You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુદ્ધવિમાનોની કવાયતમાં સીમાનો ભંગ થતા રશિયાએ ખેદ વ્યક્ત કર્યો, દક્ષિણ કોરિયાનો દાવો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દક્ષિણ કોરિયાની હવાઈ સીમાનો ભંગ કરવા બદલ રશિયાએ અફસોસ વ્યકત કર્યો છે અને કહ્યું છે કે આ જાણીજોઈને નથી કરવામાં આવ્યું. રશિયા અને ચીનના સંયુક્ત યુદ્ધવિમાન અભ્યાસમાં હવાઈ સીમાને મામલે દક્ષિણ કોરિયા અને જાપાનને પણ પોતાનાં લડાકુ વિમાનને તરત ઉડાવવાં પડ્યાં.
દક્ષિણ કોરિયાના કહેવા મુજબ રશિયન મિલિટરી સત્તાધીશોએ આ ઘટના બદલ ખેદ વ્યકત કર્યો છે.
દક્ષિણ કોરિયાએ કહ્યું કે 'મોસ્કોના પ્રવક્તાનું કહેવું છે કે જો યુદ્ધવિમાનો આયોજનપૂર્વકના રૂટ પર ઉડ્યાં હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત.'
જોકે, રશિયન અધિકારીઓ પાસેથી આની પૃષ્ટિ હજી થઈ શકી નથી.
રશિયાના રક્ષા મંત્રાલય અનુસાર ચાર બૉમ્બવર્ષક વિમાનોએ લડાકુ વિમાનની મદદથી જાપાન સાગર અને પૂર્વીય ચીન સાગર પરથી એક પૂર્વ નિર્ધારિત રસ્તે કવાયત ઉડાન ભરી છે.
તો દક્ષિણ કોરિયાનું કહેવું છે કે રશિયાનાં વિમાનોએ તેમના હવાઈક્ષેત્રમાં દખલગીરી કરી હોવાથી તેમનાં લડાકુ વિમાનોએ ચેતવણી આપતાં ફાયરિંગ કર્યું.
જાપાને પણ આ ઘટનાક્રમ બાદ દક્ષિણ કોરિયા અને રશિયા- બંને સામે વિરોધ દર્શાવ્યો છે.
આ ઘટના વિવાદિત ડોકડો/તાકેશીમા દ્વીપ પર ઘટી છે. આ દ્વીપ પર હાલમાં દક્ષિણ કોરિયાનું શાસન છે, પરંતુ જાપાન પણ તેના પર દાવો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલનાં વર્ષોમાં રશિયા અને ચીની બૉમ્બવર્ષક વિમાનો અને જાસૂસી વિમાનોએ આ ક્ષેત્રમાં ઉડાન ભરી છે, પરંતુ રશિયા અને ચીન વચ્ચેની આ રીતની પહેલી ઘટના છે.
રશિયાનું શું કહેવું છે?
દક્ષિણ કોરિયાની હવાઈ સીમાનો ભંગ કરવા બદલ રશિયાએ અફસોસ વ્યકત કર્યો છે અને કહ્યું છે કે આ જાણીજોઈને નથી કરવામાં આવ્યું.
રશિયન મિલિટરી સત્તાધીશોએ આ ઘટના બદલ ખેદ વ્યકત કર્યો છે.
મોસ્કોના પ્રવક્તાનું કહેવું છે કે જો યુદ્ધવિમાનો આયોજનપૂર્વકના રૂટ પર ઉડ્યાં હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત. જોકે, રશિયન અધિકારીઓ પાસેથી આની પૃષ્ટિ હજી થઈ શકી નથી.
અગાઉ રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર તેનાં સ્ટ્રેટેજિક મિસાઇલથી સજ્જ બે ટીયુ-95એમએસ વિમાનોએ બે ચીની હોંગ-6નાં બૉમ્બવર્ષક વિમાનો સાથે એક ચોક્કસ રૂટ પર તટસ્થ જળક્ષેત્ર ઉપર ઉડાન ભરી હતી.
આ બૉમ્બવર્ષક વિમાનો સાથે લડાકુ વિમાન અને જાસૂસી વિમાન પણ હતાં.
ટીવી પર પ્રસારિત એક નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ સર્ગેઈ કોબીલાશે કહ્યું, "એક સમયે ઊડી રહેલું કવાયત દળનું વિમાન એક રેખામાં એકબીજાથી લગભગ બે માઇલ દૂર ઊડી રહેલાં કેટલાંય વિમાનોનું એક દળ બની ગયું હતું."
તેમણે કહ્યું કે આ દરમિયાન અગિયાર વાર વિદેશી લડાકુ વિમાનોએ તેમનો પીછો કર્યો.
તેમણે દક્ષિણ કોરિયન પાઇલટો પર વિવાદિત દ્વીપ ઉપર ખતરનાક કરતબો દેખાડવાનાં આરોપ લગાવ્યા છે.
તેઓએ દક્ષિણ કોરિયાનાં વિમાનોની ગુપ્ત ફાયરિંગની પણ પુષ્ટિ કરી હતી.
લેફ્ટનન્ટ જનરલે વધુમાં કહ્યું કે વિમાનોનું આ દળ ડોકડા/તાકેશીમા દ્વીપથી પચીસ કિમી દૂર હતું.
તેમણે દક્ષિણ કોરિયાના પાઇલટો પર હવામાં ધમાલ મચાવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આ ગઠબંધન અમેરિકાની ઊંઘ ઉડાડી દેશે?
બીબીસીના રક્ષા સંવાદદાતા જોનાથન માર્ક્સનું માનવું છે, "એશિયા પ્રશાંત ક્ષેત્રમાં રશિયા અને ચીનની લાંબી બૉમ્બવર્ષક વિમાનોની આ 'સંયુક્ત હવાઈ કવાયત' રશિયા અને ચીન વચ્ચેના શક્તિશાળી સૈન્ય ગઠબંધનનો મજૂબત સંકેત આપે છે."
"જોકે હજુ સુધી બંને દેશોએ ઔપચારિક ગઠબંધન કર્યું નથી, પરંતુ તેમનો સંયુક્ત અભ્યાસ સંશોધિત છે."
"આ બંને દેશો વચ્ચે કેટલાક વિવાદો પણ છે, પરંતુ તેઓ આર્થિક અને સૈન્ય મોરચે એકબીજાની નજીક આવી રહ્યા છે. બંનેનો વૈશ્વિક દૃષ્ટિકોણ પણ એકસમાન છે."
"આ પશ્ચિમી ઉદારવાદી લોકતંત્રની વિરુદ્ધ છે. તેના વિકલ્પના મૉડલને આગળ વધારવા આતુર છે. પોતાની રાષ્ટ્રીય સંપ્રભુતા પ્રત્યે બેહદ રક્ષાત્મક છે અને સામાન્ય રીતે એકબીજાની તુલનાએ કોઈને કોઈ રીતે જોખમભરી સવારી માટે તૈયાર છે."
જોનાથને આગળ જણાવ્યું, "આ અમેરિકાની રણનીતિ માટે મોટો પડકાર છે. પતન તરફ જઈ રહેલા રશિયા અને ઉદયમાન ચીનના સંબંધો વધુ મજબૂત થશે તો અમેરિકાની ચિંતા વધશે એ નક્કી છે."
આગામી કેટલાંક વર્ષોમાં ચીન આર્થિક અને તકનીકી મોરચે અમેરિકાથી આગળ વધતું દેખાઈ રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
દક્ષિણ કોરિયાનું શું કહેવું છે?
દક્ષિણ કોરિયાના કહેવા મુજબ પાંચ વિમાનોએ મંગળવારે સવારે સ્થાનિક સમય પ્રમાણે આશરે નવ વાગે એમનાં હવાઈક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
એફ-15 અને એફ-16 વિમાનોને રોકવા માટે તરત ઉડાવવામાં આવ્યાં. સેનાનું કહેવું છે કે એણે પ્રથમ હવાઈસીમા ઉલ્લંઘન સમયે મશીનગનથી 280 ગોળીઓ છોડી.
દક્ષિણ કોરિયાએ સુરક્ષા પરિષદ સામે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને પરિષદ કાર્યવાહી કરે તેવી માગ કરી છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી પ્રકાશિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે આ સ્થિતિને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને જો ફરી આવું થશે તો અમે કડક પગલાંઓ લઈશું.
દક્ષિણ કોરિયાએ ચીન સામે પણ વિરોધ દર્શાવ્યો છે. ચીનનું કહેવું છે કે દક્ષિણ કોરિયાનું હવાઈ રક્ષણ ઓળખ ક્ષેત્ર એના એકલાનો જ હવાઈ ઈલાકો નથી અને એ સ્થિતિમાં કોઈ પણ અહીંથી ઊડી શકે છે.
જાપાનને શું લેવાદેવા છે?
જાપાન સરકારે આ મામલે દક્ષિણ કોરિયા અને રશિયા બેઉને ફરિયાદ કરી છે.
જાપાન આ ટાપુઓ પર પોતાનો અધિકાર માને છે. જાપાનનું કહેવું છે કે રશિયાએ એના હવાઈક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.
જાપાને એમ પણ કહ્યું કે દક્ષિણ કોરિયા પ્રતિક્રિયા અફસોસજનક છે.
હવાઈ રક્ષણ ઓળખ ક્ષેત્ર શું હોય છે
ઍર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (એડીઆઈઝેડ) યાને કે હવાઈ રક્ષણ ક્ષેત્ર ઓળખ એ હવાઈ વિસ્તાર હોય છે જેની દેખરેખ જે તે દેશ પોતાની રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશથી કરે છે.
વિદેશી વિમાનોને આ વિસ્તારમાં દાખળ થતા અગાઉ પોતાની ઓળખ છતી કરવાની હોય છે.
આ હવાઈ ક્ષેત્ર રાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રથી ઘણે દૂર સુધી હોય છે જેથી કોઈ પણ સંભવિત ખતરાને સમયે ચેતવણી આપી શકાય છે.
જોકે એડીઆઈઝેડ પર કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ થતો નથી, કેમ કે સ્વનિર્ધારિત સીમાઓ અન્ય દેશના દાવા સાથે ટકરાઈ શકે છે. આને કારણે અનેક વાર હવાઈસીમાનું ઉલ્લંઘન પણ થાય છે.
પૂર્વ ચીન સાગર વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે, કારણ કે ત્યાં દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનના હવાઈ રક્ષણ ક્ષેત્ર એકબીજાની ઉપર છે.
સંયુક્ત રાષ્ટ્ર મુજબ દરેક દેશ પોતાના ભૂમિ ક્ષેત્રની ઉપર અને દરિયામાં 12 નોટિકલ માઇલ સુધી હવાઈ ક્ષેત્રને નિયંત્રિત કરી શકે છે.
આ મામલામાં દક્ષિણ કોરિયાનું કહેવું છે કે રશિયાનાં વિમાનો પોતાના એડીઆઈઝેડથી ખૂબ દૂર નીકળીને ટાપુઓની ઉપરના હવાઈક્ષેત્રમાં દાખલ થઈ ગયાં હતાં.
જોકે અન્ય દેશો આ ટાપુઓ પર દક્ષિણ કોરિયાના પ્રભુત્વનો સ્વીકાર કરતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો