ગુજરાતમાં ફરી પડી શકે છે અતિભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

છેલ્લાં બે અઠવાડિયાંથી ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થયો હતો.

જે બાદ ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હતો. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ફરીથી ગુજરાતમાં વરસાદનું આગમાન થશે.

ઉત્તર ઓડિશા તરફ બનેલા લો પ્રેશરને કારણે 14 અને 15 ઑગસ્ટના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ લો પ્રેશર સક્રિય થતાં 15 તારીખના રોજ વરસાદ ફરીથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જી શકે છે.

ક્યા વિસ્તારોમાં થઈ શકે છે અતિભારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વરસાદ અને પવનની ગતિની સ્થિતિને જોતાં હવામાન વિભાગે માછીમારોને 14થી 16 ઑગસ્ટ સુધી દરિયામાં ન જવા માટે પણ સૂચના આપી છે.

આ દિવસોમાં પવનની ઝડપ 40થી 50 પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. જેના કારણે દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની શક્યતા છે.

વરસાદને કારણે ગુજરાતમાં 30થી વધુનાં મોત

ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયામાં થયેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી.

વડોદરામાં આવેલા પૂરની ભયાનક સ્થિતિની સાથે સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં હતાં.

ગુજરાતમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોનાં મોત થયાં છે.

સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદને કારણે એનડીઆરએફની મદદ લેવી પડી હતી. વરસાદને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળોએ સ્થાનિક તંત્ર અને એનડીઆરએફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

જામનગરમાં પણ અતિભારે વરસાદને કારણે કેટલાક લોકોને હેલિકૉપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા હતા.

જળાશયો પાણીથી છલકાયાં

ગુજરાતે ગયા ઉનાળે પાણીની ભારે તંગીનો સામનો કર્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ઉનાળામાં કચ્છમાંથી લોકોએ કરેલી હિજરતે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું.

જોકે, ગુજરાતમાં થયેલા વરસાદે આવનારા સમયમાં પાણીની તંગીમાંથી રાહત આપવાના અણસાર આપ્યા છે.

ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 42 જળાશયો 100 ટકા ભરાઈ ગયાં છે. જ્યારે 24 જળાશયોમાં 1,000 ક્યુસેક પાણીની આવક થઈ છે.

12 ઑગસ્ટ સુધી ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 19.56 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 88.03 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 79.68 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 57.26 ટકા તથા સૌરાષ્ટ્રનાં 139 જળાશયોમાં 49.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો