સની લિયોનીએ જેમનો મોબાઇલ નંબર જાહેર કરી દીધો તે યુવકને મળો

ઇમેજ સ્રોત, Getty Images
બોલીવૂડ ફિલ્મ 'અર્જુન પટિયાલા'માં સની લિયોનીએ બોલેલા એક મોબાઇલ નંબરે દિલ્હીના એક યુવાનને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
ફિલ્મમાં સની લિયોની એક મોબાઇલ નંબર બોલે છે, જે હકીકતમાં 26 વર્ષના પુનિત અગ્રવાલનો છે.
બીબીસી સાથેની વાતચીતમાં પુનિતે જણાવ્યું કે 26 જુલાઈએ ફિલ્મ રજૂ થઈ ત્યારથી તેના મોબાઇલ ફોન પર રોજના સરેરાશ 100 કૉલ આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે "હવે તો હું સપનું પણ જોઈ શકું એમ નથી. સવારના ચાર વાગ્યા સુધી ફોન સતત રણકતો રહે છે."
સતત આવી રહેલા ફોન-કૉલને કારણે પુનિત એટલા હેરાન થઈ ગયા છે કે તેઓ હવે આ મામલે કાયદાનું શરણ શોધી રહ્યા છે.
તેઓ ઇચ્છે છે કે ફિલ્મમાં સની જ્યારે તેમનો મોબાઇલ નંબર બોલે ત્યારે તેને એડિટ કરી દેવાય.
બોલીવૂડ અભિનેત્રી સની લિયોની એક પૂર્વ પોર્નસ્ટાર રહી ચૂક્યાં છે.
તેમણે ઇરોટિક થ્રિલર્સ અને ઍડલ્ટ કૉમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટા ભાગે ફિલ્મોમાં તેમને 'સેક્સ સિમ્બૉલ' તરીકે રજૂ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે આ ફિલ્મમાં બોલાયેલો મોબાઇલ નંબર સની લિયોનીનો ધારીને ભારત અને કદાચ વિશ્વના પુરુષો પુનિતને કૉલ કરે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
બીબીસી હિંદીનાં ભૂમિકા રાય સાથે વાત કરતી વખતે પુનિતે કહ્યું, "ફિલ્મમાં મોબાઇલ નંબર બોલતા પહેલાં એક વખત તપાસ તો કરવી જોઈતી હતી."
ફિલ્મના ડિરેક્ટર રોહિત જુગરાજે આ મામલે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે.

પોલીસ પણ લાચાર

ફિલ્મ 'અર્જુન પટિયાલા' જ્યારથી રજૂ થઈ છે, પુનિત અગ્રવાલ ન તો શાંતિથી કામ કરી શકે છે કે ન તો શાંતીથી ઊંઘી શકે છે.
પુનિત વર્ષોથી એ જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે અને તેને કોઈ પણ ભોગે બદલવા માગતા નથી.
તેઓ જણાવે છે, "મારા વ્યવસાય સાથે આ નંબર જોડાયેલો છે અને મારા કેટલાય જૂના મિત્રો પાસે પણ આ જ નંબર છે."
જ્યારે ફિલ્મ રજૂ થઈ એ જ દિવસે તેમને પ્રથમ કૉલ આવ્યો હતો.
ફોન કરનારી વ્યક્તિ સની લિયોની સાથે વાત કરવા માગતી હતી અને જ્યારે પુનિતે તેમને ખોટો નંબર હોવાની વાત કરી તો એ માનવા તૈયાર નહોતી.
પુનિત જણાવે છે, "પ્રથમ બે કૉલ, ત્રણ કૉલ કે દસ કૉલ વખતે તો મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે. મને એમ હતું કે મારા કોઈ મિત્રએ આવું કર્યું હશે."
પણ તેમનો ફોન રણકવાનો હજુ ચાલુ જ છે અને ફોન કરનારી વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછે છે, "શું હું સની લિયોની સાથે વાત કરી શકું?"
કૉલ કરનારા લોકોએ જ્યારે પુનિત સમક્ષ 'અર્જુન પટિયાલા' ફિલ્મનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે અંદાજ કાઢ્યો કે ફિલ્મમાં તેમનો નંબર જાહેર કરી દેવાયો છે.
પુનિત જણાવે છે, "એટલે મેં ફિલ્મ જોઈ અને ખરેખર મારો જ નંબર બોલાયો હતો."
"આ કિસ્સામાં ફોન કરનારાઓની કોઈ ભૂલ નથી. તેમને ખોટો નંબર અપાયો છે."
પુનિતે આ મામલે પોલીસમાં ફરિયાદ કરવા પણ પ્રયાસ કર્યો પણ ફોન કરનારા કોઈ ગુનો ન કરી રહ્યા હોવાથી પોલીસ પણ આ મામલે કોઈ મદદ કરી શકે એમ નથી.
જોકે, તેમણે પુનિતને કોર્ટનાં દ્વાર ખખડાવાની સલાહ આપી. જે બાદ તેમણે ફિલ્મમાંથી પોતાનો નંબર હઠાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ઉપાય શોધી કાઢ્યો

ઇમેજ સ્રોત, COURTESY T-SERIES/ MADDOCK FILMS
પુનિત આ મામલે ફિલ્મના નિર્માતા વિરુદ્ધ કોઈ કેસ કરવા માગતા નથી. તેઓ માત્ર એટલું ઇચ્છે કે જ્યારે ફિલ્મને સ્ટ્રીમિંગ નેટવર્ક પર રજૂ કરવામાં આવે ત્યારે તેમનો નંબર હઠાવી લેવાય.
જે દિવસથી એમને કૉલ આવવાનું શરૂ થયું એ દિવસને યાદ કરતા તેઓ કહે છે, "હંમેશાંની માફક 08:30 વાગ્યા સુધી બધુ શાંત જ હતું પણ એ બાદ કૉલ આવવાનું શરૂ થઈ ગયું."
ત્યાર બાદ તેમનો ફોન સતત રણકતો રહે છે.
પુનિતના મોબાઇલ પર મોટા ભાગે પંજાબ અને હરીયાણામાંથી કૉલ આવી રહ્યા છે. નોંધનીય છે કે 'અર્જુન પટિયાલા'ના અભિનેતા દલજિત દોસાંજ આ બન્ને વિસ્તારમાં બહુ લોકપ્રિય છે.
જોકે, રસપ્રદ વાત એ પણ છે કે પુનિત પર ઇટાલી, દુબઈ, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયામાંથી પણ કૉલ આવી રહ્યા છે.
તેમને સૌથી હઠીલો ફોન ન્યૂઝીલૅન્ડમાંથી આવ્યો હતો. જ્યારે પુનિતે કોઈ જવાબ ન આપ્યો તો કૉલરે તેમને વૉટ્સઍપ પર મૅસેજ કર્યા. એટલું જ નહીં, પુનિતને એ નંબર પરથી વીડિયોકૉલ પણ કરવામાં આવ્યા હતા.
આટલામાં જ ન અટકતાં એ વ્યક્તિએ પોતાની તસવીરો પુનિતને મોકલી અને તેને સનીને બતાવવા કહ્યું અને વળતામાં સનીની તસવીરો પણ માગી.
પુનિતના મોબાઇલ પર આટલા કૉલમાંથી બે કૉલ મહિલાઓએ પણ કર્યા છે.
આ અંગે વાત કરતા પુનિત જણાવે છે કે, "એક મહિલાને મેં જ્યારે કહ્યું કે હું સની લિયોની સાથે વાત કરાવી શકું એમ નથી તો એણે મારી સાથે કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આખરે મેં ફોન મૂકી દીધો."
જોકે, રસપ્રદ લાગતા આ કિસ્સાની કાળી બાજુ પણ રહેલી છે. ફોન પર લોકો પુનિતને ગાળો પણ આપી રહ્યા છે.
આ અંગે વાત કરતા પુનિત જણાવે છે, "શરૂઆતમાં તેઓ વિનમ્રતાથી વાત કરે પણ એક વાર હું એમ કહું કે હું સનીને નથી ઓળખતો તો એ લોકો મને ગાળો ભાંડવાનું શરૂ કરી દે."
પુનિતના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તેમને પાઠ ભણાવવાની ધમકી પણ આપે છે.
પુનિતના મતે આ ઘટના એટલી હાસ્યાસ્પદ બની ગઈ છે કે તેમના મિત્રો, સહકર્મીઓ અને પડોશીઓ હવે તેમને 'દિલ્હીની સની લિયોની' કહીને મજાક પણ ઊડાડે છે.
"આ મજાક તો ઠીક છે પણ આવું હવે ભવિષ્યમાં ન થવું જોઈએ."
"હું આ મામલાને મજાકમાં લેવાનો પ્રયાસ કરું છું પણ તે કાબૂની બહાર નીકળી ગયો છે."
પુનિતને આશા છે કે થોડા સમયમાં જ આવા કૉલ આવવાનું બંધ થઈ જશે.
જોકે, આ દરમિયાન તેમણે એક ઉપાય પણ શોધી કાઢ્યો છે.
પુનિત જણાવે છે, "હું એમને એવું કહું છું કે સની નાહવા ગયાં છે એટલે હાલમાં હું તમારી વાત કરાવી શકું એમ નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












