You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદમાં પરિણીતા સાથે સંબંધ રાખવા બદલ યુવકને નગ્ન કરીને માર મરાયો
- લેેખક, દક્ષેશ શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દાહોદ દિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ બાંધવાને કારણે એક યુવકને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવતી સાથે પણ હિંસા આચરી હતી.
પરિણીત મહિલાના પતિ અને તેના સાગ્રીતોએ યુવકને દોરડેથી બાંધીને માર માર્યો હતો, જેના વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયાં હતાં, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મુખ્ય આરોપી નિલેશભાઈ મછાર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરીને તેની સામે 'સખતમાં સખત' કાર્યવાહી કરવાની વાત કહી છે.
પ્રેમ, પલાયન અને પતિ
મળતી માહિતી પ્રમાણે, હડમત ગામે રહેતા યુવતી અને ઝાલોદ તાલુકાના મુનખોસલા ખાતે રહેતા યુવક વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
યુવતી અને યુવક વચ્ચે લગભગ એક વર્ષથી પ્રેમપ્રસંગ ચાલી રહ્યો હતો, બંને પરિણીત હોય તેમણે નાસી જવાનું નક્કી કર્યું હતું.
અંતે તેઓ ચોથી જૂને ઘર છોડી નીકળ્યાં હતાં અને અલગ-અલગ સ્થળે રોકાયા બાદ તેઓ ઈડરમાં હતાં.
આ અંગે માહિતી મળતા તા. 25મી જૂને યુવતીના પતિ નિલેશ તેમના સાથીઓ સાથે આવ્યા હતા અને પીડિતાને ત્યાંથી લઈ ગયા હતા.
બીજા દિવસે આરોપીઓ ફરી એક વખત ઈડર પહોંચ્યા હતા અને મારઝૂડનો ભોગ બનનાર યુવકનું અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ યુવકને કાળિયા ગામ ખાતે ગેરકાયેદસર રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નગ્ન કરી માર માર્યો
આરોપીઓએ બુધવારે સવારે પરિણીત યુવતી તથા યુવકને જાહેરમાં પરેડ કરાવી હતી. બાદમાં યુવકને નગ્ન કરી લાકડી-દંડાથી માર મારવામાં આવ્યો હતો.
આ દરમિયાન યુવકને દોરડાથી બાંધી રાખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમનો વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયાં હતાં.
વાઇરલ વીડિયો મુજબ સેંકડો લોકો હાજર હોવા છતાંય કોઈએ દરમિયાનગીરી કરી ન હતી કે બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.
આ સાથે પરિણીત યુવતી સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી, જેના કારણે બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
વીડિયો વાઇરલ થતાં સુખસર પોલીસે તપાસ હાથ ધરી હતી, જે તેમને કાળિયા ગામ સુધી દોરી ગઈ હતી.
પોલીસે બંનેને છોડાવ્યાં હતાં અને દાહોદ સિવિલ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી હતી.
'કડકમાં કડક કાર્યવાહી'
દાહોદના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ જોઈશરના કહેવા પ્રમાણે, વાઇરલ વીડિયોમાં જોવા મળતા આરોપીઓ સામે 'કડકમાં કડક' કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસે મુખ્ય આરોપી નિલેશ મછાર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીઓની સામે મારઝૂડ, ગેરકાયદેસર રીતે મંડળી રચવી, ગેરકાદયેસર ગોંધી રાખવા સંબંધિત ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પ્રેમીજનોના માનભંગ કરવા તથા સજા આપવા માટે કાયદો હાથમાં લઈને 'ન્યાય તોળવા'ની ઘટના બનતી રહે છે. આ સિવાય ઘણી વખત 'પંચ' દ્વારા આર્થિક દંડ અને બહિષ્કાર જેવી સજા પણ આપવામાં આવે છે.
જોકે, દબાણ હેઠળ આવી ઘટનાઓ પોલીસ સુધી પહોંચતી નથી અથવા તો 'સમાજ'માં જ રહેવાનું હોય સમાધાન થઈ જાય છે.
મોટાભાગે આરોપીઓ તથા પીડિતો આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક દૃષ્ટિએ પછાત હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો