ કરી છે કે રિઝર્વ બૅન્કે પોતાના હિસાબનું વર્ષ જે જુલાઈથી જૂન સુધી હોય છે તે બદલીને નાણાકીય વર્ષ મુજબ એપ્રિલથી માર્ચ કરવું જોઈએ.

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

નિર્મલા સિતારમણના બજેટમાં 2018-19ના વર્ષ માટે જીડીપીનો વિકાસ દર 6.8 અને ફિસ્કલ ડીફિસિટ (નાણાકીય ખાધ ) 3.4 ટકા અંદાજવામાં આવી છે.

હાલની મંદી તેમજ અમેરિકા-ચીન-ભારતના વેપાર યુદ્ધને પરિણામે જે વાતાવરણ છે તેને કારણે માગ સતત ઘટતી રહી છે સાથે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે.

આમ થવાને પરિણામે અંદાજેલી નાણાંખાધ સામે જીડીપીના 3.4 ટકાના બદલે 1 થી 1.5 ટકા વધી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

રિઝર્વ બૅન્ક પાસેથી પ્રાપ્ત થનાર આ વધારાનાં નાણાંનો આખે આખો અથવા અંશતઃ ઉપયોગ નાણાંકીય ખાધને સરભર કરીને ભારત સરકારની બૅલેન્સ શીટ સુધારવા માટે થઈ શકે છે.

પોતાના અંદાજપત્રમાં આવક અને જાવક વિશે વિગતો આપતાં સીતારમણે ભારત સરકાર એક રૂપિયાનો ખર્ચ કરે તેમાંથી રાજ્ય સરકારોને તેમના ત્યાંથી ઉઘરાવેલા કરવેરાના હિસ્સા તરીકે 23 પૈસા અને ત્યારબાદ બીજા નંબરે વ્યાજ પેટે 18 પૈસા ચૂકવવાના છે એવો નિર્દેશ કર્યો છે.

આપણા સરંક્ષણ પાછળ માત્ર 9 પૈસાનો ખર્ચ થવાનો છે જેનાથી બમણો ખર્ચ વ્યાજની ચુકવણી પેટે થવાનો છે. આ સંજોગોમાં રિઝર્વ બૅન્ક પાસેથી ઉપલબ્ધ થનાર નાણાં કેટલીક મોંઘી લોન અને જામીનગીરીઓની ચુકવણી કરી વ્યાજનું ભારણ ઘટાડવામાં પણ થઈ શકે.

ખર્ચ વ્યાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઉપરોક્ત બંને ઉપયોગો યોગ્ય માર્ગે આ નાણાનો વપરાશ કરવા માટેના છે. તો પછી રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નરો બૅન્કના ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના વિચાર સાથે સંમત કેમ નથી?.

માત્ર રધુરામ રાજન અને ઊર્જિત પટેલ કે વિરલ આચાર્ય જ નહીં ગવર્નર વી. સુબ્બારાવ અને વાય. વી. રેડ્ડીએ પણ આનો ખુલ્લો વિરોધ કર્યો હતો.

રિઝર્વ બૅન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના મતે તો આ પગલું ભારતીય અર્થવ્યવસ્થા માટે આર્જેન્ટિના માફક ઘાતક સિદ્ધ થઈ શકે છે.

થોડુંક કટાક્ષમાં એમણે ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા એક સેન્ટ્રલ બૅન્ક તરીકે લાંબા ગાળાનાં હિતો તેમજ જોખમોને ધ્યાનમાં રાખી ટેસ્ટ મૅચની માફક રમે છે, જ્યારે ભારત સરકાર T-20 રમવાના મૂડમાં છે!

પોતાની દલીલના સમર્થનમાં તેમણે જણાવ્યુ હતું કે 6.6 અબજ ડૉલર જેવી જંગી રકમ આર્જેન્ટિનાની મધ્યસ્થ બૅંકમાંથી સરકારી ખજાનામાં ટ્રાન્સફર કર્યા બાદ એ દેશમાં સૌથી ખરાબ બંધારણીય સંકટ ઉત્પન્ન થયું હતું.

ભારત સરકારે રિઝર્વ બૅન્કના અનામત ભંડોળ ઉપર નજર નહીં નાખવી જોઈએ એવું ફેબ્રુઆરી 2019માં પૂર્વ ગવર્નર વાય. વી. રેડ્ડીએ અવલોકન કર્યું હતું.

આર્જેન્ટિના બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

તેમના મતે આમ થવાથી સ્થાપિત સિસ્ટમ જોખમમાં મૂકાઈ શકે છે. આ ભંડોળનો ઉપયોગ સામાન્ય રીતે સરકારને અસ્થાયી લોન આપવા માટે કરવો જોઈએ. કારણ કે ભવિષ્યમાં કોઈ આપત્તિ ઊભી થાય તો રિઝર્વ બૅન્કની બૅલેન્સ શીટ મજબૂત હોવી જોઈએ.

ગવર્નર સુબ્બારાવે પણ રિઝર્વ બૅન્કની પાસે ઉપલબ્ધ રિઝર્વ અથવા સરપ્લસને ખેંચી લેવાની સરકારની વાત યોગ્ય નથી તેમ જણાવી કહ્યું હતું કે રિઝર્વ બૅન્કનાં જોખમો સામાન્ય બૅન્કની સરખામણીમાં અલગ હોય છે.

આમ એક ખૂબ મજબૂત રિઝર્વ બૅન્કની બૅલેન્સ શીટને નબળી પાડી સરકાર એના સરપ્લસ ફંડમાં હિસ્સો માગે અથવા બૅલેન્સ શીટમાંથી કોઈ પણ રીતે આ ફંડ અંકે કરવા માંગે તે યોગ્ય નથી એમ સમજવું જોઈએ.

આથી વિપરીત મત રિઝર્વ બૅન્ક પાસેથી ફંડ મળવાને કારણે અર્થવ્યવસ્થાને મંદીમાંથી ઉગારી શકાશે તેમજ એને પુન: ઘબકતી કરી શકાશે એવો છે.

અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

એક વાત નક્કી કે જો આ ફંડનો ઉપયોગ ચાલુ ખાતાની મૂડી તરીકે થાય તો મહદ અંશે આ નાણાં પગાર ભથ્થા તેમજ બિન યોજનાકીય ખર્ચાઓ પાછળ વપરાશે જેને "ક્રિએશન ઓફ વૅલ્થ" કહેવાય.

જેના કારણે રોજગારી, કરવેરાની વધારાની આવક તેમજ મંદી સામે ઝીંક ઝીલવાની તાકાત એવું ન થાય તો પરિણામ સ્વરૂપ કદાચ આર્જેન્ટિના જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

આ નાણાનો એક ઉપયોગ પૂર્વઆર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમનિયનના મત મુજબ (ઇકૉનૉમિક સર્વે 2016-17) બૅન્કોને ફરીથી મૂડીગત આધાર આપવા અથવા અન્ય મહત્વના સંસાધનોમાં થઈ શકે છે.

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

જો કે તે સમયે ગવર્નર રધુરામ રાજને અરવિંદ સુબ્રમનિયનની આ વાતનો વિરોધ કર્યો હતો.

જાલન સમિતિના રિપોર્ટને આધારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયામકમંડળે 1.76 લાખ કરોડ સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેતાં 5.5 ટકા એટલે કે તળિયાની મર્યાદા સ્વીકારી છે.

ચિંતા એ છે કે જો આવનાર સરકારો આજ પદ્ધતિને વળગી રહેશે તો કંઈક અંશે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે જે વિરલ આચાર્યની દહેશતને સાચી પાડે. આશા રાખીએ આ દહેશત ખોટી પડે.

નિર્મલા સીતારમણને આ નાણાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે પૂછવામાં આવતા તેમણે જે રીતે 'ગેંગે ફેફે" કરીને વાત ટાળી દીધી એના કારણે નાણામંત્રી, ભારતીય રિઝર્વ બૅન્ક અને તેને સંલગ્ન બૅન્કિંગ, નોન- બૅન્કિંગ ફાયનાન્સ સર્વિસિસ તેમજ ખુદ સરકારનું નાણાં વ્યવસ્થાપન એના ધબકારનો લય ચૂકી જાય એવું લાગે છે.

મંદીનો માહોલ

ઇમેજ સ્રોત, Getty Images

જો એવું થશે તો જાણે અજાણે આપણે આર્જેન્ટિના જેવી કટોકટીને કંકોત્રી આપીને બોલાવી તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

જે થાય તે હાલનો મંદીનો માહોલ છે અને ઉત્પાદન નીચું જઈ રહ્યું છે અને માગ ઘટી રહી છે તે જોતા આવનાર ત્રણ ચાર વર્ષ સરકાર, ખાસ કરીને ભારતના નાણામંત્રી માટેનો સમય સરળ નહીં હોય.

આશા રાખીએ બધું સમુંસૂતરું પાર ઉતરે અને ભારતીય અર્થવ્યવસ્થા પાછી ધબકતી થઈ જાય.

છેલ્લે જાલન સમિતિના અહેવાલે રિઝર્વ બૅન્ક અને સરકાર વચ્ચેની લેતી-દેતીની માર્ગદર્શિકા સ્પષ્ટ કરી દીધી છે. ભવિષ્યમાં કોઈ ગવર્નર કે નાણામંત્રી એક બીજા સાથે કમ સે કમ આ મુદ્દે તો નહીં જ ટકરાય.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો