ભારે વરસાદમાં બાળકોને બચાવવા વડોદરા પોલીસે 'રેન્ચો' બનીને લોકોનાં દિલ જીત્યાં

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

31 જુલાઈનો દિવસ વડોદરાવાસીઓ લાંબો સમય યાદ રાખશે, કારણ કે માત્ર 12 કલાકમાં આશરે 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને શહેર પાણીમાં ડૂબી ગયું.

આ સ્થિતિને પગલે જનજીવનને ખૂબ જ અસર થઈ છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક વ્યક્તિની તસવીર ખૂબ ચર્ચામાં છે જેઓ એક બાળકને ટોપલીમાં રાખી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.

આ અધિકારી વડોદરા શહેરમાં પીએસઆઈ છે જેમનું નામ ગોવિંદ ચાવડા છે. તેમણે 45 દિવસના બાળકને ગળાડૂબ પાણીમાંથી સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા.

વરસાદને લીધે ઍરપોર્ટ, રસ્તાઓ, ગલી, સોસાયટી, મોહલ્લા અને ઘરમાં તો પાણી ઘૂસી જ ગયું હતું પણ શહેરની હૉસ્પિટલો પણ બાકાત નહોતી.

આ જળબંબાકારને કારણે શહેરની પોલીસે હૉસ્પિટલમાં દાખલ નવજાત બાળકોને બચાવવા માટે રૅન્ચોની ભૂમિકામાં આવવું પડ્યુ.

અલબત્ત, પરિસ્થિતિ 'થ્રી ઇડિયટ્સ'માં આમીર ખાન ભારે વદસાદ વચ્ચે પ્રસૂતિ કરાવે છે એવી ફિલ્મી નહોતી, પરંતુ અહીં એનઆઇસીયૂમાંથી બાળકોને બચાવવાનો વાસ્તવિક પડકાર હતો.

વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરમાં વીજળી કલાકો સુધી ગાયબ હતી, સોશિયલ મીડિયા પર લોકો આ વિશે સતત પોસ્ટ કરી રહ્યા હતા.

આ સમયે વડોદરાના રહેવાસી ધારા શાહ હૉસ્પિટલમાં એક માસનાં બાળક સાથે હતાં અને મુશ્કેલ સ્થિતિમાં એમણે પણ સોશિયલ મીડિયાનો સહારો લીધો.

તેમણે અવર વડોદરા નામનું ફેસબુક પેજ ચલાવતા સૌમિલ જોશીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે એક મેસેજ મોકલ્યો.

વાત જાણે એમ હતી કે હૉસ્પિટલમાં વીજળી નહોતી, જનરેટર ચલાવવા માટે ડીઝલ નહોતું અને ઓક્સિજનની પણ સમસ્યા સર્જાઈ શકે એમ હતી.

ફેસબુક પેજ આવ્યું કામ

ધારા શાહ અને તેમના જેવા અન્ય લોકોનાં નવજાત બાળકો લોટસ હૉસ્પિટલના નિયો નેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ભરતી હતા.

વરસાદને કારણે હૉસ્પિટલમાં વીજળી ગાયબ હતી અને પાણી અંદર સુધી પહોંચી ગયું હતું, ઓક્સિજન પણ ઓછો હતો.

સૌમિલ જોશી સ્થાનિક સ્તર પર 'અવર વડોદરા' નામનું એક ફેસબુક પેજ ચલાવે છે જેનાં આશરે ત્રણ લાખ ફૉલોઅર્સ છે.

સૌમિલ જોશીએ કહ્યું કે ''તેમણે બાળકોની મદદ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી અને તે વૉટ્સઍપ્પના માધ્યમથી વડોદરા પોલીસ સુધી પહોંચી હતી.''

વડોદરા પોલીસે આ સંદેશને ખૂબ જ ગંભીરતાથી લીધો અને રેન્ચો બની બાળકોની મદદ કરી.

સૌમિલ કહે છે કે ''આ મેસેજના કારણે બાળકોની મદદ થઈ શકી એ સારી વાત છે. તેમણે માત્ર સ્થાનિક મીડિયા તરીકે સૂચના આપવાનું કામ કર્યું હતું.''

આ અંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસીને કહ્યું કે ''સોશિયલ મીડિયા થકી અમને સંદેશ મળ્યો હતો કે લોટસ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં પાંચ બાળકો એનઆઈસીયૂમાં છે. હૉસ્પિટલમાં વીજળી નથી, જનરેટર ચલાવવા માટે ડીઝલ નથી અને અંદર પાણી ભરાઈ ગયું છે. ''

''આ સ્થિતિમાં બાળકોની મદદ કરવાની જરૂર હતી અને અમે પોલીસની ટીમ મોકલીને તેમની મદદ કરવાનું નક્કી કર્યું.''

ધારા શાહ કહે છે કે ''તેમને બાળકોને જોઈને ચિંતા થઈ રહી હતી કે જરૂર મુજબ ઓક્સિજન અને અન્ય સુવિધા નહીં મળે તો શું થશે?''

મહામુશ્કેલીએ ટ્રેક્ટર પર ડીઝલ પહોંચ્યું પણ કામ ન લાગ્યું

ભારે વરસાદ અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ હતા એ સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સપેક્ટર જે. કે. ડોડિયાને હૉસ્પિટલમાં ડીઝલ પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી.

જે. કે. ડોડિયા કહે છે કે ''પૂર જેવી પરિસ્થિતિને અમને ડ્યૂટી પર બોલાવવામાં આવ્યા હતા. અમે જ્યારે ડીઝલ લેવા માટે નીકળ્યા ત્યારે મોટા ભાગના પેટ્રોલપંપ બંધ હતા અને જે ખુલ્લા હતા ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હતું, કારણ કે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલું હતું.''

તેઓ આગળ કહે છે કે ''જેમતેમ કરીને અમે વડોદરા પોલીસ વડામથક પહોંચ્યા અને ત્યાંથી ડીઝલ લઈને અમે હૉસ્પિટલ તરફ નીકળ્યા. પણ હૉસ્પિટલ સુધી પોલીસની બોલેરો ગાડીમાં જવું શક્ય નહોતું, કારણ કે હૉસ્પિટલની નજીકના વિસ્તારોમાં એટલું પાણી હતું કે ગાડી તેમાં ડૂબી જાય. કેટલીક જગ્યાઓ પર 7-8 ફૂટ સુધી પાણી ભરાયેલું હતું.''

''આ જોઈને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનું ટ્રેક્ટર મગાવવામાં આવ્યું. પણ ટ્રેક્ટર ઉપર બેઠા હોવા છતાં પાણી અમારા સુધી પહોંચી રહ્યું હતું. હૉસ્પિટલ પહોંચ્યાં તો જનરેટર પાણીમાં ડૂબી ગયું હતું અને પરિસ્થિતિ સામાન્ય બને તેવી કોઈ શક્યતા દેખાતી નહોતી.''

ધારા શાહ કહે છે કે ''જનરેટરમાં ડીઝલ ભરી શકાય એમ જ નહોતું કેમ કે એમાં ડીઝલની જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું, એટલે બાળકોને બીજી હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો.''

બાળકોને ખસેડવા માટે ડમ્પર

જે. કે. ડોડિયા કહે છે કે ''બાળકો નાના હતા તેમને બીજી હૉસ્પિટલમાં ખસેડવા જરૂરી હતાં. વીએમસીનું એક ડમ્પર મગાવવામાં આવ્યું અને બાળકોને તેમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. પણ હૉસ્પિટલમાંથી બહાર ડમ્પર સુધી બાળકોને કેવી રીતે લઈ જવા તે એક મોટો પ્રશ્ન હતો.''

તેઓ આગળ કહે છે કે ''પાંચ બાળકોમાંથી એકની પરિસ્થિતિ ગંભીર હતી, બાળકો 15-15 દિવસનાં કે પછી એક મહિનાથી ઓછી વયના હતા. તેમને પાણીથી બચાવવા, ઓક્સિજન લગાવી રાખવો અને પડી ન જાય કે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું મુશ્કેલ હતું.''

જે. કે. ડોડિયા કહે છે કે ''આસપાસના વિસ્તારના લોકો ત્યારે મદદે આવ્યા. અમે માનવસાંકળ રચી, દોરડાની મદદ લીધી. બાળકોને જોઈને બધાની આંખોમાં પાણી આવી ગયું હતું. બધાને એમ જ હતું કે આમને બચાવવા માટે જે કરવું પડે તે કરીશું.''

વડોદરા પોલીસના કૉન્સ્ટેબલ હિમેશ મહેરા કહે છે કે ''લોટસ હૉસ્પિટલથી નીકળ્યા ત્યારે પાણીનું સ્તર વધવા લાગ્યું હતું.''

જે. કે. ડોડિયા જણાવે છે કે ''ટ્રેક્ટર આગળ અને બાળકોને લઈને ડમ્પર પાછળ ચાલ્યું, પણ રસ્તો ભારે મુશ્કેલીભર્યો હતો. ચારે બાજુ પાણી હતું અને વાહનો પડેલા હતાં.

ડર તો બહુ લાગતો હતો

તેઓ જણાવે છે કે ''અનેક જગ્યાએ ગાડીઓ, બસ, બાઇક ફસાયેલાં હતાં તેને કારણે રસ્તાઓ પર બહુ અડચણ આવી રહી હતી.''

''પાણી એટલું હતું કે ટ્રેક્ટર ડૂબી જતું. ક્યારેક સાપ, ચંપલ અથવા અન્ય વસ્તુઓ તરતી તરતી અમારા હાથમાં આવી જતી. ટ્રેક્ટરની નીચે બાઈક અથવા સાઇકલ આવી જાય તો નીચે ઊતરીને રસ્તો સાફ કરવો પડતો. આ સ્થિતિમાં ડમ્પર પણ બંધ થઈ ગયું હવે તેને આગળ લઈ જવાનો પ્રશ્ન ઊભો થયો.

''ટ્રેક્ટરથી ખેંચીને બહુ મુશ્કેલીથી ડમ્પરને આગળ લઈ જવામાં આવ્યું હતું.''

જે. કે. ડોડિયા કહે છે કે ''ડર તો બહુ લાગતો હતો પણ બાળકોને જોઈને લગભગ બધાની આંખમાં પાણી હતું અને હિંમત પણ આવતી હતી.''

ડોડિયા કહે છે કે ''પાણી ભરાયેલું હોવાને કારણે રસ્તો શોધવો મુશ્કેલ હતો પરંતુ નવાપરા વિસ્તારમાં 10-15 મુસ્લિમ છોકરાઓએ કાશીબા હૉસ્પિટલ સુધીના રસ્તો શોધવામાં મદદ કરી.''

તેઓ કહે છે કે ''આઠથી નવ કિલોમિટરનો રસ્તો પાર કરવા માટે અમને ચારથી પાંચ કલાક લાગી ગયા હતા.''

જે. કે. ડોડિયા કહે છે કે ''જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી એ આવે છે કે લોકો પોતાના વાહનો રસ્તા પર મૂકીને જતા રહે છે અને ઇમરજન્સીમાં તે નડે છે.''

વડોદરા પોલીસના કૉન્સ્ટેબલ હિમેશ મેહરાએ કહ્યું કે ''અમને તો પોલીસ કમિશનર તરફથી નિર્દેશ આપવામાં આવ્યો હતો કે બાળકોને બચાવવા માટે જે કરવું પડે તે કરવાનું છે એટલે અમે અમારી ફરજ બજાવી હતી.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો