You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારના બજેટ પર આર્થિક સર્વેક્ષણની કેટલી અસર?
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી
બજેટ રજૂ થવાનું હોય તેના પહેલાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય તે ઇકૉનૉમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ સંસદ સમક્ષ રજૂ થઈ ચૂક્યું છે.
આ સર્વેક્ષણ ઉપરથી નિર્મલા સિતારમણનું અંદાજપત્ર કયા પડકારોને જવાબ આપતું હોવું જોઈએ એનો દિશાનિર્દેશ સાંપડે છે.
પહેલો મુદ્દો છે જીડીપી ગ્રોથ 7 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અંદાજવામાં આવ્યું છે.
હવે ભારતે જો વડાપ્રધાન મોદીની જાહેરાત મુજબ આવનાર પાંચ વર્ષમાં (નાણાકીય વર્ષ 2025) 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવું હોય, તો સરેરાશ 8 ટકાના દરે અર્થવ્યવસ્થા વિકસવી જોઈએ.
આ દિશામાં જવા માટે આગામી અંદાજપત્રમાં શું દિશા નિર્દેશ હોય તેની સરખામણી રસપ્રદ થઈ રહે.
2020ના નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીનો વિકાસ વધતા ખાનગી રોકાણ અને "Robust Consumption" એટલે કે વપરાશકારો દ્વારા ખરીદીમાં સારી એવી વૃદ્ધિને કારણે થવાનો છે.
જો આમ થવાનું હોય તો સરેરાશ વ્યક્તિના હાથમાં પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે વાપરવાલાયક અંગત આવક વધવી જોઈએ.
આવું તો જ શક્ય બને જો બચતના દરમાં વૃદ્ધિ થાય અથવા વપરાશકારની ખરીદીને પ્રોત્સાહન મળે એ પ્રમાણે એને બૅન્કો અને નાણાકીય સંસ્થાઓમાંથી નાણાં મળતાં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીડીપીના 7 ટકાના વૃદ્ધિદર સામે આવું એકદમ પ્રોત્સાહક વાતાવરણ ઊભું થાય તે માટે દેશમાં ફૂલ ગુલાબી માહોલ હોવો જોઈએ.
અર્થવ્યવસ્થાને મદદરૂપ થાય તેવું બીજું પરિબળ, જે આ આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે તે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ 2020 દરમિયાન ઘટાડા તરફી રહેશે તેવું છે.
સ્વાભાવિક છે આમ થાય તો વેપાર ખાધ ઘટે અને દેશના વપરાશકારને ઊર્જા વ્યાજબી ભાવે મળી રહે. સર્વેનું આ તારણ નાણામંત્રીને માટે મોટી રાહત આપનાર રહ્યું.
આવકને લાગે વળગે છે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીચો વિકાસ દર, વેપાર ક્ષેત્રે તણાવ તેમજ ઘરઆંગણે હજુ પણ ધાર્યા મુજબની ન થતી ગુડ્સ અને સર્વિસ ટૅક્સની આવક અને કૃષિનો નીચો વિકાસ દર છે.
ચીફ ઇકૉનૉમિક એડવાઈઝર કે. વી. સુબ્રમણ્યને સર્વે રજૂ થયા બાદના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું તેમ 'Key takeaway is that investment is a must for increase in growth. Increase in investment raises productivity and exports'.
આમ નાણામંત્રી પોતાનું બજેટ રજૂ કરે ત્યારે તેમણે મુખ્ય નીચેના પ્રશ્નોના જવાબ મળી રહે તે જોવું પડશે.
1. આવનારાં પાંચ વર્ષમાં જીડીપીનો સરેરાશ વૃદ્ધિ દર આઠ ટકા રહે તે માટેની સ્પષ્ટ વ્યૂહરચના અને ઉપાયો.
2. આગામી નાણાકીય વર્ષ દરમિયાન અર્થવ્યવસ્થાની વૃદ્ધિનું મુખ્ય પરિબળ રોકાણ રહેવાનું છે. ખાનગી ક્ષેત્રના રોકાણના વિવિધ પ્રકારોને કઈ રીતે પ્રોત્સાહન મળે તે માટેની તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટેની સ્પષ્ટ વ્યુહરચના.
3. જીડીપી વૃદ્ધિ દરનું બીજું એક મહત્ત્વનું પરિબળ "Robust Consumption" એટલે કે ઘરઆંગણે ખરીદી અને વપરાશને વેગ મળે તે પ્રકારનો ઘર આંગણાની બજારનો વિકાસ.
ખરીદી તો જ થાય જો માણસના હાથમાં બચત હોય અથવા એની ખરીદીને પ્રોત્સાહન મળે તેવી સરળ લૉન કે નાણાકીય સવલતો ઉપલબ્ધ હોય.
વ્યક્તિના હાથમાં તો જ વધારાના નાણાં રહે, જો એની આવકના પ્રમાણમાં કરવેરાનું ભારણ ઓછું હોય.
આ પરિસ્થિતિમાં -
1) નિર્મલા સીતારમણ વ્યક્તિગત અને કૉર્પોરેટ ટૅક્સના દરોનાં રોકાણોમાં રાહત આપી વધારાનાં નાણાં ખર્ચ માટે પ્રાપ્ત થાય તે દિશામાં જાહેરાતો.
2) ખરીદી વધે એ માટેના પ્રોત્સાહન અને નાણાકીય સહાયને ઉત્તેજન.
3) કંપનીઓને કૉર્પોરેટ અને ડબલ ડિવિડન્ડ ટૅક્સમાં રાહત આપી એમની પાસે વધુ તરલ મૂડી ઉપલબ્ધ બને, તેનો ઉપયોગ વર્કિંગ કૅપિટલ અથવા વિસ્તરણ માટે થઈ શકે.
4) આર્થિક સર્વેક્ષણ 2019ના વર્ષ દરમિયાન કૃષિ, વન અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ 2.9 ટકા રહેવાનું અનુમાન મૂકે છે.
આમ એકલી કૃષિનો વિકાસદર 2 ટકાથી નીચે રહેશે.
આની બીજી એક ચાવી આર્થિક સર્વેક્ષણ 2018-19ના વર્ષમાં ઉત્પાદન 283.24 મિલિયન ટન થવાનો અંદાજ છે.
જેમાં પણ અગાઉનાં વર્ષોની સરખામણીમાં જૂજ વૃદ્ધિ છે.
આ કારણથી લગભગ સ્થિર થતું જતું ખેત ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રનો વિકાસ જ્યાં સુધી ફરી વેગ ન પકડે ત્યાં સુધી ગ્રામ્ય રોજગારી તેમજ ગ્રામ્ય બજારમાં તેજી આવે અને એની ખરીદ શક્તિમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા નથી.
આર્થિક સર્વેક્ષણની આ બાબત ધ્યાને લઈ આગામી અંદાજપત્ર કૃષિ અને ગ્રામ વિકાસને પુનઃ ધબકતો કરવા કોઈ ચોક્કસ યોજના અને દિશાનિર્દેશ લઈને આવે તે જરૂરી છે.
ભારત પાસે ઉપલબ્ધ વિદેશી હૂંડિયામણ 412.9 અંદાજવામાં આવ્યું છે, જે હૂંડિયામણના ક્ષેત્રે આ દેશની અર્થવ્યવસ્થા કોઈ મુશ્કેલી નહીં અનુભવે તેવું બતાવે છે.
આમ છતાંય આર્થિક સર્વેક્ષણ 2019માં નિર્દેશ કરવામાં આવ્યા મુજબ સરકારની નીતિ હજુ પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વૅસ્ટમેન્ટને આકર્ષવામાં આવતા અવરોધો દૂર થાય તે દિશામાં રહેવી જોઈએ.
નિકાસના ક્ષેત્રે પણ વધુ રોકાણ થાય તે મુજબની આક્રમક નીતિ અપનાવવાની સલાહ આર્થિક સર્વેક્ષણમાં આપવામાં આવી છે. સાથોસાથ રોજગારીલક્ષી આયોજન માટે ભાર મૂકવામાં આવ્યો છે.
5) આર્થિક સર્વેક્ષણમાં ઊર્જાનો વિકાસ અર્થવ્યવસ્થાની તેજી માટે જરૂરી પરિમાણ ગણવામાં આવ્યું છે.
ભારત ઊર્જાના વપરાશમાં ઘણું પાછળ છે. વિશ્વની માત્ર 6% પ્રાથમિક ઊર્જા ભારત વાપરે છે.
આર્થિક સર્વેક્ષણમાં માથાદીઠ ઊર્જા વપરાશમાં હાલની સરખામણી 2.5 ગણો વધારો કરી ભારતની માથાદીઠ જીડીપી 2041 ડૉલરથી વધારીને 5000 અમેરિકન ડૉલર પહોંચે તે જરૂરી છે.
માત્ર ઊર્જાનો વપરાશ જ નહીં પણ ઊર્જાનો કાર્યક્ષમ વપરાશ એટલે કે ઍનર્જી ઍફિશિયન્સી જેના થકી 2017-18માં 50 હજાર કરોડ જેટલો બચાવ થયો હતો.
તે ઉપરાંત રિન્યૂએબલ ઍનર્જીની દિશામાં હજુ પણ ભારતને 250 અબજ અમેરિકન ડૉલર જેટલું રોકાણ જરૂરી છે તેની વાત આર્થિક સર્વેક્ષણમાં કરવામાં આવી છે.
નિર્મલા સિતારમણનું અંદાજપત્ર ઉર્જાનું વધુ ઉત્પાદન અને એને કારણે માથાદીઠ ઊર્જાના વપરાશમાં 2.5 ગણી વૃદ્ધિની દિશામાં લઈ જનારું હોવું જોઈએ.
જેટલી અગત્યતા ઊર્જાના ઉત્પાદનની છે તેટલી જ અગત્યતા ઊર્જાના બચાવ અને ઍનર્જી ઍફિશિયન્સીની છે.
રિન્યૂએબલ ઍનર્જી લાંબાગાળે ઊર્જાનો મોટો સ્રોત બની શકે.
આર્થિક વિકાસ માટે ઊર્જાની અગત્યતા જોતાં નાણામંત્રી આ દિશામાં મોટી જાહેરાતો કરે તે અપેક્ષિત છે.
6) વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક પણ તક ચૂક્યા વગર ગરીબો પ્રત્યેની તેમની હમદર્દી અને ગરીબીલક્ષી આયોજનની વાત કરે છે.
સિતારમણ પાસે બીજે બધે વાપરવા માટે મોટું બજેટ હોય કે નહીં પણ એમના અંદાજપત્રની ત્રીજા ભાગ કરતાં વધુ રકમ સમાજના નબળાં વર્ગો અને સમાજ કલ્યાણ માટેની યોજનાઓ માટે હશે.
આ ક્ષેત્રે હવે કઈ નવી જાહેરાત થાય છે તે જોવાનું રસપ્રદ હશે.
આર્થિક સર્વેક્ષણને એક રીતે કહીએ તો દેશની અર્થવ્યવસ્થાનો એકસ-રે છે.
આપણી અર્થવ્યવસ્થા હાલમાં ક્યાં આવીને ઊભી છે અને એના વિવિધ પાસાઓ અત્યારે કઈ મુશ્કેલીઓ વેઠે છે.
એ મુશ્કેલીઓ કઈ રીતે દૂર થાય અને રોકાણ તેમજ રોજગારી વધે તે માટેનું સઘન આયોજન અને સર્વાંગી વિકાસ થકી 8 ટકાનો સાતત્યપૂર્ણ જીડીપી વિકાસદર મેળવી 2025ની સાલ સુધીમાં આપણી અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલરને આંબી જાય એ આડે હવે ગણતરીના જ વર્ષો રહ્યાં છે.
ત્યારે આવનાર એકે એક વર્ષનું અંદાજપત્ર ચઢતી ભાંજણીમાં અગત્યનું બનતું જવાનું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો