બજેટ 2019 : સામાન્ય લોકો પર સરવાળે વધારાનો બોજ પડશે

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી

ચોથી જુલાઈએ ઇકૉનૉમિક સર્વે ઉપર આધારિત આવનાર અંદાજપત્રમાં નાણામંત્રી પાસેથી શું અપેક્ષાઓ છે તે લખાયું ત્યારે પણ મનમાં એવી શંકાઓ તો હતી જ કે આમાંથી ઘણું બધું માત્ર કાગળ ઉપર જ રહેશે.

છેલ્લાં 40 વરસથી સતત કેન્દ્ર સરકારના અંદાજપત્ર પરનું વિશ્લેષણ કરવાનું થાય છે.

અત્યાર સુધીનો મારો અનુભવ એવો છે કે આર્થિક સર્વેક્ષણમાં જે કહેવાયું હોય તેને નાણામંત્રીના અંદાજપત્ર સાથે ભાગ્યે જ ઝાઝો સંબંધ હોય છે.

પહેલી વાર આર્થિક સર્વેક્ષણનાં તારણો અને દિશાનિર્દેશને સુસંગત એવું નિર્મલા સીતારમણનું આ બજેટ મારા માટે પણ એક સુખદ આશ્ચર્ય છે.

આ અંદાજપત્ર એક રીતે કહીએ તો આવનાર પાંચ વરસમાં ભારતીય અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલરનું કદ હાંસલ કરે તે દિશામાં જવા માટેના રોડમૅપ સંબંધી દિશાનિર્દેશ કરે છે.

આ દિશાનિર્દેશમાં ગ્રામીણ જીવનમાં રસ્તા તેમજ પીવાના પાણી જેવી ખૂટતી કડીઓ પૂરી કરીને સુધાર, સીધા અને આડકતરા વેરાની આવકમાં વધારો, ગેસગ્રીડ, વૉટર ગ્રીડ, રિજિયોનલ ઍરપોર્ટ, પાવરગ્રીડ, ઇ-વેઝ જેવી રાષ્ટ્રીય કનેક્ટિવિટી ઊભી કરી વિકાસની દિશામાં ગતિ, અંત્યોદય અને સ્વચ્છતા જેવા ગાંધીવિચાર પ્રેરિત માર્ગ પર પ્રયાણ અને ભારતને અવકાશક્ષેત્રે વિકસાવવાની વાત છે.

2018-19માં જીડીપી વિકાસદર 6.8 ટકા અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ 2.1 ટકા તેમજ ફિસ્કલ ડેફિસિટ 3.3 ટકા રહેશે જે 2018-19નું વરસ પ્રમાણમાં મંદીનું વરસ હતું અને 2019-20ના વરસમાં આ સેન્ટિમેન્ટમાં પણ ખાસ સુધારો થાય તે જણાતું નથી.

તે જોતાં ઘણું સારું કહી શકાય. જોકે 2013-14માં કરંટ એકાઉન્ટ ડેફિસિટ 1.7 ટકા હતી તે ઘટીને 2016-17માં 0.7 ટકા થઈ તેની સરખામણીમાં 2018-19ની કરંટ એકાઉન્ટ ડેફિસિટ ચિંતાજનક છે.

દેવું ભારત માટે ચિંતાનો વિષય

બજેટ વાંચન પૂરું થયા બાદ ફરી વાર ઊભાં થઈને નિર્મલા સીતારમણે ફિસ્કલ ડેફિસિટ 3.3 ટકા રહેશે તેવી વાત કરી.

પીયૂષ ગોયલે અગાઉના વરસની નાણાકીય ખાધ અંગે સુધારેલા આંકડા પોતાના અંદાજપત્રમાં આપ્યા હતા એટલે એમણે પોતે અંદાજેલી 2019-20 માટેની નાણાકીય ખાધ 3.4 ટકાને બદલે 3.3 ટકા રહેશે એ વાત રાહતજનક જરૂર લાગે છે, પરંતુ જેટલીએ એમના 2018-19ના બજેટમાં આ ખાધ 3 ટકા સુધી ઘટાડવાની વાત કરી હતી એ ના થાય તો હજુ ઘણા દૂર છીએ.

જોકે જીએસટીની આવક ઘટતી જતી હતી, એક પછી એક 2018-19 માટેના ત્રિમાસિક ગાળામાં ઉત્તરોત્તર જીડીપીનો વૃદ્ધિદર ઘટતો જતો હતો તે જોતાં ફિસ્કલ ડેફિસિટ કદાચ પીયૂષ ગોયેલના વચગાળાના બજેટમાં અંદાજિત 3.4 ટકા કરતાં વધી જશે એવી દહેશત સામે નિર્મલા સીતારમણે આ આંકડો 3.3 ટકાનો રહેશે એવું જાહેર કર્યું તેનો ખાસ કોઈ મતલબ નથી.

બજેટમાં વપરાનાર એક રૂપિયાની આવકમાંથી 20 પૈસા ઉછીના તેમજ અન્ય જવાબદારીઓ થકી મેળવાશે તે બાબત પણ ધ્યાને રહેવી જોઈએ.

આમ, ભારત સરકાર દ્વારા વપરાતો દર પાંચમો રૂપિયો દેવાનો છે એ બાબત ચિંતાનો વિષય છે.

આ નાણાકીય સાધનોમાં 2018-19 દરમિયાન 64.4 અબજ જેટલું સીધું વિદેશીરોકાણ આવ્યું અને હવે ઇન્સ્યોરન્સ ઇન્ટરમીજિયેરિટ અને એફપીઆઇની સૅક્ટોરલ લિમિટમાં વધારો જેવાં સાધનો થકી વધારાનું વિદેશીરોકાણ આવે તે દિશાનો પ્રયાસ કરવાની આ બજેટમાં જાહેરાત છે.

ઘટતો જતો વિકાસદર અને તેની સાથે ઘટતી જતી રોજગારીની તકો એ ચિંતાનો બીજો વિષય છે.

નિર્મલા સીતારમણના બજેટમાં વિકાસ માટેનાં નાણાકીય સાધનો ઉપલબ્ધ કરવાં એક લાખ પાંચ હજાર કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ, 400 કરોડ સુધીના ટર્નઓવર સુધીની કંપનીઓનો કૉર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 25 ટકા (99.3 ટકા કંપનીઓ આમાં આવી જાય) કરાયો છે.

વિદેશી બજારમાંથી નાણાકીય સાધનો ઊભાં કરવા માટેની જાહેરાત તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને ઍફોર્ડેબલ હાઉસિંગના કિસ્સામાં વ્યાજદરોમાં રાહત ઉપરાંત એક કરોડ કરતાં વધુ આવક હોય તેના પર લગતા આવકવેરા ઉપર 3 ટકા અને બે કરોડ ઉપર 7 ટકા જેટલો સરચાર્જ લગાડીને વધારાનાં નાણાકીય સાધનો ઊભાં કરી વિકાસને ગતિવંત રાખવાની વાતનો નિર્દેશ આ બજેટ કરે છે.

આંતર માળખાકીય સવલતો વગર વિકાસ શક્ય નથી. રસ્તા, વીજળી અને પીવાના પાણી જેવી સવલત વગર જીવન ધોરણમાં સુધાર, આ સંયોગોમાં આવનાર પાંચ વરસમાં 100 લાખ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ આંતર માળખાકીય સવલતો તેમજ બે લાખ જેટલાં મકાનોનું નિર્માણ, જાહેર ક્ષેત્રિય બૅન્કોમાં 70 હજાર કરોડ રૂપિયા જેટલી કૅપિટલ અને નૉનબૅન્કિંગ ફાયનાન્સ કંપનીના પુનર્વસન માટેની યોજનાનો.

એફઆઈઆઈ અને એફપીઆઈ દ્વારા એનબીએફસીમાં રોકાણ તેમજ જાહેર ક્ષેત્રિય બૅન્કો દ્વારા હાઇરેટેડ કુલ્ડ ઍસેટ્સની ખરીદી, સરવાળે નવી નોકરીઓ ઊભી કરવા તરફનું એક નિર્ણાયક કદમ બનશે.

ઔદ્યોગિક વિકાસની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે શ્રમશક્તિ એનું મહત્વનું પરિબળ છે. આ શ્રમશક્તિને મજૂર કાયદાઓનું સરળીકરણ એ ખૂબ જ જરૂરી બાબત છે.

70 ટકા મુદ્રાલૉનનાં લાભાર્થીઓ બહેનો

નાણામંત્રીએ પબ્લિક લિમિટેડ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 35 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની વાત કરી છે, તેમાં પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ બંને તરલતા અને તેજી જાળવી રાખે તે જરૂરી બનશે.

રોકાણને વેગ મળે અને ઔદ્યોગિક વિકાસ થાય એ દિશામાં એક સ્પષ્ટ પ્રયાસ સાથે મધ્યમ અને લઘુ એકમોને તેમજ સામાજિક ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાની વાત કરતાં 2019-20 માટે લઘુ અને મધ્યમ એકમોને વ્યાજ સબસિડી પેટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ઉપરાંત લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેની એક મોટી મુશ્કેલી, એટલે કે તેમણે જે માલ વેચ્યો હોય તેનાં નાણાં પરત આપવામાં વિલંબ થતો હોય તે નિવારવા એક પેમેન્ટ પ્લૅટફૉર્મની રચનાની વાત આ બજેટમાં કરવામાં આવી છે તે ખૂબ જ આવકારદાયક છે.

ગૂડ્સ અને સર્વિસ ટેક્સને લાગેવળગે છે ત્યાં સુધી વાર્ષિક પાંચ કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ માત્ર ત્રિમાસિક રિટર્ન ભરવાનું રહેશે.

મહિલાઓને લાગેવળગે છે ત્યાં સુધી દેશની 50 ટકા વસ્તી ધરાવતા આ સેગમૅન્ટમાંથી 70 ટકા મુદ્રાલૉનનાં લાભાર્થીઓ બહેનો છે.

આઈસીડીએસ યોજના હેઠળ 2018-19માં 23357 કરોડની સામે 27584 કરોડ થયા છે. અત્યાર સુધી 7 કરોડ ગૅસ-કનેક્શન અપાયાં છે, તે ઉપરાંત 8 કરોડ જેટલા મફત ગૅસ-કનેક્શન ઉજ્જ્વલા યોજના હેઠળ આપશે.

આ ઉપરાંત મહિલા સૅલ્ફ હેલ્પ ગ્રૂપને વ્યાજ સબસિડીનો કાર્યક્રમ બધા જ જિલ્લામાં વિસ્તારવા ઉપરાંત આ સ્વસહાય યોજનામાંથી એક મહિલાને મુદ્રાયોજના હેઠળ લૉન આપવામાં આવશે.

નાણામંત્રીએ મહિલાઓ માટે 'નારી તું નારાયણી યોજના' લૉન્ચ કરાશે એમ કહ્યું હતું. એક કમિટી બનશે જે દેશના વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા પર સલાહ રાખશે.

વિવેકાનંદે કહ્યું હતું કે દુનિયા ત્યાં સુધી ખુશ ન રહી શકે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિમાં સુધારો ન થાય. એક ચકલી એક પાંખથી ઊડી ન શકે.

ભારતની વિકાસગાથામાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીની એક સોનેરી ગાથા છે. હું એક કમિટીનો પ્રસ્તાવ મૂકી રહી છું, જે આ ભાગીદારી વધારવા માટે તેમનું સૂચન રાખશે.

સામાજિક સેવાઓ અને વિકાસને લગતી પ્રવૃત્તિની સોશિયલ એન્ટરપ્રાઇઝને સ્વૈચ્છિક સંસ્થાઓ નાણાં ઉપલબ્ધ કરી શકે તે માટે સોશિયલ સ્ટોક એક્સચેન્જ થકી નાણાં ઊભાં કરી શકે તેવી વાત, મૅક ઇન ઈન્ડિયા માટે કસ્ટમ ડ્યૂટીમાં રાહતો તેમજ સ્ટાર્ટઅપ પોતાના અનુભવો વહેચી શકે તે માટે એક ખાસ ટીવી ચેનલ, ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્કમટેક્સમાં રાહત અને લૉન ઉપરના સંપૂર્ણ વ્યાજને આવકવેરામાંથી બાદબાકી જેવી સવલતોની વાત કરવામાં આવી છે.

ટૂંકમાં લઘુ અને મધ્યમ કક્ષાનાં નવાં એકમો થકી જ રોજગારી અને અર્થવ્યવસ્થામાં સુધારો આવી શકશે તે વાત ઉપર સરકારે ભાર મૂક્યો છે.

આ બજેટની અન્ય જાહેરાતો જોઈએ તો મૅક ઇન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી છે. હાલના તબક્કે કેટલું નીપજશે તે કળવું મુશ્કેલ છે.

પેન્શનની વાત બજેટનું આકર્ષક પાસું

નાના વેપારીઓને કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષા એમના વેપારમાંથી ઉપલબ્ધ થતી નથી.

એમને માટે પેન્શનની વાત આ બજેટનું આકર્ષક પાસું છે. ત્રણ કરોડ જેટલા છૂટક વેપારીઓ અને નાના દુકાનદારો જેમનું વાર્ષિક ટર્નઓવર દોઢ કરોડ કરતાં ઓછું હોય તેમને પ્રધાનમંત્રી લઘુવેપારી માનધન યોજના હેઠળ પેન્શનનો ફાયદો મળશે.

આર્થિક અસમાનતા દૂર કરવી અને ઓછી આવકવાળા જૂથને ઊંચકવાની બાબત આ એક મહત્ત્વની જોગવાઈ છે.

આપણે ત્યાં ભાડવાતને મકાન આપવામાં અત્યારના કાયદાઓ ભાડવાત તરફી હોવાથી રોકાણ ખાતર મકાન બાંધીને વિકસિત દેશોની જેમ લોકો ભાડે આપે છે તેવું બહુ ઓછું થાય છે.

તે દિશામાં આ કાયદાઓનું સરળીકરણ થાય તો ખાનગી રોકાણ પણ આ ક્ષેત્રમાં જાય અને પરિણામે રહેણાક મકાનોની ખેંચ ઓછી થાય. આ કાયદાને સુધારવાની વાત એ પણ લાંબા ગાળે ઉપકારક નીવડશે.

કેટલીક નિરાશાઓ

પેટ્રોલ અને ડીઝલ બંને પર લિટરે એક રૂપિયાનો સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીનો વેરો ઝીંકાયો છે. સેસ સાથે આ વધારો બે રૂપિયા લિટરે થાય.

ઊર્જાના કોઈ પણ સાધનને તમે સ્પર્શો એટલે સરવાળે ટ્રાન્સપૉર્ટથી માંડી ઉત્પાદન બધું જ મોંઘું થાય અને એ રીતે મોંઘવારીમાં વધારો થાય એ જોતાં સામાન્ય માણસના માથે વધતી જતી કિંમત ભારરૂપ બનશે. આ સિવાય આવકવેરામાં કોઈ રાહતો આપવામાં આવી નથી.

સોના ઉપર કસ્ટમ ડ્યૂટી 2.5 ટકા વધારવામાં આવી છે જેને કારણે સોનાની આયાત મોંઘી બનશે. અત્યારે એક મોટી રોજગારી પૂરી પાડતો જ્વેલરી ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ વધારો તેને માટે આકરો બની રહેશે.

બીજું, સોના ઉપર જેમજેમ કસ્ટમ ડ્યૂટીનું ભારણ વધે તેમતેમ દાણચોરીથી આવતું સોનું લાવવા માટેની નફાકારકતા વધતી જવાની. વિશ્વમાં ભારત અને ચીન સોનાના સૌથી મોટા ખરીદદાર છે.

કસ્ટમ ડ્યૂટી વધવાને કારણે ઘરઆંગણાની ખાનગી માગ નહીં ઘટે, એટલે સ્વાભાવિક રીતે સોનાની દાણચોરી અને બેનામી વ્યવહાર વધે એ દિશા તરફ કસ્ટમ ડ્યૂટીનો વધારો લઈ જાય તેવું થવાની પૂરી શક્યતાઓ છે.

સીતારમણનું આ પહેલું અંદાજપત્ર ગ્રામીણ વિકાસ, ગરીબી, આંતર માળખાકીય સવલતોનો વિકાસ, નાણાકીય સંસ્થા-બૅન્કોને લગતા કાયદાઓમાં સુધારો, સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ અને મૅક ઇન ઈન્ડિયા જેવાં ક્ષેત્રોને પ્રોત્સાહન વગેરેની ખૂબ લંબાણથી વાત કરે છે.

કોઈ પણ જગ્યાએ એમણે જે તે વિભાગ કે યોજના માટે બજેટની જોગવાઈની વાત કરી નથી, એનો અર્થ એ થાય કે પીયૂષ ગોયેલે કરેલી જોગવાઈઓને તેઓ વળગી રહેશે.

ટૂંકમાં અડધું ખેડેલું ખેતર ફરીથી ખેડીને વાવણી કરવાનું કામ નિર્મલા સીતારમણને ભાગે આવ્યું અને એ કારણથી આ અંદાજપત્ર ભાવિવિકાસની શક્યતાઓ અને દિશાસૂચન કરતું સૈદ્ધાંતિક ઘોષણાપત્ર વધારે લાગે તો એમાં નાણામંત્રીનો વાંક કાઢવા જેવો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો