You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs BAN : જ્યારે ભારતે બાંગ્લાદેશ સામેની 2007ની હારનો બદલો લીધો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી દીધો છે ત્યારે અન્ય પણ એક મૅચ યાદ આવે છે....
એક એવી મૅચ જેમાં ભારતને વર્લ્ડ કપમાં બહાર નીકળવાનો રસ્તો બાંગ્લાદેશે દેખાડ્યો હતો.
આ વાત વર્ષ 2007ના વર્લ્ડ કપની છે, 17 માર્ચના રોજ ઓવલના ક્વીન્સ પાર્ક ખાતે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૅચ રમાઈ રહી હતી.
રાહુલ દ્રવિડની કપ્તાનીમાં ભારતીય ટીમ મેદાનમાં ઊતરી હતી, ટૉસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
ભારત પાસે સચીન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ જેવા બૅટ્સમૅન ટીમમાં સામેલ હતા.
આ વર્ષે જ મહેન્દ્રસિંહ ધોનીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભારતના મોટા ભાગના બૅટ્સમૅન બે આંકડાનો સ્કોર ઊભો કરે એ પહેલાં જ આઉટ થઈ ગયા હતા.
ધુરંધર સહેવાગ, સચીન નિષ્ફળ ગયા
ત્રીજી ઓવરના પ્રથમ બૉલ પર ભારતના ઓપનર બૅટ્સમૅન વીરેન્દ્ર સહેવાગ માત્ર બે રન બનાવીને મશરફે મોર્તઝાના બૉલ પર બૉલ્ડ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સહેવાગ આઉટ થયા ત્યારે ભારતીય ટીમનો સ્કોર છ રન પર હતો.
મૅચની સાતમી ઓવરમાં રોબિન ઉથપ્પા 17 બૉલમાં નવ રન કરીને આઉટ થઈ ગયા હતા, એ વખતે ભારતીય ટીમનો સ્કોર 21 રન હતો.
સચીન તેંડુલકર અને સૌરવ ગાંગુલી 14 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહ્યા પણ વધુ રન કરી ન શક્યા.
સચીન તેંડુલકર 15મી ઓવરમાં 26 બૉલમાં માત્ર સાત રન કરીને આઉટ થઈ ગયા.
ત્રણ બૅટ્સમૅનને શૂન્યમાં પેવેલિયન ભેગા કર્યા
આ મૅચમાં એકમાત્ર મોટી પાર્ટનરશિપ સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ વચ્ચે ઊભી થઈ, બન્નેએ 85 રનની પાર્ટનરશિપ કરી હતી.
સૌરવ ગાંગુલીએ 129 બૉલમાં 66 રન કર્યા અને યુવરાજ સિંહે 58 બૉલમાં 47 રન કર્યા.
મહેન્દ્રસિંહ ધોની, અજીત અગરકર અને હરભજન સિંહ શૂન્ય પર આઉટ થઈ ગયા.
સ્કોરબોર્ડ પર ભારતીય ટીમના 191 રન થયા ત્યાં સુધીમાં તો ટીમ ઓલઆઉટ થઈ ગઈ.
આ મૅચમાં મુનાફ પટેલ અને ઝહીર ખાને 15-15 રન ફટકાર્યા હતા. એટલે કે આ બંને બૉલરોએ ભારતના ખ્યાતનામ બૅટ્સમૅનો કરતાં વધારે રન કર્યા હતા.
મુર્તઝાની ચાર વિકેટ
મોર્તઝાએ એ મૅચમાં શ્રેષ્ઠ બૉલિંગ પ્રદર્શન કર્યું હતું, તેમણે 9.3 ઓવરમાં 38 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
અબ્દુર રઝાક અને મોહમ્મદ રફીકને પણ ત્રણ-ત્રણ વિકેટ લેવામાં સફળતા મળી હતી.
તેંડુલકર, યુવરાજ સિંહ અને હરભજન સિંહની વિકેટ લેવામાં અબ્દુર રઝાક સફળ થયા હતા.
ચાર વિકેટ લેનાર મોર્તઝા આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
બાંગ્લાદેશની ઝડપી શરૂઆત
ભારતે બાંગ્લાદેશને 192 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને પાર કરવા માટે બાંગ્લાદેશના બૅટ્સમૅનો મેદાનમાં ઊતર્યા.
બાંગ્લાદેશે ભારતની તુલનામાં ઝડપી શરૂઆત કરી હતી, પાંચમી ઓવરના બીજા બૉલમાં શાહરિયાર નફીસ ઝહીર ખાનના બૉલ પર એલબીડબ્લ્યૂ આઉટ થયા હતા.
પહેલી વિકેટ ગુમાવી એ વખતે સ્કોરબોર્ડ પર બાંગ્લાદેશના 24 રન હતા.
બાંગ્લાદેશના તમીમ ઇકબાલ, મુશફિકુર રહિમ અને શાકિબ અલ હસને ફટકારેલી અર્ધસદીના કારણે બાંગ્લાદેશનો જીતનો રસ્તો સરળ થઈ ગયો હતો.
સહેવાગ અને મુનાફ પટેલ બે-બે વિકેટ લેવામાં સફળ થયા હતા પરંતુ બૉલરો પણ ભારતને જીત અપાવી શક્યા નહીં અને ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો.
વર્લ્ડ કપ બહારનો રસ્તો
બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતનો પરાજય થયો હતો, એ પછી શ્રીલંકા સામેની મૅચમાં પણ ભારતની હાર થઈ હતી.
બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની હાર બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર નીકળી ગઈ હતી.
2007ના આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર 8માં સ્થાન મેળવી શકી નહોતી, જ્યારે આયર્લૅન્ડની ટીમ સુપર 8ની યાદીમાં આઠમાં ક્રમે હતી.
ભારતીય ટીમ 2007ના વર્લ્ડ કપમાં ત્રણ મૅચ રમી હતી, જેમાંથી એકમાત્ર મૅચ જીતી શકી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો