રાહુલ ગાંધીની કૅરિયરનું ટર્નિંગ પૉઇન્ટ અને ગુરુવિરામ એટલે ગુજરાત

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં રાજીનામું આપી દીધું છે, હું કૉંગ્રેસનો અધ્યક્ષ નથી રહ્યો.' યોગાનુયોગ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ રાહુલ ગાંધીએ ખુદને નેતા તરીકે પુરવાર કર્યા હતા.

ગુજરાતમાં તેમણે 'સૉફ્ટ હિંદુત્વ'નો પ્રથમ વખત પ્રયોગ કર્યો, જેણે હિંદી બૅલ્ટનાં ત્રણ રાજ્યોમાં વિજય અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

જોકે, લગભગ દોઢ વર્ષના ગાળા બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો પરાજય થયો હતો અને ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

રાહુલ ગાંધીને મનાવી લેવા માટે નેતાઓ અને કાર્યકરોએ ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ રાજીનામું આપવાના નિર્ણય ઉપર અફર રહ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'દેશના લોહીમાં કૉંગ્રેસનાં મૂલ્યો અને આદર્શ ધબકે છે, તેના અધ્યક્ષપદે સેવા કરવાની તક મળી, તે મારા માટે ગર્વની વાત છે. હું દેશ તથા સંગઠનનો ઋણી છું.'

આ સાથે જ કૉંગ્રેસના આગામી અધ્યક્ષની શક્યતા અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં સાબિત કરી પ્રતિષ્ઠા

રાજકીય વિશ્લેષક અજય નાયકના કહેવા પ્રમાણે, "વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે મંદિરોની મુલાકાત લીધી અને 'સૉફ્ટ હિંદુત્વ' અપનાવ્યું, જેનો તેમને લાભ થયો."

ગુજરાતમાં રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે સીધી બાથ ભીડી હતી અને બહુમતથી હાથવેંતનું છેટું રહ્યું હતું.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "ગુજરાતની વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધી કૉંગ્રેસના ઉપાધ્યક્ષ હતા અને પરિણામ પૂર્વે અધ્યક્ષ તરીકે ઉન્નતિ પામ્યા હતા."

"ગુજરાતની ચૂંટણીએ તેમની કૅરિયર માટે ટર્નિંગ પૉઇન્ટ બની રહી હતી. એ પહેલાં રાહુલે જે કોઈ ચૂંટણીનું નેતૃત્વ લીધું, તેમાં કૉંગ્રેસનો પરાજય થયો હતો."

"ગુજરાતની ચૂંટણી દરમિયાન રાહુલે અનેક મંદિરોની મુલાકાત લીધી અને તેમને 'સૉફ્ટ હિંદુત્વ'ની ચાવી મળી, જેની મદદથી હિંદી બૅલ્ટની અન્ય વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને સફળતા મળી."

તા. 9 અને 14 ડિસેમ્બર 2017ના દિવસે બે તબક્કામાં 14મી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ તા. 18મી ડિસેમ્બરે આવ્યું હતું.

ચૂંટણી સમયે રાહુલ ગાંધી કૉંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા હતા, તેમણે તા. 16મી ડિસેમ્બરે કૉંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

ગુજરાત, કૉંગ્રેસની પ્રયોગશાળા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ 'સૉફ્ટ હિંદુત્વ'ની નીતિ અપનાવી હતી. તેમણે મંદિરોમાં દર્શન કર્યાં અને રોડ શૉ પણ કર્યા.

આચાર્ય માને છે કે ગુજરાતની ચૂંટણી દરમિયાન રાહુલે પ્રચાર પદ્ધતિ અને પૉલિસીમાં ફેરફાર કર્યો, જેણે રાહુલની પ્રતિષ્ઠા અને પ્રતિભામાં વધારો કર્યો.

રાહુલે 'સૉફ્ટ હિંદુત્વ'ના આ મૉડલનું અનુસરણ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કર્યું, જેમાં પાર્ટીને સફળતા પણ મળી અને ત્રણેય રાજ્યોમાં પાર્ટી સત્તા ઉપર આવી.

ઉપરોક્ત રાજ્યોમાં રાહુલે મંદિરોની મુલાકાતો લીધી અને કૉંગ્રેસની 'લઘુમતી તરફી અને હિંદુ વિરોધી' છાપને ભૂંસવાનો પ્રયાસ કર્યો.

નાયક માને છે કે એક વિધાનસભાની ચૂંટણીના પરિણામને આધારે રાષ્ટ્રીય નેતાના ઉદય અને અસ્તનું મૂલ્યાંકન ન થવું જોઈએ.

હાર કોની? કૉંગ્રેસની કે રાહુલની?

આચાર્યના કહેવા પ્રમાણે, "વિધાનસભાની ચૂંટણીને લોકસભાની ચૂંટણી સાથે સરખાવવામાં આવે તો કમ સે કમ 7થી 9 બેઠક ઉપર કૉંગ્રેસનો વિજય શક્ય જણાતો હતો,પરંતુ તમામ 26 બેઠક ઉપર કૉંગ્રેસનો પરાજય થયો."

"અશોક ગહેલોતને કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલે છે, પરંતુ રાજસ્થાનના મુખ્ય મંત્રી હોવા છતાં તેઓ જોધપુરની બેઠક ઉપરથી તેમના પુત્ર વૈભવને જીતાડી શક્યા ન હતા."

"ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલાં જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજસ્થાનમાં કૉંગ્રેસનો વિજય થયો હતો અને ગહેલોતના નેતૃત્વમાં સરકાર બની હતી."

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી કૉંગ્રેસને 79 બેઠક મળી હતી, 151 બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરનારો ભાજપ ત્રણ આંકડે પણ નહોતો પહોંચી શક્યો અને 99 ઉપર અટકી ગયો હતો. આ છેલ્લા અઢી દાયકાનું કૉંગ્રેસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

નાયક માને છે કે રાહુલ ગાંધીએ કૉંગ્રેસની નિષ્ફળતાને કારણે રાજીનામું આપ્યું અને પાછું નહીં ખેંચવામાં મક્કમ પણ રહ્યા.

તેમના મતે, "જ્યારે પાર્ટી વિપક્ષમાં હોય ત્યારે તેણે રસ્તા ઉપર ઊતરવાનું હોય અને સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવવાની હોય છે."

"આજે પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે અને સંઘર્ષ કરી શકે તેવા નેતા પાર્ટીમાં નથી. ઉપરાંત કૉંગ્રેસના કાર્યકરોમાં પણ ઉત્સાહનો અભાવ જણાય છે."

હવે શું? હવે કોણ?

રાહુલ ગાંધીના રાજીનામા બાદ અધ્યક્ષપદે કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

લગભગ ત્રણ દાયકાથી ભારતના રાજકારણ ઉપર નજર રાખતા આચાર્ય માને છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા કે સચીન પાઇલટ જેવા યુવા નેતાઓને અધ્યક્ષ બનવાની તક આપવી જોઈએ. સાથે જ ઉમેરે છે કે ગાંધી-નહેરુ પરિવાર વિના કૉંગ્રેસની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને નવા અધ્યક્ષ સામે અનેક પડકારો હશે.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી અધ્યક્ષ અંગે નિર્ણય થશે."

કેટલાક વિશ્લેષકો રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકાને પણ અધ્યક્ષપદની દોડમાં જુએ છે.

રાહુલ ગાંધીનાં માતા સોનિયા 1998થી 2017 સુધી પાર્ટીના અધ્યક્ષપદે રહ્યાં. જે લગભગ સવાસો વર્ષ જૂની પાર્ટીમાં એક રેકૉર્ડ છે.

શુક્રવારે ફરી એક વખત ગુજરાતમાં કૉંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર હશે, અહીં રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાશે.

ધારાસભ્યોને તોડવાના પ્રયત્ન ન થઈ શકે તે માટે તેમને કૉંગ્રેસ શાસિત રાજસ્થાનના આબુ મોકલવામાં આવ્યા છે અને મતદાન સમયે પરત ફરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો