યેદિયુરપ્પા : ભાજપ સામે પડેલા નેતા હવે ભાજપમાંથી જ મુખ્ય મંત્રી બન્યા

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હવે જ્યારે બીએસ યેદિયુરપ્પાએ મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે અને ચોથી વખત કર્ણાટકના મુખ્ય મંત્રી બની ગયા છે. તેમણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી કે જેને ભાજપના શીર્ષ નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી પણ પ્રાપ્ત કરી ન શક્યા.

લાગે છે કે યેદિયુરપ્પાએ ભારતની સૌથી શક્તિશાળી જોડી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પોતાના પક્ષમાં કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે.

મોદી શાહની જોડીએ 75 વર્ષ પૂર્ણ થવા પર લાલકૃષ્ણ અડવાણીને માર્ગદર્શક મંડળનો રસ્તો બતાવી દીધો છે. પરંતુ 76 વર્ષના યેદિયુરપ્પાની અવગણના કરીને આમ કરી શકાતું નથી.

કર્ણાટકમાં ભાજપના સૌથી મોટા નેતાએ વડા પ્રધાન મોદીની સાથે સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહને પત્ર લખીને રાજ્યમાં જનતા દળ સેક્યુલર - કૉંગ્રેસ ગઠબંધન સરકારને ગૃહમાં હરાવવા માટે સમર્થન આપવા માટે વ્યક્તિગત રૂપે ધન્યવાદ વ્યક્ત કર્યો છે.

આ પત્ર એવા સમયે મોકલવામાં આવ્યા જ્યારે મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામી વિધાનસભામાં વિશ્વાસમત હાર્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું ત્યાગપત્ર સોંપવા રાજભવન રવાના થયા.

આ પત્રોનો ઉદ્દેશ એ દર્શાવવાનો પણ હતો કે યેદિયુરપ્પા કમાન સંભાળતા દરેક પ્રકારની સ્થિતિ પર નજર રાખીને બેઠા છે અને કામ કરી રહ્યા છે.

પાર્ટીનો ક્ષેત્રીય ચહેરો

કૉંગ્રેસના સિદ્ધારમૈયા સિવાય ભાજપ પાસે યેદિયુરપ્પા સમગ્ર રાજ્યમાં એકમાત્ર નેતા છે જેમની પહોંચ દરેક જગ્યાએ છે.

આ મામલે ભાજપના હાથ બંધાયેલા છે. યેદિયુરપ્પાના સમર્થનનો આધાર કેટલીક હદે તેમનો લિંગાયત સમુદાય જ છે.

લિંગાયત સમુદાયનો પ્રભાવ સમગ્ર કર્ણાટકમાં છે જ્યારે એક બીજી જાતિ વોક્કાલિગાઓની અસર કર્ણાટકના દક્ષિણી વિસ્તાર સુધી મર્યાદિત છે.

ત્યાં 2019ની ચૂંટણી સુધી તો એચડી દૈવગૌડા પરિવારનું પ્રભુત્વ રહ્યું છે.

લિંગાયત સમુદાયનો સૌથી ખરાબ સમય એ હતો જ્યારે વર્ષ 1989માં સ્વ. વીરેન્દ્ર પાટિલને માત્ર એક વર્ષ બાદ મુખ્ય મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

યેદિયુરપ્પાની મહેનત

તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ તેમને બેંગલુરુ ઍરપૉર્ટ પર મુખ્ય મંત્રી પદ પરથી હટાવી દીધા હતા કેમ કે તેમને પૈરાલિટિક સ્ટ્રૉક થયો હતો અને તેઓ અડવાણીની રથયાત્રા બાદ દાવણગેરમાં ફેલાયેલા સાંપ્રદાયિક રમખાણોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

તે સમયથી જ લિંગાયત વોટ જનતા પાર્ટીનો આધાર રહ્યા છે અને વર્ષો બાદ યેદિયુરપ્પાના નેતૃત્વમાં તેમણે નિષ્ઠા બદલી નાખી.

એક ભાજપ નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું, "અમે નથી ઇચ્છતા કે જેવું વીરેન્દ્ર પાટિલ સાથે થયું, અમારી સાથે પણ એવું જ થાય. તમને યાદ હશે કે ત્યારબાદ કૉંગ્રેસ ક્યારેય તે સમુદાય પાસેથી વધારે મત પ્રાપ્ત કરી શકી નથી."

જોકે, રાજકીય વિશ્લેષક સંદીપ શાસ્ત્રી આ વિશ્લેષણ સાથે સહમત નથી કે કેન્દ્રીય નેતૃત્વ યેદિયુરપ્પાનું સમર્થન કરે છે.

તેઓ કહે છે, "એવું નથી લાગતું કે યેદિયુરપ્પાને કેન્દ્રીય નેતૃત્વનું સમર્થન પ્રાપ્ત છે. 2014માં તેમને કેન્દ્રમાં મંત્રી પદ પરથી વંચિત રાખવામાં આવ્યા હતા અને એ સંકેત ખૂબ સ્પષ્ટ હતા. મને લાગે છે કે તેઓ યોગ્ય રીતે નિર્વાચિત થવા માગે છે, જેનો મતલબ છે કે વિધાનસભા માટે પૂર્ણ ચૂંટણી."

વર્તમાન સ્થિતિઓમાં પ્રોફેસર શાસ્ત્રીને રાષ્ટ્રપતિ શાસન અને પછી વર્ષના અંત સુધી ચૂંટણી થવાની આશા છે.

વાસ્તવિકતામાં તો જે મુકુટ યેદિયુરપ્પા પહેરશે તે કાંટાથી સજ્જ તાજ જ હશે.

કુમારસ્વામીએ વિશ્વાસમત પર ચર્ચા દરમિયાન વિધાનસભામાં કહ્યું હતું, "હું તમને જણાવી દઉં કે જ્યારે મંત્રીમંડળનું ગઠન થશે, તમને લાગશે કે બૉમ્બથી ધડાકો થયો છે. વ્યક્તિગતરૂપે મને લાગે છે કે જનતા પાસે જવું યોગ્ય વિકલ્પ છે."

આ કુમારસ્વામી દ્વારા ચેતવણીની રીત હતી કે જે વિદ્રોહીઓએ તેમની સરકારને તોડી પાડી છે, તેઓ તેમની સાથે પણ એવું જ કરશે.

વિચિત્ર સંયોગ એ છે કે યેદિયુરપ્પા એક વખત નહીં, પણ બે વખત કુમારસ્વામીએ ખાલી કરેલી ખુરસી પર બેસશે.

પહેલી વખત વર્ષ 2006માં કુમારસ્વામીએ જેડીએસ-બીજેપી ગઠબંધનની સમજૂતી અંતર્ગત તેમને મુખ્ય મંત્રી પદ પરથી વંચિત કરી દીધા હતા.

બે વર્ષ બાદ યેદિયુરપ્પા 2008ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાના જ બળે સત્તાની નજીક આવ્યા.

યેદિયુરપ્પા સતત મતભેદ અને સત્તાના સંતુલનનો સામનો કરતા રહ્યા.

ભાજપ સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા એસ. સુરેશ કુમાર એ વાતથી સહમત નથી કે આ વખતે પણ પરિસ્થિતિ 2008-11 જેવી છે.

સુરેશ કુમાર જણાવે છે, "કુલ 204 ધારાસભ્યોમાં અમારી પાસે 105 ધારાસભ્યો છે."

"અમારો પહેલો પ્રયાસ છે કે સ્થિર સરકાર બને અને સરકાર પ્રત્યે લોકોનો ભરોસો જળવાઈ રહે."

"મેં એવા કોઈ નેતાને જોયા નથી કે જેઓ ચિંતામાં હોય. બધું જ આપણા નેતાઓના વલણ પર નિર્ભર છે. મને લાગતું નથી કે તેમાં કોઈ સમસ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો