આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચિટ મળી એ દીપેશ-અભિષેક મૃત્યુ કેસ શું છે?

દીપેશ-અભિષેકનાં અપમૃત્યુના કેસમાં તપાસ અર્થે નિમાયેલા જસ્ટિસ ડી. કે. ત્રિવેદીના પંચે આસારામ તથા તેમના પુત્ર નારાયણ સાંઈને ક્લીનચિટ આપી દીધી છે.

વર્ષ 2008માં અમદાવાદ સ્થિત આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ કેસની તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ ડી. કે. ત્રિવેદી પંચની રચના કરાઈ હતી.

આ પંચે જુલાઈ 2013માં તેનો તપાસ અહેવાલ રાજ્યના ગૃહવિભાગને સોંપી દીધો હતો. આ રિપોર્ટ શુક્રવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "આ પંચ નથી પ્રપંચ છે. દોષીઓને બચાવવાનું કામ આ પંચે કર્યું છે."

તેમણે સવાલ કર્યો, "આટલાં વર્ષોથી રિપોર્ટ આવી ગયો હતો પણ સરકારે કેમ વિધાનસભામાં મૂક્યો નહીં. સરકાર આસારામ, નારાયણ સાંઈ અને આશ્રમને બચવવાની કોશિશ કરી રહી છે. સરકાર સત્ય બતાવવા માગે છે કે છુપાવવા માગે છે?"

તેમણે માગ કરી કે સરકાર દીપેશ-અભિષેકના પરિવારને ન્યાય અપાવે. કોણે હત્યા કરી, કોણે કાવતરું રચ્યું એ વિશે તપાસ કરવી જોઈએ.

મોટેરા આશ્રમમાં શું થયું હતું?

પાંચ જુલાઈ 2008ના દિવસે આસારામના મોટેરા સ્થિત આશ્રમ બહાર સાબરમતી નદીના કિનારે 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દીપેશ વાઘેલાના અડધા બળેલા મૃતદેહ વિકૃત અવસ્થામાં મળ્યા હતા.

અમદાવાદમાં રહેનાર આ બંને ભાઈઓના વાલીઓએ થોડા દિવસો પહેલાં જ આસારામના ગુરુકુળમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ દરમિયાન 2012માં રાજ્ય પોલીસે મોટેરા આશ્રમના સાત કર્મીઓ પર બિન હેતુસર હત્યાના આરોપ નક્કી કર્યા હતા.

આસારામનો રાજકારણમાં પ્રભાવ

ભક્તોની સંખ્યા વધવાની સાથે રાજકારણીઓ પણ આસારામના સંપર્કમાં રહેતા હતા.

1990થી લઈને 2000ના દાયકા સુધી આસારામના ભક્તોમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે-સાથે ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને નીતિન ગડકરી પણ સામેલ હતા. કૉંગ્રેસના કમલનાથ અને મોતીલાલ વોરા પણ તેમના ભક્ત થયા હતા.

શિવરાજસિંહ ચૌહાણ, ઉમા ભારતી, રમણ સિંહ, વસુંધરા રાજે જેવાં ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પણ આસારામના ભક્તોની યાદીમાં આવતાં હતાં.

2000ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આસારામના દર્શન માટે જનારા નેતાઓમાં સૌથી મોટું નામ નરેન્દ્ર મોદીનું હતું.

પણ 2008માં આસારામના મોટેરા આશ્રમમાં 2 બાળકોની હત્યાનો કેસ બહાર આવતા રાજકારણીઓ આસારામથી દૂર થઈ ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો