મહેન્દ્રસિંહ ધોની છે એટલે વિશ્વકપમાં વિજય મુમકિન

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, ખેલ પત્રકાર

વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં મહેન્દ્રસિંહ ધોનીએ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગની મદદથી ભારત સાત વિકેટે 268 રનનો સન્માનજનક જુમલો ખડકવામાં સફળ રહ્યું હતું.

આ પીચ ઉપર બેટિંગ કરવી સરળ ન હતી, તે અન્ય કોઈ સ્કોર કરતાં ઓછો સ્કોર ન હતો છતાં ભારતને વેસ્ટ ઇન્ડીઝને 125 રને વિજય મળ્યો.

આમ છતાં મૅચ બાદ મીડિયા તથા સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ધોનીએ ખૂબ જ ધીમી ઇનિંગ રમી અને તેમણે ધૂંઆધાર બૅટિંગ કરવાની જરૂર હતી.

ધોનીની ઇનિંગ ધીમી હતી?

એક તથ્ય ઉપર નજર કરીએ તો માલૂમ પડશે કે ધોનીની ઇનિંગ ધીમી હતી કે ધૂંઆધાર.

ધોનીએ 91ની સ્ટ્રાઇક રેટ સાથે 56 રન બનાવ્યા. માત્ર હાર્દિક પંડ્યાનો જ સ્ટ્રાઇક રેટ (121) તેમના કરતાં વધુ હતો.

વિરાટ કોહલીએ 87ની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા. ધોનીને બાદ કરતાં સમગ્ર ટીમનો સ્ટ્રાઇક રેટ 87નો રહ્યો હતો.

ધોનીએ છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને સ્કોર 268 સુધી પહોંચાડ્યો હતો.

કૅપ્ટન વિરાટ કોહલીએ પણ મૅચ બાદ સ્વીકાર્યું હતું કે તેમને લાગતું હતું કે ટીમનો સ્કોર 250ની આજુબાજુ રહેશે, પરંતુ જે રીતે ધોનીએ સ્ટ્રાઇક તેમની પાસે જ રાખી અને છેલ્લી ઓવરમાં છગ્ગા માર્યા, તેના કારણે ટીમનો સ્કોર 270ની નજીક પહોંચી ગયો.

કોહલીએ કરી 'માહી'ની તારીફ

મૅચ પછી મહેન્દ્રસિંહ ધોનીની મુક્તકંઠે તારીફ કરીને વિરાટ કોહલીએ તેમની ટીકા કરનારાઓને ખોટા સાબિત કરી દીધા.

કોહલીએ કહ્યું કે 10માંથી આઠ વખત ધોની પોતાની બેટિંગના સથવારે મૅચને સમાપ્ત કરે છે, જેને જબરદસ્ત રેકર્ડ ગણી શકાય.

કોહલીના કહેવા પ્રમાણે 15-20 ઍકસ્ટ્રા રનની જરૂર હોય અને લોઅર ઑર્ડર સામે હોય તો પણ ધોનીએ કામ સુપેરે પાર પાડી જાણે છે.

કોહલીના કહેવા પ્રમાણે, ધોની લિજન્ડ છે, જે પીચને જોઈને ક્યારે અને કઈ રીતે બેટિંગ કરવી તે જાણે છે.

મિડલ ઑર્ડર અને મુશ્કેલી

વિશ્વ કપ રમવા પહોંચેલી ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ તેની મિડલ ઑર્ડર બેટિંગ છે.

ચોથા ક્રમે કોણ રમશે તે સવાલ ચાર વર્ષથી ટીમ ઇંડિયાની કનડગત કરી રહ્યો છે, છતાંય હજુ તેનો જવાબ નથી મળ્યો.

હાલમાં વિજય શંકર મહત્ત્વપૂર્ણ એવા ચોથા ક્રમાંક ઉપર રમે છે. ટીમમાં શંકરનો અનુભવ સૌથી ઓછો છે અને તેમને બેટિંગની ભૂમિકા મળેલી છે.

બીજી બાજુ, ઈજાગ્રસ્ત કેદાર જાધવનું ટીમમાં પુનરાગમન થયું છે, જો તેમની બૉલિંગને અવગણવામાં આવે તો કદાચ દર વખતે તેઓ ટીમમાં પસંદ ન પણ થાય.

ઇનિંગ્ઝની જરૂરિયાના આધારે હાર્દિક પંડ્યા ચારથી સાત નંબરની વચ્ચે બેટિંગ કરવા માટે ઊતરે છે. તેઓ તાબડતોબ બેટિંગ કરી શકે છે.

જોકે, ટીમમાં તેમનો સમાવેશ બૅટ્સમૅન તરીકે નહીં, પરંતુ ઑલરાઉન્ડર તરીકે કરવામાં આવે છે.

હાલમાં ભારતીય ટીમ વતી મિડલ ઑર્ડરમાં ઊતરતા તમામ ખેલાડીઓ પ્રતિભાવાન તો છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે ખુદને સાબિત નથી કરી શક્યા.

આ પ્રકારના ઓછા અનુભવી મિડલ ઑર્ડર બલ્લેબાજોની સાથે મેદાનમાં ઊતરે ત્યારે સ્વાભાવિક રીતે જ ધોનીની જવાબદારી અનેકગણી વધી જાય છે.

કૅપ્ટન વિરાટ કોહલી આઉટ થાય એટલે જે ધોની ઉપર જ સૌથી વધુ આશા રહે છે.

ધોની ક્રીઝ ઉપર રહે, લાંબી ઇનિંગ રમે અને ટીમને વિજય તરફ દોરી જાય તેવી આશા તેમની પાસેથી રાખવામાં આવે છે.

સ્થિતિ જોઈને પોતાને ઢાળવામાં ધોની માહેર છે. આ કામ ધોની જેટલું જાણે છે, તેટલું કદાચ જ અન્ય કોઈ બૅટસમૅન જાણે છે.

જો ગત બે ઇનિંગ દરમિયાન ધોનીએ આક્રમક્તા દર્શાવવામાં સમય લીધો હોય તો તેની પાછળ ટીમનું હિત જ સમાયેલું હતું.

ટીમમાં ધોની

માત્ર બેટિંગ માટે જ નહીં, પરંતુ માર્ગદર્શન માટે પણ ટીમને તેમની જરૂર છે.

કૅપ્ટન બાઉન્ડ્રી લાઇન પાસે રહીને ફિલ્ડિંગ કરે, એવું કેટલી વાર જોવા મળે? પરંતુ ભારતીય ટીમમાં લગભગ દરવખતે આ બાબત જોવા મળે છે, કારણ કે કોહલી જાણે છે કે ધોની વિકેટ પાછળથી સતતપણે બૉલર્સ સાથે વાતચીત કરતા રહે છે અને જરૂર પડ્યે ફિલ્ડિંગમાં પણ ફેરફાર કરવાની સૂચના આપે છે.

સ્પિનર્સ યુજવેન્દ્ર ચહલ તથા કુલદીપ યાદવની સફળતામાં ધોનીના પ્રદાનને નકારી ન શકાય.

ધોની ગેમ તથા બૅટ્સમૅનને માપી લેવાની કળા જાણે છે. બલ્લેબાજ શું કરવા માગે છે, તે તેઓ પારખી લે છે અને તેના આધારે બૉલર્સને સલાહ આપે છે, જેનો તેમને લાભ મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો