You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2019 : ખેડૂતો માટે શબ્દોના સાથિયા નહીં, પરંતુ નક્કર જોગવાઈઓ હશે?
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી
પહેલી ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતાં પીયૂષ ગોયલે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માગે છે. તેમજ પહેલી વાર 22 જેટલા પાકના ટેકાના ભાવ (MSP) તેની ઉત્પાદન કિંમત કરતાં 50 ટકા વધુ નક્કી કરવામાં આવ્યા છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો.
સાથોસાથ ખેડૂત ખાતેદારને વરસે 6 હજાર રૂપિયાની આવક સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની જાહેરાત કરી.
આ કાર્યક્રમ નાના અને સીમાંત ખેડૂતો (પછીથી આ યોજના બધા ખેડૂતો માટે લંબાવવામાં આવી છે) એવા 12 કરોડ ખેડૂત કુટુંબોને આપવા માટે 75,000 કરોડ જેટલી જંગી સહાયની પણ ઘોષણા કરી.
2018-19માં 11.68 લાખ કરોડ જેટલી પાક લૉન અપાઈ હોવાની વાત કરી.
રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર મુજબ કુલ બજેટના 43% કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટેની જોગવાઈ હતી.
આ બધાનો સીધો અર્થ સરકાર કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રને મજબૂત કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાની કથળતી જતી સ્થિતિને સુધારવા માગે છે એવો થાય.
કૃષિવિકાસનો દર વધ્યો નહીં
આમ તો છેલ્લાં પાંચ વર્ષનું કોઈ પણ બજેટ જુઓ અગાઉની સરકારોની જેમ જ કૃષિને વેગ આપવાની વાત અને ખેડૂતનો ઉલ્લેખ અચૂક આવે.
આમ છતાં છેલ્લાં પાંચ વરસમાં કૃષિવિકાસનો સરેરાશ દર 2.52 ટકા જેટલો રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપલબ્ધ માહિતી અનુસાર 2016ના વરસમાં 6,351 ખેડૂતોએ આપઘાત કર્યો છે અને છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રામ્ય બેરોજગારીનો દર વધીને 18 ટકા થયો છે.
કૃષિ ભલે જીડીપીની દૃષ્ટિએ 20 ટકાથી ઓછો ફાળો આપતી હોય તો પણ આજે સીધી અને આડકતરી રોજગારીમાં કૃષિ સંલગ્ન ગ્રામીણ અર્થવ્યવસ્થાનો ફાળો 50 ટકા કરતાં વધુ છે.
આ જ રીતે આ દેશમાં ઉત્પન્ન થતી મોટરસાઇકલના વેચાણનો ગ્રામીણ બજારમાં 50% હિસ્સો છે.
આવી જ રીતે બૅટરી 56, રેઝર બ્લૅડ 54%, કપડાં ધોવાનો સાબુ 54% ટકા, ચા 51%, કન્ઝ્યુમર ડ્યુરેબલ 59% હિસ્સો ધરાવે છે.
કૃષિ અંગેનાં છ મહત્ત્વનાં કારણ
ખેડૂત અને ખેતી નીચેનાં કારણોથી ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાવી જોઈએ.
1. સીધી કે આડકતરી રોજગારી મળીને 50 ટકા કરતાં વધુ રોજગારી આ ક્ષેત્ર પૂરી પાડે છે.
2. સ્વાવલંબન પાયાની જરૂરિયાત છે. ડૉ. સ્વામિનાથનના શબ્દોમાં કહીએ તો - "The future belongs to countries with grains and not guns"
3. આડ વ્યવસાય તરીકે પશુપાલન ઉદ્યોગ વિકસવાને કારણે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ નંબરનો દેશ બન્યો છે.
4. ગ્રામ્ય બજારની ખરીદશક્તિ શહેરનાં કારખાનાં અને શહેરોને ધમધમતાં રાખે છે.
5. ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત હોય તો શહેરો તરફની ગાંડી દોડ ઓછી થાય અને આજે ભયંકર દબાણ હેઠળ કામ કરતી શહેરી આંતર માળખાકીય સવલતો તૂટી ના પડે. ગુનાખોરી વધે નહીં.
6. કંઈક અંશે ગ્રામીણ રોજગારી અને અર્થતંત્ર થકી આવકનાં સાધનો માત્ર થોડા જ મૂડી પતિઓ ના હાથમાં કેન્દ્રીત ના થઈ જાય તેમાં પાયાનો ફાળો આપે છે.
ચોક્કસ વ્યૂહરચના સાથે જોગવાઈ જરૂરી
આ બાબતને ધ્યાનમાં લેતાં નિર્મલા સીતારમણ ખેડૂત આંદોલન, બિનપોષણક્ષમ બની રહી હોવાને કારણે ખેડૂત ખેતી છોડે નહીં તે માટેની ચોક્કસ વ્યૂહરચના, ગ્રામ્ય બજારોને અને અર્થતંત્રને મજબૂત કરવા માટે ખેડૂતની માથાદીઠ આવક ઝડપથી વધે અને બમણી થાય તે માટેની નક્કર વ્યૂહરચના અને તે સાથે બજેટમાં નાણાંની જોગવાઈ કરવી પડશે.
ડૉ. સ્વામીનાથને બીજી હરિતક્રાંતિ થવાની શક્યતાને પાયામાંથી વખોડી નાખતા કહ્યું છે કે - The Green Revolution had gradually turned into a ``greed revolution'' as evident in the indiscriminate use of pesticide for higher productivity. ``And no economist calculates the economics of undernourishment''.
આ દિશામાં શું થઈ શકે? માઇક્રો ઇરિગેશન અને હાઇટેક કૃષિ તરફ ખેડૂતોને વાળવા માટેનું ચોક્કસ આયોજન અને એના માટેની વ્યૂહરચનાઓને વેગ મળે તે બાબત બજેટમાં આકર્ષક જોગવાઈ કરવી પડશે.
ખાસ કરીને આગામી પાંચ વરસમાં કૃષિવિકાસ દર સરેરાશ 4 ટકા રહે અને તેમાં વૃદ્ધિ થાય એનો દિશાનિર્દેશ આ બજેટમાં કરવામાં આવે.
ટૂંકાગાળાની રાહત નહીં લાંબાગાળાનું આયોજન જરૂરી
ખેડૂતને ટૂંકા ગાળાની રાહત તરીકે ભલે ટેકાના ભાવની (MSP) વાત અથવા છ હજાર રૂપિયા વરસે આપવાની વાત કરાય પણ લાંબા ગાળે તો એવી વ્યવસ્થા કરવી પડશે કે જેમાં ખેડૂત પોતે પોતાનાં ઉત્પાદનોની મૂલ્યવૃદ્ધિ કરીને વેચવા માટે સક્ષમ બને.
જેમ દૂધ ઉત્પાદકોએ સહકારી ક્ષેત્રના માળખા થકી દૂધનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ બંને ઊભું કર્યું છે અને એનાં ઉત્પાદનો "અમૂલ" બ્રાન્ડ નીચે પોતે નક્કી કરેલા ભાવે વેચે છે.
તેવી જ રીતે કૃષિમાં પણ ફૂડ પ્રોસેસિંગ અને સંગ્રહ સહકારી ધોરણે થાય અને એ ઉત્પાદનો "કિસાન" અથવા એવી કોઈ બ્રાન્ડ નીચે બજારમાં વેચાય તો ખેડૂતને ટેકાના ભાવ કરતાં ઘણી વધુ કિંમત મળી શકે.
એના ઉત્પાદન ભાવ ગંજ બજારમાં દલાલો નક્કી કરે છે તેના બદલે દૂધ ઉત્પાદનનો સંઘ પોતાના ઉત્પાદનના ભાવ પોતે નક્કી કરે છે તે રીતે ખેડૂતોનું સહકારી માળખું પોતાનાં ઉત્પાદનો પોતાની શરતે વેચી શકે તો આઈટીસી જેવી બહુરાષ્ટ્રીય કંપની મેંદો, આટો કે સોજી વેચીને અઢળક કમાણી કરી શકતી હોય તો ખેડૂતની સહકારી વ્યવસ્થા આ કેમ ન કરી શકે?
કમ સે કમ આ બજેટમાં નિર્મલા સીતારમણ આ દિશામાં આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કરી નક્કર આયોજન અને નાણાકીય જોગવાઈ રજૂ કરે તો આ દેશનો ખેડૂત ખેતીથી દૂર થતો અટકશે અને અન્ન સ્વાવલંબન સામેનો મોટો ખતરો ટળી જશે.
અન્ન અને શાકભાજીનો અધધ... બગાડ
આજે આપણે ત્યાં 50,000 કરોડ કરતાં વધુ કિંમતનાં અનાજ, શાકભાજી અને ફળો બગડી જાય છે.
લગભગ 65 લાખ ટન જેટલી કોલ્ડ સ્ટોરેજ સવલત સામે માંડ 50 ટકા જેટલી આજે ઉપલબ્ધ છે.
ત્યારે કૃષિ ઉત્પાદનો બજારો સુધી ઝડપથી ટ્રાન્સપોર્ટ થાય અને તેની જાળવણી માટેની આંતરમાળખાકીય સવલતો માટેનું નક્કર આયોજન ખૂબ ફાયદો કરાવી શકે.
ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના અથવા અન્ય ગોડાઉનોમાં કે પછી ટ્રાન્સપૉર્ટ સમેત અથવા અનાજની મંડીઓમાં પલળી જવાને કારણે અથવા અન્ય રીતે બરબાદ થતો અનાજનો જથ્થો આપણે જોઈએ છીએ ત્યારે જીવ બળી જાય છે.
આ સીધો રાષ્ટ્રીય બગાડ છે. જેમ ઉત્પાદન વધારવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે અને સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓથી જમીન સુધારણા માટેની વાત થાય છે તે રીતે આ બગાડને અટકાવવા માટેની આંતર માળખાકીય સવલતો ઊભી કરવા માટેની કોઈ નક્કર યોજના નિર્મલા સિતારમણ પાસેથી અપેક્ષિત છે.
ગ્રામ્યવિકાસની સક્ષમ યોજના
પીયૂષ ગોયલના બજેટમાં 43 ટકા કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટેની જોગવાઈ હતી.
નિર્મલા સીતારમણ ભલે ટકાવારીની દૃષ્ટિએ આ જોગવાઈને વળગી રહે, પણ તેનો સક્ષમ અને અસરકારક ઉપયોગ કરતી યોજનાઓ તેમજ આગામી સમયમાં દેશ સામે ઊભા થનાર અન્ન સ્વાવલંબન અને ગ્રામીણ અર્થતંત્ર સામેના પડકારો, ગામડાં ભાગીને શહેરો તરફનું સ્થળાંતર અટકાવવામાં માટેના નક્કર આયોજન સાથે નાણાકીય જોગવાઈ પૂરી પડે તો ખૂબ મોટું કામ થશે.
કૃષિ અને ગ્રામીણ વિકાસમાં કદાચ ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણ જેવી ઝાકઝમાળ નથી પણ આ દેશની અર્થવ્યવસ્થાનો પાયો કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર છે.
લગભગ બધા જ નાણામંત્રીઓએ પોતાના બજેટમાં આ ક્ષેત્રની અગત્યતાની વાત શબ્દોને શણગારીને કરી છે, પણ કોઈ નક્કર પરિણામ મેળવી શકાયું હોય તેવું દેખાતું નથી.
આ બાબત ધ્યાનમાં રાખી નિર્મલા સીતારમણ એક કરતાં વધુ રીતે આ દેશની અર્થવ્યવસ્થાના આરોગ્યને સીધી રીતે અસર કરતાં અન્ન સ્વાવલંબન અને રોજગારી જેવા મહત્ત્વના મુદ્દે અગત્યતા ધરાવતા કૃષિ ક્ષેત્ર માટે માત્ર ને માત્ર શબ્દોના સાથિયા નહીં, પણ ચોક્કસ દિશાનિર્દેશ કરતી વાત આ અંદાજપત્રમાં કરશે એવી અપેક્ષા રાખવી વધુ પડતી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો