સુભાષચંદ્ર બોઝના એ છેલ્લા 48 કલાક અને સ્વતંત્રતાની આશા

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતની સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ તથા મૌલાના અબુલ કલામ આઝાદ સહિતના નેતાઓએ અહિંસાના માર્ગે ચળવળ હાથ ધરી હતી.
ઇંડિયન નેશનલ આર્મીના સુભાષચંદ્ર બોઝ, કૅપ્ટન લક્ષ્મી સહેગલ, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ વગેરેએ ઉગ્રવાદનો રસ્તો પસંદ કર્યો હતો.
આ સિપાહીઓની રગેરગમાં આઝાદીની ભાવના સમાયેલી હતી અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેઓ આઝાદી માટે લડ્યા હતા.
બોઝના જીવનની એક ઘટના તેનો પરિચય કરાવે છે.
બીજા યુદ્ધમાં જાપાનની હાર બાદ સુદૂર પૂર્વમાં તેમની સેના વિખેરાઈ ગઈ હતી. તેમનું મનોબળ તૂટી પડ્યું હતું.
સુભાષચંદ્ર બોઝ સિંગાપોરથી બૅંગ્કોકને રસ્તેથી સૈગોન પહોંચ્યા હતા.
ત્યાંથી આગળ જવા માટે એક પણ જાપાની વિમાન ઉપલબ્ધ ન હતું. ઘણા પ્રયાસ બાદ તેમને એક જાપાની બૉમ્બવર્ષક વિમાનમાં સ્થાન મળ્યું.
ઍરપોર્ટ પર છોડવા આવેલા પોતાના સાથીઓ સાથે તેમણે હાથ મિલાવ્યો અને જય હિંદ કહી ઝડપથી વિમાનની સીડી ચઢી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના એડીસી કર્નલ હબીબુર રહેમાન પણ બધાને જયહિંદ કહી તેમની પાછળ પાછળ વિમાનમાં ચઢી ગયા.

સીટ પર નહીં, વિમાનની જમીન પર બેઠા હતા બોઝ

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
નેતાજીના મૃત્યુ પર 'લેડ ટૂ રેસ્ટ' પુસ્તક લખનારા વરિષ્ઠ પત્રકાર આશિષ રે જણાવે છે, "તે વિમાનમાં ક્રૂ સહિત 14 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પાયલટની પાછળ નેતાજી બેઠા હતા."
"તેમની સામે પેટ્રોલના મોટા 'ઝેરી કેન' રાખવામાં આવ્યા હતા. નેતાજીની પાછળ હબીબુર રહેમાન બેઠેલા હતા."
"વિમાનની અંદર પહોંચતા જ જાપાનીઓએ નેતાજીને સહ-પાઇલટની સીટ આપવાની રજૂઆત કરી, પરંતુ તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી હતી."
"કારણ એ હતું કે નેતાજી જેવું કદ ધરાવતી વ્યક્તિ માટે આ સીટ ખૂબ નાની હતી."
"પાઇલટ અને લેફ્ટનન્ટ જનરલ શીદે સિવાય લોકો વિમાનની જમીન પર બેઠા હતા. નેતાજીને એક નાનું ઓશિકું આપવામાં આવ્યું કે જેથી તેમની પીઠને આરામ મળી શકે."
"આ લોકો પાસે કોઈ સીટ બેલ્ટ ન હતો."

વિમાનનું પ્રોપેલર તૂટીને નીચે પડ્યું
એ બૉમ્બવર્ષક વિમાનની અંદર ખૂબ ઠંડી હતી. તે જમાનામાં યુદ્ધવિમાનો 'ઍર ઍરકંડિશન્ડ' નહોતાં અને દર 1000 મીટર ઉપર જવા પર વિમાનનું તાપમાન 6 ડિગ્રી નીચે પડી જતું હતું.
એટલે 4000 ફૂટની ઊંચાઈ પર તાપમાન, ધરતીના તાપમાનથી આશરે 24 ડિગ્રી ઓછું થઈ ગયું હતું.
બપોરે 2.35 મિનિટે બૉમ્બવર્ષક વિમાને તાઈપેથી આગળ જવા માટે ઉડાન ભરી.
ઉડાન દરમિયાન જ બોઝે રહેમાન પાસેથી પોતાનું ઊનનું જાકીટ માગીને પહેરી લીધું.
શાહનવાઝ કમિશનને આપેલા પોતાના વક્તવ્યમાં કર્નલ હબીબુર રહેમાને જણાવ્યું, "વિમાન વધારે ઉપર પહોંચ્યું ન હતું અને ઍરફિલ્ડ સીમાની અંદર જ હતું કે મને વિમાનના સામેના ભાગમાંથી ધડાકાનો અવાજ સંભળાયો."
"પછી મને ખબર પડી કે વિમાનનું એક પ્રોપેલર તૂટીને નીચે પડી ગયું હતું. જ્યારે વિમાન નીચે પડ્યું, તો તેના આગળ અને પાછળના ભાગમાં આગ લાગી ગઈ."

આગ વચ્ચેનેતાજી

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
કર્નલ હબીબુર રહેમાને આગળ જણાવ્યું, "વિમાન નીચે પડતા જ નેતાજીએ મારી તરફ જોયું. મેં તેમને કહ્યું, 'નેતાજી આગળથી નીકળો, પાછળથી રસ્તો નથી.' આગળના રસ્તે પણ આગ લાગેલી હતી."
"નેતાજી આગમાંથી પસાર થઈને નીકળ્યા. પરંતુ તેમનો કોટ સામે રાખેલા ઝેરી કૅનના પેટ્રોલથી ભીનો થઈ ચૂક્યો હતો."
"હું જ્યારે બહાર આવ્યો તો મેં જોયું કે નેતાજી મારાથી 10 મિટરને અંતરે ઊભા હતા અને તેમની નજર પશ્ચિમ તરફ હતી. તેમના કપડાંમાં આગ લાગેલી હતી."
"હું તેમની તરફ દોડ્યો અને ઘણી મહેનત બાદ તેમનો 'બુશર્ટ બેલ્ટ' કાઢ્યો. પછી મેં તેમને જમીન પર સુવડાવી દીધા. મેં જોયું કે તેમના માથાના ડાબા ભાગે 4 ઇંચ ઉંડો ઘા હતો."
"મેં રૂમાલ લગાવીને લોહીને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ નેતાજીએ મને પૂછ્યું કે તમને વધારે વાગ્યું તો નથી ને? મેં કહ્યું કે હું ઠીક છું."
"તેમણે કહ્યું કે કદાચ હું બચી શકીશ નહીં. મેં કહ્યું, 'અલ્લાહ તમને બચાવી લેશે.' બોઝ બોલ્યા કે ના, હું એવું સમજતો નથી."
બોઝે કહ્યું "જ્યારે તમે દેશ પરત ફરો તો લોકોને જણાવજો કે મેં છેલ્લા શ્વાસ સુધી દેશની સ્વતંત્રતા માટે લડાઈ લડી. તેઓ સ્વતંત્રતા માટે લડાઈ ચાલુ રાખે. ભારત ચોક્કસ સ્વતંત્ર થશે."

નેતાજીએ જાપાની ભાષામાં માગ્યું પાણી

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
10 મિનિટમાં બચાવકર્મીઓ ઍરપોર્ટ પર પહોંચી ગયા. તેમની પાસે કોઈ ઍમ્બુલન્સ ન હતી.
એટલે બોઝને બાકી ઘાયલ લોકોની સાથે એક સૈનિક ટ્રકમાં સુવડાવીને 'તાયહોકૂ' સૈનિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
નેતાજીને સૌથી પહેલા ત્યાં તહેનાત ડૉક્ટર તાનેયાશી યોશિમીએ જોયા હતા.
તેમણે 1946માં હૉંગકૉંગની એક જેલમાં તેમની સાથે પૂછપરછ કરનારા બ્રિટીશ અધિકારી કૅપ્ટન અલ્ફ્રેડ ટર્નરને જણાવ્યું હતું, "શરૂઆતમાં બધા દર્દીઓને એક મોટા રૂમમાં રાખવામાં આવ્યા હતા."
"પરંતુ ત્યારબાદ બોઝ અને રહેમાનને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા. કેમ કે દુર્ઘટનાનો શિકાર બનેલા જાપાની સૈનિકો તકલીફથી બુમો પાડી રહ્યા હતા."
"બોઝને ખૂબ તરસ લાગી હતી. તેઓ વારંવાર જાપાની ભાષામાં પાણી માગી રહ્યા હતા. મિઝૂ, મિઝૂ... મેં નર્સને તેમને પાણી આપવા કહ્યું."

નેતાજીનું હૃદય પણ બળી ગયું હતું

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
ડૉક્ટર યાશિમી સુભાષ બોઝની અંતિમ ક્ષણોનું વર્ણન કરતા આગળ જણાવે છે, "3 વાગ્યે એક વજનદાર વ્યક્તિને ટ્રક પરથી ઉતારીને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા."
"તેમનું માથું, છાતી, પીઠ, ગુપ્તાંગ, હાથ અને પગ બધુ જ સળગી ગયા હતા. તેમનું હૃદય પણ આગમાં સળગી ગયું હતું."
"તેમની આંખો સોજેલી હતી. તેઓ જોઈ તો શકતા હતા પરંતુ પોતાની આંખો ખોલવામાં તેમને ખૂબ મુશ્કેલી પડી રહી હતી."
"તેમને 102.2 ડિગ્રી તાવ હતો, હૃદયની ગતિ 120 પ્રતિ મિનિટની હતી."
"તેમના હૃદયને આરામ પહોંચે તે માટે મેં 'વિટા- કેંફોર'ના ચાર અને 'ડિઝિટામાઇન'ના બે ઇંજેક્શન આપ્યા. પછી મેં તેમને 'ડ્રિપ'થી 1500 સીસી 'રિંઝર સૉલ્યુશન' પણ ચઢાવ્યું."
"આ સિવાય ચેપ ન લાગે તે માટે મેં તેમને 'સલફનામાઇડ'નું ઇંજેક્શન પણ આપ્યું. પરંતુ મને ખબર હતી કે બોઝ વધારે લાંબો સમય જીવવાના નથી."

ઘટ્ટ રંગનું લોહી

ઇમેજ સ્રોત, Aashish Ray
ત્યાં વધુ એક ડૉક્ટર યોશિયો ઈશી પણ હાજર હતા. તેમણે પણ સુભાષ બોઝની પરિસ્થિતિનું વિસ્તૃત વિવરણ આપ્યું છે.
"બે ઘાયલ લોકો પલંગ પર સુતા હતા. તેઓ એટલા લાંબા હતા કે તેમના પગ પલંગની બહાર લટકી રહ્યા હતા."
"એક નર્સે મને બોલાવીને કહ્યું, ડૉક્ટર આ ભારતના ચંદ્ર બોઝ છે. લોહી ચઢાવવા માટે મને તેમની નસ મળી રહી નથી. તેને શોધવામાં મારી મદદ કરો."
"મેં જ્યારે લોહી ચઢાવવા માટે સોઈ તેમની નસમાં નાખી તો તેમનું થોડું લોહી સોઈમાં આવી ગયું. તે ઘટ્ટ રંગનું હતું."
"જ્યારે મૃત્યુ નજીક હોય છે તો લોહીમાં ઑક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે અને લોહી રંગ બદલવા લાગે છે."
"એક વસ્તુએ મને ખૂબ પ્રભાવિત કરી. બીજા રૂમમાં આ દુર્ઘટનામાં ઘાયલ જાપાની જોરથી તકલીફમાં બુમો પાડી રહ્યા હતા."
"જ્યારે સુભાષચંદ્ર બોઝના મોઢામાંથી એક શબ્દ નીકળી રહ્યો ન હતો. મને ખબર હતી કે તેમને કેટલી તકલીફ થઈ રહી હતી."

ફૂલેલો ચહેરો

18 ઑગસ્ટ 1945ની રાત્રે આશરે 9 કલાકે સુભાષચંદ્ર બોઝે અંતિમ શ્વાસ લીઘા.
આશિષ રે જણાવે છે, "જાપાનમાં મૃતકોની તસવીર લેવાની પરંપરા નથી. પરંતુ કર્નલ રહેમાનનું માનવું હતું કે તેમણે ઇરાદાપૂર્વક બોઝની તસવીર લેવા ન દીધી. કેમ કે તેમનો ચહેરો ખૂબ ફૂલી ગયો હતો."
નાગોતોમોએ જણાવ્યું કે નેતાજીના આખા શરીર પર પાટા બાંધેલા હતા અને તેમના પાર્થિવ શરીરને રૂમના એક ખુણામાં મૂકી દેવામાં આવ્યો હતો.
તેમની ચારે તરફ એક સ્ક્રીન લગાવી દેવામાં આવી હતી.
તેમની સામે કેટલીક મીણબત્તીઓ સળગી રહી હતી અને કેટલાક ફૂલ પણ રાખવામાં આવ્યા હતા.
"કેટલાક જાપાની સૈનિક ત્યાં નિરીક્ષણ કરી રહ્યા હતા. કદાચ એ જ દિવસ અથવા તો આગામી દિવસે એટલે કે 19 ઑગસ્ટના રોજ તેમના મૃતદેહને તાબૂતમાં રાખી દેવામાં આવ્યો હતો. મેજર નાગાતોમોએ તાબૂતનું ઢાંકણું ઉઠાવીને નેતાજીને ચહેરો જોયો હતો."

તાઇપેમાં જ અંતિમ સંસ્કાર

ઇમેજ સ્રોત, Keystone/Getty Images
વિમાન ઉપલબ્ધ ન હોવાના કારણે તેમનો પાર્થિવ દેહ ન તો સિંગાપોર લાવી શકાયો અને ન તો ટોકિયો.
ચાર દિવસ બાદ 22 ઑગસ્ટના રોજ તાઇપેમાં જ તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
તે સમયે ત્યાં કર્નલ હબીબુર રહેમાન, મેજર નાગાતોમો અને સુભાષ બોઝના દુભાષી ઝુઇચી નાકામુરા હાજર હતા.
ત્યારબાદ મેજર નાગાતોમોએ શાહનવાઝ આયોગને જણાવ્યું, "મેં કુંજીથી ભઠ્ઠીનું તાળું ખોલ્યું અને તેની અંદરની સ્લાઇડિંગ પ્લેટને ખેંચી લીધી."
"હું પોતાની સાથે એક નાની લાકડીનો ડબ્બો લઈ ગયો હતો. તેઓ ખરાબ રીતે સળગી ગયા હતા."
"બૌદ્ધ પરંપરાનું પાલન કરતા મેં સૌથી પહેલાં બે 'ચૉપ સ્ટિક્સ'ની મદદથી તેમની ગરદનનું હાડકું ઉઠાવ્યું."
"ત્યારબાદ મેં તેમના શરીરના દરેક અંગમાંથી એક- એક હાડકું ઉઠાવી તે ડબ્બામાં રાખી દીધું."

સોનાની કૅપવાળો દાંત

ઇમેજ સ્રોત, Aashish Ray
ત્યારબાદ કર્નલ હબીબે ઉલ્લેખ કર્યો કે તેમને 'ક્રિમોટોરિયમ'ના એક અધિકારીએ સુભાષ બોઝનો સોનાની કૅપ ધરાવતો દાંત આપ્યો હતો કે જે તેમના મૃતદેહ સાથે સળગી શક્યો ન હતો.
આશિષ રે જણાવે છે, "હું જ્યારે 1990માં પાકિસ્તાન ગયો હતો તો હબીબના દીકરા નઈમુર રહેમાને મને જણાવ્યું હતું કે તેમના પિતાએ કાગળમાં લપેટાયેલો સુભાષ બોઝનો દાંત તેમની અસ્થિઓના કળશમાં જ નાખી દીધો હતો."
વર્ષ 2002માં ભારતીય વિદેશ સેવાના બે અધિકારીઓએ 'રેંકોજી' મંદિરમાં રખાયેલી નેતાજીની અસ્થિઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે કાગળમાં લપેટાયેલો સુભાષ બોઝનો 'ગોલ્ડ પ્લેટેડ' દાંત હજુ પણ કળશમાં હાજર છે.

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
તે સમયે જાપાનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા આફતાબ સેઠ જણાવે છે, "આ બન્ને અધિકારી સી રાજશેખર અને આર્મસ્ટ્રોંગ ચેંગસન મારી સાથે ટોકિયોના ભારતીય દૂતાવાસમાં કામ કરતા હતા."
"જ્યારે વાજપેયી સરકારે નેતાજીની મૃત્યુની તપાસ માટે મુખરજી આયોગની રચના કરી તો જસ્ટિસ મુખરજી ટોકિયો આવ્યા હતા."
આશિષ રે જણાવે છે, "પરંતુ તેઓ પોતે 'રેંકોજી' મંદિર ગયા ન હતા. તેમના કહેવા પર મેં જ એ બન્ને અધિકારીઓને ત્યાં મોકલ્યા હતા."
"તેમણે કાગળમાં લપેટાયેલા એ દાંતની તસવીર પણ લીધી હતી. પરંતુ મુખરજી આયોગ છતાં એ નક્કી કરી શક્યું ન હતું કે નેતાજીનું મૃત્યુ એ હવાઈ દુર્ઘટનામાં થયું હતું અને 'રેંકોજી' મંદિરમાં જે અસ્થિઓ હતી એ નેતાજીની હતી."
"એ અલગ વાત છે કે મનમોહન સિંહ સરકારે મુખરજી કમિશનનો રિપોર્ટ ફગાવી દીધો હતો."

દીકરી અનીતાની ઇચ્છા, અસ્થિઓને ભારત લાવવામાં આવે

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
સુભાષ બોઝનાં એકમાત્ર દીકરી અનીતા ફાક હાલ ઑસ્ટ્રિયામાં રહે છે.
તેમની ઇચ્છા છે કે નેતાજીની અસ્થિઓને ભારત પરત લાવવામાં આવે.
આશિષ રે કહે છે, "અનીતાનું કહેવું છે કે નેતાજી એક સ્વાધીન ભારતમાં પરત ફરીને ત્યાં કામ કરવા માગતા હતા. પરંતુ તે શક્ય ન બન્યું."
"પરંતુ હવે તેમની રાખને તો ભારતની માટીમાં મેળવી દેવી જોઈએ. બીજી વાત એ છે કે નેતાજી સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ હતા, પરંતુ સાથોસાથ તેઓ હિંદુ પણ હતા."
"તેમના મૃત્યુના 73 વર્ષ બાદ તેમની અસ્થિઓને ભારત મગાવીને ગંગામાં પ્રવાહિત કરવી એ તેમના પ્રત્યે યોગ્ય રાષ્ટ્ર સન્માન વ્યક્ત કરવું હશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















