અઝીમ પ્રેમજીના નિર્ણયથી નાનું ગામ કેવી રીતે બની ગયું કરોડપતિ?

અઝીમ પ્રેમજી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હર્ષલ આકુડે
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં નાનો એવો તાલુકો છે અમલનેર. આ એક એવો તાલુકો છે કે જે કરોડપતિઓથી ભરેલો છે. પરંતુ એક નાના એવા તાલુકાનું ભવિષ્ય બદલાયું કેવી રીતે? તો તેની પાછળ જવાબદાર છે એક નિર્ણય.

આ કહાણી શરૂ થઈ હતી વર્ષ 1985-86ના સમયગાળા દરમિયાન પ્રોફેસર રમેશ બહુગુણેથી.

પ્રોફેસર રમેશ અમલનેરની પ્રતાપ કૉલેજમાં અકાઉન્ટ ભણાવતા હતા. તેમની પાસે 20 હજાર રૂપિયાની મૂડી હતી.

તેઓ તે રકમનું રોકાણ કરવા માગતા હતા અથવા તો તેને કોઈ બૅન્કમાં સેફ ડિપૉઝીટ કરી દેવા માગતા હતા.

બહુગુણે કહે છે, "હું મારા એક પૂર્વ વિદ્યાર્થી સુનિલ મહેશ્વરી પાસે ગયો અને તેમની પાસેથી રોકાણ સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો."

"સુનિલે મને પૈસા વિપ્રોના શૅરમાં રોકાણ કરવાની સલાહ આપી. વિપ્રોની ફેક્ટરી અમલનેરમાં જ હોવાથી રોકાણ કરવું પણ રિસ્ક ફ્રી હતું."

"મને ખબર હતી કે ઘણા લોકોએ આ શૅર ખરીદ્યા હતા. મેં મારી મૂડીમાં થોડી વધારે રકમ ઉમેરી અને 330 રૂપિયાના ભાવે 100 શૅર ખરીદ્યા. આ શૅરનો ભાવ સતત વધતો રહ્યો અને મને બોનસ મળતું રહ્યું."

પ્રોફેસર બહુગુણે જણાવે છે, "એક સમયે મારી પાસે 1,200થી 1,500 જેટલા શૅર હતા."

"શૅરની કિંમત સતત વધી રહી હતી. એક શૅરની કિંમત ધીરે ધીરે વધીને 10 હજાર પર પહોંચી ગઈ."

"થોડા શૅર મેં વેચી નાખ્યા કે જેથી કરીને હું મારા દીકરાને મેડિકલ ક્ષેત્રે સારું શિક્ષણ અપાવી શકું."

"મારી આર્થિક સ્થિતિ સુધરી ગઈ અને મેં મેડિકલ કૉલેજની ફી ભરી દીધી."

"આજે મારો દીકરો અમલનેરમાં 40 બેડની વ્યવસ્થા ધરાવતી હૉસ્પિટલ ચલાવે છે."

અઝીમ પ્રેમજી વિશે પ્રોફેસર બહુગુણે કહે છે, "વિપ્રોના શૅરથી મને ઘણો ફાયદો પહોંચ્યો છે."

"મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આટલા પૈસા મળશે. વિપ્રોના સંશોધક અઝીમ પ્રેમજીની ઉદારતા વિશે સાંભળીને અમને પણ પ્રેરણા મળી."

"મારી નિવૃત્તિ પછી હું લોકમાન્ય શિક્ષણ સંસ્થાના માધ્યમથી સામાજિક કાર્યો સાથે જોડાયો."

"આ દેશમાં ઘણા ધનવાન લોકો છે. પણ અઝીમ પ્રેમજી કરતાં વધારે ઉદાર સ્વભાવની વ્યક્તિ મેં જોઈ નથી."

line

દીકરાને સોંપ્યો વારસો

અઝીમ પ્રેમજી

ઇમેજ સ્રોત, Azimpremji13/Twitter

ભારતની બીજી ધનવાન વ્યક્તિ અઝીમ પ્રેમજીએ વિપ્રોના પ્રમુખ પદેથી નિવૃત્તિ લીધી છે.

53 વર્ષ સુધી કામ કર્યા બાદ તેમણે પોતાની કંપનીનો વારસો દીકરા રીશદ પ્રેમજીને સોંપ્યો છે.

રિશદ પ્રેમજીએ 31 જુલાઈથી પોતાના પિતાની જગ્યા સંભાળી છે.

74 વર્ષીય અઝીમ પ્રેમજીએ કંપનીના પ્રમુખ પદેથી ભલે નિવૃત્તિ લઈ લીધી છે, પણ વર્ષ 2024 સુધી તેઓ કંપનીના ડિરેક્ટર અને ચૅરમૅન પદે યથાવત રહેશે.

અઝીમ પ્રેમજીએ જ્યારે વિપ્રો કંપનીની શરૂઆત કરી હતી, ત્યારે તેમાં તેલ અને સાબુ વેચવામાં આવતા હતા.

1985માં કંપનીએ આઈટી સૅક્ટરમાં પણ પગ મૂક્યો. ત્યારબાદ વિપ્રો કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી.

line

કેવી રીતે કંપની શરૂ થઈ?

વિપ્રો

ઇમેજ સ્રોત, WIPRO

પત્રકાર ચંદ્રકાંત પાટિલ કહે છે, "અઝીમ પ્રેમજીના પિતા મોહમ્મદ હુસૈને એક કંપનીની શરૂ કરી હતી જેનું નામ હતું વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ."

"આ કંપનીની શરૂઆત વર્ષ 1945માં અમલનેરમાં જ થઈ હતી. આ એવો વિસ્તાર છે કે જ્યાં મોટા પાયે મગફળીનું ઉત્પાદન થાય છે."

"એટલા માટે જ તેમણે એવી ફૅક્ટરીની સ્થાપના કરી કે જેની મદદથી તેમણે તેલ અને ડાલ્ડા ઘીનું પ્રોડક્શન શરૂ કર્યું."

"મોહમ્મદ હુસૈન પ્રેમજીના નિધન બાદ 21 વર્ષીય અઝીમ પ્રેમજીએ અમેરિકામાં પોતાનું શિક્ષણ અધવચ્ચે છોડી દીધું અને પિતાએ શરૂ કરેલી કંપનીનો હવાલો સંભાળ્યો."

"તેમણે કંપનીનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. 1985માં તેમણે અમલનેર સ્થિત બિઝનેસને નવી રાહ અપાવી. તેમણે તેને એક આઈટી કંપની બનાવી અને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી."

"કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થયો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કંપનીની બ્રાન્ડ વૅલ્યૂ વધી. સ્વાભાવિક છે કે તેનાથી કંપનીના શૅરના ભાવમાં પણ વધારો થયો."

"તેમણે તે શૅર અમલનેરના સ્થાનિકોને ખૂબ જ સસ્તા ભાવ 100 રૂપિયા અને 200 રૂપિયાના ભાવે વેચી નાખ્યા."

"શૅર ખરીદનારા લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તે શૅરની કિંમત કેટલાક હજાર કરોડ સુધી પહોંચી જશે."

line

દીકરીનાં લગ્ન સમયે અઝીમ શેઠ મદદ કરશે

અમલનેરમાં વિપ્રોની ફેક્ટરી

ઇમેજ સ્રોત, CHANDRAKANT PATIL

ઇમેજ કૅપ્શન, અમલનેરમાં વિપ્રોની ફેક્ટરી

શૅરદલાલીના જાણકાર સુનીલ મહેશ્વરી જણાવે છે, "અમલનેરના સ્થાનિકો વચ્ચે વિપ્રો કંપની શરૂઆતથી જ ખૂબ પ્રખ્યાત હતી."

"તે સમયે અમે હૉલસેલ માર્કેટમાં તેલ અને સાબુ વેચતા હતા."

"વિપ્રો પણ તેલ અને ડાલ્ડા જેવી વસ્તુઓનું ઉત્પાદન કરતી હતી. અમે જાણતા હતા વિપ્રો કંપની ઇમાનદારીથી કામ કરે છે."

તેઓ ઉમેરે છે, "ઘણા સ્થાનિક અમલનેરની ફૅક્ટરીમાં કામ કરતા હતા. અમે તેમના મૅનેજમૅન્ટ અને કામ કરવાની રીતને નજીકથી જોઈ છે. ઘણા લોકો એ ફૅક્ટરીમાં કામ કરતા હતા એટલે તેમણે શૅર ખરીદી લીધા હતા."

"જો કોઈ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે, ત્યારે લોકો તે દીકરીના નામે શૅર ખરીદી લે છે. અઝીમ પ્રેમજી લગ્નની જવાબદારી સંભાળે છે."

line

અમલનેરમાં સંપત્તિની નિર્માતા એક કંપની

અઝીમ પ્રેમજીને પદ્મવિભૂષણ પુરસ્કાર આપતાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઝીમ પ્રેમજીને પદ્મવિભૂષણ પુરસ્કાર આપતાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ

ચંદ્રકાંત પાટિલ કહે છે, "1970 દરમિયાન ઘણા લોકોએ 100 રૂપિયાની કિંમતે શૅર ખરીદ્યા હતા."

"બોનસ અને બીજા ઘણાં કારણોસર શૅરની કિંમત આશરે 5.5 કરોડ સુધી પહોંચી ગઈ છે."

"અમલનેરના મોટા ભાગના સ્થાનિકોએ આ શૅર ખરીદ્યા છે. કંપનીના ત્રણ ટકા શૅર અમલનેરના સ્થાનિકો પાસે છે. તે શૅરોની કિંમત આશરે 5 હજાર કરોડ જેટલી છે."

વર્ષ 1971થી કંપનીએ લોકોને બોનસમાં શૅર આપ્યા છે.

પાટીલનું કહેવું છે કે તે બોનસની કિંમત દરેક દાયકામાં વધતી જાય છે. એટલે જે લોકોએ તે શૅર ખરીદ્યા હતા તેઓ હવે કરોડપતિ બની ગયા છે.

તેઓ ઉમેરે છે, "અમલનેરનો અઝીમ પ્રેમજી સાથે દિલનો સંબંધ છે. પોતાના પિતાના મૃત્યુ પછી તેમણે કંપનીનો હવાલો સંભાળ્યો. ત્યારથી કંપની નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે."

ચંદ્રકાંત પાટિલનું માનવું છે, "તેમની સમૃદ્ધિએ અમલનેરના સ્થાનિકોને સમૃદ્ધ બનાવ્યા છે. અઝીમ શેઠ અમલનેરની સંપત્તિના નિર્માતા છે. હવે રિશદ પ્રેમજી પણ એ જ રીતે કંપનીની જવાબદારી સંભાળશે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો