રાજ્યસભા ચૂંટણી : અલ્પેશ ઠાકોરનું ક્રૉસ વોટિંગ, ભાજપના બંને ઉમેદવારોનો વિજય

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોનું ચૂંટણી પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો બહુમતી સાથે વિજય થયો છે.

રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ગુજરાત વિધાનસભા ખાતે શુક્રવારે મતદાન થયું હતું. કૉંગ્રેસના કહેવા પ્રમાણે, અલ્પેશ ઠાકોર સહિતના બે ધારાસભ્યોએ ક્રૉસ-વોટિંગ કર્યું હતું.

વિધાનસભામાં કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો.

ધારાસભ્યો બળવો કે ક્રૉસ વોટિંગ ન કરે તે માટે તેમને પાલનપુર નજીક એક રિસૉર્ટમાં મોકલી દેવાયા હતા.

જયશંકરે કહ્યું હતું કે આજે ગુજરાત સાથે વિશેષ સંબંધ બંધાયો છે. બંનેના સભ્યપદનો કાર્યકાળ ઔપચારિક રીતે તા. 18 ઑગસ્ટ 2023 સુધીનો રહેશે.

કૉંગ્રેસ અને ક્રૉસ વોટિંગ

કૉંગ્રેસના ધારાસભ્યો બળવો ન કરે કે તેમનું હોર્સ ટ્રેડિંગ ન થાય, તે માટે પાર્ટીએ તેમને રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ-આબુ મોકલવાની યોજના બનાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ યોજના બદલવામાં આવી હતી અને તેમને પાલનપુર લઈ જવાયા હતા.

વિધાનસભામાં કૉંગ્રેસના મુખ્ય દંડક અશ્વિન કોટવાલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું :

"રાજ્યસભામાં કેવી રીતે મતદાન કરી શકાય તે માટે તમામ 71 ધારાસભ્યોને વ્હિપ આપી દેવાયા હતા. આ મામલે કોઈના ઉપર દબાણ નથી."

કોટવાલના જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાને પણ ફોન ઉપર સૂચના આપી દેવામાં આવી હતી.

કૉંગ્રેસે ગૌરવ પંડ્યા તથા ચંદ્રિકા ચુડાસમાને ચૂંટણીજંગમાં ઉતાર્યાં હતાં.

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈનું કહેવું છે, "કૉંગ્રેસને પોતાના જ સંગઠન પર ભરોસો નથી. ઉપરાંત કૉંગ્રેસના નેતાઓની સત્તા સાથે જોડાવાની જે હોડ છે તેના કારણે કૉંગ્રેસ તૂટી રહી છે."

દેસાઈ માને છે કે ગુજરાતના પ્રયોગમાં સફળતા મળી એટલે તેઓ અન્ય રાજ્યોમાં પણ 'ગુજરાત મૉડલ'ના આધારે વધુમાં વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરશે.

'ગુજરાત સાથે સંબંધ બંધાયો'

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે, ભાજપના ઉમેદવારોને પાર્ટી ઉપરાંત કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષના ધારાસભ્યોના મત પણ મળ્યા હતા.

પરિણામો બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ કૉંગ્રેસ ઉપર ચૂંટણીપ્રક્રિયાને અટકાવવા માટે ધમપછાડાં કરવાનો આરોપ મૂક્યો હતો.

ચૂંટણીપંચ દ્વારા 'ઔપચારિક જાહેરાત' થાય તે પહેલાં જ ઊજવણી કરી દીધી હતી.

ચૂંટણી બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે 'આ પરિણામો સાથે ગુજરાત સાથે મારો વિશેષ સંબંધ બંધાયો છે અને દેશ તથા વિદેશમાં વસતાં ગુજરાતીઓ માટે કામ કરતો રહીશ.'

જયશંકરે ઉમેર્યું હતું કે ભારતનું અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડૉલરથી પાંચ ટ્રિલિયન ડૉલર ઉપર પહોંચશે તેમાં ગુજરાતની મોટી ભૂમિકા હશે.

ભાજપ અને કૉંગ્રેસનું સ્કોરકાર્ડ 

કૉંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા તથા ચંદ્રિકા ચુડાસમાને 70-70 મત મળ્યા હતા. 

જેમાં કૉંગ્રેસના 69 ધારાસભ્યો ઉપરાંત વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના એક મતનો સમાવેશ થાય છે. 

બીજી બાજુ, ભાજપના ઉમેદવાર એસ. જયશંકરને 104 તથા જુગલજી ઠાકોરને 105 મત મળ્યા હતા.

અલ્પેશ ઠાકોરનો બળવો

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ ક્રૉસ-વોટિંગ કર્યું હતું.

અલ્પેશ ઠાકોરે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "કૉંગ્રેસમાં ગરીબ અને વંચિતોની વાત નથી થતી અને તેમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો."

"પાર્ટીમાં લોકશાહી રહી ન હતી અને પાર્ટીમાં સતત અવગણના થતી હતી, એટલે કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે."

ઝાલાએ કૉંગ્રેસ પાર્ટી ઉપર આરોપ મૂકતા કહ્યું હતું કે 'ગરીબોને સાંભળવામાં આવતા ન હતા.'

ઠાકોર વિધાનસભામાં રાધનપુર તથ ઝાલા બાયડની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

કૉંગ્રેસના નેતા શૈલેષ પરમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે પક્ષના વ્હિપનો અનાદર કરવા બદલ બંને છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તેવા મતલબની રજૂઆત કરવામાં આવશે.

ભાજપ : કૉંગ્રેસની ભાંજગડ

વિધાનસભામાં વિપક્ષના નેતા ધાનાણીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે જો વિધાનસભાના સ્પીકર પાસેથી પાર્ટીને રાહત નહીં મળે તો કોર્ટના દ્વાર ખખડાવશે.

તેમના કહેવા પ્રમાણે કુલ 71માંથી 69 ધારાસભ્યોએ પાર્ટીના વ્હિપ મુજબ મતદાન કર્યું હતું.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે ઠાકોર-ઝાલાના ભાજપમાં જોડાવા અંગે કોઈ ચર્ચા ચાલી નથી રહી.

તેમણે ઉમેર્યું હતું કે બંનેને તેમના પક્ષમાં વિશ્વાસ નથી રહ્યો એટલે રાજીનામાં આપ્યાં છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીના કહેવા પ્રમાણે, બંને ધારાસભ્યોનાં રાજીનામાંએ કૉંગ્રેસની આંતરિક બાબત છે.

શા માટે પેટાચૂંટણી?

ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરની બેઠક ઉપરથી લોકસભામાં ચૂંટાયા છે, જ્યારે વર્તમાન મહિલા-બાળ વિકાસ અને કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યાં છે.

ઈરાનીએ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યાં હતાં.

બંને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. નિયમ મુજબ સંસદસભ્ય એક સમયે બંને ગૃહનું પ્રતિનિધિત્વ ન કરી શકે અને કોઈ એક ગૃહનું સભ્યપદ છોડવું પડે.

શાહ-ઈરાનીએ અલગ-અલગ દિવસોએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું, જેથી આ બેઠકો ખાલી પડી હતી.

અલગ-અલગ દિવસે રાજીનામાં આપ્યાં હોવાથી બે બૅલેટપેપર દ્વારા મતદાન થયું હતું.

ચૂંટણીપંચે તા. 18મી જૂને જાહેરનામું બહાર પાડ્યું હતું. 25મીએ અંતિમ દિવસે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. શુક્રવારે સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્ય સુધી મતદાન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો