વી. જી. સિદ્ધાર્થ : ગુજરાતની એ ચૂંટણી જ્યાંથી CCDની પડતીની શરૂઆત થઈ

વી જી સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરુથી બીબીસી ગુજરાતી માટે

ભારતમાં કૉફીની દુનિયાની સૌથી મોટી બ્રાન્ડમાં સામેલ કાફે કૉફી ડે (CCD)ના માલિક વી. જી. સિદ્ધાર્થ દેવાના દુષ્ચક્રમાંથી બહાર નીકળવા માટે પૈસા ભેગા કરવાના પ્રયાસમાં હતા અને આ દુષ્ચક્રની સૌપ્રથમ જાણ ઇન્કમટૅક્સ વિભાગને ગુજરાતની એ ચૂંટણીથી થઈ હતી.

સિદ્ધાર્થ માર્કેટની સ્થિતિ અને તેની તરલતાની ખામીનો સામનો કરવા માટે કંપનીની સંપત્તિઓને વેચીને ફરી પૈસા ઊભા કરવા માગતા હતા.

વી. જી. સિદ્ધાર્થ સોમવારની સાંજથી ગુમ હતા અને તેમનો મૃતદેહ બુધવારની સવારે મેંગલોરની બહાર નેત્રાવતી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

તેમના અંતિમ સંસ્કાર મુદીગેરે, ચિક્કમંગલુરુમાં પરિવારના કૉફી એસ્ટેટમાં થયા હતા.

line

સિદ્ધાર્થે બે પ્રકારનું કરજ લીધું હતું

સિદ્ધાર્થનો મૃતદેહ

ઇમેજ સ્રોત, Getty Images

કાફે કૉફી ડે પરિવારના સંચાલકમંડળને લખવામાં આવેલા તેમના પત્ર મામલે કેટલાક સંદેહના વાદળ છવાયેલા લાગે છે. જોકે, પોલીસે તેની પ્રામાણિકતા અંગે પુષ્ટિ કરી છે. તેમના પરિવારે પણ તેની પુષ્ટિ કરી છે.

સંચાલકમંડળે બેઠકમાં આ મુદ્દાની તપાસ કરાવવાને પ્રાથમિકતા આપી છે. પત્રમાં તેમણે જે મુદ્દાઓને ઉઠાવ્યા છે, તેનાથી એ નિશ્ચિત થઈ શકતું નથી કે તે મુદ્દાઓ સીસીડીથી જોડાયેલા છે કે પછી ખાનગી કરજ સાથે.

પરિણામ એ જ નીકળે છે કે તેમણે બે પ્રકારનાં કરજ લીધાં હતાં.

એક હૉલ્ડિંગ કંપની એટલે કે કૉફી ડે એન્ટરપ્રાઇઝ જેની સહાયક કંપનીઓ કૉફી વ્યવસાય, આતિથ્ય, એસઈઝેડ, ટૅકનૉલૉજી પાર્ક, રોકાણ પરામર્શ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે અને બીજું દેવું ખાનગી હતું.

નામ ન જણાવવાની શરતે એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જણાવે છે, "તેનાં ઘણાં પાસાં છે. પહેલું પાસું એ છે કે કંપનીના સ્તરની સાથે સાથે ખાનગી સ્તરે પણ કરજ લેવામાં આવ્યું."

"તેમણે કંપનીના શૅરો ગિરવી મૂકી દીધા અને દેવાદારોના ભારે દબાણમાં આવી ગયા હતા. કંપનીના શૅરની કિંમત બજારમાં લગભગ રોજ ઘટી રહી હતી."

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે જણાવ્યું કે એક આશંકા એ પણ હોઈ શકે છે કે જો સિદ્ધાર્થ ગિરવી રાખેલા શૅરને વેચી દેત તો તેઓ કંપની પર પોતાનું નિયંત્રણ ગુમાવી દેત.

જ્યારે તમે ખાનગી ઇક્વિટીથી પૈસા લો છો, તો તમારી પાસે નિશ્ચિત સમયગાળા બાદ તેમને પોતાની પાસે રાખવાનો વિકલ્પ હોય છે.

તો એવું બની શકે છે કે તેઓ પોતાના શૅરને પરત ખરીદવાના દબાણમાં આવી ગયા હોય પરંતુ તેની માટે રકમ ભેગી ન કરી શક્યા હોય.

line

ગુજરાતની એ ચૂંટણી સાથે જોડાણ

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

સીસીડી અને વી. જી. સિદ્ધાર્થ ઇન્ક્મ ટૅક્સ વિભાગની નજરમાં આવ્યા તેની સાથે ગુજરાતનું કનેક્શન છે.

વાત રાજ્યસભાની એ ચૂંટણીની છે જેમાં અહમદ પટેલની હાઈ પોલિટિકલ ડ્રામા પછી જીત થઈ હતી.

આ ચૂંટણીમાં જ અમિત શાહ સૌપ્રથમ વાર સંસદમાં પહોંચ્યા હતા. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની સાથે અહેમદ પટેલની જીત થઈ હતી.

રાજ્યસભાની એ ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે બેંગલુરુના રિસોર્ટમાં લઈ ગઈ હતી.

કૉંગ્રેસના ધારાસભ્યો સાચવવાની જવાબદારી ડી. કે. શિવાકુમાર અને તેમના ભાઈ એમપી ડી. કે. સુરેશે ઉપાડી હતી.

આ ઘટના બાદ ઇન્કમટૅક્સ વિભાગે કૉંગ્રેસના નેતા ડી. કે. શિવાકુમારને ત્યાં અને રિસોર્ટ પર પણ દરોડા પાડ્યા હતા.

એ સમયના મીડિયા અહેવાલો મુજબ ડી. કે. શિવાકુમાર સાથે સંકળાયેલાં 39 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ઇન્ક્મટૅક્સ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસ સુધી દરોડાઓની કામગીરી કરવામાં આવી હતી.

ફકત ડી. કે. શિવાકુમાર જ નહીં તેમના સંબંધીઓ અને સગાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ડી. કે. શિવાકુમાર ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોના યજમાન હતા. ડી. કે. શિવાકુમાર એટલે કર્ણાટકના વી. જી. સિદ્ધાર્થના સસરાના મિત્ર અને કૉંગ્રેસના નેતા.

ઇન્કમટૅક્સ વિભાગે કરેલા આ દરોડા દરમિયાન જ કાફે કૉફી ડે (સીસીડી)ને લગતા કેટલાક ગુપ્ત નાણાકીય લેવડદેવડ અંગેના વિશ્વનીય પુરાવાઓ મળ્યા હતા.

સિદ્ધાર્થે પોતાની અને હૉલ્ડિંગ કંપની, કૉફી ડે એન્ટરપ્રાઇસ પાસે 368 કરોડ રૂપિયા અને 118 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનો સ્વીકાર કર્યો હતો.

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પછી પછી 2017માં સીસીડીના વી. જી. સિદ્ધાર્થને ત્યાં ઇન્કમટૅક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.

ઑગસ્ટ 2017માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી હતી અને સપ્ટેમ્બરમાં સીસીડીમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.

રાજ્યસભાની એ ચૂંટણી જીત્યા પછી અહેમદ પટેલે તેનો શ્રેય ડી. કે. શિવાકુમારને આપ્યો હતો.

આઈટી વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોતાની મૂડી બચાવવા માટે તેઓ માઇન્ડટ્રી કન્સલ્ટિંગના એ 7.49 લાખ શૅરને પોતાના કબજામાં લઈ રહ્યા છે જેમને સિદ્ધાર્થ એલએન્ડટીને વેચી રહ્યા હતા.

સિદ્ધાર્થના કહેવા પર ઇન્કમટૅક્સે વિભાગે માઇન્ડટ્રીના શૅરોને મુક્ત કર્યા, તેને સિદ્ધાર્થે કૉફી ડે એન્ટરપ્રાઇઝના શૅરોમાં બદલી નાખ્યા.

line

અઢળક મિલકત જાહેર ન કરવાની કિંમત ચૂકવવી પડી?

સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, Getty Images

આવકવેરા વિભાગે સુનિશ્ચિત કર્યું છે કે 3200 કરોડ રૂપિયા સિદ્ધાર્થને પોતાના માટે મળ્યા અને તેમની હોલ્ડિંગ કંપનીઓ ટૅક્સના દંડની સાથે સાથે તેમના દ્વારા લેવામાં આવેલા અન્ય દેવાને પણ ભરવા માટે એસ્ક્રો અકાઉન્ટ કામચલાઉ ખાતામાં જતી રહી.

એક રોકાણ સલાહકાર કહે છે, "ખરેખર સાર્વજનિકરૂપે એવું લાગ્યું કે માઇન્ડટ્રી શૅરોના વેચાણથી સિદ્ધાર્થને 3000થી વધારે કરોડ રૂપિયા મળ્યા, પરંતુ સાચી વાત તો એ હતી કે તેમણે હજુ પણ કંપનીના ખાતામાંથી આવકવેરા વિભાગને ચૂકવણી કરવાની બાકી હતી."

ઇન્ફોસિસના પૂર્વ સીએફઓ વી. બાલાકૃષ્ણને બીબીસીને કહ્યું, "ખાનગી દેવાદારોનું દબાણ છે. એ પણ સ્પષ્ટ છે કે આવકવેરા વિભાગ આ મુદ્દાનો ભાગ છે."

"તેણે એક વ્યક્તિને બરબાદ કરી નાખી. તમે કોઈ પણ સ્તરના ઉદ્યમી સાથે વાત કરશો તો જાણવા મળશે કે દેશમાં ટૅક્સનો આતંક છે."

ઉદ્યોગ જગતમાં એક દૃષ્ટિકોણ એ પણ છે કે સિદ્ધાર્થે અઢળક મિલકત જાહેર ન કરવાની કિંમત ચૂકવવી પડી.

ઉદ્યોગ જગત પર નજર રાખતા વિશેષજ્ઞો કહે છે કે 'લોકો પહેલા ભાગી શકતા હતા, પરંતુ હવે નહીં.'

line

'ઉદ્યમીના રૂપે હું નિષ્ફળ રહ્યો'

સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, Getty Images

નામ ન જણાવવાની શરતે પૂર્વ નોકરશાહ કહે છે, "સિદ્ધાર્થની સાથે એક દગાખોરની જેવી વર્તણૂક કરવામાં આવી, તેમના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા અને કંઈ કરવા દેવામાં ન આવ્યું."

"તેમના આખા વ્યવસાયને ધ્વસ્ત કરી દેવાયો. 300-400 કરોડ રૂપિયાના ટૅક્સ માટે તમે 12 હજાર કરોડ રૂપિયાના એ ઉદ્યોગને બરબાદ ન કરી શકો જેનાથી 30 હજાર પરિવારોનું ગુજરાન ચાલે છે. આ તેને સંભાળવાની સંવેદનહીન રીત છે."

વધુ એક કર્મચારી કહે છે, "સિદ્ધાર્થ નરમ હૃદય ધરાવતી વ્યક્તિ હતી. તેઓ સરકારી કાર્યવાહીના નામે પોતાના વ્યવસાયનો મરતો નહોતા જોઈ શકતા અને એ જ કારણ છે કે તેમનું મૃત્યુ થયું."

મૃત્યુ પહેલા લખવામાં આવેલા પત્રમાં સિદ્ધાર્થે અંતિમ લાઇન લખી હતી, "મારો ઇરાદો ક્યારેય દગાખોરી કરવાનો ન હતો. હું એક ઉદ્યમીના રૂપે નિષ્ફળ રહ્યો છું. આ મારી ઇમાનદાર સ્વીકૃતિ છે. આશા છે કે કોઈ દિવસ તમે મને સમજશો અને માફ કરશો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો