સિદ્ધાર્થ બાદ હવે CCDનો અબજોનો ઉદ્યોગ કોણ સંભાળશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે
વી. જી. સિદ્ધાર્થના મૃત્યુ બાદ કૅફે કૉફી ડે (સીસીડી)ના ભવિષ્ય પર ઘણા સવાલો ઊભા થયા છે.
જોકે આ ઉદ્યોગ પર નજર રાખનાર લોકોનું કહેવું છે કે ભલે સીસીડીના શૅરની કિંમતો છેલ્લા ત્રણ દિવસમાં અડધાથી વધુ નીચે આવી ગઈ હોય, પરંતુ કંપનીની હાલત હજુ સુધી એટલી ખરાબ નથી.
સીસીડીના પૂર્વ સીઈઓ નરેશ મલ્હોત્રાએ બીબીસી હિંદીને જણાવ્યું, "સીસીડી નુકસાન કરતી કંપની નથી પણ હકીકતમાં નફો મેળવ્યો છે."
"દેવાનો મુદ્દો એવો નથી કે તેનો ઉકેલ ન આવી શકે અને જે કોઈ પણ કંપની ઝડપથી નફો કમાવવા માગે છે તેની સામે દેવાનો તો મુદ્દો હોય જ છે."
કૉફીના ઉદ્યોગ પર નજર રાખનારાઓનું માનવું છે કે વી. જી. સિદ્ધાર્થના પરિવારને દુઃખના દિવસો સામે લડવાનો અને તેમાંથી બહાર નીકળવાનો સમય આપવો જોઈએ.
જાણકારોનું કહેવું છે કે સિદ્ધાર્થના પરિવારને એ નક્કી કરવાનો સમય આપવો જોઈએ કે ભવિષ્યમાં સીસીડીને કેવી રીતે સંભાળવી.
કંપનીના એક પૂર્વ સિનિયર અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું, "સિદ્ધાર્થનાં પત્ની માલવિકા અને તેમના બે પુત્રો પાસે કંપનીના સૌથી વધુ શૅર (54 ટકા) છે."
"આથી આગામી 10-12 દિવસમાં પરિવાર કંઈક ઠોસ નિર્ણય લેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
હાલમાં ગમગીનીના સમયમાં પરિવાર માત્ર એક નિર્ણય લઈ શક્યો છે. પરિવારે કર્ણાટકના પૂર્વ મુખ્ય સચિવ અને કૉફી બોર્ડના પૂર્વ અધ્યક્ષને વચગાળાના અધ્યક્ષ બનવાનું કહ્યું છે.
એક સરકારી અધિકારી તરીકે રંગનાથનો રેકૉર્ડ સારો રહ્યો છે. એક સમયે તેઓ કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી એસ. એમ. કૃષ્ણા અને સિદ્ધાર્થના સસરાના સચિવ પણ રહી ચૂક્યા છે.
આ સિવાય નીતિન બાગમાનેને પણ ચીફ ઑપરેટિંગ ઑફિસર (સીઓઓ) બનાવાયા છે અને એક કાર્યકારી સમિતિ પણ બનાવી છે.

કાર્યકારી સમિતિ શું કરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉફી ઉદ્યોગના એક વિશેષજ્ઞે નામ ન આપવાની શરતે કહ્યું, "સમિતિએ સૌપ્રથમ એવા ધંધાદારીને શોધવા જોઈએ કે જેઓ કૉફીના ઉદ્યોગની સમજ ધરાવતા હોય. સારી વાત એ છે કે ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા લોકો છે."
આ સિવાય કૉફી ઉદ્યોગમાં ખરીદ-વેચાણ સિવાય સીસીડીની બૅન્ડ ઍક્ટિવી અને રિટેલિંગની સારી સમજ હોવી જોઈએ.
કૉફી ઉદ્યોગના જાણકારો કહે છે, "એનાથી પણ વધારે એવા શખ્સને શોધવા જોઈએ કે જેઓ સંકટ સમયે સાહસ અને પ્રતિભાથી કાર્યભાર સંભાળી શકે."
"પ્રગતિના સમયમાં વેપારનો અનુભવ ધરાવનારી વ્યક્તિ આ સ્થિતિમાં મદદગાર નહીં નીવડે."
નામ જાહેર ન કરવાની શરતે એક બજાર વિશ્લેષકે કહ્યું, "જેમની પાસે કંપનીની જવાબદારી હશે, સીસીડીનું ભવિષ્ય મોટા ભાગે તેમના નિર્ણયો પર નિર્ભર કરશે."
"શક્ય છે કે કોઈ યોગ્ય અધિકારીની નિમણૂક બાદ શૅરના ભાવમાં થતો ઘટાડો ઓછો થઈ જાય અને સ્થિતિ થાળે પડી જાય."
આ વિશ્લેષકનું માનવું છે કે શૅર્સના ભાવ વધવાથી કંપનીની સ્થિતિમાં સુધારો થશે.
તેમણે કહ્યું, "જો પરિવાર તરત કંપની વેચવાનો નિર્ણય કરે તો તે આર્થિક દૃષ્ટિએ યોગ્ય નહીં હોય."
અંતે વિશેષજ્ઞોનો મત છે કે જો પરિવાર કંપની વેચવા માગતો હોય તો તેણે થોડી રાહ જોવી પડશે.
એક વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર, "જો કંપનીને વેચવી હોય અને દેવું ચૂકતે ન થયું, હોય તો તે સૌથી છેલ્લું પગલું હોવું જોઈએ."
બજારમાં તે વાત લાંબા સમયથી ચાલી રહી છે કે કોકા કોલાને સીસીડીને ખરીદવામાં રસ છે, પરંતુ બજારના વિશ્લેષકોનું કહેવું છે કે કોકા કોલાએ જે કિંમતનો પ્રસ્તાવ મૂક્યો હતો અને સિદ્ધાર્થ જે કિંમત ઇચ્છતા હતા, તેમાં ખૂબ મોટું અંતર હતું.

સીસીડી વેચવાની જરૂર નથી

ઇમેજ સ્રોત, Getty Images
બજારના વિશેષજ્ઞોનું એક સમૂહ એવું પણ છે કે જે માને છે કે પરિસ્થિતિ એવી નથી કે સીસીડીને વેચવાની જરૂર પડે.
કૉફી ઇન્ડસ્ટ્રી પર નજીકથી નજર રાખતા પૂર્વ સરકારી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "મને લાગતું નથી કે સીસીડીને વેચવાની જરૂર છે. સીસીડીની ઘણી સહયોગી કંપનીઓ છે કે જેમને વેચીને પરિસ્થિતિ સુધારી શકાય છે."
કારોબારી સમિતિ એ વાતની પણ તપાસ કરશે કે લોનનું દેવું ચૂકતે કરવા માટે સિદ્ધાર્થ હોત તો કઈ રીતે ગૅરન્ટી આપતા હતા.
બ્રાન્ડ વિશેષજ્ઞ હરીશ બિજૂરનું કહેવું છે કે સીસીડીના પક્ષમાં જો કોઈ બાબત હોય તો તે કંપનીની બ્રાન્ડ વેલ્યૂ છે.
હરીશે બીબીસીને જણાવ્યું, "સીસીડી એક બ્રાન્ડ તરીકે ખૂબ મજબૂત છે. લોકો સીસીડીને ઓળખે છે અને તે દરેક જગ્યાએ હાજર છે."
"જોકે, તેનો રેવન્યૂ સાથે કોઈ સંબંધ નથી પરંતુ તેમાં કોઈ શંકા નથી કે સીસીડી એક મોટી બ્રાન્ડ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












