You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકોનાં જીવિત રહેવાં માટે ભારતમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા કઈ છે?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
બિહારમાં 150 કરતાં વધારે બાળકોનાં મૃત્યુ બાદ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. બાળકોના જન્મ થવા અને પ્રાથમિક વર્ષોમાં જીવિત રહેવાના મામલે ભારત દુનિયાનો સૌથી બદતર દેશ છે.
આંતરરાષ્ટ્રીય શોધપત્રિકા લેંસેટ વર્ષ 2015ના રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં સૌથી વધારે બાળકોનાં મૃત્યુ ભારતમાં થયાં છે.
આ સ્થિતિ અગાઉ કરતાં થોડી સારી છે. વર્ષ 2000માં ભારતમાં બાળકોનો મૃત્યુદર ઘટીને અડધો થઈ ગયો હતો. વર્ષ 2015માં પણ આ આંકડો 12 લાખ હતો.
12 લાખમાંથી અડધાં મૃત્યુ માત્ર ત્રણ રાજ્યોમાં થયાં હતાં - ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ.
તેનું કારણ ત્યાં વસેલી વધારે વસતી હોઈ શકે છે. પણ એ ક્ષેત્રીય સ્તરે ભિન્નતાને પણ દર્શાવે છે.
વર્ષ 2015માં જન્મેલા દર હજાર બાળકો સામે મધ્ય પ્રદેશમાં 62 બાળકોનાં મૃત્યુ થયાં.
જ્યારે આ આંકડો કેરળમાં માત્ર નવ હતો. દેશમાં પાંચ વર્ષનાં બાળકોનો મૃત્યુદર સરેરાશ 43 રહ્યો હતો.
ઓછી આવક ધરાવતા પ્રદેશ, જેમ કે આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય બદતર રાજ્યો હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધારે આવક ધરાવતા તામિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં બાળકોનો મૃત્યુદર ઓછો હતો.
કેરળ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં માનવ વિકાસ સાથે જોડાયેલા મૂળભૂત માળખામાં રોકાણનો લાંબો ઇતિહાસ રહ્યો છે.
પ્રોફેસર દિલીપ માવલંકર ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (ગાંધીનગર)ના નિદેશક છે અને દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા પર શોધ, ટ્રેનિંગ અને ચર્ચાનો ભાગ રહ્યા છે.
તેઓ કહે છે, "કૃષિ સુધાર, મહિલા સશક્તીકરણ, શિક્ષણ, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, હૉસ્પિટલોની વધતી સંખ્યા, સ્વાસ્થ્ય ક્ષેત્ર અને રસીકરણમાં રોકાણ કેરળને આ સ્તરે લાવ્યું છે."
આ સિવાય પ્રોફેસર માવલંકરનો દાવો છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર જેવાં વધારે વસતી ધરાવતાં રાજ્યોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા સંચાલિત કરવી ખૂબ પડકારજનક છે.
આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં રસ્તાની હાલત બદતર છે. ઘણાં ગામોથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હૉસ્પિટલો સુધી પહોંચવું અઘરું છે જેના કારણે ઇલાજમાં મોડું થઈ જાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલય માને છે કે "સંચાલનમાં સમસ્યાઓ છે" અને આ રાજ્યોની નબળી સ્વાસ્થ્ય વ્યવસ્થા બાળકોના જન્મસમયે જરૂરી સુવિધાઓ પર અસર કરે છે.
બાળકોનાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?
વર્ષ 2017માં ભારત પર યુનિસેફના એક રિપોર્ટ પ્રમાણે જન્મના પહેલાં મહિનામાં બાળકોનાં મૃત્યુનું સૌથી મોટું કારણ જન્મસમયે આવતી જટિલતાઓ અને સમય પહેલાં પ્રસવ હતું.
આ કોઈ મોટી બીમારી નથી, પરંતુ એવાં કારણો છે કે જેમાં માતા તેમજ બાળકોને યોગ્ય સ્વાસ્થ્ય સુવિધાઓ મળી જતી તો કોઈનું મૃત્યુ ન થતું.
આ જ ઉદ્દેશ સાથે વર્ષ 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનનું ગઠન કરવામાં આવ્યું કે જેથી ગામડાં સિવાય આઠ રાજ્યોમં પરિસ્થિતિ સુધારવા માટે પગલાં ભરવામાં આવે.
આ એમ્પાવર્ડ ગ્રૂપ ઑફ સ્ટેટ્સમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશ સામેલ છે.
જે વિસ્તારોમાં હૉસ્પિટલમાં પ્રસવ, સિઝેરિયન ઑપરેશન અને ઍમ્બ્યુલન્સ સેવાઓ ઓછી હતી ત્યાં આવી સુવિધાઓ લાવવાની યોજનાઓ બનાવવામાં આવી.
હાલ જ જનની સુરક્ષા યોજના અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ પણ લાવવામાં આવ્યા છે.
તે અંતર્ગત સરકારી સ્વાસ્થ્ય સંસ્થાઓમાં પ્રસવ માટે જતી ગર્ભવતીને ધનરાશિ, મફત ચેક-અપ, પ્રસવ અને એક વર્ષ સુધી નવજાત બાળકની બીમારીનો ખર્ચ આપવાની સુવિધા છે.
પ્રસવ દરમિયાન માતા અને બાળકનો જીવ બચાવવા માટે પ્રશિક્ષિત સ્વાસ્થ્યકર્મી, સ્વાસ્થ્ય કેન્દ્ર અથવા હૉસ્પિટલમાં ડિલિવરી કરાવવી ખૂબ જરૂરી માનવામાં આવે છે.
સ્વાસ્થ્યકર્મીઓની હાજરીના પગલે પ્રસવ દરમિયાન સામે આવતી જટિલતાનું સમાધાન લાવી શકાય છે અને સાથે જ નવજાતમાં બીમારીઓના લક્ષણ જલદી ઓળખી શકાય છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં અધિક સચિવ મનોજ ઝાલાણી જણાવે છે, "ભારતે આ એક મામલે સારો એવો વિકાસ પ્રાપ્ત કર્યો છે. છેલ્લાં 12 વર્ષોમાં ઇન્સ્ટિટ્યૂશનલ બર્થનો દર બે ગણો વધી ગયો છે."
સમગ્ર દેશમાં આ પરિવર્તન છતાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS) 2015-16 જણાવે છે કે બિહાર (63.8%) હજુ પણ સૌથી ખરાબ રાજ્યોમાંથી એક છે.
કેરળ (99.9%) અને તામિલનાડુ (99%)માં લગભગ દરેક બાળક કોઈ સંસ્થાગત સ્વાસ્થ્ય સુવિધામાં જન્મ્યું છે.
મનોજ ઝાલાણી માને છે કે કેટલાક ભાગમાં હજુ પણ કેટલીક અનિચ્છા દેખાય છે.
પણ સાથે એવું પણ કહે છે, "હવે અમે બાળકોના જન્મ સાથે જોડાયેલી બધી સુવિધાઓને ઉત્તમ બનાવવા માગીએ છીએ. લક્ષ્ય યોજનાના માધ્યમથી અમે પ્રસવને માતા અને બાળક માટે એક ખુશીની ક્ષણ બનાવવા માગીએ છીએ."
કઈ બીમારીઓ જીવલેણ છે?
યુનિસેફના રિપોર્ટ પ્રમાણે જો બાળકના જન્મ બાદ તે એક મહિના સુધી જીવે છે, તો પાંચ વર્ષની ઉંમર સુધી પહોંચતા પહેલાં ન્યુમોનિયા અને ડાયરિયાથી તેને સૌથી વધારે ખતરો રહે છે.
ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ન્યુમોનિયાનાં કારણોમાં કુપોષણ, જન્મસમયે ઓછું વજન, સ્તનપાનને જલદી રોકી દેવું, રસીકરણ ન થવું, પ્રદૂષણ અને ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં રહેવું છે.
વર્ષ 2017માં ભારત સરકારે એવી જાહેરાત કરી કે નાનાં બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે એક નવી રસી લાવવામાં આવી રહી છે.
આ રસીકરણ અભિયાનને વધારે વ્યાપક બનાવવા માટે લાવવામાં આવેલા મિશન 'ઇન્દ્રધનુષ'નો ભાગ છે.
તેની અસર તો આગામી દિવસોમાં જ જોવા મળશે. પરંતુ હાલ તો દેશના અલગઅલગ વિસ્તારોમાં રસીકરણની સફળતા અલગ રહી છે.
NFHS 2015-16ના પ્રમાણે અરુણાચલ પ્રદેશ (38.2%), આસામ (47.1%), પંજાબ (98.1%) અને કેરળ (82.1%)થી ઘણી ઓછી છે.
બીજી જીવલેણ બીમારી ડાયરિયાને રોકવા માટે રસી સિવાય સફાઈની સુવિધા ખૂબ જરૂરી છે.
NFHS 2015-16ના પ્રમાણે ઝારખંડ (24%), બિહાર (25%), ઓડિશા (29%) અને મધ્ય પ્રદેશ (33%) જેવા ઓછી સફાઈ સુવિધાવાળાં રાજ્યોમાં જ ડાયરિયામાંથી મૃત્યુ પામતા પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની સંખ્યા વધારે છે.
સારી સફાઈ સુવિધાઓનો મતલબ છે- એવું ઘર જેની પાસે પોતાનું શૌચાલય હોય, જે કોઈ ગટર કે ઊંડા ખાડા સાથે જોડાયેલું હોય અથવા તો બીજા કોઈના ઘરની સાથે મળીને ઉપયોગ ન થતો હોય.
છેલ્લાં પાચ વર્ષમાં સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માધ્યમથી ઘરોમાં શૌચાલય બનાવવા પર ખૂબ ભાર આપ્યો છે.
સરકારનો દાવો છે કે નવ કરોડ શૌચાલય બનાવ્યાં બાદ હવે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો ખુલ્લી જગ્યાએ શૌચક્રિયા માટે જતા નથી.
પ્રોફેસર માવલંકરના જણાવ્યા અનુસાર શૌચાલયો સિવાય સ્વાસ્થ્ય સંબંધિત જાગરૂકતા પર કામ કરવાની જરૂર છે.
તેઓ કહે છે, "પીવાના સ્વચ્છ પાણી સુધીની પહોંચ અને જાણકારી, શરીરમાં જરૂરી પોષકતત્ત્વો માટે ઓઆરએસના મિશ્રણનો ઉપયોગ, ભોજનને સ્વચ્છ રાખવા માટે માખીઓથી બચાવવું વગેરે અંગે જાગૃતિ લાવવી જરૂરી છે."
દક્ષિણનાં રાજ્યો રાજ્ય સ્વાસ્થ્ય સંબંધિત સંસ્થાઓ, રસીકરણ અને સફાઈની સુવિધાઓમાં પ્રથમ સ્થાને છે. સાથે જ અહીં શિક્ષણ અને મહિલા સશક્તીકરણનું સ્તર પણ ઊંચું છે.
આ બધા માપદંડ બાળકોને ઓછી ઉંમરમાં મૃત્યુ થવાથી બચાવે છે અને વધેલા મૃત્યુદરનો સામનો કરી રહેલા ઈએજી રાજ્યો માટે માર્ગદર્શક બની શકે છે.
(રિસર્ચ અને ગ્રાફિક્સ - શાદાબ નાઝ્મી, પુનીત કુમાર)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો