You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા પૂર : મગરના ડરથી 13 દિવસથી લોકો ઘરે જવા તૈયાર નથી
- લેેખક, રાજીવ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી માટે
31 જુલાઈએ વડોદરામાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને શહેરભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધવાથી કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં અને વરસાદી પાણીનો પણ ભરાવો થયો હતો.
મોટાભાગના વિસ્તારોમાંથી પૂરનાં પાણી ઓસરી ગયાં છે અને વડોદરાવાસીઓનું જનજીવન ફરી પાટે આવી રહ્યું છે, પણ કેટલાક વિસ્તારોમાં હજી પણ લોકો પોતાના ઘરે જવા તૈયાર નથી.
લોકો તેમનાં ઘરોમાં નથી જઈ રહ્યા તેનું કારણ છે મગરનો ડર.
વરસાદ અને પૂર સાથે મગરો આવ્યા
મગરના ડરથી 13 દિવસથી લોકો તંબુ બાંધીને રસ્તા પર આશરો લઈ રહ્યા છે.
વડોદરામાં પૂર આવ્યું એ પછી રહેણાક વિસ્તારોમાં મગરોએ દેખા દીધી. દર વર્ષે વરસાદી મોસમમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં મગર આવી જાય છે.
વડોદરા શહેરના રહેણાક વિસ્તારોમાં મગર આવી જાય છે એનું સૌથી મોટું કારણ શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે.
વિશ્વામિત્રી નદી મગરોનું નિવાસસ્થાન છે અને સૌથી વધુ મગર ધરાવતા એશિયાના પ્રદેશોમાંથી એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વામિત્રીમાં મગરોની સંખ્યા અંગે કોઈ અધિકૃત આંકડો પ્રાપ્ય નથી, પણ એક અંદાજ મુજબ શહેરમાંથી વહેતી વિશ્વામિત્રીમાં 600થી વધારે મગરોનો નિવાસ છે.
વિશ્વામિત્રી નદીની આસપાસના રહેણાક વિસ્તારો અને વિશ્વામિત્રી સાથે જોડાતા કાંસમાં પણ આ મગરો દેખાયા હતા.
હજી પણ વિસ્તારો પાણીમાં
વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયેલાં છે, તુલસીવાડીની વસાહતો હજી પણ પાણીમાં ગરકાવ છે.
આ વસાહતના લોકો છેલ્લા 13 દિવસથી રસ્તાની બાજુમાં તંબુ બાંધીને રહેવા લાચાર છે. પૂર પછી રોગચાળાની સાથે-સાથે લોકોને મગરનો ડર લાગે છે.
અહીં રોડ પર ભણતાં બાળકો, બાળકોનાં પલળેલાં પુસ્તકો સુકાતાં નજરે પડે છે.
અહીં રહેતાં આસમાબહેન કહે છે, "ઘરોમાં પાણી ભરાઈ ગયાં એટલે અમે ઉપર આવી ગયાં અને હવે ઘરોમાં પાણીની સાથે મગર છે."
"એટલે બાળકોને લઈને અહીં અમે રસ્તા પર દિવસો કાઢીએ છે."
ઇંદિરા નગરમાં રહેતાં ફિરોઝબાનો પઠાણ કહે છે, "25 વર્ષથી અહીં રહીએ છીએ, પણ આ વખતની સ્થિતિ કંઈક વધારે જ ખરાબ છે."
"મગરોના ડરથી પંદર દિવસથી તંબુ તાણીને બેઠાં છીએ. પાણી ભરાઈ ગયાં પછી પતરાં પર મગર ચઢી ગયો હતો."
'રડી-રડીને શું ઈદ મનાવીએ?'
અહીં ઘણા મુસ્લિમ પરિવારો પણ વસે છે અને સોમવારે આ પરિવારો માટે રસ્તા પર તંબુમાં જ ઈદ મનાવવાનો સમય આવ્યો.
ફિરોઝબાનો આગળ વાત કરતાં કહે છે, "અહીં કચરામાં અમે રહી રહ્યાં છીએ, રડી-રડીને શું ઈદ મનાવીએ? ઈદ સમયે જ અમારી આ સ્થિતિ થઈ છે."
"લોકો અમને જમવાનું આપી જાય છે, એ અમે ખઈને જીવીતાં રહીએ છીએ. લોકોનો અમારાં ઉપર બહુ મોટો ઉપકાર છે."
અહીં રહેતા સાજિદભાઈ કહે છે, "અમારા ઘરો પાણીમાં હજી ડૂબેલાં છે અને અમે અહીં ઝૂંપડીઓ બાંધીને રહીએ છીએ."
"મગરના ડરથી કોઈ અંદર જવા માટે તૈયાર નથી અને એટલે ઈદનો તહેવાર પણ રોડ પર જ મનાવવો પડ્યો."
વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવાર કહે છે, "અમે રાતદિવસ મગરોના રેસ્ક્યુ માટે દોડી રહ્યા છીએ, ઘણા બધા વિસ્તારોમાંથી અમે મગર પકડ્યા છે."
"હજી ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં હજી પાણી ભરાયેલાં હોવાથી અમે મગરોને રેસ્ક્યુ કરવા જઈ શકતા નથી."
"આમ છતાં અમે ત્યાં રોકાઈએ છીએ અને મગર દેખાય કે બહાર આવે તો પકડી લેવાનો પ્રયાસ કરીએ છીએ"
વડોદરામાં ફૉરેસ્ટ ઑફિસર તરીકે ફરજ બજાવતાં નિધિ દવેએ જણાવ્યું હતું કે પૂરની સ્થિતિ દરમિયાન 125 થી 130 જેટલા અલગ-અલગ પ્રકારના જીવોને રેસ્ક્યુ કરાયા છે, 27 જેટલા મગરોને પણ રેસ્ક્યુ કરાયા છે.
નિધિ દવેએ કહ્યું, "મગર પાણીમાં હોય ત્યારે તેને રેસ્ક્યુ કરવો મુશ્કેલ હોય છે અને હવે જ્યારે પાણી ઊતરી રહ્યા છે, ત્યારે વન વિભાગ આખા એરિયાનો સર્વે કરાવી આગળ શું પગલાં ભરવાં એ અંગે નિર્ણય કરાશે"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો