પાકિસ્તાનીઓ કેમ કહી રહ્યા છે, 'ઇન્શાઅલ્લાહ, ઇંડિયા જીતે' - સોશિયલ

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લગભગ 35 મૅચ પછી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને હજુ સુધી કઈ-કઈ ટીમો સેમિફાઇનલમાં પહોંચશે તે અંગે ખાસ સ્પષ્ટતા નથી.

ગુરુવારે ભારતે વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો, હવે રવિવારે ભારતની ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે મેદાનમાં ઊતરશે.

બીજી બાજુ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ સામે વિજય બાદ સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાઓ ફરી જીવંત થઈ ગઈ છે.

જોકે, સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાનો મદાર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચના પરિણામ ઉપર આધાર રાખશે.

આ મૅચ રવિવારે બર્મિગહામ ખાતે રમાશે. જો ભારત દ્વારા યજમાનને પરાજય આપવામાં આવે તો પાકિસ્તાનની સંભાવનાઓ પ્રબળ બનશે.

મૅચના રોમાંચને જોતા ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન નાસિર હુસૈને હળવાશભર્યા સૂરમાં ટ્વિટર ઉપર લખ્યું:

"પાકિસ્તાની ફેન્સને એક સવાલ પૂછવો છે. રવિવારે યોજાનારી મૅચમાં તમે કોને સપોર્ટ કરશો? ઇંગ્લૅન્ડ કે ઇંડિયા."

નાસિરના સવાલ ઉપર ધડાધડ પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના જવાબ આવવા લાગ્યા હતા. તેમના જવાબની અપેક્ષા કદાચ જ કોઈકે કરી હશે.

કોઈ પાકિસ્તાની ફેન્સે 'જયહિંદ' તથા 'વંદે માતરમ્' દ્વારા જવાબ આપ્યો હતો.

અહમ સલીમ નામના યૂઝરે લખ્યું, "અમે પાડોશીઓને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, એટલે અમે ચોક્કસથી ભારતને સપોર્ટ કરીશું."

Jatti Says એકાઉન્ટધારકે ટ્વીટ કર્યું, "ઇંગ્લૅન્ડ સામે ભારત અને પાકિસ્તાન એક છે."

Siasat.pk એ તેમના વેરિફાઇડ ટ્વિટર હૅન્ડલ ઉપરથી ટ્વીટ કર્યું, 'અમે ઇંગ્લૅન્ડના પરાજયને સપોર્ટ કરીએ છીએ.'

મતલબ સ્પષ્ટ હતો કે તેઓ ભારતનો વિજય ઇચ્છે છે.

રાણા શાજિબ નામના યૂઝરે લખ્યું કે તેઓ બે કારણસર ભારતનું સમર્થન કરશે - એક તો એ કે ભારત અને પાકિસ્તાન પાડોશી રાષ્ટ્ર છે, બીજું એ કે ભારતીયોમાં ક્રિકેટ માટે ઝનૂન છે.

ઝાકી ઝૈદી નામના પાકિસ્તાની ફેને અલગ જ અંદાજમાં ટ્વિટર પર જવાબ આપ્યો.

તેમણે એક તસવીર ટ્વીટ કરી, જેમાં એક યુવકે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટનના નામ ઉપરથી 'કોહલી' નામની ટીશર્ટ પહેરી છે, સાથે જ લખ્યું, 'એમાં તે વળી શું પૂછવાનું હોય?'

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના આ રિએકશનથી ખુશ જણાયા.

બંને દેશના ફેન્સ વચ્ચેની સૌહાર્દ તથા મૈત્રીપૂર્ણ વાતો વાંચીને એક ટ્વિટરાઇટે લખ્યું, "કાશ, નેતાઓ આ વાત વાંચે."

ભારતીય ફેન્સે તેમની ખુશી વ્યક્ત કરી હતી અને પાકિસ્તાની ક્રિકેટ ફેન્સનો આભાર માન્યો હતો.

જોકે, કેટલાક પાકિસ્તાની ફેન્સ અલગ અભિપ્રાય પણ ધરાવતા હતા. નાઝિયા આફ્રિદી નામના ટ્વિટર યૂઝરે લખ્યું :

"હું ઇચ્છું છું કે ઇંગ્લૅન્ડ જીતી જાય. સેમિફાઇનલમાં ફરી એક વખત પાકિસ્તાનને હરાવીને ત્યાંની જનતાને હાર્ટઍટેક થોડો અપવાય."

આ જવાબો બાદ નાસિરે વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યું, "મેં મજાકના મૂડમાં આ પ્રકારનું ટ્વીટ કર્યું હતું, મને હતું કે અડધોઅડધ લોકો નારાજગીસભર જવાબો આપશે."

"તેના બદલે પ્રતિક્રિયા સ્વરૂપે પ્રેમસભર હાજર જવાબીનો પરચો થયો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો