હરેન પંડ્યા મર્ડર કેસ : સુપ્રીમ કોર્ટે આરોપીઓની રિવ્યૂ પિટિશન્સ ફગાવી

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે પાંચમી જુલાઈએ આપેલા ચુકાદાને યથાવત્ રાખ્યો છે અને તેની સામેની પુનર્વિચારણાની અરજીઓને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાંથી અમારા સહયોગી સુચિત્રા મોહંતી જણાવે છે કે જસ્ટિસ અરુણ મિશ્રા તથા જસ્ટિસ વિનીત શરણે સુનાવણી હાથ ધરી હતી.

જસ્ટિસ અરુણ મિશ્રાએ નોંધ્યું, "અમે રિવ્યૂ પિટિશન ઉપર વિચારણા હાથ ધરી છે. અમને એવી કોઈ ક્ષતિ નથી દેખાઈ કે જેથી કરીને પુનઃવિચારણા હાથ ધરવી પડે."

"એટલે અમે આ પુનઃવિચારણા અરજીને કાઢી નાખીએ છીએ."

આ પહેલાં જુલાઈ મહિનામાં 12 આરોપીઓને હરેન પંડ્યા મર્ડર કેસમાંથી દોષમુક્ત જાહેર કરવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ઉથલાવી નાખ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે નવ આરોપીને હત્યા માટે દોષિત જાહેર કર્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

સા સિવાય પોટા (પ્રિવેન્શન ઑફ ટેરરિઝ ઍક્ટ) કોર્ટ દ્વારા વર્ષ 2007માં અન્ય આરોપીઓને અલગ-અલગ સજા ફટકારી હતી, તેને યથાવત્ રાખી હતી.

આ પહેલાં સર્વોચ્ચ અદાલતે ની દેખરેખ હેઠળ નવેસરથી તપાસ કરાવવાની માગને ફગાવી દીધી હતી અને ફેર તપાસની માગ કરનારી સંસ્થાને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

આ પહેલાં શું થયું?

વર્ષ 2019ની શરૂઆતમાં સર્વોચ્ચ અદાલતે જાહેરહિતની અરજી દાખલ કરનારી સ્વૈચ્છિક સંસ્થા સેન્ટ્રલ ફૉર પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિટિગેશનને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

અમુક અહેવાલોને ટાંકતા સંગઠનનું કહેવું હતું કે કેસમાં નવા તથ્ય બહાર આવ્યા છે, જેથી સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ પુનઃતપાસ હાથ ધરવી જોઈએ, જોકે સરકારે તેને રાજકીય કાવતરું ઠેરવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે આ કેસમાં હવે કોઈ વિચાર કરવામાં નહીં આવે.

તા. 26મી માર્ચ 2003ના દિવસે હરેન પંડ્યા (ઉં.વ.42) અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મૉર્નિંગવોક કરવા માટે ગયા હતા.

કથિત રીતે બે હત્યારા દ્વારા પાંચ ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

લગભગ બે કલાક સુધી તેમનો પાર્થિવદેહ કારમાં પડી રહ્યો હતો.

કલાકો સુધી હરેન પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.

પંડ્યા પરિવારના આરોપ

હરેન પંડ્યાની હત્યાથી ભાજપના કાર્યકરો અને અમદાવાદની જનતા આઘાતમાં આવી ગયા હતા.

ગુજરાત પોલીસ દ્વારા હત્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પંડ્યા પરિવાર, ગુજરાત ભાજપના નેતાઓના એક વર્ગ તથા કાર્યકરોના દબાણ બાદ રાજ્ય સરકારે હત્યાકાંડની તપાસ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપી દીધી હતી.

હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિબહેને તેમના સસરા વિઠ્ઠલભાઈની સાથે વર્ષ 2007-'08માં ગુજરાતની તત્કાલીન મોદી સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

બાદમાં જાગૃતિબહેન ભાજપમાં સામેલ થયાં હતાં, હાલ તેઓ ગુજરાતના બાળ સંરક્ષણ આયોગનાં વડાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો