એ ઑપરેશન લોટસ જેના કારણે ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવી શક્યો

    • લેેખક, નવીન જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કર્ણાટકના શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્ય મંત્રીપદના શપથ લીધા.

ખરેખર કર્ણાટક એ રાજ્ય છે, જ્યાંથી ભાજપે દક્ષિણ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યાં તેની શરૂઆત 2004માં થઈ હતી.

રાજ્યમાં સરકાર બનાવવા, બીજી સરકારો પાડવા અને રાજકીય જોડ-તોડના ખેલની યોજના યેદિયુરપ્પા જ બનાવતા રહ્યા છે.

તેથી એ વાતનું કોઈ આશ્ચર્ય નથી કે જે ભાજપ 75 વર્ષથી મોટા વડીલોને કિનારે કરી દે છે તેમની પાસે આ ઉંમરના યેદિયુરપ્પાને મુખ્ય મંત્રી બનાવવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.

તેનું કારણ એ છે કે આ બધો જ ખેલ યેદિયુરપ્પાનો રચેલો છે. વર્ષ 2004માં જ્યારે કર્ણાટક વિધનસભા ત્રિશંકુ થઈ હતી તે વખતે ઘણા પ્રયોગો થયા હતા.

કૉંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી, ફરી નિષ્ફળ ગઈ. ત્યાર બાદ ફરી જેડીએસ અને ભાજપની સરકાર બની.

કુમારસ્વામીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા પરંતુ જ્યારે ભાજપને સત્તા સોંપવામાં આવી તો તેમણે ઇનકાર કરી દીધો અને રાજીનામું આપી દીધું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું.

પરંતુ ખરો રાજકીય ખેલ તો વર્ષ 2008માં શરૂ થયો. આ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં બહુમતથી માત્ર ત્રણ બેઠકો ઓછી મળી અને યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો કર્યો.

રાજ્યપાલે તેમના દાવાનો સ્વીકાર કરી લીધો. ઓછા મતે સરકાર બની હતી ત્યારે જ તેમનો ખેલ શરૂ થઈ ગયો હતો.

મજાની વાત તો એ છે કે તેમણે જે પણ ખેલ કર્યો, જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા, જે રીતે જેડીએસના ધારાસભ્યોને પોતાની સાથે જોડ્યા, એ દરેક વિશે ખૂલીને વાત કરી અને સ્વીકાર્યું કે તેમણે ખોટું કર્યું.

પક્ષ-પલટું કાયદાનો તોડ કેવી રીતે કાઢ્યો

પક્ષ-પલટું કાયદો 1985માં અમલમાં આવ્યો. યેદિયુરપ્પાએ આ કાયદાનો પણ તોડ કાઢ્યો અને ચોર દરવાજેથી બીજા પક્ષના ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવતા પહેલાં રાજીનામાં અપાવ્યાં અને પછી પેટાચૂંટણીઓમાં ઊભા કરીને જીતાડી દીધા.

2008માં યેદિયુરપ્પાના પક્ષે કૉંગ્રેસ અને જેડીએસમાં કુલ સાત ધારાસભ્યોને તોડ્યા હતા, જેમાંથી પાંચ પેટાચૂંટણી જીતી ગયા હતા.

આ રીતે યેદિયુરપ્પાની સરકાર બચી ગઈ અને સદનમાં બહુમત હાંસલ કરવામાં તેઓ સફળ રહ્યા. પરંતુ રાજ્યમાં પહેલી વખત જે ભાજપ સરકાર બની તે સૌથી ભ્રષ્ટ અને બદનામ સાબિત થઈ.

ખાણ ગોટાળો થયો, તપાસ થઈ, આરોપ લાગ્યા અને કર્ણાટકના મુખ્ય મંત્રી યેદિયુરપ્પાને લોકાયુક્તે દોષિત ઠેરવ્યા હતા. તેમને રાજીનામું આપવું પડ્યું. રાજીનામું તો ભાજપે સ્વીકારી લીધું પરંતુ યેદિયુરપ્પા નારાજ થયા.

નારાજગી એટલી વધી ગઈ કે બાદમાં તેમણે પાર્ટી છોડી દીધી. તેમને જેલમાં પણ જવું પડ્યું.

ઑપરેશન લોટસ

ત્યાર બાદ યેદિયુરપ્પાએ કર્ણાટક જનતા પક્ષ નામની પાર્ટી બનાવી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે વર્ષ 2012માં જ્યારે તેમણે ભાજપ છોડ્યું તો તેમણે પોતે બનાવેલી દરેક રણનીતિ અંગે જાહેરમાં વાત કરી.

યેદિયુરપ્પાએ કહેલું કે તેમણે કઈ રીતે 2008માં પક્ષપલટા કરાવ્યા અને કેવી રીતે તેમણે બીજા પક્ષના ધારાસભ્યોને તોડ્યા.

તેમણે આ અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો. પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે તેમના પર પાર્ટી તરફથી આવું કરવાનું દબાણ હતું.

જાહેરમાં પોતાના કબૂલાતનામામાં તેમણે જણાવ્યું કે આ સમગ્ર રણનીતિનું નામ ઑપરેશન લોટસ રાખવામાં આવ્યું હતું.

ફરી ભાજપમાં વાપસી

યેદિયુરપ્પાનો નવો પક્ષ કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ફરી ભાજપમાં લઈ આવ્યા. ત્યાર બાદ 2018માં વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા તો ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો, પરંતુ કૉંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરવામાં સફળ રહ્યા અને સરકાર બનાવી લીધી.

જ્યારે યેદિયુરપ્પાના હાથમાંથી સત્તા ગઈ તો તેમનું ઑપરેશન લોટસ ફરી સક્રિય થઈ ગયું, જેને છેક હવે સફળતા મળી.

રાજ્યમાં કૉંગ્રેસ અને જેડીએસ સત્તા પર હતા પરંતુ બંને પક્ષો વચ્ચે ઘણા વિવાદ હતા, જેનો ફાયદો યેદિયુરપ્પાએ ઉઠાવ્યો.

કૉંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન સામાન્ય ગઠબંધન નહોતું. કર્ણાટકમાં આ બે પક્ષો હંમેશાં એકબીજાની વિરુદ્ધમાં રહ્યા છે. જેડીએસનું અસ્તિત્વ જ કૉંગ્રેસના વિરોધ થકી છે.

યેદિયુરપ્પાએ 2018ના ઑપરેશન લોટસને ફરી ચાલુ કર્યુ અને આ વખતે પણ સફળતા મળી.

પરંતુ આગળ મોટા પડકાર

હવે ભાજપનો બધો ખેલ બધાની સામે છે અને યેદિયુરપ્પા મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે. પરંતુ તેમની સરકાર કેટલી સ્થિર હશે, એ કહેવું અઘરું છે. કારણ કે કર્ણાટકની રાજનીતિમાં હજુ તેમની પાસે મોટો બહુમત નથી.

તેમની સામે ઘણા પડકારો આવશે, શુક્રવારે તેમણે એકલા શપથ લીધા એ વાતથી જ સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

મંત્રી બનવાની ઇચ્છા ધરાવતા લોકોની લાઇન લાગી છે. તેથી કોને ખુશ કરવા અને કોને નારાજ એ નિર્ણયમાં ઉતાવળ થઈ શકે તેમ નથી. તેથી તેમણે એકલા જ શપથ લીધા.

તેમની સામે બળવાખોર નેતાઓને ખુશ કરવાની અને પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સાથે રાખવાનો પડકાર હશે.

કર્ણાટકમાં ભાજપની જે સમગ્ર રાજનીતિ છે તેના કેન્દ્રમાં યેદિયુરપ્પા છે. તેમનું બધું જ રાજકારણ ઑપરેશન લોટસ બાબતે જ હોય છે કે બહુમત ન મળે તો બહુમત કઈ રીતે મેળવવો.

સરકાર બનાવવા અને પાડવાની આ રાજનીતિ કર્ણાટકથી માંડીને ઘણાં રાજ્યોમાં સફળ પુરવાર થઈ છે.

આ વખતે ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળ રહ્યો છે અને ચર્ચા એ વાતની છે કે આ રણનીતિને મધ્યપ્રદેશમાં પણ દોહરાવી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો